હવે ઘાંચીના ગળે ઘંટ

Published: Apr 26, 2020, 20:36 IST | Dr Dinkar Joshi | Mumbai

પ્રગતિ એ કાંઈ બૂરાઈ નથી. પ્રગતિથી કોઈ પણ પરિસ્થિતિ સરળ થતી હોય, સુખમયી થતી હોય અને જે છે એનાથી વધુ સહજ થતી હોય તો એ પ્રગતિ સાચા અર્થમાં માણસજાત માટે પ્રગતિ છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

આજે કોરોના વિશે વાત નથી કરવી. કોરોના વિશે ઝાઝું જાણ્યા વિના ઘણાબધા માણસો ઘણુંબધું લખી રહ્યા છે. આ લખાણમાં ઉમેરો નથી કરવો અને છતાં કોરોના વિશે નથી લખવું એમ કહેવા માટે પણ કોરોનાનું નામ લીધા વિના ચાલે એમ નથી. ગાંધીજીની કથા કરવી હોય તો ગોડસેનું નામ લેવું પડે, રામાયણમાં રાવણ આવે જ અને મહાભારત કે ભાગવતમાં ગમે કે ન ગમે દુર્યોધન અને કંસને સંભારવા જ પડે.

બનવાજોગ છે કે આ કોરોના યુગ તો થોડા દિવસો કે મહિનાઓ પછી પૂરો થઈ જશે. મરનાર માણસોની સંખ્યા અધધધધ થઈ જાય એવી પણ હશે, જેને આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ એ બધાનો પાઠ્યપુસ્તકના નામે વીંટો વળી ગયો હશે. એવુંય બને કે મૉલ, ઑનલાઇન શૉપિંગ, કહેવાતો અમ્યુઝમેન્ટ પાર્ક, ડેસ્ટિનેશનલ વેડિંગ આ બધું ભૂતકાળ બની જાય. ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણ કાળ તો સદા કાળ માટે છે અને કેટલીક વાર મહાકાળ ઇતિહાસને આપણી આંખ આગળ એવો અટકાવી દે છે કે નજર સામે વર્તમાન હોવા છતાં ભૂતકાળમાં જોયા વિના ચાલે નહીં.

આજે દુનિયા પ્રચંડ ગતિએ જઈ રહી છે. ગઈ કાલ એટલે કે ૨૪ કલાક એવું નથી રહ્યું. ગઈ કાલના બપોરે ૧૨ વાગે અને આજના બપોરે ૧૨ વાગે એ બે વચ્ચે માત્ર ૨૪ કલાક નથી. આ બે વચ્ચે યુગપરિવર્તન થઈ જાય એવું અને એટલું બની જાય છે. સમાજમાં, રાજ્યમાં અને કુટુંબમાં પણ આ ૨૪ કલાકમાં જાણે આખી જિંદગી બદલાઈ જાય છે. ગઈ કાલનાં પતિ-પત્ની આજે એવાં ને એવાં નથી. એનું નવું રૂપ એની નવી ધાર સાથે અત્યારે તરત જ કદાચ દેખાય નહીં, પણ એની ધાર કિચનથી માંડીને બેડરૂમ સુધીનાં ડગલાંમાં દેખાયા વિના રહેતી નથી. આ ૨૪ કલાકમાં માણસ એટલો શાણો (કે દોઢડાહ્યો) બની ગયો હોય છે કે બન્ને પક્ષે જાણતા હોવા છતાં અજાણ્યા હોવાનો દંભ આચરે છે. દંભ આચરવામાં માણસ ૨૪  કલાકમાં નહીં દરેક કલાકે નિષ્ણાત થતો જાય છે.

આ રાજ્ય, આ સમાજ, આ પરિવાર આ બધું અંતે તો કોઈકે, કદાચ આપણે જ બનાવેલું છે. કોરોનાએ આપણને એક છાપરા હેઠળ રાખ્યા, પણ એકબીજાથી દૂર રાખ્યા. આ એકબીજાથી દૂર રહેવાની કળા શીખવવા માટે આપણે કોરોનાની કોઈ જરૂર નહોતી. આ કળા તો આપણને આવડતી જ હતી. ખરેખર તો આ કાળ હવે ભુલાવી દે એવો કોઈક વાઇરસ લાવવાની જરૂર છે.

લૉકડાઉનના સમયમાં હેરકટિંગ સલૂનથી માંડીને મોટીમોટી હૉસ્પિટલો બંધ રહે છે. શેરીએ-શેરીએ પથરાયેલાં અને ધમધોકાર ચાલતાં છૂટક દવાખાનાં પણ બંધ છે. કોરોનાના દરદીઓ માત્ર સરકારે નિયુક્ત કરેલાં દવાખાનાંઓમાં જ જાય છે. સવાલ એ થાય છે કે સામાન્ય રોગચાળાના ભરચક રહેતા દરદીઓ ક્યાં ગયા? દવાખાનાં બંધ રહે છે. દરદીઓ દેખાતા નથી. રસ્તાઓ બંધ હોવાથી અકસ્માત થતા નથી અને એક બિનસત્તાવાર માહિતી પ્રમાણે તો દેશમાં મરણનો દર પણ ખાસ્સો ઘટી ગયો છે. તો પછી કોરોના-યુગ ત્રાટક્યો એ પહેલાં જે મરણો નોંધાતાં હતાં એ શું હતું? કદાચ એવું ન બને કે જેમને આપણે જિંદગીનો અંત કહીને વધાવી લેતા હતા એ કુદરતી મરણ નહોતાં. કદાચ એ આવેતું હતાં.

બ્લૅકઆઉટના સમયે આપણે વીજળી વિના ચલાવી લઈએ છીએ. વીજળીના અભાવને આપણે દુઃખ કહીએ છીએ. પંખો અને એસી એ બધું ચાલતું ન હોય ત્યારે આપણા મનમાં હાહાકાર મચી જાય છે. આ વીજળી આપણી પાસે ૧૦૦-૨૦૦ વર્ષથી આવી છે. આપણે અને આપણા પૂર્વજો સેંકડો વર્ષથી જીવી રહ્યા છીએ. વીજળીને કારણે આપણે નથી જીવતા, પણ આપણા કારણે વીજળી જીવે છે. આ પાયાનું સત્ય જ ભુલાઈ જાય છે. સગવડો વધી છે. આ સગવડોને લીધે રોજિંદું જીવન સુખી પણ થયું છે, પરંતુ સગવડોનો અભાવ એ જિંદગીનો અંત નથી. મોબાઇલ કે કમ્પ્યુટર આજે બંધ પડી જાય તો એની કલ્પના કરવી ૨૫-૫૦ વચ્ચેના વયગાળાના માણસોને આકરી લાગે પણ ૫૦ વળોટી ગયા છે તેમને અઘરું શા માટે લાગે? તેમણે તો આ સગવડ વિનાના દિવસો સારી રીતે જોયા છે.

ખરી વાત એ છે કે આપણે પ્રાકૃતિક જિંદગીથી દિવસે-દિવસે દૂર અને વધુ દૂર થતા જઈએ છીએ. ભોજનની થાળીમાં દર ચાર દિવસે એક વાર શાકભાજી પીરસાય એને મહાભારતના યક્ષપ્રશ્નમાં યુધિષ્ઠિરે સુખ કહ્યું છે. પોતાનો અને પોતાના પરિવારનો નિર્વાહ થાય એ માટે પોતાનું ગામ છોડીને પરગામ જવું ન પડે એને પણ યુધિષ્ઠિરે સુખ કહ્યું છે. આટલું અધૂરું હોય એમ આપણે બેય હાથ પહોળા કરીને ક્યાંક દોર્યા છીએ. હજી વધુ... હજી વધુ...

આવો દુર્ભાગી કોરોના-યુગ આપણને આંચકો આપે છે. ના, હવે વધુ નહીં. વધુની પણ એક હદ હોય છે. ૧૦૦ જાતના સાબુ, ૨૦૦ જાતનાં તેલ અને ૩૦૦ જાતનાં અન્ય પ્રસાધનો બાથરૂમમાં ખડકી દેવાથી જે સ્નાન ચિત્તને પ્રસન્ન કરે છે એના કરતાં વહેતા ઝરણાંમાં ગળાડૂબ પડ્યા રહ્યા પછી ડૂબકી ખાવાથી સ્નાનનો જે સંતોષ પ્રાપ્ત થાય છે એને કોઈ આંકડામાં માપી નથી શકાતો.

કોરોના જો આપણને આટલું શીખવી શકે કે આ બધા વિના આપણે ચલાવી શકીએ છીએ. શાકભાજીની લારી જોતાંવેંત એકસાથે પાંચ-દસ કિલો દૂધી, ટમેટાં, તુરિયાં, કારેલાં અને કોથમરી સુધ્ધાં ખરીદી લેવાની જે ચળ ઊપડે છે એમાંથી મુક્તિ અપાવી શકે તો કોરોના સર્વનાશી હોવા છતાં એક આશા તો ગણાશે જ.

કોરોનાનું આગમન ગયા ડિસેમ્બર-જાન્યુઆરીમાં નથી થયું. એ તો ૧૯૯૦-’૯૧ની આસપાસ ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન અને લિબરલાઇઝેશન નામના બે મહારાક્ષસોને દેશમાં નાચતા કર્યા ત્યારથી થયેલું છે. દારૂ પાયેલા બે ગાંડા હાથીને નિરાંતે ચરતી ગાયોના ટોળા વચ્ચે મૂકી દીધા હોય તો ગાયોનું શું થાય? હાથીઓની ઉદરતૃપ્તિ તો થઈ જાય, પણ ગાયોનો તો કચ્ચરઘાણ જ નીકળી જાય. એટલું જ નહીં, એ ગાયોના દૂધ પર પેટ ભરનાર વાછરડાનું તો ઠીક, બીજાં બાળકો અને ગાયોના રખેવાળોનું શું થાય એનો વિચાર કર્યો છે ખરો? જે ઘડીએ ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન અને લિબરલાઇઝેશનની માયાએ ઝાંઝરનો ઝમકાર કર્યો એ જ ઘડીએ કોઈક કોરોનાએ ક્ષિતિજ પર બેસીને હાસ્ય વેર્યું હતું. એ હવે સમજાય છે.

પ્રગતિ એ કાંઈ બૂરાઈ નથી. પ્રગતિથી કોઈ પણ પરિસ્થિતિ સરળ થતી હોય, સુખમયી થતી હોય અને જે છે એનાથી વધુ સહજ થતી હોય તો એ પ્રગતિ સાચા અર્થમાં માણસજાત માટે પ્રગતિ છે. પ્રગતિમાં ગતિનો સમાવેશ થાય છે. ગતિ એટલે ચલાયમાન થવું. ઘાંચીનો બળદ સાંજ સુધી ગોળ-ગોળ ફરે છે એટલે એ ચલાયમાન તો થાય છે, પણ એની ગતિથી એને કોઈ ફાયદો થતો નથી, ફાયદો ઘાંચીને થાય છે. આજે પ્રગતિના નામ હેઠળ ઘણુંખરું આપણે ઘાંચીના બળદ બની રહ્યા છીએ. મોટા ભાગે જે લાભ મળે છે એ ઘાંચી લઈ જાય છે. આ ઘાંચી એટલે કોણ એ હવે આપણે શોધી કાઢવું જોઈએ. આ થોડાક ઘાંચીઓ મળીને આપણને ૨૪ કલાક ફેરવે અને તેલનાં પીપ ઘરભેગાં કરે એની સામે જાગતા રહેવું પડશે. હવે બળદના ગળે ઘંટ બાંધવાની જરૂર નથી, પણ ઘાંચીને ઓળખવા માટેતેના ગળે ઘંટ બાંધવાની જરૂર છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK