NSCIની દિલ્હી અને મુંબઈની રેસ્ટોરાંમાં કાંદાપુરાણ

Published: 26th November, 2014 05:16 IST

કેટલાક મેમ્બરોને છોલે-ભટૂરે સાથે કાંદા ન મળતાં સોશ્યલ મીડિયા પર ઉકળાટ ઠાલવ્યો




નૅશનલ સ્ર્પોટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા (NSCI)ની મુંબઈ અને દિલ્હીની ક્લબોની રેસ્ટોરાંઓમાં છોલે-ભટૂરે જેવાં વ્યંજનો સાથે કાંદા આપવાનું મૅનેજમેન્ટને મોંઘું પડી રહ્યું છે કે શું એવા સવાલો આ ક્લબના સભ્યોએ ઉઠાવ્યા છે. દિલ્હીમાં NSCIમાં જમવા ગયેલા કેટલાક મેમ્બરોએ કહ્યું હતું કે ત્યાં છોલે-ભટૂરેની પ્લેટ્સમાં પણ કાંદા ન પીરસાતાં વેઇટરને કાંદા લાવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે કાંદાનો ચાર્જ એક્સ્ટ્રા લેવામાં આવશે. કેટલાક મેમ્બરોએ કહ્યું હતું કે કાંદાનો ચાર્જ ગ્રીન સૅલડની પ્લેટ જેટલો લેવામાં આવશે એવો જવાબ મળ્યો હતો.

સોશ્યલ મીડિયા પર NSCIના મેમ્બરોએ ક્લબોની આકરી ટીકા કરવાનું શરૂ કર્યું હતું અને એવો પણ દાવો કર્યો હતો કે ક્લબની હાલની કમિટીને ફરીથી વોટ નહીં આપીએ. મેમ્બરોના જણાવ્યા પ્રમાણે મૅનેજમેન્ટના આવા વર્તનની ફરિયાદ કર્યા છતાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં. આ ક્લબમાં મેમ્બરશિપ માટે ૩૫-૫૦ લાખ રૂપિયા ચૂકવવા પડે છે.

દિલ્હીની ક્લબમાં બનેલી આ ઘટના વિશે ક્લબના એક ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટે કહ્યું હતું કે ‘અગાઉ આવું નહોતું, પરંતુ હવે મૅનેજમેન્ટ ચેન્જ થયું છે. છોલે-ભટૂરે જેવી વાનગી સાથે કાંદા તો મફતમાં આપવા જોઈએ એના બદલે ચાર્જ કરવાનું ખોટું કહેવાય. નારાજ મેમ્બરોએ મૅનેજમેન્ટને ફરિયાદ કરી હતી. લોકો નારાજ છે એથી હાલની કમિટીને મેમ્બરોના વોટ્સ નહીં મળે.’

આવા આક્ષેપોનો જવાબ વાળતાં ક્લબના પ્રેસિડન્ટ જયંતીલાલ શાહે કહ્યું હતું કે ‘આ મુદ્દો મારી સામે આવ્યો જ નથી, પરંતુ હું એના પર ધ્યાન આપીશ. હાલમાં હું મીટિંગમાં વ્યસ્ત હોવાથી પછી આ મુદ્દે વાત કરીશ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK