હવે વેપારીઓની ભૂખહડતાળ

Published: 2nd December, 2011 06:04 IST

ફેડરેશન ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર જોકે આ અંગેનો વિસ્તૃત કાર્યક્રમ આજે નક્કી કરશેરીટેલ ક્ષેત્રે વિદેશી રોકાણને  મંજૂરી આપવાના વિરોધમાં ગઈ કાલે મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં દુકાનો બંધ રાખવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં અંદાજે ૩૫ લાખ જેટલા વેપારીઓએ વેપાર બંધ રાખ્યો હતો. જોકે અમુક દુકાનદારોએ સાંજ થતાંની સાથે જ દુકાનો ખોલી દીધી હતી. જોકે હવે આનો વિરોધ કરવા માટે વાશીના શિવાજી ચોક પાસે ૩ ડિસેમ્બરે ભૂખહડતાળ પર જવાનો નિર્ણય ફામ (ફેડરેશન ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર) દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ આજે નક્કી કરવામાં આવશે.

રાજ્યના ઘણા વિસ્તારોમાં દુકાનો બંધ રાખવામાં આવી હતી, જ્યારે અમુક વિસ્તારોમાં રોજની જેમ બિઝનેસ ચાલુ હતો. જે વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી એમાંથી અમુક લોકોએ સાંજ સુધીમાં દુકાનો ખોલીને ધંધો કરવાનું ફરી શરૂ કરી દીધું હતું. માથાડી કામગાર વિજય પાટીલે જણાવ્યું હતું કે ‘માથાડી કામદારોએ પણ બંધને સપોર્ટ કર્યો હતો અને વેજિટેબલ માર્કેટ બંધ રહ્યું હતું. અમે ખેડૂતોને જણાવ્યું હતું કે તેઓ વેજિટેબલ સપ્લાય એક દિવસ માટે ન કરે.’

નવી મુંબઈ માર્કેટ બંધ

વેપાર બંધ રાખવા વિશે ફામના પ્રેસિડન્ટ મોહન ગુરનાણીએ કહ્યું હતું કે ‘મુંબઈ અને નવી મુંબઈમાં અમને વેપારીઓનો સારોએવો રિસ્પૉન્સ મળ્યો હતો, કારણ કે એપીએમસી (ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)ના ટ્રેડર્સ પણ આ વિરોધમાં જોડાયા હતા. ગ્રેન, ફ્રૂટ, શાકભાજી, કાંદા-બટાટા અને કરિયાણાંના વેપારીઓએ બંધ પાળ્યો હતો. આ બંધમાં સાડાસાતસો અસોસિએશનો જોડાયાં હતાં. સરકારે આ નિર્ણય પાછો ખેંચવો પડશે. અમને રીટેલ ક્ષેત્રે વિદેશી રોકાણકારો નથી જોઈતા. આને કારણે વેપારીઓનો ધંધો બંધ થઈ જશે એ વિશે સરકાર વિચારી નથી રહી. દુકાનો બંધ કરાવ્યા બાદ હવે શિવાજી ચોક પર ૩ ડિસેમ્બરે ભૂખહડતાળ પર ઊતરીશું. મહારાષ્ટ્ર જ નહીં પણ તામિલનાડુ, ગુજરાત, કેરળ અને બીજા રાજ્યનો લોકો પણ આનો વિરોધ કરી રહ્યાં છે.’

સરકાર ટ્રેડ અસોસિએશન સાથે વાત કરવા તૈયાર છે : અજિત પવાર

મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘એફડીઆઇને લઈને સ્ટેટ ગવર્નમેન્ટ ટ્રેડર્સ અસોસિએશન સાથે ઓપન ચર્ચા કરવા માટે તૈયાર છે. ખેડૂતોને અસર થાય એવું રાજ્ય સરકાર કંઈ નહીં કરે. હું પોતે અને મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ એફડીઆઇને મુદ્દે પાર્ટીના લીડરો સાથે ચર્ચા કરીને રાજ્ય સરકારનું સ્ટૅન્ડ ક્લિયર કરીશું.’

બીજેપીનો સપોર્ટ

એફડીઆઇના વિરોધમાં વેપાર બંધને બીજેપીએ ગઈ કાલે સપોર્ટ કર્યો હતો. મુંબઈ બીજેપીના પ્રવક્તા માધવ ભંડારીએ કહ્યું હતું કે ‘અમે બંધને સપોર્ટ કરીએ છીએ. સરકારે લીધેલો નિર્ણય રીટેલરો માટે ભયજનક છે. સરકારને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી ઘણું પ્રેશર છે. વૉલમાર્ટના આવવાથી નાના વેપારીઓને આની ખૂબ જ અસર પડશે.’

ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે કહ્યું હતું કે ‘અમેરિકાની જે વૉલમાર્ટ છે એના સંચાલકોએ એવું કહ્યું છે કે વૉલમાર્ટ ભારતમાં પ્રવેશ કરે અને સેન્ટરો ખૂલે એના માર્કેટિંગ માટે ૬૦ મિલ્યન ડૉલર (આશરે ૩૧૦ કરોડ રૂપિયા) જેટલો ખચોર્ કર્યો છે. આજના બંધમાં ભારતનાં બસો શહેરોમાં આ સફળતા મળી છે. મુંબઈમાં વીસ જેટલાં પરાંમાં મોટા ભાગની દુકાનો બંધ રહી હતી. એટલે અમારા બંધને ૮૦થી ૯૦ ટકા જેટલી સફળતા મળી છે. જોકે આ બંધને કારણે મુંબઈને જ પાંચસો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK