ઑસ્ટ્રેલિયાના એથાને ૧૧ વર્ષની વયથી જ ટૅટૂ કરાવવાની ઘેલછા હતી. લગભગ આખા શરીર અને ચહેરા પર પણ તેણે ટૅટૂનું ચિતરામણ કરાવ્યું છે. આંખોના સફેદ ડોળા પર ચિતરામણ કરાવવા ઉપરાંત તેણે જીભને પણ દ્વિભાજિત કરી છે. ૧૧ વર્ષની વયે કાન ખેંચાવ્યા બાદ તેણે પાછું વળીને જોયું નથી. આખા શરીર પર ચિતરામણ કરવા પાછળનો તેનો એક જ હેતુ હતો કે તેને બધાથી અલગ દેખાવું હતું. તેની ગર્લફ્રેન્ડ મૅગે તેને ટૅટૂ સાથે જ જોયો છે. જોકે ટૅટૂ ન હોય તો કેવો દેખાય છે એ પોતાની ગર્લફ્રેન્ડને બતાવવા એથાને મેકઅપ-આર્ટિસ્ટ સુઝીની મદદથી ટૅટૂને મેકઅપ નીચે કવર કરીને તેને સુખદ આંચકો આપ્યો હતો.
મેકઅપ-આર્ટિસ્ટની અઢી કલાકની જહેમત બાદ એથાન પોતે જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જોકે તેને પોતાના બૉડી-આર્ટવાળો દેખાવ વધુ ગમ્યો હતો. તેની ગર્લફ્રેન્ડ મૅગનું પણ માનવું છે કે એથાન બૉડી-આર્ટ સાથે વધુ સારો દેખાય છે.