Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નિતનવી બહાનાબાજી ચલાવતા બાબુઓ વીમા લોકપાલના એક પત્રથી સીધાદોર થઈ ગયા

નિતનવી બહાનાબાજી ચલાવતા બાબુઓ વીમા લોકપાલના એક પત્રથી સીધાદોર થઈ ગયા

05 December, 2020 06:25 PM IST | Mumbai
Dheeraj Rambhia

નિતનવી બહાનાબાજી ચલાવતા બાબુઓ વીમા લોકપાલના એક પત્રથી સીધાદોર થઈ ગયા

નિતનવી બહાનાબાજી ચલાવતા બાબુઓ વીમા લોકપાલના એક પત્રથી સીધાદોર થઈ ગયા

નિતનવી બહાનાબાજી ચલાવતા બાબુઓ વીમા લોકપાલના એક પત્રથી સીધાદોર થઈ ગયા


ઘાટકોપર (ઈસ્ટ)માં રહેતા રાજેન્દ્ર શાહને અવનવી બહાનાબાજીથી ૧૯ મહિના સતાવનાર વીમાકંપનીના બાબુઓ વીમા લોકપાલ કાર્યાલયના ‘હાજીર હો’ની છડી પુકારતા પત્રથી નરમઘેંશ થઈ ગયાની આ રસદાયક કથા છે.
૨૦૧૮ની ૨૦ જૂને ટોટલ હિપ રિપ્લેસમેન્ટની શસ્ત્રક્રિયા માટે રાજેન્દ્રભાઈ મુલુંડ (વેસ્ટ)સ્થિત ફોર્ટીસ હૉસ્પિટલમાં દાખલ થયા અને ૨૦૧૮ની ૨૬ જૂને ઘરે જવાની રજા આપવામાં આવી. તેઓ મૅક્સ બુપા હેલ્થ ઇન્શ્યૉન્સ કંપની લિમિટેડની ફૅમિલી ફર્સ્ટ સિલ્વર પ્લાનની ૨૧,૫૦,૦૦૦ રૂપિયાની ૨૦૧૮ની ૨૭ માર્ચથી ૨૦૧૯ની ૨૬ માર્ચ સુધીની પૉલિસી ધરાવતા હતા. વીમાકંપનીએ ૨૦૧૮ની ૨૦ જૂનના પત્ર દ્વારા ફોર્ટીસ હૉસ્પિટલને જણાવ્યું કે રાજેન્દ્રભાઈના ઑપરેશન માટે ૩,૦૭,૯૦૦ રૂપિયાની રકમનું પ્રીઑથોરાઇઝેશન મંજૂર કરવામાં આવ્યું છે. ‘અભી બોલા, અભી ફોક’ ની જેમ ૨૦૧૮ની ૨૬ જૂનના પત્ર દ્વારા વીમાકંપનીએ હૉસ્પિટલને જણાવ્યું કે દરદીની પ્રતિકૂળ વૈદ્યકીય સ્થિતિ હોવાના કારણે આવનાર જવાબદારી આ તબક્કે નક્કી કરી શકાય એમ ન હોવાથી કૅશલેસ સગવડ આપતાં પહેલાં ખરાઈ ચકાસવી જરૂરી છે. અત: કૅશલેસ મંજૂરી પાછી ખેંચી લેવામાં આવે છે.
અત: ૨૦૧૮ના ૧૫ સપ્ટેમ્બરના પત્ર દ્વારા વીમાકંપનીએ રાજેન્દ્રભાઈ પાસેથી નીચેની વિગતે માહિતી મગાવી :
૧) છેલ્લાં ચાર વર્ષના ઇસ્કેમિક હાર્ટ ડિસીઝના રિપોર્ટ્સ તથા સારવાર કરતા ડૉક્ટરનું સર્ટિફિકેટ.
૨) ઍન્ગ્ઝાયટી (વ્યગ્રતા/બેચેની) અને ડિપ્રેશન (ઉદાસીનતા/ગમગીની/વિષાદ)ના કન્સલ્ટેશન પેપર્સ.
આપના પાસેથી ઉપરોક્ત પેપર્સ મળ્યા બાદ આપના ક્લેમની ચકાસણી કરી નિર્ણય લેવામાં આવશે.
૨૦૧૮ ની પાંચ ઑક્ટોબરે રાજેન્દ્રભાઈએ વીમાકંપનીને નીચેની વિગતે પ્રત્યુત્તર મોકલાવ્યો.
૧) આપે આ પહેલાંની મારી સારવારની માહિતી મગાવી છે, પરંતુ એનો હાલની સારવાર સાથે કોઈ સંબંધ નથી.
૨) પ્રથમ ક્લેમ વખતે પણ કંપનીએ આ પ્રકારના જ ખુલાસા માગ્યા હતા અને એની
ચકાસણી કર્યા બાદ પ્રથમ કલેમ મંજૂર કર્યો હતો.
૩) મને નવાઈ લાગે છે કે કંપની આ જ માહિતી ફરીથી શા માટે મગાવે છે?
૪) વર્ષ ૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૮માં પ્રથમ ક્લેમની માહિતી મેળવ્યા બાદ પૉલિસીનું રિન્યુઅલ કર્યું જ છે એનો અર્થ કંપની મારા સ્વાસ્થ્ય વિશે સુપરિચિત છે. તો પછી વારંવાર એ માહિતી મગાવવાનો હેતુ શું છે?
૫) દવા અગમચેતી માટે પણ લઈ શકાય અને મેં પણ એટલા માટે જ લીધી છે. હું કોઈ પણ રોગ કે બીમારીથી પીડિત નથી. મારા બધા રિપોર્ટ્સ સર્વમાન્ય, ધોરણસરના તથા સર્વસાધારણ છે અને જેનાથી આપ માહિતગાર છો.
૬) હૉસ્પિટલમાં ઍડ્મિશન લેતી વખતે કૅશલેસના વિકલ્પ માટે આપની આગોતરી મંજૂરી માટે અરજી કરેલી અને આપે ૩,૦૭,૯૦૦ રૂપિયાની રકમ મંજૂર કરી હતી. પરંતુ ડિસ્ચાર્જના દિવસે આપે એને નામંજૂર કરી મને કફોડી સ્થિતિમાં મૂકી દીધેલો. આપના આ અમાનવીય કૃત્ય સામે પગલાં લેવાનો મારો અધિકાર સુરક્ષિત રાખું છું જેની નોંધ લેશો તથા મારી ક્લેમની રકમની તાત્કાલિક ચુકવણી કરશો.
જાડી ચામડીના બાબુઓને ઉપરોક્ત પત્રની કંઈ અસર થઈ નહીં. વીમા કંપનીએ ૨૦૧૮ ની ૩ ડિસેમ્બરના ઈ-મેઇલ દ્વારા રાજેન્દ્રભાઈને જણાવ્યું કે છેલ્લાં ચાર વર્ષથી દવાઓનો ઉપયોગ કરતા હોવા છતાં એની બાતમી આપી ન હોવાથી પૉલિસીના ધારાધોરણ મુજબ ક્લેમ નામંજૂર કરવામાં આવે છે. ૨૦૧૮ની ૨૯ ડિસેમ્બરના પત્ર દ્વારા રાજેન્દ્રભાઈએ વીમાકંપનીના ગ્રીવન્સ રિડ્રેસલ વિભાગને વિગતે વેદનાની વાત લખી ક્લેમ મંજૂર કરવા વિનંતી કરી, જેના પ્રત્યુતરમાં વીમાકંપનીએ ઈ-મેઇલ દ્વારા ક્લેમ નામંજૂર કરવાની વાતનો પુનરુચ્ચાર કર્યો.
પત્ર વાંચી રાજેન્દ્રભાઈ હતાશ થઈ ગયા. આજકાલ કરતાં છ મહિનાનો સમય પસાર થઈ ગયો. બાબુઓના નિતનવા અને અવનવા બહાનાબાજીના ઉટપટાંગ દોરના કારણે બાબુઓની સાન ઠેકાણે લાવવાનો મનોમન નિશ્ચય કર્યો.
‘મિડ-ડે’ના નિયમિત વાચક હોવાના નાતે આ કૉલમ પણ રસપૂર્વક વાંચતા. આથી તરુણ મિત્ર મંડળના જનાધિકાર અભિયાનની પ્રવૃત્તિથી વાકેફ હતા તેમ જ અળવીતરા અનેક બાબુઓ સીધાદોર થયાની વાતો વાંચી વીમાકંપનીના બાબુઓને પાઠ ભણાવવાના નિશ્ચય સાથે ઘાટકોપર (ઈસ્ટ)સ્થિત સેવાકેન્દ્રના નિયામક મનહરભાઈને ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી કેન્દ્ર પર પહોંચ્યા જ્યાં તેમની મુલાકાત મનહરભાઈ ઉપરાંત કમલભાઈ તથા હિમાંશુભાઈ સાથે થઈ. સર્વે સેવાભાવીઓએ રાજેન્દ્રભાઈની વીતકકથા શાંતિથી સાંભળી લાવેલી મેડિક્લેમ ફાઇલનો અભ્યાસ કરી આપસમાં ચર્ચા કરી લડતનાં મંડાણ માટે વીમા લોકપાલ યંત્રણાની સમજ રાજેન્દ્રભાઈને આપી તથા વીમાકંપનીના અનેક બાબુઓ સીધાદોર થયાની વાતો કરી. ત્યાર બાદ વીમા લોકપાલને ઉદ્દેશીને વિગતવાર ફરિયાદ-પત્ર બનાવવામાં આવ્યો જેમાં અતથી ઈતિ સુધીના ઘટનાક્રમની ક્રમબદ્ધ માહિતી સાથોસાથ ૨૦૧૬ની ચાર માર્ચ તથા ૨૦૧૭ની ૨૭ માર્ચે જે દર્દની મેડિક્લેમની રકમો ચૂકવવામાં આવેલી એ જ બાબતોનો ઉલ્લેખ કરી હાલનો ક્લેમ નામંજૂર કર્યાની બાબત પર લોકપાલશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું. ૨૦૧૯ની ૯ ઑગસ્ટે આ પત્ર જીવન સેવા ઍનેક્સસ્થિત લોકપાલ કાર્યાલયમાં હાથોહાથ આપીને ફોટોકૉપી પર સહીસિક્કા સાથેની પહોંચ લેવામાં આવી.
ઉપરોક્ત પત્રના પ્રત્યુત્તરમાં ફરિયાદની તથા ફરિયાદીની વિગતવાર માહિતી મળી રહે એ અર્થે પ્રિન્ટેડ ફોર્મ જેને ઍનેક્સ VI-A તરીકે ઓળખવામાં આવે છે એ આપવામાં આવ્યું. વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોવાથી આ ફૉર્મ જાતે ભરી કેન્દ્ર પર સેવાભાવીઓને બતાડ્યા બાદ ૨૦૧૯ની ૨૭ નવેમ્બરના લોકપાલ કાર્યાલયના ઉપરોક્ત સરનામે હાથોહાથ આપી ફોટોકૉપી પર સહીસિક્કા સાથેની પહોંચ લેવામાં આવી.
૨૦૧૯ની ૨૩ ડિસેમ્બરનો પત્ર વીમા લોકપાલ કાર્યાલયમાંથી મોકલવામાં આવ્યો, જેમાં નીચેની વિગતે માહિતી આપવામાં આવી :
૧. ૨૦૧૯ની ૨૭ નવેમ્બરના માગેલી પૂર્ણ માહિતી ભરેલું ઍનેક્સ VI-A પ્રાપ્ત થયું છે, જે દ્વારા આપે આપના વીમાકંપની સાથેના વિવાદમાં લોકપાલશ્રીની લવાદ તરીકેની નિમણૂકને સંમતિ આપી છે.
૨. ૨૦૨૦ની ૭ જાન્યુઆરીએ સવારના ૧૦.૪૫ વાગ્યે વીમા લોકપાલ કાર્યાલયમાં સુનાવણી રાખવામાં આવી છે એની અગાઉથી જાણ કરવામાં આવે છે.
૩. જો આપ જાતે સુનાવણીમાં હાજર ન રહી શકવાના હો તો આપ આપના કાયદેસરના વારસ (જે વકીલ, વીમા એજન્ટ કે વીમા દલાલ ન હોવા જાઈએ)ને નીમી તેને આપ આપના કેસની રજૂઆત કરવાની સત્તા આપી શકો છો. અલબત્ત, આ માટે માનનીય લોકપાલશ્રીની આના માટે આગોતરી મંજૂરી લેવાની રહેશે.
૪. કાયદેસર સત્તા કે અધિકાર આપતો પત્ર તથા સરકારમાન્ય ફોટો આઇડેન્ટિટી કાર્ડ અને એની ફોટોકૉપી આપના પ્રતિનિધિએ લાવવાની રહેશે.
૫. આપ કે આપના પ્રતિનિધિ સુનાવણીમાં હાજર ન રહી શકો તો આપને સલાહ આપવામાં આવે છે કે લેખિત નિવેદન સહ વધારાની માહિતી હોય તો એ પણ આપશો જેથી એના પર કેસનો નિકાલ કરતાં પહેલાં વિચાર કરી શકાય.
૯. સંબંધિત વીમાકંપનીને પણ સુનાવણીમાં હાજર રહેવાનું જણાવવામાં આવી રહ્યું છે.
વીમા લોકપાલના ઉપરોક્ત પત્રની પ્રત વીમાકંપનીને મળતાં અને એ વાંચતાં ઍરકન્ડિશન્ડ કૅબિનમાં બેઠેલા આધિકારીઓના પરસેવા છૂટી ગયા. બાબત ગંભીર જણાતાં ઉપરી અધિકારીઓને પણ પત્ર વાંચવા આપતાં તેમણે ક્લેમની ફાઇલ મગાવી અને એના વાંચન બાદ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની લેફ્ટ-રાઇટ લઈ લીધી અને કેસની પતાવટ કરવાનો આદેશ આપ્યો.
સુનાવણી માટે લોકપાલ કાર્યાલયમાંથી પત્ર આવ્યાની જાણ સેવાકેન્દ્રને કરતાં રાજેન્દ્રભાઈને અપૉઇન્ટમેન્ટ આપી કેન્દ્ર પર બોલાવવામાં આવ્યા તથા લોકપાલશ્રી સમક્ષ કઈ-કઈ બાબતોની કેવી રીતે રજૂઆત કરવી એની વિગતવાર સમજણ અને માહિતી આપવામાં આવી.
સુનાવણીના દિને રાજેન્દ્રભાઈના આશ્ચર્ય વચ્ચે વીમાકંપનીના પ્રતિનિધિ તેમની પાસે આવ્યા અને તેમને જણાવ્યું કે કંપની આપના ક્લેમની ૪,૫૯,૩૦૭ની રકમ સામે ૪,૪૯,૧૪૧ રૂપિયાની રકમ આપવા તૈયાર છે. જો આપ આજે જ લોકપાલશ્રી સમક્ષ કેસ પાછો ખેંચવાની જાહેરાત કરો તો. છોગામાં વીમા પૉલિસી ફરીથી મૂળ સ્થિતિમાં શરૂ કરવાની પણ કબુલાત કરી.
બન્ને પક્ષકારોએ લોકપાલશ્રીની હાજરીમાં ઉપરોક્ત મૌખિક કબૂલાત કરી. તાબડતોબ રાજેન્દ્રભાઈએ ઑમ્બડ્સમૅનને ઉદ્દેશીને પત્ર લખ્યો, જેમાં નક્કી થયેલી બાબતોનો સારાંશ લખીને મૂળ પ્રત લોકપાલશ્રીને આપી ફોટોકૉપી પર સહી-સિક્કા કરાવી લીધા.
૨૦૨૦ની ૮ જાન્યુઆરીએ વીમાકંપનીએ રાજેન્દ્રભાઈને તથા વીમા લોકપાલને ઈ-મેઇલ મોકલાવી, જે દ્વારા જણાવવામાં આવ્યું કે :
૧)ફરિયાદીની બિનશરતી સહમતી પર વીમાકંપની ૪,૪૯,૧૪૧ રૂપિયાની ક્લેમની રકમ ચૂકવશે.
૨)વીમાકંપની ફરિયાદી તરફથી રિન્યુઅલ પ્રીમિયમની રકમ મળતાં વીમા પૉલિસી પુનર્જીવિત કરશે.
૩)ઉપરોક્ત બન્ને ફરિયાદોનું નિવારણ થયેથી ફરિયાદીએ ફરિયાદ પાછી ખેંચી લેવાની રહેશે.
૨૦૨૦ની ૧૪ જાન્યુઆરીની ઈ-મેઇલ દ્વારા વીમાકંપનીએ રાજેન્દ્રભાઈને જણાવ્યું કે ગઈ કાલે આપના બૅન્ક-અકાઉન્ટમાં ૪,૪૯,૧૪૧ રૂપિયાની રકમ જમા કરી દેવામાં આવી છે.
૧૯ મહિના બાદ ઘાટકોપર સેવાકેન્દ્રના કર્તવ્યનિષ્ઠ મનહરભાઈ, હિમાંશુભાઈ તથા કમલનયનભાઈની જહેમતના કારણે જંગ જિતાયો. રાજેન્દ્રભાઈ સેવાભાવીઓની શિસ્ત અને કર્તવ્યપરાયણતાથી અભિભૂત થયા તથા ઘાટકોપર કેન્દ્રને રાજેન્દ્રભાઈના સ્વરૂપમાં એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની સેવા પ્રાપ્ત થઈ તેમ જ ફાઇટ ફૉર યૉર રાઇટની વિભાવના બળવત્તર બની.
: મુખવાસ :
નાહીં ઐસો જન્મ બાર-બાર,
ક્યા જાનું, કુછ પૂન્ય પ્રકટે મનુષ્ય અવતાર!


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2020 06:25 PM IST | Mumbai | Dheeraj Rambhia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK