ઋષિઓના ગુરુકુળ જેવો પ્રકૃતિના પાઠ ભણાવતો શિક્ષણ પ્રયોગ ચાલે છે ઇંગ્લૅન્ડમાં

Published: May 13, 2020, 07:52 IST | Gujarati Mid-day Correspondent | England

ઇંગ્લૅન્ડની નોર્ફોક કાઉન્ટીના નોર્વિચ શહેરના ઉપનગર એઇલશેમમાં ડેન્ડેલિયન એજ્યુકેશન કૉમ્પ્લેક્સમાં નર્સરી અને આગળનાં ધોરણોનું શિક્ષણ કુદરતના સાંનિધ્યમાં આપવામાં આવે છે.

જંગલમાં સ્કૂલ
જંગલમાં સ્કૂલ

ભારતમાં ગામડાંમાં ખેતરમાં પાર્ટટાઇમ કામ કરતા, ઢોર ચરાવતા, નદી-તળાવમાં નાહવા ખાબકી પડતા, આમલીનાં કાતરાં અને ફળો તોડીને ખાતા અને ઝાડ પર ચડ-ઊતર કરતા વિદ્યાર્થીઓને પછાત ગણવામાં આવતા હતા અને શિક્ષકો કે અન્ય વિદ્યાર્થીઓનાં માતા-પિતાને તેમના પ્રત્યે અણગમો પણ રહેતો હતો. જોકે સદીઓ પૂર્વે ઋષિઓનાં ગુરુકુળોમાં પ્રકૃતિથી વહીવટ, સંરક્ષણ અને ગણિતના પાઠ પણ ભણાવાતા હતા. આધુનિક શિક્ષણ એ બધી બાબતોથી ઘણું દૂર થઈ ગયું છે.

ઇંગ્લૅન્ડની નોર્ફોક કાઉન્ટીના નોર્વિચ શહેરના ઉપનગર એઇલશેમમાં ડેન્ડેલિયન એજ્યુકેશન કૉમ્પ્લેક્સમાં નર્સરી અને આગળનાં ધોરણોનું શિક્ષણ કુદરતના સાંનિધ્યમાં આપવામાં આવે છે. કુદરતના સાંનિધ્યને કારણે ત્રણથી પાંચ વર્ષનાં બાળકો એટલાં સમજદાર હોય છે કે શહેરોની સ્કૂલોના વિદ્યાર્થીઓનાં માતા-પિતાને આશ્ચર્ય થાય. બાળકોની રોકકળ અને શિક્ષકોની રાડારાડ ભાગ્યે જ જોવા મળે. એ નર્સરીનાં ત્રણ વર્ષનાં ટાબરિયાં પાંચ વર્ષના છોકરાઓ કરતાં વધારે સમજુ અને શાંત છે.

એજ્યુકેશન કૉમ્પ્લેક્સમાં પ્લાસ્ટિક ક્યાંય નથી. બાંકડા પણ અદ્યતન પ્લાયવુડ કે ફાઇબર જેવા મટીરિયલના નથી, દેશી લાકડાના છે. બાળકોને મુખ્ય પાઠ્યપુસ્તકોના પાઠોની સાથે-સાથે પશુ-પક્ષીઓની જાતિઓ, વનસ્પતિના પ્રકાર અને ગુણો વિશે પણ જ્ઞાન આપવામાં આવે છે. ઝાડ પર ચડ-ઊતર કરવાનું શીખવવામાં આવે છે. સ્વતંત્રતા અને જવાબદારી સાથે આપવામાં આવતાં બાળકો પોતાની કાળજી રાખતાં આપોઆપ શીખે છે, એવું ડેન્ડેલિયન એજ્યુકેશનના સંચાલકોનું માનવું છે. બાળકો આપોઆપ શિસ્ત અપનાવે છે. શિક્ષકો કે મોટેરાઓએ ટકોર કરવાની ભાગ્યે જ જરૂર પડે છે.

ડેન્ડેલિયન એજ્યુકેશનના શિક્ષકો કહે છે કે ‘જે વિદ્યાર્થીઓએ નદી, તળાવ, જંગલ, પહાડ, ઝાડી-ઝાંખરા, જંગલી અને પાળેલાં પશુ-પક્ષીઓને જોયાં, સમજ્યાં અને માણ્યાં ન હોય તેમનાં વૃદ્ધિ અને વિકાસ કેવાં હોય? જે કાદવ કે ઘાસ પર ચાલ્યા ન હોય, દરિયાકિનારે ફર્યા ન હોય, દૂધ, મધ કે રેશમ ક્યાંથી આવે છે એની ખબર ન હોય, પશુ-પક્ષીઓના સ્વભાવ જાણતા ન હોય તેમનું શિક્ષણ કેવું ગણાય?’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK