ઓબામા-રોમ્ની વચ્ચે ટાઇટ ફિનિશ

Published: 6th November, 2012 03:22 IST

લેટેસ્ટ સર્વેમાં બન્ને ઉમેદવારો વચ્ચે ટાઇ થશે એવી આગાહી જો એમ થશે તો રોમ્ની મેદાન મારી જાય એવી શક્યતાઅમેરિકામાં આજે પ્રમુખપદની ચૂંટણી માટે મતદાન થશે. માત્ર અમેરિકા જ નહીં દુનિયાભરના દેશોની નજર આ ચૂંટણી પર છે. અત્યાર સુધીનાં સર્વેક્ષણો અને ઑપિનિયન પોલમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ૫૧ વર્ષના બરાક ઓબામા અને રિપબ્લિકન પાર્ટીના ૬૫ વર્ષના ઉમેદવાર મિટ રોમ્ની વચ્ચે બરાબરની ટક્કર રહી છે એટલે કે આ ચૂંટણીમાં કોણ જીતશે એ હજી પણ કોઈ દાવા સાથે કહી શકે એમ નથી. આ ચૂંટણી જીતવા માટે ઓછામાં ઓછા ૨૭૦ ઇલેક્ટ્રૉલ વોટ મેળવવા જરૂરી છે. છેલ્લા ઑપિનિયન પોલમાં ઓબામાએ તેમના હરીફ મિટ રોમ્ની કરતાં માત્ર ત્રણ પૉઇન્ટ વધારે મેળવ્યા હતા. આગામી ૧૭મી ડિસેમ્બરે અમેરિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. ઓબામા જો આ ચૂંટણી જીતશે તો બીજા વિશ્વયુદ્ધ પછી સતત બીજી ટર્મ માટે પ્રમુખપદની ચૂંટણી જીતનાર બીજા ડેમોક્રેટિક નેતા બનશે.

કાંટે કી ટક્કર

ઓબામા અને રોમ્ની તેમના ૧૮ મહિના લાંબા ચૂંટણીઅભિયાનના છેલ્લા દિવસ સુધી મતદાતાઓને રીઝવવાના પ્રયાસો કર્યા હતા. સૌથી વધારે વસ્તી ધરાવતા અમેરિકાનાં ૧૦ રાજ્યોના વોટ કોને મળે છે તેને આધારે પ્રમુખ નક્કી થશે. વોશિંગ્ટનસ્થિત પ્યુ રિસર્ચ સેન્ટર નામની પ્રતિષ્ઠિત સંસ્થાએ કરેલા લેટેસ્ટ સર્વેમાં ઓબામાને ૪૮ અને રોમ્નીને ૪૫ પૉઇન્ટ મળ્યાં હતા. વૉશિંગ્ટન પોસ્ટના સર્વેમાં રોમ્ની અને ઓબામા બન્નેને ૪૮ પૉઇન્ટ અપાયા હતા એટલે કે તેમની વચ્ચે ટાઇ થશે એવી આગાહી છે. જો આમ થશે તો પ્રતિનિધિ સભા પ્રમુખ નક્કી કરશે. આ સભામાં રોમ્નીની રિપબ્લિકન પાર્ટી બહુમત ધરાવે છે. જ્યારે અમેરિકી ન્યુઝ ચૅનલ સીએનએનના સર્વેમાં પણ આ બન્ને નેતાઓને ૪૯ પૉઇન્ટ અપાયા હતા. ૧૮ મહિના લાંબા ચૂંટણીપ્રચારમાં ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન ઓબામાના સ્ટાર પ્રચારક પુરવાર થયા હતા, જ્યારે રિપબ્લિકન પાર્ટીના ઉપપ્રમુખપદના ઉમેદવાર પૉલ રાયન રોમ્નીના સ્ટાર પ્રચારક હતા.

છેલ્લી ઘડી સુધી આક્રમક પ્રચાર

ચૂંટણીપ્રચારનો અંત આવ્યો ત્યાં સુધી ઓબામા અને રોમ્ની વચ્ચે એકબીજા પર તીખા શાબ્દિક પ્રહારો થતા રહ્યા હતા. છેલ્લા દિવસે ઓબામાએ રોમ્નીને એક એવા સેલ્સમૅન ગણાવ્યા હતા, જે આઉટડેટેડ થઈ ચૂકેલા વિચારોને નવા ગણાવીને વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે. રવિવારે ફ્લોરિડામાં ઓબામાએ કહ્યું હતું કે આ ચૂંટણીમાં માત્ર બે પાર્ટી કે બે ઉમેદવારો વચ્ચેની પસંદગી નથી પણ અમેરિકા માટેના બે જુદા-જુદા વિઝનમાંથી પસંદગી કરવાની છે. આ તરફ પેન્સિલવેનિયામાં રોમ્નીએ બહેતર ‘અમેરિકા માટે સાચું પરિવર્તન લાવવાની ખાતરી આપતાં કહ્યું હતું કે હું અને પૉલ રાયને પહેલા જ દિવસથી અમેરિકામાં રિયલ ચેન્જ લાવવાની શરૂઆત કરી દઈશું.’

મિટ રોમ્ની અને બરાક ઓબામા : કિસમેં હૈ કિતના દમ?

મિટ રોમ્ની


રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર મિટ રોમ્નીએ અત્યાર સુધી બરાક ઓબામાને જોરદાર ટક્કર આપી છે. અગાઉ સફળ બિઝનેસમૅન અને મસાચસ્ટ્સ સ્ટેટના ગર્વનર રહી ચૂકેલા રોમ્ની પાસે કદાવર નેતાની ઇમેજ અને ફન્ડ આપવા તૈયાર હજારો લોકોનું મજબૂત નેટવર્ક છે. ૨૦૦૨માં સૉલ્ટ લેક સિટી વિન્ટર ઑલિમ્પિકનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ તેમની પ્રશંસા થઈ હતી. મસાચસ્ટ્સના ગર્વનર તરીકે તેમણે હેલ્થ સેક્ટરમાં અનેક સુધારા કર્યા હતા. જોકે તેઓ સજાતીય સંબંધોને માન્યતા આપવાના વિરોધી છે. જ્યારે તેમના હરીફ બરાક ઓબામાએ તેનું જોરદાર સમર્થન કર્યું છે. રોમ્ની પર એવા આરોપ થયા હતા કે રૂઢિચુસ્તોને મનાવવા માટે તેઓ સજાતીય લગ્નોને માન્યતા આપવાનો વિરોધ કરી રહ્યા છે. અગાઉ થયેલા ઑપિનિયિન પોલમાં તેમણે બે વખત ઓબામા સામે પાતળી સરસાઈ મેળવી હતી. એટલું જ નહીં, ઓબામા સાથેની પહેલી ડિબેટમાં પણ તેઓ છવાઈ ગયા હતા.

બરાક ઓબામા

અમેરિકી ઇકૉનૉમીને મંદીના ઓછાયામાંથી બહાર કાઢવાના પ્રયાસોમાં ભલે ઓછા પૉઇન્ટ મળે, પણ અદ્ભુત વાકછટા અને પર્સનાલિટીને કારણે મતદાતાઓમાં લોકપ્રિય હોવાથી ઓબામાના જીતવાના ચાન્સ છે. જો તેઓ જીતશે તો બીજા વિશ્વયુદ્ધ પછી તેઓ સતત બીજી વખત પ્રમુખ બનનાર બીજા ડેમોક્રેટિક નેતા બનશે. ૨૦૦૮માં તેઓ પ્રમુખ બન્યા એ પછી અમેરિકા સતત મંદીમાં ફસાતું ગયું હતું અને દેશમાં રોજગારીની તકોમાં પણ ઘટાડો થયો હતો. આ જ વાતને લઈને રોમ્ની તેમને વોટ નહીં આપવા લોકોને સમજાવી રહ્યા છે. તેમના વિરોધીઓએ એવો પણ પ્રચાર કર્યો હતો કે ઓબામા મુસ્લિમ છે અને ખાનગી રીતે તેનું પાલન કરે છે. જોકે ઓબામાએ આ વાતનું ખંડન કર્યું હતું. ઓસામા બિન લાદેનની હત્યા ઓબામાની કારકિર્દીની મોટી સફળતા છે. આ ઉપરાંત ૧૮ મહિના લાંબા ચૂંટણીપ્રચાર દરમ્યાન પણ તેમણે જોરદાર રીતે પોતાનો પક્ષ રજૂ કરીને લોકોને પ્રભાવિત કર્યા હતા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK