Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગંજીફાનાં બાવન પાનાંમાં હાથચાલાકી છે

ગંજીફાનાં બાવન પાનાંમાં હાથચાલાકી છે

28 February, 2021 02:14 PM IST | Mumbai
Dr. Dinkar Joshi

ગંજીફાનાં બાવન પાનાંમાં હાથચાલાકી છે

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


ગંજીફાની કોઈ ને કોઈ રમત કોઈ રમ્યું જ ન હોય એવું બનવું સંભવિત નથી. ગંજીફામાં બાવન પાનાં અને ચાર જાત હોય છે; કાળી, ફુલ્લી, લાલ અને ચોકટ. આ સાવ નાનકડી લાગતી દુનિયામાં અસંખ્ય રમત રમાય છે. આ રમતમાં બુદ્ધિચાતુર્ય, છેતરપિંડી, ગણતરીપૂર્વકની ચાલબાજી આવું ઘણું-ઘણું થાય છે. કલાકો સુધી રમ્યા પછી પણ એનો અંત ન આવે અને માણસ એમાં પોતાની જાતને પણ ખોઈ નાખે એવા ખેલ એમાં ખેલાય છે. જોતજોતામાં આ પત્તાંની સૃષ્ટિ માણસને એવા ઊંડા ખેલમાં લઈ જાય છે કે માણસ પોતે કશું સમજી જ ન શકે. આમાં કશું હોતું નથી. આ એક હાથચાલાકીની અદ્ભુત સૃષ્ટિ છે.

જાદુની દુનિયા



જેકંઈ આપણે સમજતા નથી એને આપણે જાદુ માની બેસીએ છીએ. સેંકડો વર્ષો પહેલાં સૂર્યનું ઊગવું કે આથમવું, માણસનો જન્મ અને મૃત્યુ, વરસાદ અને દુષ્કાળ એ બધું સમજાતું નહોતું. કદાચ ઈશ્વર વિશે પણ આપણને કશી ખબર નહોતી. આદિમાનવને એ વખતે આ બધું સમજાયું ન હોય એટલે એને જાદુ માની લીધું. પછી વિજ્ઞાને સમજાવ્યું. જેમ-જેમ વિજ્ઞાન સમજાયું એમ-એમ આનો ઉકેલ મળતો ગયો. ગંજીફાનાં પત્તાંમાં પણ આવું જ કંઈક થાય છે. આપણે નાના હતા ત્યારે કોઈક વડીલ મામા કે કાકા ગંજીફાની જોડી પોતાના હાથમાં લઈને આવી કોઈક રમત દેખાડતા. હાથમાં ત્રણ પત્તાં હતાં એમાંથી તમારી નજર સામે જ ચાર કેવી રીતે થઈ ગયાં? તમારા હાથમાં લાલનો બાદશાહ હતો એ છૂમંતર કરવાથી કાળીનો બાદશાહ કેવી રીતે બની ગયો? આવા બધા ખેલ મામા કરતા, કાકા કરતા અને આપણે સૌ છક થઈ જતા. મામા કે કાકાને ગળે વળગીને રઢ લેતા કે આ જાદુ અમને શીખવાડો. મામા શીખવાડતા નહીં અને હસતાં-હસતાં કહેતા...


‘અરે, એ એમ ન શિખાય. ૧૨ વર્ષ તપ કરવું પડે. કાળીચૌદસની રાતે સ્મશાનમાં ભૂતડાને રાજી કરવા પડે.’

આજે આપણને ખબર પડે છે કે આમાંનું કશું નહોતું. જે નહોતું એને એટલુંબધું પ્રચંડ માનતા કે જે છે એ સમજાતું જ નહીં.


મને બધી ખબર છે

કશુંક જાણવું બહુ મોટી વાત છે. જાણી લીધા પછી હું જાણું છું એટલી જાણકારી ભૂલવી નહીં એ એનાથી પણ મોટી વાત છે. મોટી વાત છે એટલે સારી વાત છે એમ માની લેવાની જરૂર નથી. હું જાણું છું એ વાત જાણ્યા પછી ભૂલી જવી એ વધારે મોટી વાત છે અને આ વધારે મોટી વાત સમજી લેવાની વધારે જરૂર છે. ઘણું ખરું બને છે એવું કે માણસ મને બધી ખબર છે એ વાત ભૂલી શકતો નથી. ગંજીફાનાં બાવન પત્તાંમાં હાથચાલાકી છે. કાળી, ફુલ્લી, લાલ કે ચોકટ એ ચાર જાતમાં બુદ્ધિકૌશલ અને સામેવાળાનો ગેરલાભ લેવાની આવડત હોય છે. કેટલીયે વાર આમાં સ્મરણશક્તિ અને ગાણિતિક શક્તિ હોય, પણ આ બધું હોવા છતાં એ જ્ઞાન નથી, આવડત છે. એનાથી પ્રતિસ્પર્ધીને પ્રભાવિત કરી શકાય છે, પણ પોતાની જાતને સુધારી શકાતી નથી.

એકથી દસ અને બાકીનું બધું

આ સમગ્ર સૃષ્ટિમાં જેકાંઈ રચના છે એ સર્વત્ર ગણિત છે. પ્રકૃતિમાં ગાણિતિક ચોકસાઈ વિના કશું નથી હોતું. દરેકને પોતાનાં ચોક્કસ કારણો હોય છે. આ કારણો આપણે સમજી શકતા નથી એ આપણું અજ્ઞાન છે. ગંજીફામાં ભલે બાવન પત્તાં હોય, પણ આ બાવન પત્તાં વચ્ચે આખું ગણિત ૧થી ૧૦ નું જ હોય છે. ૧થી ૧૦ની આગળ જઈએ તો ગણિત તો છે જ, એ ગણિતને હવે આંકડાની જરૂર નથી હોતી. વહેવારમાં જેમ ૧૧થી કરોડ અને અબજોના આંકડા હોય, પણ એ બધા ૧થી ૧૦ની વચ્ચે જ હોય છે. આ આંકડાનું મૂલ્ય વધતું જાય છે, પણ એને સમજવા વધારાની સંખ્યા મૂકવી નથી પડતી. ગંજીફામાં આ વધારે મૂલ્યવાન સંખ્યા આંકડાના ગણિત વિના જ સમજવા માટે ચાર ચિત્રો આપ્યાં છે. આ ચા‍ર ચિત્રો દરબારી છે. ગુલ્લો, રાણી, રાજા અને એક્કો. રાજા સૌથી મોટો, પણ એક્કો કોઈ પણ ચિત્ર વિના સૌથી ઉપરવટ. વહેવારિક દુનિયાદારીમાં આપણને અમુકતમુક ચીજવસ્તુ સર્વોપરી લાગતી હોય એવું બને, પણ ઈશ્વરની આ સૃષ્ટિમાં કશુંય સર્વોપરી નથી. ગુજરાતી કવિ અખાએ એવું લખ્યું છે કે ‘અખા, આ બાવનનો વિસ્તાર ત્રેપનમો અક્ષર હજાર હાથવાળો છે. એ બાવનેય પત્તાંને કબજે કરી શકે (ગંજીફાની રમતમાં ત્રેપનમું પાનું જોકર છે). આ જોકર આમ તો સૌથી હાસ્યાસ્પદ વિદૂષક ગણાય, પણ આ વિદૂષક બાકીનાં બાવન પાનાંને જીતી શકે છે.

ગંજીફો ઃ આદિ અને અનંત

ગંજીફાનાં બાવન પાનાંની શોધ કોણે અને ક્યારે કરી એ વિશે ભારે મતભેદ છે. ઘણા દેશો અને ઘણા વિદ્વાનો જુદા-જુદા દાવા કરે છે. કદાચ કોઈ કશું જાણતું નથી. ગંજીફાની ડિઝાઇન વખતોવખત બદલાતી રહે છે. સ્થળ અને કાળના સંદર્ભમાં જુદા-જુદા ગંજીફા મળે છે. આની સચ્ચાઈ તો એકમાત્ર ઉપરવાળો જ જાણે!

અને એટલે જ આ ગંજીફો એક શાશ્વત રમત છે. સૌ એમ માને છે કે આ મને આવડે છે અને છતાં જાણે છે કે આ રમત હજી તેને આવડતી નથી. મને ગંજીફો આવડે છે એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. અજ્ઞાનને કોઈ સીમાડા ન હોય. એ અસીમ અને અપાર હોય. ‘મને બધી ખબર છે’ એ ગંજીફો છે. પેલું ત્રેપનમું પાનું જોકર આવું કહેનાર સામે જોઈને હસે છે. નાનપણમાં મામા કે કાકા ગંજીફાની જે રમત કે જે જાદુનો ખેલ દેખાડતા ત્યારે અભિભૂત થઈને આપણે તેમને ગળે વળગી પડતા, ‘બસ! આ ખેલ અમને શીખવો ને શીખવો જ.’ આજે હવે કેટલાક ખેલ શીખી ગયા પછી મામાને કે કાકાને આટલું કહીએ એમાં જ સચ્ચાઈ છે: હજી એકેય ખેલ નથી આવડ્યો કાકા, નવા ખેલ શીખવોને! આટલું કહીને પહેલાં ગંજીફા પાસે માથું નમાવીને હળવેકથી કહેવાનું...

 ‘નહોતું જાણ્યું ત્યારે જાણ્યું કે નથી જાણ્યું,

જાણું છું ત્યારે જાણું છું કે નથી જાણ્યું.’

માયાવી મહેલ

ગંજીફાની આ અદ્ભુત સૃષ્ટિમાં સૌથી માયાવી એનો મહેલ છે. ફૂંક મારે ત્યાં ઊડી જાય એવાં આ પત્તાંને ગોઠવીને મહેલ બનાવવામાં આવે છે. જે મહેલ પેઢીઓ સુધી ઇતિહાસમાં રહેવો જોઈએ એ મહેલ પૂરો ચણતાં પહેલાં ત્રણ જ મિનિટમાં તૂટી જાય છે અને છતાં આપણે આ ગંજીફાનો મહેલ નવી-નવી યુક્તિ-પ્રયુક્તિઓથી બનાવીએ છીએ. મૂળ વાત મહેલની નથી, પણ મહેલના ઓઠા હેઠળ આપણો સમય સરસ અને સંગીન બનાવવાની હોય છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં) 

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2021 02:14 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK