આ છે રિયલ બ્લૅક બ્યુટી

Published: Feb 05, 2020, 07:44 IST | America

બ્યુટી હંમેશાં સફેદ ત્વચા ધરાવતા માણસોમાં જ હોય એ વાતને સુદાનની એક કન્યાએ ખોટી પાડી છે.

રિયલ બ્લૅક બ્યુટી
રિયલ બ્લૅક બ્યુટી

બ્યુટી હંમેશાં સફેદ ત્વચા ધરાવતા માણસોમાં જ હોય એ વાતને સુદાનની એક કન્યાએ ખોટી પાડી છે. તેણે અશ્વેતપણાને અભિશાપ નહીં, આશીર્વાદ ગણીને સ્વીકારી લીધું છે. સુદાનની નાયકીમ ગેટાવેચ નામની કાળો ડિબાંગ ત્વચાનો રંગ ધરાવતી મૉડલે અમેરિકામાં મૉડલિંગ કરીઅર જમાવીને બ્યુટીની વ્યાખ્યા જ બદલી નાખી છે.

નાયકીમ ગેટાવેચ ૧૩ વર્ષની હતી ત્યારે તેના પરિવારે સુદાનથી અમેરિકા સ્થળાંતર કર્યું હતું. અમેરિકામાં ન્યુ યૉર્કના બફેલોની મિડલ સ્કૂલમાં રંગભેદના અકળાવી મૂકનારા અનુભવો નાયકીમને થતા હતા. એની સાથે ભણતા વિદ્યાર્થીઓ, પાડોશીઓ અને ક્યારેક શિક્ષકો પણ નાયકીમની મશ્કરી કરે, અપમાન કરે, ડરાવે-ધમકાવે અને લઘુતાગ્રંથિ પેદા થાય એવું વર્તન કરતા હતા. જોકે થોડાં વર્ષ પછી નાયકીમ મિનેસોટાની હાઈ સ્કૂલમાં ભણવા ગઈ ત્યારે ત્યાં સુદાન અને સોમાલિયા તથા અન્ય આફ્રિકન પ્રદેશોના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો.

મિનેસોટાના સેઇન્ટ ક્લાઉડ શહેરમાં જરા મોકળું વાતાવરણ મળ્યું, પરંતુ અમેરિકાની ગોરી પ્રજાના રંગભેદી પૂર્વગ્રહો તો યથાવત્ હતા. ચામડીમાં મેલનિન નામના તત્વને કારણે ત્વચાને મળતો ઘેરો રંગ નાયકીમને પોતાને ઘણો પ્રિય હતો. એક ટૅક્સી-ડ્રાઇવરે નાયકીમને કહ્યું કે ‘તમે ૧૦,૦૦૦ ડૉલરમાં તમારી ચામડીનું બ્લીચિંગ કેમ કરાવતાં નથી?’ એનો જવાબ નાયકીમે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખીને આપ્યો હતો, ‘આ પૃથ્વી પર મેલનિનથી સમૃદ્ધ ત્વચાના રૂપમાં ઈશ્વરે મને અદ્ભુત ભેટ આપી છે. મને એનો આનંદ અને ગર્વ છે. આવી ત્વચાને કારણે લોકો મને જે નજરે જુએ છે કે જે પ્રકારના પ્રશ્નો પૂછે છે એ તમે માની નહીં શકો.’ નાયકીમની એ પોસ્ટને ૧૦,૦૦૦ કરતાં વધારે લાઇક્સ મળી. એ ઉપરાંત યાહુ, ટીન વૉગ અને હફિંગ્ટન પોસ્ટ જેવાં પ્રકાશનોમાં નાયકીમના ઇન્ટરવ્યુ છપાયા. નાયકીમ શ્યામવર્ણ ટીનેજર્સની પ્રતિનિધિ બની. આકસ્મિક રીતે નાયકીમની મૉડલિંગ કરીઅર શરૂ થઈ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK