મિશેલ, મેં તને આજ જેટલો પ્રેમ અગાઉ કદી નથી કર્યો : ઓબામા

Published: 8th November, 2012 08:14 IST

ઐતિહાસિક જીત બાદ પત્ની મિશેલ પર ઓવારી ગયા ઇમોશનલ ઓબામા, જીત પછી શિકાગોમાં આપેલા ભાવુક ભાષણમાં અમેરિકનોને થૅન્ક્સ કહ્યું અને તેમને આપેલું પ્રૉમિસ પાળવાની ખાતરી આપીઅમેરિકાના પહેલા અશ્વેત પ્રમુખ તરીકે બીજી વખત ચૂંટાઈ આવ્યા બાદ બરાક ઓબામાએ જીત બાદ શિકાગોમાં ભાવવાહી ભાષણ આપીને ટેકેદારોનો આભાર માન્યો હતો. પત્ની મિશેલ અને બન્ને દીકરી સાશા અને મલિના સાથે લોકોનો આભાર માનવા સ્ટેજ પર આવેલા ઓબામાએ કહ્યું હતું કે અમેરિકાના શ્રેષ્ઠ દિવસો હજી હવે આવશે. તેમણે આકરી હરીફાઈ માટે રોમ્નીને અભિનંદન પણ આપ્યાં હતાં. ખાસ વાત એ હતી કે તેમણે પત્ની મિશેલનો આભાર માનતા કહ્યું હતું કે ‘આજ જેટલો પ્રેમ મેં તને ક્યારેય કર્યો નથી. આખું અમેરિકા પણ તને દિલથી ચાહે એ જોઈને મને જેટલો ગર્વ થાય છે એટલો પહેલા ક્યારેય થયો ન હતો. સાશા અને મલિના તમે પણ મોટા થઈને તમારી મમ્મીની જેમ જ મજબુત અને સ્માર્ટ બનશો.’ તેમણે પોતાના વક્તવ્યમાં અમેરિકાનાં દેવાંમાં સતત થઈ રહેલા વધારા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. ગગનભેદી હર્ષનાદ કરતા હજારો લોકોને સંબોધતાં ઓબામાએ કહ્યું હતું કે ‘અમે (હું અને રોમ્ની) અત્યંત આક્રમક રીતે લડ્યા હતા અને તેનું કારણ એ હતું કે અમે બન્ને આ દેશને ચાહીએ છીએ અને તેના ભવિષ્યની અમને ચિંતા છે. રોમ્ની પરિવારે સતત અમેરિકાની સેવા કરી છે અને તેઓ કરતા રહેશે.’

ઓબામાએ રોજગારીની તકોમાં વધારો થાય એ માટે પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. આ સાથે તેમણે ઊર્જા ક્ષેત્રે આત્મનર્ભિર બનવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ઓબામાએ કહ્યું હતું કે ‘હવે રાજકારણનો વિચાર કરવાનો નથી. અમે હવે ભાવિને વધારે બહેતર બનાવવા માટે કામ કરીશું. અમે સાથે મળીને તમામ પડકારોનો સામનો કરીશું. હજી આપણે ઘણું આગળ જવાનું છે. આ જીત માટે હું અહીં ઉપસ્થિત તમામ લોકો અને બધા જ અમેરિકનોનો આભાર માનું છું.’

ઓબામા પર અભિનંદન-વર્ષા


અમેરિકાના પ્રમુખપદે ફરી ચૂંટાવા બદલ તમને હૃદયપૂર્વક અભિનંદન. છેલ્લાં ચાર વર્ષમાં અમેરિકા અને ભારત વચ્ચેની દોસ્તી ગાઢ બની છે. માત્ર પરસ્પરના સંબંધો જ નહીં, પણ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે પણ બન્ને દેશોએ સાથે મળીને કામ કર્યું છે. સમાન મૂલ્યોના સંવર્ધન માટે આવનારાં વર્ષોમાં પણ બન્ને દેશ સાથે મળીને કામ કરતા રહેશે.

- ડૉ. મનમોહન સિંહ,

ભારતના વડા પ્રધાન

ઓબામાની જીત અમેરિકનોએ તેમનામાં મૂકેલા વિશ્વાસનું પરિણામ છે. મને આશા છે કે તેમના કાર્યકાળ દરમ્યાન અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધારે સમૃદ્ધ બનશે.

-    આસિફ અલી ઝરદારી, પાકિસ્તાનના પ્રમુખ

બરાક ઓબામા અમેરિકાના અત્યંત સફળ પ્રમુખ છે. વૈશ્વિક અર્થતંત્રને મજબૂત બનાવવા તથા સિરિયામાં શાંતિ સ્થાપવા માટે તેમની સાથે મળીને કામ કરવા હું ઉત્સુક છું.

-    ડેવિડ કૅમેરન,  બ્રિટનના પ્રમુખ

મને આશા છે કે આંતરરાષ્ટ્રીય સલામતી અને સ્થિરતાના હિતમાં અમેરિકા-રશિયા વચ્ચેના સંબંધોમાં એક નવી હકારાત્મક શરૂઆત થશે.

- વ્લાદિમીર પુતિન, રશિયાના પ્રમુખ

પ્રમુખ તરીકે ઓબામાના પ્રથમ કાર્યકાળ દરમ્યાન ચીન-અમેરિકા વચ્ચેના સંબંધોમાં હકારાત્મક વિકાસ થયો હતો. તેમની બીજી ટર્મમાં પણ બન્ને દેશો વચ્ચેના સંબંધો ગાઢ બનશે એવો મને વિશ્વાસ છે.

-    હુ જિન્તાઓ,  ચીનના પ્રમુખ

આર્થિક અને વિદેશ નીતિના મહત્વને મુદ્દે અમેરિકા અને જર્મની હંમેશાં એકમેકની પડખે રહ્યા છે. ભવિષ્યમાં પણ બન્ને દેશો સાથે મળીને કામ કરતા રહેશે.

- ઍન્જેલા મર્કેલ, જર્મનીના  ચાન્સેલરLoading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK