Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઉપરવાળા, શું તારે સ્વર્ગમાં ભારતીય વિદ્યા ભવનની નવી બ્રાન્ચ ખોલવી છે?

ઉપરવાળા, શું તારે સ્વર્ગમાં ભારતીય વિદ્યા ભવનની નવી બ્રાન્ચ ખોલવી છે?

08 October, 2020 02:55 PM IST | Mumbai
Latesh Shah

ઉપરવાળા, શું તારે સ્વર્ગમાં ભારતીય વિદ્યા ભવનની નવી બ્રાન્ચ ખોલવી છે?

કમલેશ મોતા

કમલેશ મોતા


ગયા ગુરુવારનું રીકૅપ...
બધા આંતર કૉલેજ નાટ્ય સ્પર્ધાના માહેર દિગ્દર્શકોને વન ઍક્ટ ડ્રામા કૉમ્પિટિશનમાં કે. સી. કૉલેજમાંથી દિગ્દર્શન આપવા આમંત્રિત કર્યા, પણ કોઈ ફ્રી નહોતા. પગ થાકી ગયા, ચંપલ ઘસાઈ ગયાં, તડકામાં તન ત્રાસીને પસીનાથી તરબતર થઈ ગયું, પણ કોઈએ હા ન પાડી. ખિસ્સામાં કાણી કોડી નહીં એટલે કેસીનું નામ પડતાં જ અમુક ડિરેક્ટરો નજર ફેરવી લેતા, અમુક મોઢું મચકોડી લેતા, અમુક ટૂંકી મારી લેતા. નાટકો અને સ્ટેજ ઇવેન્ટ્સ માટે કેસી કડકી  કૉલેજ તરીકે પ્રખ્યાત હતી. 
હું ખોવાઈ ગયો હતો. લાગ્યું કે આ વર્ષે સ્પર્ધામાં ભાગ લેવા નહીં મળે. લાઇબ્રેરીમાં જઈને પુસ્તક આમતેમ ફેરવતાં ટ્રાન્સમાં જતો રહ્યો. મને ખબર જ નહીં કે હું રૂપલને ટકટકીને જોતો હતો. ઉદાસ હતો એમાં મારી મોટી બહેન જેવી પન્નાએ ફિરકી લીધી. રૂપલ માટેની ટૂંકી મારી. થોડી વારમાં તો લાઇબ્રેરીમાં ગોકીરો મચી ગયો. ફાઇનલી હું ઇરિટેટ થઈને લાઇબ્રેરીમાંથી બહાર નીકળી ગયો. મારી પાછળ મારો મિત્ર મહેન્દ્ર આવ્યો અને અમે કૅન્ટીનમાં ગયા. હું નિરાશ અને હતાશ હતો. મેં કૉલેજમાં ઍડ્મિશન જ નાટમાં કામ કરવા માટે લીધું હતું. પળવાર માટે તો થયું કે કેસી કૉલેજ છોડી દઉં અને નાટક માટે બજેટ આપે એ કૉલેજમાં ઍડ્મિશન લઉં. પૉસિબલ નહોતું. મેં મહેન્દ્રની સામે મૂંઝવણ મૂકી. તેણે કહ્યું, પ્રવીણ સોલંકીને મળીએ. મેં કહ્યું, દર વખતે, વગરપૈસે તેમની પાસે નાટક કરાવવું સારું નહીં લાગે. તે પણ અટવાયો.  
તે લાઇબ્રેરીમાં ગયો અને હું કૅન્ટીનમાં ચા પર ચા પીતો રહ્યો. અચાનક એક ટપોરીએ રમેશને મુક્કો માર્યો. રમેશ નીચે પડ્યો. હું ચોંક્યો. હું કૅન્ટીનમાંથી બેન્ચ પર ઊભો થઈને બારીમાંથી કૂદ્યો, પગ થોડો મચકોડાયો. હું પરવા કર્યા વગર આગળ વધ્યો. ત્રણેય ટપોરીઓ, કૉલેજના સૂકી હુલપટ્ટી આપનારા રખડુ રાસ્કલ્સ હતા. હું પાસે ગયો એટલે આફતાબે મને ધક્કો માર્યો એની સાથે વેદ હતો તેણે મા-બહેનની ગાળ આપતાં મને દૂર રહેવાનું કહ્યું. ત્રીજો ટપોરી કેસીનો નહોતો લાગતો તે ઓળખાયો નહીં. ત્રીજાએ રમેશને બોચીથી ઝાલ્યો હતો. કૅન્ટીનથી દૂર, લાઇબ્રેરીની નજીક ઊભા હતા. મેં બૂમાબૂમ શરૂ કરી. તુમકો શરમ નહીં આતા હૈ બચ્ચોં કો સતાતે હુએ? આફતાબે કહ્યું, અબ્બે ચિલા મત. બાજુ મેં લાઇબ્રેરી હૈ. એમ હું જોરશોરથી ચિલ્લાવા લાગ્યો. લાઇબ્રેરી અને કૅન્ટીનમાંથી વિદ્યાર્થીઓ ડોકાવા લાગ્યા. ત્રિપુટી ટપોરીઓને કન્ફ્યુઝ થતા મેં જોયા એટલે જાણીજોઈને તેમને ભટકાઈને ઍક્ટિંગ કરતો નીચે પડ્યો. જોરશોરથી રડારોળ કરી મૂકી. ચારે તરફથી વિદ્યાર્થીઓ જમા થઈ ગયા. ત્રણે ટપોરીઓને  બધાએ ધક્કે ચડાવી દીધા. ત્રણે જણ ક્યારે છૂ થઈ ગયા એની ખબર જ ન પડી. મારી ઍક્ટિંગ માટે બધા મને અભિનંદન આપવા લાગ્યા. મને થયું કે બધા પાસે આ નાટક કરવા બદલ ઝોળી ફેલાવીને ફન્ડ માગું તો નાટ્યસ્પર્ધા માટેની રકમ આવી જાય તો બિરલા, પાટકર, ભવન્સ ઑડિટોરિયમમાં થતી એકાંકી સ્પર્ધામાં શાંતિથી ભાગ લઈ શકાય. 
આવા ને આવા જ વિચાર ચાલી રહ્યા હતા. આ જ વિચારો છેક આટલા વર્ષે હું ‘મિડ-ડે’ની કૉલમ માટે કાગળ પર ઉતારવા બેઠો હતો. ૧૯૭૨-’૭૩નાં દૃશ્યો સ્મૃતિપટ પર ઘુમરી લઈ રહ્યાં હતાં અને જાણે લાગ્યું કે ભૂતકાળમાં જ જીવી રહ્યો છું... ત્યાં મળ્યા એકદમ શૉકિંગ ન્યુઝ. મગજમાં બૉમ્બ ફૂટ્યો હોય એવો ધડાકો થયો. ટાઇમ-કૅપ્સ્યૂલમાં પ્રકાશવેગી સફર કરીને હું ૧૯૭૨-’૭૩માંથી સીધો ૨૦૨૦માં પછડાયો, વર્તમાનમાં.
ઓહ માય ગૉડ! આ શું થઈ ગયું? ભવન્સ ઑડિટોરિયમના પ્રોગ્રામ-ડિરેક્ટર કમલેશ મોતાના પરમધામ જવાના સમાચાર સાંભળ્યા. વહેલી સવારે ચાર વાગ્યે મેસિવ હાર્ટ-અટૅક સાથે યમરાજા આવ્યા અને કમલેશને સ્વર્ગમાં લઈ ગયા. પેન ત્યાં જ અટકી ગઈ. બ્લૅન્ક થઈ ગઈ. કેવી રીતે રીઍક્શન આપું એની સમજ જ ન પડી. ઉંમર વર્ષ ફક્ત પંચાવન, એક્દમ ઍક્ટિવ એનર્જેટિક એક્સાઇટમેન્ટથી ભરપૂર મલ્ટિ ટાસ્કિંગનો માસ્ટર અને ભવન્સ ઑડિટોરિયમના સંચાલનની કુશળતા જોઈને, સ્વર્ગના સંચાલનની જવાબદારી સોંપી ઉપરવાળાએ કમલેશ મોતાને અને ગુજરાતી રંગભૂમિ પાસેથી ખૂંચવી લીધો. પહેલાં ભવન્સમાંથી ગિરેશ દેસાઈને ઝૂંટવી લીધા, પછી દીપક દવેને બોલાવી લીધો અને હવે કમલેશ મોતાને ઉપાડી લીધો. શું તારે સ્વર્ગમાં ભારતીય વિદ્યા ભવનની બ્રાન્ચિઝ ખોલવી છે?
 સરસ દિગ્દર્શક, રોમૅન્ટિક કલાકાર, ઍક્ટિંગ વર્કશૉપ દ્વારા રંગભૂમિને નવા કલાકારનો ફાલ પીરસનાર પૅશનેટ ટીચર, ભવન્સ ઑડિટોરિયમને હમેશાં નવોઢાની જેમ સજાવીધજાવી રાખનાર રંગભૂમિનો રમતારામ રમતાં-રમતાં રામનામ થઈ ગયો. નાટકો રમવા અને પ્રાયોગિક નાટકોને વ્યાવસાયિક રંગભૂમિ પર સફળ બનાવવાં એ કમલેશની કમાલની હથોટી હતી. સ્વભાવનો તીખો, ગંભીર કમલેશ ભવન્સ ન સ્ટેજ કે થિયેટરને હમેશાં અપટુડેટ રાખતો. તેના
સમયમાં તેણે ભવન્સને નાટકો, નાટ્યસ્પર્ધાઓ, કવિ-સંમેલનો, ગીત-સંગીતની મહેફિલોથી  ધમધમતું રાખ્યું. 
ફ્લૅશબૅકમાં જાઉં તો... લગભગ ત્રીસેક વર્ષ પહેલાં તેની સાથે એક વાત માટે હું તેના પર આકરો થયેલો. એ વાતને તેણે અહમનો મુદ્દો બનાવવાને બદલે બહુ સમજણથી ટેકલ કરી. ઊલટાનું તેને તેની ભૂલ સમજાતાં મારી સામે પુષ્કળ રડ્યો પણ. જોકેત્યાર બાદ તે કમ્પ્લીટ ટ્રાન્સફૉર્મ થઈ ગયો હતો. ગિરેશ દેસાઈ સાથે તેમના દીકરાની જેમ તે અને વિપુલ વિઠલાણી જોડાઈ ગયા હતા. ગિરેશભાઈ ગયા બાદ દીપક દવેએ ભવન્સનું મૅનેજમેન્ટ સંભાળ્યું, તે અમેરિકાના ભવન્સને સંભાળવા ઊપડી ગયો અને ખાલી જગ્યા કમલેશ મોતાએ ભરી હતી. આ ત્રણેયની ભવન્સના સર્વેસર્વા રામકૃષ્ણ સર અને દસ્તૂરજીને સિફારિશ મેં કરી હતી. 
કમલેશ સર્વાંગ સંપૂર્ણ રીતે સાંગોપાંગ પાર ઊતર્યો એની મને ખુશી છે. બીજા મૅનેજરોની જેમ ક્યારેય કોઈ કન્ટ્રોવર્સીમાં આવ્યો
નહોતો. બધા નિર્માતાઓ એનાથી ખુશ
હતા. ઉપરવાળો પણ એનાથી ખુશ રહે એ
જ અભ્યર્થના.

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
ઉપરવાળો, ભગવાન, અલ્લાહ, ગૉડ, પુરુષ, પ્રકૃતિ, આત્મા, પરમાત્મા અને જેમાં માનો એમાં શું સાચું અને શું ખોટું એ તો દરેકનો માંહ્યલો જ જાણે. બધાએ અંતરમાં આર્તનાદ જગાવવાની જરૂર છે. મોજ કરતાં, જલસા કરતાં સુપરપાવર સાથે એક વાત કરવાની જરૂર છે. માણસનો શું વાંકગુનો કે શું ભૂલ કે મન ફાવે ત્યારે જનમ આપો અને મન ફાવે ત્યારે ઉપાડી લો. એવું શું કરીએ કે ધ્યેય પૂરાં થાય ત્યારે જલસાથી ઉપાડી લો.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2020 02:55 PM IST | Mumbai | Latesh Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK