કિસ્સો પહેલો
અમદાવાદના ખ્યાતનામ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ હમણાં એક જાણીતા સાઇકિયાટ્રિસ્ટને મળવા ગયા. તેમનો પ્રશ્ન હતો કે પોતે બે દસકાથી દારૂની લત છોડી દીધી છે, પણ તેમની વાઇફ અને દીકરી બન્નેને શરાબ વિના ચાલતું નથી અને એ આદતને કારણે હવે ઘરમાં કજિયા વધવા માંડ્યા છે. જાણીતા સાઇકોલૉજિસ્ટ વિજય નાગેચા કહે છે, ‘એક સમય હતો જ્યારે હસબન્ડની દારૂની લત માટે વાઇફ આવતી, પણ છેલ્લાં દોઢ-બે વર્ષથી ઊંધું થાય છે. હવે વાઇફની લતથી પુરુષો કંટાળ્યા છે અને આ લત છોડાવવા શું કરવું એની પૃચ્છા કરવા તેઓ આવે છે. સ્ત્રીઓની લત છોડાવવી અઘરી છે એવું તેમને લાગવા માંડ્યું છે.’
કિસ્સો બીજો
અંકલેશ્વરના જાણીતા ડૉક્ટરની ફરિયાદ છે કે તેમની વાઇફને જો રાતે ડ્રિન્ક્સ ન મળે તો તે રીતસર અકળાઈ ઊઠે છે અને ઝઘડા કરે છે. ડૉક્ટરે ડ્રિન્ક્સ પર કન્ટ્રોલ કરાવવા માટે અનેક જાતના પ્રયત્ન કર્યા, પણ કોઈ રીતે તેમને સફળતા મળી નહીં, ત્યાં સુધી કે વાઇફે હાર્ડ ડ્રિન્ક્સ માટે પણ પોતાની રીતે વ્યવસ્થા કરવાનું ચાલુ કરી દીધું. હસબન્ડે ઘરનો બધો હિસાબ પોતાના હાથમાં લઈ લીધો, જેથી એક પણ રૂપિયો તે પોતાની રીતે ખર્ચી ન શકે તો વાઇફે એક વાર પોતાની ગોલ્ડ રિંગ વેચીને દારૂની વ્યવસ્થા કરી. સુરતના જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘આ વાત વધારે પડતી એટલે લાગે છે કે એક મહિલાએ આ સ્ટેપ લીધું છે અને એ પણ ગુજરાતમાં, જ્યાં દારૂબંધી છે. અત્યારે જે મૉડર્ન ફૅમિલી છે એમાંથી મોટા ભાગના ઘરની મહિલા-મેમ્બર સ્ટેટસના નામે ડ્રિન્ક્સ લેતી થઈ છે, પણ એ ક્યારે આદત બની ગઈ એની તેને ખબર નથી, જે ખરેખર ચિંતાનો વિષય છે.’
આ અને આવા અનેક શરમજનક કિસ્સાઓ ગુજરાતના છે, જે ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે. આંખોમાં રહેલી શરમને બેવડાવે એવી વાત તો હવે આવે છે. ગુજરાતમાં કરવામાં આવેલા નેશનલ ફૅમિલી હેલ્થ સર્વેના આંકડા મુજબ ૧૫ કે એથી વધુ ઉંમરની મહિલાઓના દારૂ-સેવનની ટકાવારીના આંકડાઓમાં વધારો થયો છે. આ વધારો જોવો હોય તો એની સરખામણી ૨૦૧૫–’૧૬માં કરવામાં આવેલા સર્વે સાથે કરવી. ૨૦૧પ-’૧૬માં થયેલા સર્વેની સરખામણીમાં ગુજરાતમાં જે મહિલાઓ દારૂ પીએ છે એની ટકાવારી ડબલ થઈ છે. હા, આ સત્ય હકીકત છે. જો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારને જુદા કરીને જોવામાં આવે તો શરમ હજી પણ વધારે પહોળી થાય છે. અર્બન કરતાં રૂરલ વિસ્તારમાં આ ટકાવારી હજી પણ ઊંચી છે એટલે કે નાના ગામની મહિલાઓ વધારે દારૂ પીતી થઈ છે. આ જે આંકડાઓ છે એ આંકડાઓ માત્ર પરમિટ-હોલ્ડરના જ નહીં, પણ એમાં ઇલીગલી દારૂ પીનાઓનો પણ સમાવેશ છે.
વાત આગળ વધારતાં પહેલાં આપણે આંકડાઓ જોઈએ.
૨૦૧૯-’૨૦ના નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે મુજબ ૧૫થી વધુ ઉંમરની જે મહિલાઓ દારૂ પીએ છે તેની અર્બનમાં ટકાવારી ૦.૩ ટકા છે, જ્યારે રૂરલમાં ૦.૮ ટકા છે. આ આંકડા ૨૦૧પ-’૧૬માં ૦.૧ ટકા (અર્બનની મહિલાઓ) અને ૦.૪ ટકા (ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ) હતી.
ગુજરાતના ૧૦માંથી ૭ સાઇકિયાટ્રિસ્ટે ‘મિડ-ડે’ પાસે કબૂલ કર્યું કે એક સમયે દારૂ નશાની નજરે જોવાતો, પણ હવે એ સ્ટાઇલ-સ્ટેટમૅન બની ગયો હોય એવું લાગે છે તો સાથોસાથ એક કારણ એ પણ છે કે હવેના સમયમાં કોઈની નાની એવી આદતને કારણે પછાત હોય એવું દેખાવા નથી દેવું, જેને લીધે તેઓ મિત્રોની સંગતમાં ડ્રિન્ક્સ લેતા થયા છે. અમુક ફૅમિલીમાં ડોમેસ્ટિક વાયલન્સને કારણે પણ દારૂ પીતા થઈ ગયા હોવાનું દેખાયું છે. કારણ કોઈ પણ હોય, પણ એ હકીકત છે કે ગાંધીના ગુજરાતમાં ગુજ્જુ મહિલાઓ દારૂની લતની બરાબરની હડફેટમાં ચડી છે. ગુજરાતના એક જાણીતા આઇપીએસ ઑફિસર હોદ્દાની રૂએ ઑફ ધ રેકૉર્ડ કહે છે કે બધું દેખાદેખીમાં શરૂ થયું છે એવું તો ચોક્કસ કહેવું જોઈએ. આજે એવી પરિસ્થિતિ છે કે ગુજરાતની મહિલાઓ માટે દિવસે-દિવસે દારૂ સામાન્ય બનતો જાય છે. દારૂ પહેલાં શરમ હતી, પણ હવે દારૂ સ્ટેટસ છે. આવું થતું હોવાને લીધે જ એક સામાન્ય સર્વે મુજબ, દારૂની પરમિટ લેનાર ૧૦માંથી બે વ્યક્તિ પોતાની પત્નીના નામે પરમિટ કઢાવે છે.
મહિલાઓમાં દારૂ પીવાની ટકાવારી વધી હોવા પાછળનાં કારણો વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી કહે છે, ‘સેન્સ ઑફ ફ્રીડમ અને અવેલેબિલિટી એટલે મળવાની શક્યતા. બીજી મહત્ત્વની વાત છે ઇક્વલિટીનો વિચાર. અમે પણ કરી શકીએ એવી માનસિકતા બહાર આવી હોય એવા ચાન્સ વધારે છે, જેને લીધે એવી માનસિકતા ડેવલપ થઈ હોઈ શકે કે પુરુષો એન્જૉય કરે તો અમે કેમ નહીં ? ઘણા કિસ્સામાં સ્ટ્રેસ બસ્ટર તરીકે પણ ડ્રિન્ક્સ લેતી હોય છે તો ઘણા હસબન્ડને કંપની આપવા પણ પીતી હોય છે. સામે એક વર્ગ એવો પણ છે જે તમને કહ્યો, હું પણ ડ્રિન્ક કરી શકું. શરૂઆતમાં કારણ જરૂરી નથી હોતું, પણ એ પછી આદત લાગી જતાં પીવાનું ચાલુ થઈ જાય છે.’
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની મહિલાઓમાં વધતાજતા દારૂના સેવન વશે વાત કરતાં પ્રશાંત ભીમાણી કહે છે, ‘મોબાઇલ હવે દરેકના હાથમાં આવી ગયો છે. ગામડાઓની મહિલાઓને ડેવલપમેન્ટથી દૂર નહીં રાખી શકો. દરેક સંદર્ભમાં ઇન્ફર્મેશન મળવા લાગી છે. ખાસ વાત તો એ છે કે ગામડાંઓ હવે ટાઉન્સ જેવાં બની ગયાં છે. પ્યૉર ગામડું રહ્યું નથી. દરેકના ઘરે ટીવી, લૅપટૉપ આવી ગયાં છે. ઘણા કિસ્સાઓમાં દેખાદેખીથી દારૂ પીવાનું કરતા હોય એવું બને. એક જગ્યાએ એક્સેપ્ટ કર્યું તો અમને શું વાંધો એમ કહીને દારૂના રવાડે ચડી જતા હોય છે.’
૪૦ વર્ષથી મહિલાઓ સાથે કામ કરતાં જાણીતાં કલાકાર મલ્લિકા સારાભાઈ મહિલાઓમાં વધતી દારૂ પીવાની લત વિશે વાત કરતાં કહે છે, ‘બહેનોમાં દારૂ પીવાનું પ્રમાણ વધ્યું એનાથી મને જરા પણ સરપ્રાઇઝ નથી. મારું માનવું છે કે સ્ત્રીઓ સામે વાયલન્સ ખૂબ વધી ગયાં, જેને લીધે ફ્રસ્ટ્રેશન-લેવલ વધ્યું છે. આવી જિંદગી જીવવાની જરૂર નથી કે પછી સાથે હોવા છતાં સંબંધો ન રહ્યા હોય એવા સમયે માણસ શરાબ પીતા થઈ જાય એવું બની શકે. આ ઉપરાંત રિયાલિટીનો ડિફરન્સ પણ મહત્ત્વનો ભાગ ભજવતો હોય એવું પણ બને અને વધતો સોશ્યલ મીડિયાનો વ્યાપ પણ મહત્ત્વનો રોલ કરે એવું પણ બને. મહિલા પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢે ક્યાં? પોતાના દુઃખ કે અપમાનને છુપાવવાનું પણ કારણ ડ્રિન્ક્સ હોઈ શકે. પહેલાં એવું હતું કે મહિલાઓ માની લેતી કે મારું તકદીર આવું જ છે, ચલાવી લો, પણ હવે મહિલા એવું માને છે કે હું શું કામ સહન કરું?’
સોશ્યલ ડ્રિન્કિંગની જે દલીલ થાય છે એ દલીલ વિશે વાત કરતાં મલ્લિકા સારાભાઈ કહે છે, ‘સોશ્યલ ડ્રિન્કિંગ જુદો જ વિષય છે. એમાં ક્યાંય પેઇન છુપાવવાની વાત નથી હોતી. ટેસ્ટ માટે કે મૂડ માટે એ પીવાય પણ ઠર્રામાં કે પછી દેશી દારૂમાં તમે કેવા ટેસ્ટની અપેક્ષા રાખી શકો. દેશી દારૂ કોઈ મજા માટે તો ન જ પીએ. પતિનું અફેર હોય કે પછી સસરા મહેણાં મારતા હોય એવા સમયે દારૂની લત કાયમ માટે લાગી જાય એવું બની શકે અને મોટા ભાગે રૂરલ વિસ્તારમાં તો આવું જ જોવા મળતું હોય છે.’
જો આ વાતને આધાર બનવાની ચર્ચા કરવાની હોય તો કહેવું પડે કે ગુજરાતમાં ડોમેસ્ટિક વાયલન્સનું પ્રમાણ વધ્યું છે, પણ એ બહાર આવતું ન હોવાથી ફ્રસ્ટ્રેશનના ભાગરૂપે દારૂ તરફ મહિલાઓ વળી છે, પણ આ સર્વાંગી સંપૂર્ણ સત્ય નથી જ નથી. કારણ કે આ આંકડાઓ સિવાયના આંકડાઓ જો તમે જોવાના શરૂ કરો તો તમને સમજાય કે ગુજરાતની મહિલાઓને વ્યસનની લત હવે લાગી છે.
એક સમયે હતો જ્યારે સિગારેટ પીનારી છોકરી પણ લોકો માટે જોણું બની જતું. આ વાત કોઈ સતી-સાવિત્રીના સમયની નથી થઈ રહી. પાંચ-સાત વર્ષ પહેલાંની જ આ વાત છે, પણ આજે સિગારેટ પીવાની વાત પણ હવે આઉટડેટેડ માનવામાં આવે છે. ગુજરાતની છોકરીઓ હવે ચરસ, ગાંજો અને હેરોઇન પણ લેતાં અચકાતી નથી. વડોદરા, વલ્લભ વિદ્યાનગર તો આને માટે ભારોભાર કુખ્યાત થઈ ગયું છે તો અમદાવાદ પણ હવે બદનામીના આ રસ્તા પર ચડી ગયું છે. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટી સંકળાયેલા એક પ્રોફેસર પોતે ઑલરેડી પોલીસના ખબરી બનીને યુનિવર્સિટીમાં ચાલતા નશાના વેપાર વિશે માહિતી આપવાનું કામ કરે છે. પ્રોફેસરના કહેવા મુજબ દેશઆખામાં જે કોઈ નશીલા પદાર્થ મળે છે એ બધા વડોદરામાં અવેલેબલ છે અને એમાંથી મોટા ભાગનું સેવન છોકરીઓ કરે છે. છોકરીઓની આવી આદતને લીધે જ હવે વડોદરાના સ્થાનિક લોકો એકલી છોકરીને ફ્લૅટ કે પછી પેઇંગ ગેસ્ટ તરીકે રાખવા તરત રાજી નથી થતા.
ડિલિવરીના જાતજાતના નુસખા
દારૂબંધી હોવાને કારણે ગુજરાતમાં દારૂની ડિલિવરીના જાતજાતના નુસખા શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસને મળેલી ઇન્ફર્મેશનના આધારે એ દારૂ પકડાયો પણ જો ઇન્ફર્મેશન ન મળી હોય તો કોઈ કાળે એ દારૂ પકડાયો ન હોત. કેવી-કેવી રીતે દારૂ ડિલિવર થાય છે એ જાણવા જેવું છે.
જામનગરના એક બૂટલેગરે દારૂની ડિલિવરી કરવા માટે ઍમ્બ્યુલન્સ ખરીદી હતી. ઍમ્બ્યુલન્સનું સામાન્ય સંજોગોમાં ચેકિંગ થતું નથી, પણ કમનસીબે ઇર્ન્મેશન મળી અને એ ઍમ્બ્યુલન્સ ચેક થઈ અને ભાંડો ફૂટી ગયો.
રાજકોટમાં દારૂની ડિલિવરી માટે મિલ્ક કૅનનો ઉપયોગ થતો હતો. દારૂ ભરેલા કૅનમાં બિયરનાં કૅન્સ મૂકી રાજકોટમાં ડિલિવરી થતી હતી. જો ચેક કરવામાં આવે તો ઉપર દૂધ જ જોવા મળે, પણ ઇન્ફર્મેશનના કારણે મિલ્કના તળિયે ડૂબેલાં કૅન પકડાયાં.
ભાવનગરમાં જીરાસોડાની બૉટલમાં દારૂ રિફીલ કરીને એ સપ્લાય કરવામાં આવતો હતો. જીરાસોડાની બૉટલને નવેસરથી સીલ કરવામાં આવતી હોવાથી કોઈ વિચારી નહોતું શકતું કે અંદર સોડા નહીં, પણ શરાબ ભર્યો છે.
દારૂ મોટા ભાગે રાતે પીવાતો હોવાથી એનું ચેકિંગ પણ સાંજના સમયે જ કરવામાં આવે એવો એક વણલખ્યો શિરસ્તો રહ્યો છે. આ પ્રથાનો ગેરલાભ લઈને મોરબીમાં વહેલી સવારે ૬ વાગ્યે દારૂની ડિલિવરી કરવામાં આવતી હતી. સવારના પહોરમાં કોઈ દારૂની ડિલિવરી કરવા જાય એવી તો કલ્પના પણ ન આવે, પણ ઇન્ફર્મેશનના આધારે અર્લી મૉર્નિંગની આ ડિલિવરી પકડાઈ.
પોરબંદરમાં કફ સિરપની બૉટલમાં દારૂ વેચવામાં આવતો હતો તો રાજકોટમાં શેરડીનો રસ વેચતી લારી પર બરફની બકેટમાં દારૂ રાખીને વેચવામાં આવતો હતો. આ બન્ને જગ્યાએ પણ ઇન્ફર્મેશનના આધારે રેઇડ પાડવામાં આવી અને દારૂ પકડાયો.
દારૂના વેપારમાં મહિલાઓ આગળ
હા, આ સાચું છે અને ગુજરાત પોલીસે આપેલા આંકડા મુજબ જ ગુજરાતમાં દારૂનો વેપાર કરનારા બૂટલેગરમાં દર એક પુરુષે બે મહિલા છે. આવું થવા પાછળનાં ઘણાં કારણો છે જે પૈકીનું એક દેખીતું કારણ એ છે કે મહિલાઓનું ચેકિંગ કરવામાં અડચણ આવતી હોય છે. મહિલા પોલીસ અધિકારીઓના કહેવા મુજબ મોટા ભાગની લેડી બૂટલેગર જો રીટેલ ડિલિવરી કરતી હોય તો એ પોતાની છાતીના ભાગમાં દારૂની કોથળી સંતાડતી હોય છે એટલે પુરુષ પોલીસ માટે શારીરિક ચેકિંગ દરમ્યાન તકલીફ ઊભી થાય. બીજું એક કારણ એ પણ છે કે મહિલાઓ પાસેથી દારૂ મળે ત્યારે એના પર હાથ ઉપાડવાની બાબતમાં પુરુષ સંયમિત થઈ જતો હોય છે. અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કહે છે, ‘પુરુષોએ આનો ભરપૂર લાભ લીધો, પણ પછી બન્યું એવું કે એને જોઈ જોઈને એ જ મહિલાઓ પણ લાઇનમાં આવી તો બીજી મહિલાઓએ પણ આ કામ શરૂ કરી દીધું.’
અમુક મહિલાઓ તો પોતાનાં સંતાનોની સ્કૂલ-બૅગમાં પણ દારૂ ભરીને એવી સહજ રીતે છોકરાને લઈને ડિલિવરી કરવા નીકળે છે જાણે છોકરાને સ્કૂલ કે ક્લાસમાં મૂકવા જતી હોય. છોકરો જો હોશિયાર હોય કે પછી તેની મમ્મીમાં લેશ માત્ર ઋજુતા ન હોય તો તે છોકરાને પણ ડિલિવરીના કામે લગાડી દે છે.
૪૨ - છેલ્લા એક વર્ષમાં ગુજરાતનાં આટલાં બ્યુટી પાર્લરમાં દારૂ વેચાતો પોલીસે પકડ્યો છે.
‘બૈરું ગયું પિયર ને ફ્રિજમાં પડ્યું બિયર...’
દારૂબંધી વચ્ચે પણ ગુજરાતમાં દારૂ પરનાં ગીતો બને છે, ગવાય છે. જોકે દારૂની બદી સામે જાગૃતિ ફેલાવતાં ગીતો પણ બન્યાં છે એ પણ સ્વીકારવું રહ્યું
‘મારે નો’તો પીવો ને મને પવરાયો, મધરો દારૂ મેંકે સે....’
તમે માનશો નહીં, પરંતુ દારૂ પર લખાયેલું અને ગવાયેલું આ ગીત એક સમયે ગુજરાતમાં ચાલ્યું હતું અને શોખીનો એને ઉત્સાહથી ગાતા હતા અને એનો આનંદ લેતા હતા.
ભલે ગુજરાતમાં દારૂબંધી હોય, પણ ગુજરાતમાં ગુજરાતી ભાષામાં જ દારૂ પર વખતોવખત ગીતો લખાઈ રહ્યાં છે અને ગવાઈ રહ્યાં છે. એમાં કેટલાંય ગીતો પૉપ્યુલર પણ થયાં છે. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે નાનામોટા પ્રસંગોમાં એ ગીતો પાછાં ગવાતાં હોય છે અને લોકો બિન્દાસ એના પર ડાન્સ કરતા-ઝૂમતા હોય છે. જોકે દારૂની બદી સામે જાગૃતિ ફેલાવતાં ગીતો પણ બન્યાં છે અને ગવાયાં પણ છે. જુઓ દારૂ પર કેવાં-કેવાં ગીતો બન્યાં છે...
‘ચાર પોંચ મઉડાના ફૂલડા તું લાયો,
એનો તેં દારૂડો પીધો રે,
દારૂડો પીધો તેં, પીધો અલ્યા પીધો...’
‘બૈરું જ્યારે પિયર જાય, ભઈનું જિગર ખૂલી જાય,
ભઈબંધોની યાદ આવે ટેન્શન બધા ભૂલી જાય.
બૈરું ગયું પિયર ને ફ્રિજમાં પડ્યું બિયર,
નથી કોઈ ડર ને નથી કોઇ ફિયર...’
‘ચડતી નથી, દારૂ મને ચડતી નથી,
ચડતી નથી, વ્હિસ્કી ચડતી નથી.
પ્રેમિકાની આવે મને યાદ,
બેવફાએ કર્યો બરબાદ.
હુજ કોંય પડતી નથી...’
‘હે તું દારૂ પીવે રંગમાં,
હે પછી ફરતો ખોટા સંગમાં,
આલ્કોહૉલ ભરી અંગેઅંગમાં, તું દારૂ પીવે રંગમાં...’
‘છોડી મેલ કઉં છું અલ્યા દારૂનું વ્યસન,
કરવી હોય તો કર અલ્યા થોડીઘણી ફૅશન...’
બહેનોમાં દારૂ પીવાનું પ્રમાણ વધ્યું એનાથી મને જરા પણ સરપ્રાઇઝ નથી. મારું માનવું છે કે સ્ત્રીઓ સામે વાયલન્સ ખૂબ વધી ગયાં, જેને લીધે ફ્રસ્ટ્રેશન-લેવલ વધ્યું છે. આવી જિંદગી જીવવાની જરૂર નથી કે પછી સાથે હોવા છતાં સંબંધો ન રહ્યા હોય એવા સમયે માણસ શરાબ પીતા થઈ જાય એવું બની શકે.
- મલ્લિકા સારાભાઈ
મોબાઇલ હવે દરેકના હાથમાં આવી ગયો છે ત્યારે ગામડાઓની મહિલાઓને ડેવલપમેન્ટથી દૂર નહીં રાખી શકો. ગામડાંઓ હવે ટાઉન્સ જેવાં બની ગયાં છે. પ્યૉર ગામડું રહ્યું નથી. ઘણા કિસ્સાઓમાં દેખાદેખીથી દારૂ પીવાનું કરતા હોય એવું બને. એક જગ્યાએ એક્સેપ્ટ કર્યું તો અમને શું વાંધો એમ કહીને દારૂના રવાડે ચડી જતા હોય છે.
- ડૉ. પ્રશાંત ભીમાણી, સાઇકોલૉજિસ્ટ