ઓલ્ડ જનરેશને પૂર્વગ્રહનાં ચશ્માં હવે ઉતારીને ફેંકી દેવાની જરૂર છે

Published: Nov 12, 2014, 05:24 IST

નવી જનરેશનની બે પુત્રવધૂઓ સૃષ્ટિ અને તોરલ પુરવાર કરે છે કે નવી જનરેશન નિખાલસ છે એટલું જ નહીં, એની પાસે અનુભવ ન હોવા છતાં ખૂબીઓનો ખજાનો છે

સોશ્યલ સાયન્સ - રોહિત શાહ


નવી જનરેશન સામે કાગારોળ મચાવતી ઓલ્ડ જનરેશનને દાઝ્યા પર મલમ જેવી લાગે એવી એક મુલાયમ ઘટના તમને કહું, સાંભળો.

સૃષ્ટિનાં લગ્ન સર્જન સાથે થવાનાં હતાં. લગ્નનો દિવસ જેમ-જેમ નજીક આવતો હતો એમ-એમ સર્જનના ઘરે ખૂબ તૈયારીઓ થવા માંડી હતી. સર્જનનાં મમ્મી-પપ્પાએ પોતાનો બેડરૂમ હવે પોતાના એકના એક દીકરા માટે ખાલી કરી નાખ્યો હતો. નવો ડબલ બેડ, નવો વૉર્ડરોબ વગેરે ફર્નિચર બની ગયું હતું. અત્યાર સુધી આ બેડરૂમમાં AC નહોતું, પરંતુ હવે દીકરા અને નવી પુત્રવધૂ માટે એ બેડરૂમમાં AC પણ લગાડવાનું હતું. સર્જનનાં મમ્મી-પપ્પા દરેક પ્રકારની ખરીદીમાં સૃષ્ટિને સાથે લઈ જતાં હતાં જેથી તેની પસંદગી મુજબ બધી વ્યવસ્થા અને નવી ગોઠવણ થઈ શકે. સૃષ્ટિ, સર્જન અને સર્જનનાં મમ્મી-પપ્પા એમ ચારે જણ સાથે જઈને નવું સ્પ્લિટ AC ખરીદી આવ્યાં. બીજા દિવસે ACના ઇન્સ્ટૉલેશન માટે કંપનીના માણસો સર્જનના ઘરે જવાના હતા.

સૃષ્ટિ એ દિવસે સવારથી જ સર્જનના ઘરે પહોંચી ગઈ હતી. બપોરે ACના ઇન્સ્ટૉલેશન માટે માણસો આવ્યા અને સર્જનના પપ્પાએ તેમને બેડરૂમ બતાવ્યો. AC ક્યાં લગાવવું એની સૂચના તેઓ આપતા હતા ત્યાં જ સૃષ્ટિએ કહ્યું:

‘AC આ બેડરૂમમાં નથી લગાડવાનું...’

‘કેમ બેટા? શું થયું?’ સર્જનનાં મમ્મી-પપ્પાએ સાથે જ પૂછ્યું.

‘આ AC તમારા બેડરૂમમાં લગાડવાનું છે...’ સૃષ્ટિના સ્વરમાં છલોછલ મક્કમતા હતી.

‘પણ બેટા, આ AC તો આપણે તમારા બેડરૂમ માટે લાવ્યાં છીએ!’

‘તો શું થયું? હવે એ તમારી રૂમમાં જ લાગશે...’

‘તારે પહેલેથી કહેવું હતુંને બેટા! અમને તો ACની આદત જ નથી. અને હવે અમારે ACની સગવડની શી જરૂર છે? તમારાં નવાં-નવાં લગ્ન થવાનાં છે... તમારા માટે જ તો...’ સર્જનની મમ્મી બોલી.

‘મમ્મીજી, અમારા માટે તમે તમારો બેડરૂમ ભેટ કરી દીધો એટલું ઇનફ છે. અત્યાર સુધી તમે AC વગર આ રૂમમાં સૂતાં હતાં, હવે અમે ત્યાં AC વગર સૂઈ જઈશું... નવા ફર્નિચર સહિત તમે જેટલી સગવડો કરી આપી છે એટલું ઘણું છે... હવે તમારે પણ થોડા વિશેષ આનંદ અને વિશેષ અધિકારો ભોગવવાના છે...’ સૃષ્ટિએ કહ્યું.

‘બેટા, તારે ACની જરૂર નહોતી તો પહેલેથી કહેવું હતુંને! એનો ખોટો ખર્ચ શા માટે કરાવ્યો?’ સર્જનના પપ્પાએ કહ્યું.

‘પપ્પાજી, જો મેં પહેલેથી કહી દીધું હોત તો તમે નવું AC વસાવ્યું જ ન હોત. તમે આટલાં વરસ AC વગર ચલાવ્યું એમ હજી પણ ચલાવી લેત... અને એક બીજી વાત પણ તમને કહેવી છે. ACની ખરીદીમાં જેટલી રકમ ખર્ચાઈ છે એટલી રકમનાં મને દાગીના-કપડાં ઓછાં આપજો!’

‘એવી જરૂર નથી બેટા! એની રકમની વ્યવસ્થા તો થઈ જશે.’

‘પપ્પાજી, હું આ ઘરમાં પગ મૂકું ત્યાર પછી તમને જરાય તકલીફ પડે કે તમારું ટેન્શન વધે તો મને મારું અહીં આવ્યું ફોગટ અને પીડાકારક લાગશે...’  પપ્પાજીના ખભે માથું ઢાળીને સૃષ્ટિ બોલી.

પછીના સંવાદો અહીં લખવાનું ટાળું છું, પણ છેલ્લે એટલું જ જણાવી દઉં કે પેલું AC એ દિવસે સૃષ્ટિની જીદને કારણે અલ્ટિમેટ્લી સર્જનનાં મમ્મી-પપ્પાના નાનકડા બેડરૂમમાં જ લાગ્યું હતું.

સૃષ્ટિ જેવી જ એક બીજી યુવતીની વાત પણ સાંભળવા જેવી છે. તેનું નામ આપણે તોરલ રાખીએ. તોરલનાં લગ્ન વિસ્મય સામે થયાં. હનીમૂન વગેરેના દિવસો ખૂબ આનંદમાં વીતી ગયા. એક વખત સાંજે બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા ત્યારે તોરલે તેની સાસુ સામે જોઈને કહ્યું, ‘મમ્મીજી, અમે બન્ને દર રવિવારે સાંજે બહાર ફરવા નીકળી પડીએ છીએ. તમે બન્ને એકલાં ઘરમાં હો છો. મેં વારંવાર જોયું છે કે તમે એકલાં હોવાથી સાંજે રસોઈ કરતાં નથી. બપોરનું વધેલું ખાઈ લો છો કાં તો પછી પૌંઆ, ખાખરા વગેરે ખાઈને ચલાવી લો છો. ઍમ આઇ રાઇટ?’

‘હા બેટા! હું તારા સસરાને પૂછું છું કે શી રસોઈ બનાવું? પણ તે સામે ચાલીને ના પાડે છે... તેમને ચાલતું હોય તો મારે કેમ ન ચાલે? વળી બપોરે તો પેટ ભરીને જમ્યા જ હોઈએને! એટલે સાંજે...’

‘મમ્મીજી, આ કૉમ્પ્રોમાઇઝ છે.’

‘તું કહેવા શું માગે છે બેટા?’

‘મારે એટલું જ કહેવું છે કે હવેથી દર રવિવારે આપણે ચારેય જણ સાથે જ બહાર ફરવા જઈશું. ફિલ્મ જોવી હોય, ગાર્ડનમાં જવું હોય કે હોટેલમાં જમવા જવું હોય ત્યાં આપણે ચારેય જણ સાથે જ જઈશું...’

‘એવું ન કરાય બેટા? તમારા અત્યારે હરવા-ફરવાના, મોજ માણવાના દિવસો છે. તમે મોજ કરો. અમારી ખોટી ચિંતા કરવાની જરૂર નથી...’ સસરા બોલ્યા.

‘એક વાત કહું પપ્પાજી!’ તોરલે સસરા સામે જોતાં કહ્યું, ‘અહીં આ ઘરમાં આપણે ચાર જણ જ છીએ. અમને ભરપૂર પ્રાઇવસી મળે જ છે. વચ્ચેના ચાલુ દિવસોમાં પણ ક્યારેક અમે વિસ્મયના મિત્રો સાથે પિકનિક પર જઈએ છીએ, પરસ્પરના ઘરે જઈએ છીએ, હરીએ-ફરીએ છીએ. અમારા હરવા-ફરવાના દિવસો પર તમે જરાય નિયંત્રણ મૂક્યું નથી; પણ હવે તમારે એકલા રહેવાના દિવસો પર હું નિયંત્રણ મૂકવાની છું અને આ કંઈ મારી વિનંતી નથી, મારો નિર્ણય છે પપ્પાજી!’તોરલ બોલી.

સૌની આંખોમાં સ્નેહ અને વહાલની ભીનાશ હતી.

એ દિવસ પછી દર રવિવારે ચારે જણ સાથે જ ફરવા જાય છે. ક્યારેક તોરલ-બે-ચાર દિવસ માટે તેના પિયર રહેવા ગયેલી હોય ત્યારે તેનાં સાસુ-સસરા નિસાસો મૂકે છે. તેઓ કહે છે, ‘તોરલની ગેરહાજરીમાં હવે આ ઘરની દીવાલો પણ સૂની-સૂની લાગે છે.’

એ પૉસિબલ છે

નવી જનરેશનની ડિમાન્ડ્સ અને અપેક્ષાઓ હંમેશાં ખોટી જ હોય છે એવું માનનારો એક બહુ મોટો સમૂહ આપણી ઓલ્ડ જનરેશનમાં છે. હા, ક્યાંક એવું હોય છે પણ ખરું. નવી જનરેશન ક્યારેક માત્ર પોતાની જ મોજ-મસ્તીમાં મહાલે છે અને મમ્મી-પપ્પા પણ એને વધારાનાં કે અનએક્સેપ્ટેડ લાગે છે, પણ એની ટકાવારી ખૂબ ઓછી છે. ઓલ્ડ જનરેશન પૂર્વગ્રહો છોડીને નવી જનરેશન સાથે સમજણભર્યો વ્યવહાર કરે તો એને નવી જનરેશનની ખૂબીઓ અને ચોવીસ કૅરૅટની નિખાલસતા જરૂર જોવા મળે એ પૉસિબલ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK