ઓબામાએ મનમોહનનાં વખાણ કરેલાં એ શબ્દોના સાથિયા નહોતા

Published: 16th October, 2011 19:02 IST

આપણે ત્યાં તેમની છાપ નબળા નેતા તરીકેની છે, પણ વિશ્વમાં તેમની ગણના દૂરંદેશી ધરાવનારા શાણા રાજપુરુષોમાં થાય છે. વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે દેશની સુરક્ષા સામેના પડકારો સમજાવતાં જે કેટલીક વાતો કરી છે એ મહત્વની છે. જવાનોને સંબોધતાં તેમણે બે વાત અગત્યની કરી છે. તેમણે કહ્યું હતું કે વિશ્વની મહાસત્તાઓ અત્યારે પોતાના ઘરઆંગણાની સમસ્યાઓમાં અટવાયેલી છે માટે આપણી સુરક્ષાની સમસ્યા બીજા હલ કરી આપે એવી અપેક્ષા રાખવાનું હવે ટાળવું જોઈએ.(નો નૉન્સેન્સ - રમેશ ઓઝા)

તેમનો ઇશારો મુખ્યત્વે અમેરિકા તરફ છે. અમેરિકા મંદીમાં સપડાયેલું છે. આ ઉપરાંત યુરોપના દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા છે. જે અમેરિકન મિડલ ક્લાસ વૉલ સ્ટ્રીટ પર ફિદા હતો એ હવે વૉલ સ્ટ્રીટ સામે ધરણાં કરી રહ્યો છે. અમેરિકાએ ઇરાક અને અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાની તૈયારી શરૂ કરી દીધી છે.

દેશ અભૂતપૂર્વ સુરક્ષાસંકટનો સામનો કરી રહ્યો છે. ૧૯૬૫માં અને ૧૯૭૧માં જે પડકારો નહોતા એ આજે છે. એ સમયે પાકિસ્તાનમાં સરકાર હતી અને સરકારના હાથમાં પાકિસ્તાનનું તંત્ર હતું. આજે પાકિસ્તાનમાં સરકાર નામની છે અને પાકિસ્તાનના તંત્રનો દોર તેના હાથમાંથી છૂટી ગયો છે. પાકિસ્તાન પાસે અણુશસ્ત્રો છે અને દેશ પર કબજો ત્રાસવાદીઓનો છે. માટે જ મેં ગયા અઠવાડિયે આ કૉલમમાં લખ્યું હતું કે જગતની ફોજદારી કરનારા અમેરિકાએ પાકિસ્તાનનાં અણુશસ્ત્રોનો કબજો લઈ લેવાનું છેલ્લું પાપ કરી લેવું જોઈએ. એ પછી અમેરિકા જગતની ફોજદારી કરવાનું બંધ કરે કે કરવાની  સ્થિતિમાં ભલે ન રહે, પણ આપણા પરનું જોખમ ઘટી જશે.

એક યુગ હતો જ્યારે ભારત ભાંખોડિયાં ભરતું હતું અને અમેરિકા એને અવરોધતું હતું. શીત યુદ્ધના એ દિવસોમાં ભારત તટસ્થ રાષ્ટ્રોના જૂથનું નેતૃત્વ કરતું હતું અને માટે એ અમેરિકાથી દૂર હતું. આ ઉપરાંત ભારતની સોવિયેટ રશિયા સાથેની પ્રમાણમાં ઘનિષ્ઠ મૈત્રી અમેરિકાને ખૂંચતી હતી. પાકિસ્તાન અમેરિકાની નજીક હતું. સોવિયેટ રશિયા અને ચીન પર નજર રાખવા માટે અમેરિકાને પાકિસ્તાનનો ખપ હતો અને પાકિસ્તાન અમેરિકાને કામમાં આવવા તત્પર હતું. પાકિસ્તાને પોતાની ભૂમિનો પરાઈ સત્તા માટે ઉપયોગ થવા દીધો અને એની કિંમત આજે પાકિસ્તાન ચૂકવી રહ્યું છે. પાકિસ્તાનજન્ય અને અમેરિકાપોિષત ત્રાસવાદે આજે પાકિસ્તાનનું ધનોતપનોત કાઢી નાખ્યું છે.

૧૯૯૦ પછીથી બીજો યુગ શરૂ થયો જેમાં અમેરિકા ભારતને આગળ લાવવા પ્રોત્સાહન આપવા લાગ્યું. ૧૯૯૧માં શીત યુદ્ધનો અંત આવ્યો. અમેરિકાને પાકિસ્તાનનો ખપ મટી ગયો અને નવા વૈશ્વીકરણના યુગમાં અમેરિકા માટે ભારતનો ખપ વધી ગયો. અવરોધવાનો યુગ સાડાચાર દાયકા જેટલો લાંબો ચાલ્યો, જ્યારે પ્રોત્સાહન આપવાના દિવસો બે દાયકામાં પૂરા થવા આવ્યા છે. આનું કારણ એ છે કે સામ્યવાદ અને મૂડીવાદ વચ્ચેના મિથ્યા શીત યુદ્ધની કિંમત જેમ રશિયાએ ચૂકવી છે તેમ અમેરિકાએ પણ ચૂકવવી પડી રહી છે. રશિયા રાજકીય અને આર્થિક રીતે ૧૯૯૧માં પડી ભાંગ્યું અને અમેરિકા આર્થિક રીતે અત્યારે પડી ભાંગવાની સ્થિતિમાં છે. ભોઈની પટલાઈ કરવામાં આવક કરતાં જાવક વધુ હોય તો આવું થાય. અમેરિકાની હરીફાઈ કરવામાં રશિયા બરબાદ થઈ ગયું અને હવે અમેરિકા ગામની પંચાત કરવામાં બરબાદી તરફ આગળ વધી રહ્યું છે.

વડા પ્રધાને ક્ષિતિજ પર નજરે પડતી વાસ્તવિકતા તરફ ઇશારો કર્યો છે. હવે એવો યુગ શરૂ થયો છે જેમાં કોઈ મહાસત્તા તમારા માર્ગને અવરોધી શકે તેમ નથી અને બાવડું ઝાલીને ચાલતા કરી શકે તેમ નથી. વિશ્વ કદાચ ખરા અર્થમાં રાષ્ટ્રકુળ બની રહ્યું છે.

ડૉ. મનમોહન સિંહે આ વાતના સંદર્ભમાં બીજી મહત્વની વાત કરી છે. જેમ દાદાગીરીની કિંમત ચૂકવવી પડતી હોય છે તેમ એકલપંડા થવાની પણ કિંમત ચૂકવવી પડતી હોય છે. તમારા વિકાસનો લાભ તમે તમારા પાડોશી સાથે નહીં વહેંચો તો તમે શાંતિથી જીવી નહીં શકો. ભારતના વિકાસ સાથે ભારતના પાડોશી દેશોનો વિકાસ થાય એ જોવાની જવાબદારી આપણી છે એમ મનમોહન સિંહ કહે છે. સમૃદ્ધિ વહેંચવા માટે છે, કોઈને આંજી દેવા માટે કે દબાવવા માટે નથી. ૨૧મી સદીનો આ રોડ-મૅપ છે. આત્મનર્ભિર બનો અને વહેંચીને ખાઓ. સામ્રાજ્યવાદ અને મૂડીવાદનો અંત આવી રહ્યો છે.

આવી પયગંબરી ભાષામાં જગતના બદલાતા વહેણ વિશે વાત કરનારા ડૉ. મનમોહન સિંહની ગણના વિશ્વના દૂરંદેશી ધરાવનારા શાણા રાજપુરુષોમાં થાય છે. ગયા વષ્ોર્ સપ્ટેમ્બર મહિનામાં ડૉ. મનમોહન સિંહ અમેરિકા ગયા ત્યારે અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ કહ્યું હતું કે ‘વેન ડૉ. મનમોહન સિંહ સ્પીક્સ, હોલ વર્લ્ડ લિસન્સ ટુ હિમ.’ આ શબ્દોના સાથિયા નહોતા, આમાં તથ્ય છે.

નવા યુગમાં નવી શાસનદૃષ્ટિ વિકસે અને તેવા, નવી દૃષ્ટિ ધરાવનારા નેતાઓ જગતને મળતા થાય એ સારુ ઑક્સફર્ડ યુનિવર્સિટીએ એક નવો વિભાગ શરૂ કર્યો છે. બ્લેવેટનિક સ્કૂલ ઑફ ગવર્નમેન્ટ નામની વિદ્યાપીઠ ક્વૉલિટી ઑફ ગવર્નન્સ અને ક્વૉલિટી ઑફ લીડરશિપ પર સંશોધન કરશે અને નેતાઓની નવી પેઢીને તાલીમ આપવાનું કામ કરશે. વિશ્વમાં આ પ્રકારની આ પહેલી વિદ્યાપીઠ શરૂ થઈ રહી છે જે માટે રશિયન-અમેરિકન ઉદ્યોગપતિ લિયોનાર્ડ બ્લેવેટનિકે ૧૦ કરોડ ડૉલર્સ ઑક્સફર્ડ યુનિવર્સિટીને આપ્યા છે. આવી કૉલેજની કલ્પના અને એને અમલમાં મૂકવાની યોજના ડૉ. મનમોહન સિંહની છે. એનો અભ્યાસક્રમ પણ મનમોહન સિંહે તૈયાર કરી આપ્યો છે.

ભારતમાં મનમોહન સિંહની છાપ નબળા નેતાની છે, કારણ કે આપણા મનમાં શાસકોની જે છબી રૂઢ થયેલી છે એની સાથે મનમોહન સિંહની છબીનો મેળ નથી ખાતો. તેઓ મિતભાષી છે. તેઓ ઘાંટા પાડીને અને મુક્કા પછાડીને વાત નથી કરતા. લોકોને રાજી રાખવા જાહેર સભામાં એક વાત અને કૅબિનેટમાં એનાથી તદૃન વિપરીત વાત મનમોહન સિંહ નથી કરતા. બ્લેવેટનિક સ્કૂલ ઑફ ગવર્નમેન્ટ ડૉ. મનમોહન સિંહ જેવા નેતાઓ તૈયાર કરવામાં સફળતા મેળવશે તો વિશ્વને કમ સે કમ એક ફાયદો થશે; શબ્દાળુતા, ઢોંગ અને ખોટા આવિર્ભાવથી વિશ્વ-રાજકારણને મુક્તિ મળશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK