Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હવે નથી એ સિનેમા કે નથી એ ટ્રામ ટર્મિનસ

હવે નથી એ સિનેમા કે નથી એ ટ્રામ ટર્મિનસ

30 May, 2020 09:37 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

હવે નથી એ સિનેમા કે નથી એ ટ્રામ ટર્મિનસ

હવે નથી એ સિનેમા કે નથી એ ટ્રામ ટર્મિનસ


જે મૅજિસ્ટિક સિનેમામાં આપણા દેશના પહેલવહેલા બોલપટની પહેલવહેલી રજૂઆત થઈ એનું ઍડ્રેસ હતું ‘ગિરગામ ટ્રામ ટર્મિનસ પાસે.’ ગિરગામના મોટા ભાગના રહેવાસીઓ પણ આજે તો ભૂલી ગયા છે કે એક જમાનામાં ગિરગામમાં ટ્રામ ટર્મિનસ હતું, પણ હવે તો મુંબઈમાં ટ્રામ ચાલતી હતી એ પણ કેટલાને યાદ હશે? મુંબઈની ટ્રામના ઇતિહાસ સાથે મે મહિનો સંકળાયેલો છે. મુંબઈમાં ઘોડાથી ચાલતી ટ્રામ પહેલવહેલી વાર ચાલતી થઈ એ ૧૮૭૪ના મે મહિનાની ૯ તારીખે. શરૂઆતમાં માત્ર બે જ રૂટ હતા, કોલાબાથી ક્રૉફર્ડ માર્કેટ થઈને પાયધુની અને બોરીબંદરથી કાલબાદેવી રોડ થઈને પાયધુની. પછી નવા રૂટ ઉમેરાતા ગયા. પછી આવ્યો ૧૯૦૬ના મે મહિનાની ૭મી તારીખનો દિવસ. એ દિવસે મુંબઈમાં પહેલી વાર ઇલેક્ટ્રિકથી ચાલતી ટ્રામ દોડવા લાગી. એનું ઉદ્ઘાટન કર્યું હતું એક ગુજરાતી વલ્લભદાસ ઠાકરસીએ. એ વખતે તેઓ મુંબઈની મ્યુનિસિપાલિટીના ચૅરમૅન હતા. વર્ષો સુધી ટ્રામ એ મુંબઈના લોકો માટે મુસાફરીનું મુખ્ય સાધન હતું. આખા મુંબઈમાં ગમે ત્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો ટિકિટ ફક્ત એક આનો. ૧૨ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળક માટે તો અડધો આનો. વળી આ જ ભાવમાં ટ્રાન્સફર ટિકિટ મળે. એ લીધી હોય તો કોઈ પણ જંક્શન પર એક ટ્રામમાંથી ઊતરી બીજી દિશામાં જતી ટ્રામમાં બેસી શકો, પણ પછી જેમ-જેમ શહેરનો વિકાસ થતો ગયો એમ આ ટ્રામ નડતરરૂપ લાગતી ગઈ. ધીમે-ધીમે એના રૂટ્સ ઓછા થતા ગયા. છેવટ માત્ર એક જ બચેલો બોરીબંદરથી ગિરગામ થઈને દાદર ટીટી અને ૧૯૬૪ની ૩૧ માર્ચે રાતે ૧૦ વાગ્યે આ રૂટ પરની છેલ્લી ટ્રામ દોડી. આખે રસ્તે લોકો એકઠા થયા હતા એ ટ્રામને વિદાય આપવા. ટ્રામના એ રૂટ પાસેનાં મકાનોમાં રહેતા ઘણા લોકોને

થોડા દિવસ રાતે સરખી ઊંઘ આવી નહોતી! કારણ? કારણ મોડી રાતની લગભગ ખાલી દોડતી ટ્રામની ધણધણાટી તેમને માટે હાલરડાની ગરજ સારતી હતી!



વખત જતાં કોલાબાથી કિંગ્સ સર્કલ સુધીના વિસ્તારને ટ્રામે આવરી લીધો હતો, પણ એમાંની ઘણી ટ્રામ દાદરથી શરૂ અને પૂરી થતી એટલે દાદર ટીટી (ટ્રામ ટર્મિનસ)નું મહત્ત્વ ઘણું હતું. હજી આજે પણ જૂની પેઢીના લોકો એ વિસ્તારને દાદર ટીટી તરીકે જ ઓળખે છે. એ તો જાણે સમજ્યા, પણ ગિરગામમાં વળી ટ્રામ ટર્મિનસ શા માટે? એ રૂટ ક્યારે શરૂ થયો એ તો જાણવા મળતું નથી, પણ આ લખનારે એ ૮ નંબરની ટ્રામમાં અનેક વખત મુસાફરી કરી છે. આ ૮ નંબરનો રૂટ ગિરગામ ટ્રામ ટર્મિનસ અને ફ્લોરા ફાઉન્ટન વચ્ચે હતો. મૅજિસ્ટિક સિનેમાથી જમણી બાજુ વળીએ તો હરકિસનદાસ હૉસ્પિટલ તરફ જવાય. ડાબી બાજુ વળીએ તો સેન્ટ્રલ સિનેમા (આજનું સેન્ટ્રલ પ્લાઝા) થઈને ન્યુ ક્વીન્સ રોડ પહોંચાય, પણ સીધા આગળ જઈએ તો ઑપેરાહાઉસ પહોંચાય અને ત્યાં ગિરગામ રોડ પૂરો થાય. એ છેડા પર હતું ગિરગામ ટ્રામ ટર્મિનસ. માત્ર એક રૂટની ટ્રામ માટેનું. ત્યાંથી ઊપડેલી ટ્રામ ધોબી તળાવ સુધી ગિરગામ રોડ પર દોડે. પછી વળે એસ્પ્લેનેડ રોડ (આજનો મહાત્મા ગાંધી રોડ) તરફ અને સીધી પહોંચે ફ્લોરા ફાઉન્ટનના ફુવારા પાસે. હા જી, એ વખતે બધી આવતી-જતી ટ્રામ માટેનું ફ્લોરા ફાઉન્ટનનું સ્ટૉપ બરાબર ફુવારાની બાજુમાં જ હતું. બલકે એ ફુવારો ટ્રામના પાટાના જાળાની વચમાં આવેલો હતો!


કોલાબા અને કિંગ્સ સર્કલ વચ્ચે દોડતી બીજી ટ્રામ (જેમ કે ૬ અને ૭ નંબરની ટ્રામ) ગિરગામ રોડ પરથી પસાર થતી હતી તોય ગિરગામ વિસ્તાર માટે ખાસ રૂટ શરૂ કરવાનું કારણ? કારણ એ વખતના ગિરગામની વસ્તીની લાક્ષણિકતા. લગભગ બધી વસ્તી મરાઠીમાં જેને ‘પાંઢરપેશી’ કહે છે એવી, આજની ભાષામાં વાઇટ કૉલર. એ જમાનામાં જેની પાસે પોતાની મોટર હોય એવો કોઈ માણસ ગિરગામમાં ભાગ્યે જ રહેતો જોવા મળે અને જેની પાસે મોટર આવે તે બીજે ક્યાંક રહેવા જવાનું વિચારતો થઈ જાય. નાની-મોટી દુકાનો, પેઢીઓ, ઑફિસ, સરકારી ઑફિસો અને સેક્રેટેરિયેટ વગેરેમાં પટાવાળાથી માંડીને ઑફિસર સુધીની જગ્યાએ કામ કરતા મરાઠી માણૂસનું રહેઠાણ ગિરગામ. અહીંના બીજા ટ્રામ રૂટ લાંબા એટલે ગિરગામ રોડ પરના સ્ટૉપ પરથી ચડતાં-ઊતરતાં મુશ્કેલી અને ભીડનો સામનો કરવો પડે એટલે આ લોકોની સગવડ માટે ખાસ આ ટૂંકો પણ મહત્ત્વનો ૮ નંબરનો રૂટ. એટલે ગિરગામ ટ્રામ ટર્મિનસ થયું. એની નજીક આવેલું હતું મૅજિસ્ટિક સિનેમા. આજે એ બેમાંથી એકેય નથી.

પણ જેનો નાશ થાય એની અવદશા તો જોવી નથી પડતી એટલો દિલાસો આપણે લઈ શકીએ. પણ જેનો નાશ થતો નથી, પણ જેનો ભવ્ય ભૂતકાળ ખંડિયેર બની ગયો છે, જેનું રૂપ, જેનું કામ સાવ બદલાઈ ગયું છે છતાં જે એક યા બીજી રીતે ઊભી રહી છે એવી કોઈ ઇમારતને જોવાનું વધુ ત્રાસદાયક હોય છે. આપણા અગ્રણી સમાજસુધારક, પત્રકાર અને કવિ બહેરામજી મલબારીની આ કાવ્ય-પંક્તિઓ એક જમાનામાં આપણે ત્યાં ખૂબ જાણીતી હતી ઃ


ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ,

સગાં દીઠાં મેં શાહઆલમનાં ભીખ માગતાં શેરીએ.

ગિરગામ રોડના લગભગ છેડા પર ભટવાડીમાં આવેલું આવું એક સ્થળ એટલે લક્ષ્મીબાગ હૉલ. શાંતારામ નારાયણ દાભોલકરે પોતાની માતાની યાદમાં ૧૯૧૩માં આ ઇમારત બંધાવેલી. લક્ષ્મીબાઈના પતિ અને શાંતારામના પિતા નારાયણ દાભોલકર એટલે જગન્નાથ શંકરશેટના સમકાલીન જાણીતા વેપારી અને સખાવતી. મૂળ વતની કોંકણના વેન્ગુર્લાના. વાસુદેવ દાભોલકર એક નાનકડી હોડીમાં બેસીને કુટુંબ સાથે ત્યાંથી ૧૮૩૦-’૪૦ના અરસામાં મુંબઈ આવ્યા અને લુહાર ચાલમાં રહેવા લાગ્યા, પણ મુંબઈમાં કોલેરાની મહામારી ફેલાઈ એમાં નારાયણરાવના પિતા વાસુદેવનું  અવસાન થયું. નારાયણરાવનાં માતાએ નાનાં-મોટાં ઘરકામ કર્યાં. બે મોટા દીકરાઓ પણ ભણવાનું છોડીને માને મદદ કરવા લાગ્યા, પણ મા અને ભાઈઓએ જેમતેમ કરી નારાયણને મેટ્રિક સુધી ભણાવ્યો. ભણવામાં ખૂબ હોશિયાર. અંગ્રેજ શિક્ષકે કહ્યું કે આ છોકરાને ભણવા માટે ઇંગ્લૅન્ડ મોકલો. કુળનું નામ રોશન કરશે, પણ માએ કહ્યું કે બ્રાહ્મણનું ખોળિયું મળ્યું છે તો દરિયો ઓળંગવાનું પાપ ન કરાય. કોણ જાણે ક્યાંથી પણ નારાયણને ઘોડા પર સવારી કરવાનો શોખ લાગ્યો. અવારનવાર ઘોડા પર બેસીને મરીન ડ્રાઇવના દરિયાકિનારે જાય. એ વખતે અહીં બાંધેલો રસ્તો નહોતો, પણ આજે ચોપાટી પર છે એવો રેતીવાળો કિનારો હતો. એક બ્રિટિશ બાઈની નજરે ચડ્યા. ધીમે-ધીમે ઓળખાણ થઈ. એ બાઈના પતિ કૅપ્ટન બ્લૅક પી. ઍન્ડ ઓ. નામની પ્રખ્યાત શિપિંગ કંપનીની મુંબઈ ઑફિસના વડા. પત્નીએ પેલા યુવકને નોકરી આપવાની ભલામણ કરી અને આમ નારાયણને નોકરી મળી ગઈ. એ પછી આગળ વધતાં તેઓ કંપનીનાં જહાજ મુંબઈ બંદરે નાંગરે ત્યારે એને જરૂરી બધો જ માલસામાન પૂરો પાડનાર ‘દુબાશ’ એટલે કે કૉન્ટ્રૅક્ટર બન્યા નારાયણ. પછી તો ધંધો વિકસતો ગયો. કમાણી વધતી ગઈ. ૪૦ લાખ (આજના લગભગ ૪૦૦ કરોડ)ની સંપત્તિ ભેગી થઈ. મુંબઈમાં ઘણી જગ્યાએ જમીન ખરીદી. એમાં મલબાર હિલ પર પણ જગ્યા ખરીદેલી. ત્યાં પોતાને રહેવા માટે બંગલો બંધાવવાનું શરૂ કર્યું. રોજ ત્યાં જઈ બાંધકામ પર જાતે દેખરેખ રાખે. એક દિવસ તેઓ ઇજનેર અને બિલ્ડર સાથે બાલ્કનીમાં ઊભા હતા અને અચાનક એ બાલ્કની તૂટી પડી. બીજા બે જણ ઈજા સાથે બચી ગયા, પણ નારાયણરાવનું એ જ વખતે મૃત્યુ થયું. ત્યારે તેમની ઉંમર હતી ૪૧ વર્ષ. ત્યાં સુધીમાં મુંબઈમાં પાંચમાં પુછાતા થઈ ગયા હતા. સારા વક્તા હતા. ગવર્નરની કાઉન્સિલના સભ્ય તરીકે તેમની નિમણૂક થઈ હતી. પછી એ જગ્યાએ તો તેમનું કુટુંબ ક્યારેય રહેવા ન ગયું. નારાયણરાવના દીકરા શાંતારામે વિલ્સન કૉલેજની પાછળ ‘આનંદ કાનન’ નામનો બંગલો બાંધ્યો અને કુટુંબ ત્યાં રહેવા લાગ્યું. આજે જ્યાં ભારતીય વિદ્યા ભવનની ઇમારત ઊભી છે ત્યાં આ બંગલો આવ્યો હતો અને એનો બગીચો હ્યુજીસ રોડ (આજનો પાટકર રોડ) સુધી ફેલાયેલો હતો. કહે છે કે પિતાએ મુંબઈમાં ઠેર-ઠેર જે મિલકત ખરીદેલી એનાં ભાડાંની આવકમાંથી જ શાંતારામની બધી જાહોજલાલી પોષાતી! સ્વભાવે અતિશય ઉદાર. વીસમી સદીની શરૂઆતમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનને દર મહિને ૧૦૦૦ રૂપિયા મોકલતા. એક વાર ગ્વાલિયરના મહારાજા વસંતરાવને મળવા તેમના બંગલે આવ્યા. તેમણે વસંતરાવની એક નવીનક્કોર મોટરનાં વખાણ કર્યાં. મહારાજા પોતાને બંગલે પાછા ફરે એ પહેલાં વસંતરાવે એ મોટર મહારાજાના બંગલે ભેટ તરીકે પહોંચાડી દીધી હતી! મલબાર હિલ પર જ્યાં નારાયણરાવનું અવસાન થયું એ જગ્યા જ્યાં આવેલી છે એને નામ અપાયું નારાયણ દાભોલકર રોડ. મહારાષ્ટ્ર સરકારના ઘણા પ્રધાનોના બંગલા આ રોડ પર આવેલા છે. બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસનો બંગલો પણ અહીં જ આવેલો છે. રંગભૂમિ, સિનેમા, વિજ્ઞાપન ક્ષેત્રે ખૂબ જાણીતા ભરત દાભોલકર આ નારાયણરાવના વંશજ છે.   

આવા નારાયણ દાભોલકરના દીકરા શાંતારામે માતાની યાદમાં લક્ષ્મીબાગ હૉલ બંધાવેલો, પણ શા માટે? શાસ્ત્રીય સંગીતની ‘બેઠકો’ કરવા માટે. હા, જી, એ જમાનામાં શાસ્ત્રીય સંગીતના ‘કાર્યક્રમો’ ન થતા, પણ બેઠકો કે મહેફિલ યોજાતી. રાતે નવેક વાગ્યે શરૂ થાય. શાસ્ત્રીય સંગીતના કનરસિયાઓ અને ખેરખાંઓ જમીપરવારીને આવે. બેઠક સવારે દોઢ-બે વાગ્યા સુધી ચાલે. ક્યારેક સંગીતકાર અને શ્રોતાના તાર મળી જાય તો સવારે પાંચેક વાગ્યે બેઠક પૂરી થાય. હૉલની ઉપર ફરતી બાલ્કની અને ત્યાં કેટલીક રૂમ પણ ખરી. કેટલાક સંગીતપ્રેમીઓ તો પહેલેથી ચોકીદાર લક્ષ્મણને એક રૂપિયો આપી દે અને કાર્યક્રમ પૂરો થયા પછી એકાદ ઓરડામાં સૂઈ જાય. સવારે પહેલી ટ્રેન શરૂ થાય એટલે તે પકડીને ઘરભેગા થઈ જાય. પંડિત રવિશંકર, ઉસ્તાદ અલારખ્ખા, સચિન દેવ બર્મન, નૌશાદ અલી, મદન મોહન, લતા મંગેશકર જેવાંઓનો અહીં આવરોજાવરો રહેતો. ના, ગાવા-બજાવવા માટે નહીં; કેસરબાઈ કેરકર, મોંઘુબાઈ કુર્ડિકર, ફૈયાઝ ખાંસાહેબ, લતાફત હુસેન ખાંસાહેબ જેવા ધુરંધર કલાકારોને સાંભળવા માટે. જોકે ૧૯૫૦ પછી ધીમે-ધીમે શાસ્ત્રીય સંગીતની બેઠકોને બદલે લગ્નો માટે આ હૉલ વપરાતો થયો. આ લખનાર માટે આ હૉલ કાયમી સંભારણું બની ગયો છે, કારણ ૧૯૬૫માં તેમનાં લગ્નનું રિસેપ્શન આ હૉલમાં રાખ્યું હતું.

આજે હવે અહીં લગ્નો પણ બહુ ઓછાં થાય છે. મોટા ભાગે ‘પ્રદર્શન’ નામે યોજાતા ‘સેલ’ માટે એ વપરાય છે. રૂપિયો આપીને રાતે સૂઈ શકાય એવી કોઈ જગ્યા મુંબઈમાં હવે બચી નથી અને લૉકડાઉન શરૂ થયું ત્યારથી પહેલી કે છેલ્લી ટ્રેન જેવું પણ કશું રહ્યું નથી એટલે લક્ષ્મીબાગને રામરામ કરી આજે તો હવે ઘરભેગા થઈ જઈએ છીએ. આવતા શનિવારે ગિરગામની ગલીઓમાં નવી ગિલ્લી, નવો દાવ.

Whatsapp-channel Whatsapp-channel

30 May, 2020 09:37 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK