લાંબુંચોડું વીજળીનું બિલ જોઈને પંચાયતે જાતે જ વીજળી પેદા કરવાનું શરૂ કરી દીધું

Published: Sep 17, 2019, 09:28 IST | તામિલનાડુ

તામિલનાડુના કોઇમ્બતુરથી ૪૦ કિલોમીટર દૂર ઓડનથુરઈ પંચાયત દેશની આત્મનિર્ભર પંચાયત બની ગઈ છે.

લાંબું વીજળીનું બિલ જોઈને પંચાયતે જાતે જ વીજળી પેદા કરવાનું શરૂ કર્યું
લાંબું વીજળીનું બિલ જોઈને પંચાયતે જાતે જ વીજળી પેદા કરવાનું શરૂ કર્યું

તામિલનાડુના કોઇમ્બતુરથી ૪૦ કિલોમીટર દૂર ઓડનથુરઈ પંચાયત દેશની આત્મનિર્ભર પંચાયત બની ગઈ છે. અહીંનાં લગભગ ૧૧ ગામોમાં દરેક ઘર પાકું છે અને છત પર સોલર પૅનલ લગાવેલી છે. અહીં કૉન્ક્રીટના પાકા રસ્તા છે અને દર ૧૦૦ મીટર પર પાણી પીવાની વ્યવસ્થા છે. આટલી સુવ્યવસ્થા હોય ત્યાં દરેક ઘરમાં શૌચાલય પણ છે એ કહેવાની જરૂર ખરી? ૧૯૯૬માં ગામના પ્રમુખ રહી ચૂકેલા આર. ષણ્મુગમ આ બદલાવના પ્રણેતા છે. તેમનું કહેવું છે કે એ વખતે દર મહિને પંચાયતનું વીજળીનું બિલ ૨૦૦૦ રૂપિયા આવતું. એક વર્ષમાં ગામમાં કૂવા બનાવાયા અને સ્ટ્રીટલાઇટ લગાવાઈ એને કારણે બિલ વધીને ૫૦,૦૦૦ રૂપિયા થઈ ગયું. આ તો ચિંતાનો વિષય હતો એટલે ષણ્મુગમે બાયોગૅસ પ્લાન્ટથી વીજળી બનાવવાનું વિચાર્યું અને વડોદરા જઈને તાલીમ પણ લીધી. હવે તો પંચાયતના દરેક ઘરમાં વીજળી ફ્રી છે, એટલું જ નહીં, તામિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડને વીજળી વેચવામાં પણ આવે છે જેમાંથી તેમને ૧૯ લાખ રૂપિયાની આવક થાય છે. આવું કરીને આત્મનિર્ભર બનનારી આ દેશની પહેલી પંચાયત છે. બદલાવનાં આ મૂળિયાં ૨૩ વર્ષ પહેલાં નખાયેલાં. ૨૦૦૩માં પહેલો ગૅસ પ્લાન્ટ નખાયો એ પછી ગામમાં સૌરઊર્જાથી ચાલતી સ્ટ્રીટલાઇટ નાખી.

આ પણ વાંચો : પરિવાર સૂતો હતો અને ઘરમાં ઘૂસી ગયો દીપડો, જુઓ વીડિયો

૨૦૦૬માં પવનચક્કી લગાવવાનો વિચાર આવ્યો. એ વખતે પંચાયત પાસે માત્ર ૪૦ લાખ રૂપિયા જ હતા અને જરૂર હતી ૧.૫૫ કરોડ રૂપિયાની. લોન લઈને આ કામ થયું. બૅન્કમાંથી લીધેલી લોન ૭ જ વર્ષમાં ચૂકતે થઈ ગઈ અને હવે વધારાના સાડાચાર લાખ યુનિટ વીજળી બને છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK