પ્રોડક્શન થવું અને સારું પ્રોડક્શન થવું એ બન્ને વચ્ચે ઘણો જ તફાવત છે

Published: 8th October, 2014 05:30 IST

એ વાત બિલકુલ સાચી છે કે હવે પહેલાં કરતાં વધુ ફિલ્મો બને છે અને પ્લાનિંગ સાથે બને છે.


સ્પેશ્યલ કમેન્ટ - ઓમ પુરી, ઍક્ટર

ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં તો એની રિલીઝ-ડેટ નક્કી થઈ જાય છે અને રિલીઝ પહેલાં પ્રમોશન પણ મન મૂકીને કરવામાં આવે છે. અમુક ફિલ્મોના પ્રમોશનમાં જ એટલા રૂપિયા ખર્ચવામાં આવે છે કે પ્રમોશનના ખર્ચમાંથી નાના બજેટની ફિલ્મ બની જાય. આખું બૉલીવુડ બદલાયું છે એ વાતમાં કોઈ બેમત નથી. બધું હવે હૉલીવુડની સ્ટાઇલમાં થઈ રહ્યું છે અથવા તો એ મુજબ કરવાની કોશિશ કરવામાં આવે છે જે ખરાબ પણ નથી. કૉર્પોરેટ હાઉસ જેવી ફીલ આવે છે. પહેલાં જેવું પણ હવે બનતું નથી. બધું સિસ્ટમૅટિકલી ચાલે છે. જોકે આ જે કોઈ ચેન્જ આવ્યો છે એનાથી ફિલ્મની ક્વૉન્ટિટી વધી છે પણ ક્વૉલિટીનું સ્તર ડાઉન થયું છે.

પ્રોડક્શન સારું અને લૅવિશ છે. લોકેશન અદ્ભુત શોધવામાં આવે છે અને સિનેમૅટોગ્રાફી પણ બહુ જ સરસ હોય છે, પણ એ બધામાં વાર્તા ક્યાંય પાછળ રહી જાય છે. મારે નામ નથી આપવાં, પણ એવી-એવી ફિલ્મો સો કરોડનો બિઝનેસ કરે છે જે જોયા પછી સાચું ન બોલાઈ જાય એ માટે મોઢું સંતાડી છુપાઈને થિયેટરની બહાર નીકળવું પડે. જેન્યુઇનલી એ દૃષ્ટિએ હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો જે માહોલ છે એ બહુ શરમજનક અવસ્થામાંથી પસાર થઈ રહ્યો છે. ડિરેક્ટરો સારા છે અને ડિરેક્ટરોનું કામ પણ બહુ સારું હોય છે, પણ સ્ટોરીના સ્તર પર હવે આપણે બહુ મોટી થાપ ખાઈએ છીએ. જવલ્લે જ એવી કોઈ ફિલ્મ હોય છે જેની સ્ટોરી તમારા હૃદયને સ્પર્શે. પહેલાં અદ્ભુત ફિલ્મો બનતી હતી અને એ ફિલ્મો આજની તારીખે પણ યાદ રહી છે. કોઈ નામ આપવાની જરૂર નથી. એટલા માટે નામ આપવાની જરૂર નથી કે એ ફિલ્મોનાં નામ પણ તમારા બધા રીડરને મોઢે જ હશે. એવી કઈ ફિલ્મ છેલ્લાં પાંચ વર્ષમાં આવી એ યાદ કરવાની કોશિશ કરો. બે-ચાર ફિલ્મોને બાદ કરતાં તમને કોઈ ફિલ્મ એવી લાગશે નહીં એની હું તમને ગૅરન્ટી આપીશ.

વાર્તાનું સત્વ ફિલ્મમાં વધારવું પડશે અને સારી વાર્તાઓ લઈને ફિલ્મો બનાવવી પડશે. બાકી અગાઉ જે હિન્દી ફિલ્મ લોકોના જીવન પર અસર કરતી હતી એવું થતું બંધ થઈ જશે. મારી દૃષ્ટિએ સિનેમા જીવનને એક રાહ આપનારું માધ્યમ છે. એનો ઉપયોગ માત્ર અને માત્ર મનોરંજન માટે કરવાનો સીધો અર્થ એવો છે કે સમાજ પ્રત્યેની જવાબદારીઓમાંથી દૂર થઈ જવું. આવું ન થવું જોઈએ. ફિલ્મોનું પ્રોડક્શન થવું અને સારી ફિલ્મોનું પ્રોડક્શન થવું એ બન્ને અલગ બાબત છે અને આ વાત ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સૌ કોઈએ સમજવી પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK