મુંબઈ અને થાણેની રિક્ષાઓમાં હવે લાગશે ઇલેક્ટ્રૉનિક મીટર

Published: 10th October, 2011 20:20 IST

રિક્ષાના મીટર સાથે ડ્રાઇવરો ચેડાં કરીને પૅસેન્જરો પાસેથી વધુ પૈસા પડાવતા હોવાનું આરટીઓ (રીજનલ ટ્રાન્સર્પોટ ઑફિસ)ના અધિકારીઓએ પાડેલી રેઇડમાં જણાઈ આવ્યા બાદ આ મુદ્દાને રાજકીય રંગ મળવા માંડ્યો હતો. શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) દ્વારા કેટલાક રિક્ષાવાળાઓની આ મુદ્દે મારઝૂડ કરવામાં આવી હતી અને કેટલીક રિક્ષાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

 

મુખ્ય પ્રધાને યુનિયન સાથે ગઈ કાલે કરેલી બેઠકમાં આ બાબતની સહમતી સધાઈ, ભાડામાં ૫૦ પૈસાના વધારાનો નિર્ણય પાછો ઠેલાયો

રિક્ષાડ્રાઇવરો દ્વારા ઇલેક્ટ્રૉનિક મીટર બેસાડવાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને એ માટે તેમણે દેખાવો પણ કર્યા હતા અને સ્ટ્રાઇક પણ પાડી હતી. જોકે આ મુદ્દે ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણે રિક્ષા યુનિયનના અધિકારીઓ સાથે ગઈ કાલે સવારે એક બેઠક યોજી હતી. બેઠક બાદ ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે મુંબઈ અને થાણેની રિક્ષાઓમાં ફેઝવાઇઝ ઇલેક્ટ્રૉનિક મીટર બેસાડવામાં આવશે અને આ માટે રિક્ષા યુનિયન દ્વારા પણ સહમતી દર્શાવવામાં આવી છે.

ભાડાંમાં વધારો મુલતવી

રિક્ષાનાં ભાડાંમાં વધારો કરવા સંબંધે તેમણે કહ્યું હતું કે ટ્રાન્સર્પોટ ડિપાર્ટમેન્ટ દ્વારા આજથી રિક્ષાનાં ભાડાંમાં જે ૫૦ પૈસાનો વધારો કરવાનો હતો એને એકાદ-બે દિવસ માટે રોકવામાં આવ્યો છે, કારણ કે નવાં ટૅરિફ કાર્ડ છાપવા માટે આપ્યાં હોવાથી એ એકાદ-બે દિવસમાં આવી ગયા બાદ એ વધારો કરવામાં આવશે. જોકે તેમણે ઑટોરિક્ષા મેન્સ યુનિયનની દર વર્ષે‍ ભાડું વધારવાની માગણી ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે આ બાબતે દર બે વર્ષે‍ સમીક્ષા કરવામાં આવશે. પૃથ્વીરાજ ચવાણ રાજ્યનું ટ્રાન્સર્પોટ ખાતું પણ સંભાળતા હોવાથી તેમણે કહ્યું હતું કે રાજ્યમાં જે ૪૮,૦૦૦ રિક્ષા માટેની પરમિટો એક્સપાયર થઈ છે (એમાંની ૨૮,૦૦૦ માત્ર મુંબઈની છે) એને રિન્યુ કરવામાં આવશે. જોકે તેમણે રિક્ષાની પરમિટ મેળવવા માગતા ઇચ્છુકો માટેની અન્ય શરતો જેવી કે આઠમા ધોરણ સુધીનું શિક્ષણ ફરજિયાત હોવું અને ૧૫ વર્ષથી રાજ્યમાં સતત વસવાટ હોવો જોઈએ એમાં કશી બાંધછોડ કરી નહોતી.

રિક્ષા પર જાહેરાત લગાડવાનો પ્રસ્તાવ

મીટર સાથે ચેડાં કરી પૅસેન્જરો સાથે છેતરપિંડી બાબતે પૅસેન્જરો દરેક રિક્ષાવાળાને શંકાની નજરે જોઈ રહ્યા છે ત્યારે ઇલેક્ટ્રૉનિક મીટરનો વિરોધ કરતા મુંબઈ ઑટોરિક્ષા મેન્સ યુનિયનના નેતા શરદ રાવે કહ્યું હતું કે ઇલેક્ટ્રૉનિક મીટર બહુ મોંઘાં આવે છે અને જો એ બગડી જાય તો એને રિપેર કરવાનો ખર્ચ પણ બહુ જ વધારે આવે છે. આ બાબતે ટ્રાન્સર્પોટ કમિશનર વી. એન. મોરેએ એવી રજૂઆત કરી છે કે રિક્ષા પર જાહેરાત લગાડવાની પરમિશન આપવામાં આવશે જેને કારણે તેમને મહિનાના ૩૦૦૦ રૂપિયા સુધીની વધુ આવક થઈ શકશે, જેથી મોંઘાં ઇલેક્ટ્રૉનિક મીટર અને એના નિભાવખર્ચને આસાનીથી પહોંચી વળાશે. આ વિશે મુંબઈ ઑટોરિક્ષા મેન્સ યુનિયનનું કહેવું છે કે તેઓ આ બાબતે વિચાર કરશે.

ઑટોરિક્ષા મેન્સ યુનિયનના લીડર શરદ રાવે જો સરકાર તેમની માગણીઓને ગંભીરતાથી નહીં સ્વીકારે તો ૯ નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની હાકલ કરી છે. જોકે તેમણે કહ્યું છે કે સરકારે અમારી માગણીઓ પર ચર્ચા કરવા ૧૪ ઑક્ટોબરે મીટિંગનું આયોજન કર્યું છે. એ મીટિંગ બાદ જ આગળ જતાં શું પગલાં લેવાં, કઈ રીતે વિરોધપ્રદર્શન કરવું એ નક્કી કરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK