આ શિયાળ અને બુલડૉગમાં છે જબરી દોસ્તી

Published: 6th October, 2020 07:17 IST | Gujarati Mid-day Correspondent | England

ઇંગ્લૅન્ડમાં લૉકડાઉન શરૂ થયું એ પછી એપ્રિલ મહિનામાં વાઇટ આઇલૅન્ડ પર રહેતી પૉલિન ઍશનોલા નામની ૨૮ વર્ષની યુવતીને તેના ઘરની નજીકના જંગલમાંથી લગભગ છએક મહિનાનું શિયાળ મળી આવ્યું.

શિયાળ અને બુલડૉગ
શિયાળ અને બુલડૉગ

ઇંગ્લૅન્ડમાં લૉકડાઉન શરૂ થયું એ પછી એપ્રિલ મહિનામાં વાઇટ આઇલૅન્ડ પર રહેતી પૉલિન ઍશનોલા નામની ૨૮ વર્ષની યુવતીને તેના ઘરની નજીકના જંગલમાંથી લગભગ છએક મહિનાનું શિયાળ મળી આવ્યું. જ્યારે એ પૉલિને જોયું ત્યારે એ મરણતોલ હાલતમાં હતું. ઠંડીથી ધ્રુજતું, માંદુ અને કુપોષિત એટલું કે ગમે ત્યારે એ રામશરણ થઈ જાય એવું લાગતું હતું. દયાળુ પૉલિન એ શિયાળને પોતાના ઘરે લઈ આવી અને તેને દૂધ પાઈને અને સારવાર કરીને તાજુંમાજું કર્યું. એનું નામ પાડવામાં આવ્યું માર્લે. લગભગ દોઢ-બે મહિનામાં તો શિયાળ મજાનું હરતું-ફરતું અને કૂદતું થઈ ગયું. જોકે આ દરમ્યાન માર્લેને માલિકણના ઘરમાં રહેતા ચાર વર્ષના અર્ની નામના બુલડૉગ સાથે પણ સારીએવી દોસ્તી થઈ ગઈ. ખાવાપીવાનું ધ્યાન પૉલિન રાખતી અને શિયાળને અહીં-તહીં દોડાવીને એક્સરસાઇઝ કરાવવાનું અને પ્રાણીસહજ વહાલ કરવાનું કામ અર્ની નામની બુલડૉગનું. એને કારણે થયું એવું કે હવે આ શિયાળ અને બુલડૉગ વચ્ચે કદી ન તૂટે એવી મજબૂત દોસ્તી થઈ ગઈ છે. ખાવા-પીવા, રમવા-દોડવા અને સૂવાનું પણ સાથે જ. એકબીજાની હૂંફમાં જ બન્ને મજા કરે છે.

પૉલિનનું કામ આમ તો ડૉગ ગ્રૂમરનું હતું, પરંતુ ઘરમાં શિયાળ આવ્યા પછી તેણે બીજા ડૉગીઓને ઘરમાં લાવવાનું બંધ કરી દીધું છે. હવે તે પોતાના જ બે અણમોલ રતન સમા શિયાળ અને બુલડૉગની દોસ્તીને ભરપૂર માણે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK