આના કરતાં તો ઑફિસ સારી

Published: Mar 23, 2020, 20:20 IST | Aparna Shirish | Mumbai Desk

હાલમાં ઘરેથી કામ કરતા મોટા ભાગના પુરુષોના મનમાંથી આ જ ઉદ્‍ગાર નીકળી રહ્યો છે, પરિવાર અને બાળકો સાથે ઘરેથી કામ કરવામાં ફૅમિલીમૅનના કેવા હાલ થઈ રહ્યા છે જાણીએ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઘરેથી કામ કરવાનું હોય ત્યારે ગમે એટલા પ્રયત્ન કરો, ડિસ્ટર્બન્સ આવવાનું જ. પત્ની, બાળકો, પાળતુ પ્રાણીઓ હોય તો એ, ડોરબેલ વગાડતા ડિલિવરી-બૉય્સ, પાડોશીઓ, સોસાયટીના ગાર્ડનમાં રમતાં બાળકોનો ઘોંઘાટ, કુકરની સીટી, મિક્સરનો અવાજ... અને આ બધા વચ્ચે બૉસને એવું ન લાગવું જોઈએ કે તમે ઘરે બેસીને ટાઇમ પાસ કરી રહ્યા છો. અઘરું છે બૉસ! પણ હવે જ્યારે થોડા દિવસ ઘરે બેસીને કામ કરવાનું આવ્યું જ છે ત્યારે આ બધું સંભાળીને કે રાધર સહન કરીને, કામ તો કરવું જ પડશે. વધુમાં ઘરે છો તો આટલી હેલ્પ ન કરી શકો? એ મહેણું પણ અવારનવાર સાંભળવાનું. જોકે તમે એકલા નથી. લૉકડાઉન અને ક્વૉરન્ટીનને કારણે આ હાલ અત્યારે દુનિયાના મોટા ભાગના પુરુષોનો છે. હવે પૂરો સમય તો ડૂ નૉટ ડિસ્ટર્બનું બોર્ડ મારી બેડરૂમમાં પુરાઈ રહેવું શક્ય નથી ત્યારે ચાલો જાણીએ આ પુરુષો આવું ડિસ્ટર્બન્સ કઈ રીતે હૅન્ડલ કરી રહ્યા છે.

ગુસ્સો આવી જાય, પણ શું કરવાનું? : કુશલ તન્ના, કલ્યાણ
૩૩ વર્ષના ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર કુશલ તન્ના છેલ્લા એક અઠવાડિયાથી ઑફિસનું કામ ઘરેથી કરી રહ્યા છે. તેઓ કહે છે, ‘આ પહેલાં પણ મેં ઘરેથી કામ કરવાની કોશિશ કરી છે. ઘરની બાજુની જ બિલ્ડિંગમાં સ્કૂલ છે એટલે આખો દિવસ અવાજ નહીં, પણ ઘોંઘાટ ચાલુ હોય. ગમે તેટલું કૉન્સન્ટ્રેટ કરવાની ટ્રાય કરો તોય એ શક્ય ન બને અને હવે મજબૂરીથી ઘરેથી કામ કરવાનું છે. ક્લાયન્ટ સાથે વાત ચાલતી હોય ત્યાં બૅકગ્રાઉન્ડમાં ટીવીનું વૉલ્યુમ ફુલ હોય. સામે બાજુએ ક્લાયન્ટ સામે ખોટી ઇમ્પ્રેશન પડે અને ગુસ્સો આવી જાય, પણ શું કરવાનું? ઘરેથી કામ કરવાની સુવિધા સાથે તો આ બધું સહન કરવાનું આવવાનું જ. વળી આખી ફૅમિલી જ ઘરે છે એટલે ફુલ કૉન્સન્ટ્રેશનથી કામ કરી શકાશે એ વાત ભૂલી જવાની.’

૧૧૦ ટકા ઑફિસ પરવડે : ગૌરવ ગડા, ચેમ્બુર
ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં સેલ્સ પ્રોફેશનલ ગૌરવ ગડાને સાત વર્ષની અલિના નામની દીકરી છે. કામ કરવાનું હોય ત્યારે દીકરીનો આગ્રહ હોય છે કે મારી સાથે રમો. પોતાની વ્યથા જણાવતા ગૌરવ કહે છે ‘સ્કાઇપ પર કૉલ ચાલતો હોય અને દીકરી મારી બાજુમાં આવીને બેસી જાય. કહે કે બંધ કરો અને રમો મારી સાથે. ક્યારેક લૅપટૉપ પર બટન દબાવી દે અને કામ અઘરું બનાવી દે. રોજ સવારે કલિગ્સ સાથે કૉન્ફરન્સ કૉલનો સમય ફિક્સ રાખ્યો છે તોય આખો દિવસ તો કામ ચાલ્યા જ કરે અને એમાં એ મારી આસપાસ જ હોય. એનો પણ વાંક નથી, કારણકે અત્યારે તેની સ્કૂલ અને એક્ટિવિટી પણ બંધ છે. હું ઘરે છું એટલે તેને પણ મન થાય કે હું તેને સમય આપું. જોકે આજે બધી જ કંપનીઓ ઘરેથી કામ કરી રહી છે ત્યારે આવા ડિસ્ટર્બન્સ પર સામેવાળા પણ ધ્યાન નથી આપતા, કારણકે તેમના પણ આ જ હાલ છે. ટૂંકમાં બધા એકબીજાને સમજી કામ ચલાવી રહ્યા છે, પણ ખરેખર લાગે છે કે આના કરતાં તો ઑફિસમાં બેસીને કામ કરવું જ સારું.’

મમ્મી બહાર મોકલે ત્યારે જ ઑફિસમાંથી ફોન આવે : હાર્દિક ગોહિલ, ગિરગાંવ
ગિરગાંવમાં રહેતો ૨૯ વર્ષનો ફાઇનૅન્સ સેક્ટર સાથે સંકળાયેલો સૉફ્ટવેર ડેવલપર હાર્દિક ગોહિલ વર્ક ફ્રૉમ હોમની ઑપોર્ચ્યુનિટી મળ્યા બાદ પણ પોતાને સૌથી અનલકી માની રહ્યા છે, કારણકે તેમનું ઘર હાલમાં કોરોના માટેનાં એકમાત્ર ટેસ્ટિંગ સેન્ટર કસ્તુરબા હૉસ્પિટલની બાજુમાં જ છે. પોતાની મુશ્કેલી જણાવતા તેઓ કહે છે ‘કામમાં કૉન્સન્ટ્રેટ કરવાની ગમે તેટલી કોશિશ કરો, અૅમ્બ્યુલન્સની સાઇરન બૅકગ્રાઉન્ડમાં વાગ્યા જ કરે. વધુમાં મેટ્રોનું અન્ડરગ્રાઉન્ડનું કામ ચાલતું હોય. એ તો વાત થઈ બહારના અવાજની. ઘરની અંદર ફૅમિલી પણ છે જ. ઘરે છું પણ કામ કરવા માટે એ વાત પરિવારના દરેક સભ્યને સમજાવવી મુશ્કેલ છે. ઘરમાં એક બાળક પણ છે. એટલે લૅપટૉપને રમકડું બનવાથી રોકી ન શકાય. દિવસનો કેટલોક સમય તો મમ્મી કંઈ લેવા બહાર મોકલે એમાં નીકળી જાય અને બરાબર બહાર હોઉં ત્યારે જ ઑફિસમાંથી કોઈને કોઈનો ફોન આવે અને તેમને લાગે કે હું કામ છોડીને બહાર ટાઇમપાસ કરી રહ્યો છું પ્રોડક્ટિવિટીની તો વાત જ નથી કરવી. બસ એટલું સમજાય છે કે આના કરતાં ઑફિસની ચાર દીવાલમાં બેસીને કામ કરવું સહેલું છે.’

કૉન્ફરન્સ-કૉલ મ્યુટ જ રાખવો પડે : વિનય પંચાલ, ભાઈંદર
એક મલ્ટિનૅશનલ કંપનીમાં આઇટી પ્રૉફેશનલ વિનય પંચાલને ૧૨ વર્ષનો દીકરો અને ૬ વર્ષની દીકરી છે અને હાલમાં બન્ને બાળકો પપ્પા ઘરે છે એ વાતથી ખૂબ ખુશ છે. જોકે બાળકોની આ ખુશી વિનયની વર્ક ફ્રૉમ હોમમાં મુશ્કેલીનો વધારો કરી રહી છે, કારણકે બાળકોને આશા છે કે પપ્પા વેકેશનમાં આપણી સાથે રમવા જ ઘરે છે. પોતાના હાલ જણાવતાં વિનય કહે છે,
‘સવારમાં ઑફિસના કલિગ્સ અને ક્લાયન્ટ સાથે કૉન્ફરન્સ-કૉલ ચાલતો હતો અને પાછળથી બાળકો ટીવી જોઈ રહ્યાં હતાં એનો ઘોંઘાટ. બાળકો જે બોલે એ બધું જ ફોનમાં ક્લિયર સંભળાતું હતું. છેવટે કંટાળીને સામેવાળાએ કહ્યું કે વિનય, પ્લીઝ તમે કૉલ મ્યુટ કરી દો. આવામાં ક્ષોભ પણ થાય અને હસવું પણ આવે. કરવાનું શું! હવે ઑફિસ આટલી ફૅસિલિટી આપી રહી છે તો આપણે પણ આ બધું સંભાળીને કામ તો આપવું જ પડે. વધુમાં ઘરે છું એટલે વાઇફની અપેક્ષાઓ પણ વધી ગઈ છે. બહારથી કંઈ પણ લાવવું હોય તો મને જ કહે. એમાં ક્યારેક મેઇલ કે કૉલનો રિપ્લાય કરવાનું મિસ થઈ જાય અને પછીથી મુશ્કેલી વધે. ફોકસ નથી થતું અને પ્રોડક્ટિવિટી પર અસર પડે. આનાં કરતાં ઑફિસમાં હોઈએ ત્યારે કામ સારું અને સિરિયસલી થાય. જોકે પરિવાર આવા સંજોગોમાં આંખની સામે છે એ વાતની સંતુષ્ટી પણ છે.’

આટલું પ્લાનિંગ હશે તો ક્ષોભજનક પરિસ્થિતિથી બચી જશો
કૉન્ફરન્સ અને વિડિયો-કૉલ કરવાનો સમય ફિક્સ રાખો અને એ તમે કોઈ એક રૂમમાં એકલા હો ત્યારે જ કરો. રૂમને અંદરથી લૉક કરવાનું ન ભૂલતા.
જ્યારે મહત્ત્વનું કામ ચાલતું હોય અને એમાં ડિસ્ટર્બન્સ આવે એ નહીં ચાલે એવું લાગતું હોય તો ફૅમિલીને પહેલેથી જ જાણ કરી દો જેથી કોઈ આવીને તમને પરેશાન ન કરે. સગવડ હોય તો ઘરના એક રૂમને ઑફિસ સ્પેસમાં કન્વર્ટ કરી લો.
ઘરમાં બાળકો હોય અને એમની જવાબદારી પણ તમારા પર હોય તો મહત્ત્વના કૉલ અને કામ તેઓ સૂઈ જાય એ સમયે કરવાની ગોઠવણ કરો.
કલિગ્સ અને બૉસ સાથે ટચમાં રહો. જો કામમાં કોઈ મુશ્કેલી આવતી હોય તો મદદ માગી લેવી અને કામ વિશે સામેવાળી વ્યક્તિને અપડેટેડ રાખવી.
સ્કાઇપ કે વિડિયો કૉલ કરવાનો હોય ત્યારે નેટવર્ક અને વાઇફાઇ સિગ્નલ પાવરફુલ છે કે નહીં એની ચકાસણી પહેલેથી કરી લો.
ઘરમાં હો ત્યારે કિચનમાં મિક્સર પણ ચાલશે અને કૂકરની સીટી પણ વાગશે. એમની માટે એ રોજનું કામ છે. એટલે જો તમને શાંતિ જોઈતી હોય તો એ માગી લો. સામેવાળાને તમે નહીં કહો ત્યાં સુધી તમારા કામની ગંભીરતાનો ખ્યાલ નહીં આવે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK