બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે ઝૂમ પરની મીટિંગમાં અધિકારી દેખાયો શાવર કરતો

Published: May 20, 2020, 07:48 IST | Gujarati Mid-day Correspondent | Brazil

હાલ મીટિંગ્સમાં કોઈ બનિયાન-બન્ડી-બર્મુડા પહેરીને બેઠા હોય કે ચાલુ મીટિંગમાં ઘરમાં બાળકોની ધમાચકડી ચાલતી જોવા મળે એવી ઘટનાઓની ચર્ચા ઘણી થઈ છે

ઝૂમ પરની મીટિંગમાં અધિકારી દેખાયો શાવર કરતો
ઝૂમ પરની મીટિંગમાં અધિકારી દેખાયો શાવર કરતો

લૉકડાઉનના દિવસોમાં સોશ્યલ મીડિયા અને ઍપ દ્વારા મિત્રોના સંવાદોથી લઈને ઑફિશ્યલ મીટિંગ્સ પણ યોજાય છે. એ મીટિંગ્સમાં કોઈ બનિયાન-બન્ડી-બર્મુડા પહેરીને બેઠા હોય કે ચાલુ મીટિંગમાં ઘરમાં બાળકોની ધમાચકડી ચાલતી જોવા મળે એવી ઘટનાઓની ચર્ચા ઘણી થઈ છે, પરંતુ દેશના રાષ્ટ્રપતિની ઝૂમ કૉન્ફરન્સમાં કૅમેરા ઑન કરીને સંબંધિત વ્યક્તિ મસ્તીથી સ્નાનદૃશ્ય ભજવતી હોય એવું બનવાની કોઈને ધારણા ન હોય. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલસોનારોની ઝૂમ મીટિંગ માટે કૅમેરા ઑન કર્યા પછી એક અધિકારી બાથરૂમમાં નહાતો જોવા મળ્યો હતો. આ ઘટના ફેડરેશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ ઑફ સ્ટેટ સાઓ પાઉલોના પ્રમુખ પાઓલો સ્કાફના ઝૂમ કૉન્ફરન્સ કૉલ દ્વારા મીટિંગ યોજાઈ હતી. જોકે ઝૂમ કૉન્ફરન્સના કૅમેરા સામે નિર્વસ્ત્ર દેખાયેલા અધિકારીની ઓળખ સ્પષ્ટ થઈ નથી.

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર આન્દ્રેસ રિપેટોએ શૅર કરેલા ફોટોમાં મીટિંગમાં સામેલ ૨૪ અધિકારીઓમાંથી એક શર્ટ વગર શાવર નીચે ઊભો રહેલો જોવા મળ્યો હતો. હકીકતમાં એ અધિકારી કૉન્ફરન્સ દરમ્યાન નાહવા ગયો ત્યારે કૅમેરા બંધ કરવાનું ભૂલી ગયો હતો. જેર બોલસોનારોએ કૉન્ફરન્સ દરમ્યાન પાઓલો સ્કાફને સંબોધીને કહ્યું હતું કે ‘પેલા નાનકડા ચોકઠામાં એક સહયોગી હતા, તેઓ ત્યાંથી હટી ગયા છે. તેઓ ક્ષેમકુશળ તો છેને!’ બ્રાઝિલના ઉદ્યોગ ખાતાના પ્રધાન પાઓલો ગિડેસે નોંધ્યું હતું કે એ અધિકારી કૉન્ફરન્સ દરમ્યાન નાહવા ગયા ત્યારે કૅમેરા બંધ કરવાનું ભૂલી ગયા હતા. એ ઘટના બાબતે સ્થાનિક પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓ સાથે વાત કરતાં પાઓલો ગિડેસે જણાવ્યું હતું કે ‘મીટિંગના ફુટેજમાં એક જણ નહાતો હતો. કપડાં કાઢીને ઊભો હતો. ઘરમાં એકલો હતો એટલે નિર્વસ્ત્ર હતો. બહુ સરસ. કૉન્ફરન્સમાં વાતચીત ઉગ્ર બનતાં તે ગરમ થઈ ગયો અને ગરમી થવાને કારણે એ નાહવા ગયો હશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK