બોલો, એક સ્કૂલમાં ફીના બદલે પ્લાસ્ટિકનો કચરો લેવામાં આવે છે

Published: May 09, 2019, 09:18 IST | ગુવહાટી

અસમની રાજધાની ગુવાહાટીમાં અક્ષર નામની એક એવી સ્કૂલ છે જ્યાં બાળકો પાસેથી ફીના બદલે પ્લાસ્ટિકનો કચરો લેવામાં આવે છે.

સ્કૂલમાં ફીના બદલે પ્લાસ્ટિકનો કચરો લેવામાં આવે છે
સ્કૂલમાં ફીના બદલે પ્લાસ્ટિકનો કચરો લેવામાં આવે છે

અસમની રાજધાની ગુવાહાટીમાં અક્ષર નામની એક એવી સ્કૂલ છે જ્યાં બાળકો પાસેથી ફીના બદલે પ્લાસ્ટિકનો કચરો લેવામાં આવે છે. આ સ્કૂલમાં આર્થિક રીતે નબળા વર્ગનાં બાળકો ભણે છે. અક્ષર સ્કૂલની શરૂઆત ૨૦૧૬માં પરમિતા શર્મા ને માજિન મુખ્તર નામના યુગલે કરી હતી. અહીં આર્થિક રીતે નબળાં ૧૧૦ બાળકો ભણે છે જેમની પાસેથી દર અઠવાડિયે ફીના રૂપમાં પ્લાસ્ટિકની જૂની અને ખરાબ થઈ ગયેલી દસથી વીસ ચીજો મગાવવામાં આવે છે. તેમને પ્લાસ્ટિક નહીં સળગાવવાની સલાહ અપાય છે. પરમિતા તાતા સામાજિક વિજ્ઞાન સંસ્થાના ગુવાહાટી સેન્ટરમાંથી માસ્ટર્સનું ભણી રહી છે. તેનું કહેવું છે કે ‘અમારી સ્કૂલમાં મોટા ભાગે બીજી સ્કૂલોમાંથી કાઢી મુકાયેલાં બાળકો છે. તેમના પેરન્ટ્સ સ્કૂલે મોકલી શકે અને ફી ભરી શકે એવી સ્થિતિમાં નથી. આ બાળકોને પત્થરની ખાણોમાં મજૂરી કરવા માટે મોકલવામાં આવતાં હતાં. તેમને અમે ભણવા માટે પ્રેર્યા હતા. હવે અહીં તેમને ગણિત, વિજ્ઞાન, ભૂગોળની સાથે વ્યાવસાયિક કૌશલ્યો પણ શીખવવામાં આવે છે. ’

આ પણ વાંચો : 79 વર્ષનાં નિવૃ‌ત્ત મહિલા પ્રોફેસરે આખી જિંદગીમાં કદી વીજળી વાપરી જ નથી

માર્જિન ન્યુ યૉર્કમાં રહેતો હતો અને અહીં સ્કૂલ ખોલવાની યોજના સાથે જ આવ્યો હતો. અહીં આવીને તેણે ગુવાહાટીમાં અક્ષર સ્કૂલની શરૂઆત કરેલી. પરમિતા અસમની જ છે અને શિક્ષા માટે કામ કરવાનું સપનું હતું. પહેલાં બન્નેએ સ્કૂલ શરૂ કરી અને ૨૦૧૮માં તેમણે લગ્ન કરી લીધાં. સ્કૂલમાં બાળકો દ્વારા લાવવામાં આવતા પ્લાસ્ટિકથી તેમણે ઇકોબ્રિક્સ બનાવી છે જે નાના છોડની સુરક્ષા માટેની વાડ બનાવવાના કામમાં લેવાય છે. પ્લાસ્ટિકની બૉટલોમાંથી સ્કૂલમાં ટૉઇલેટ બનાવાયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK