ગુજરાત હવે બનશે ગોવા

Published: 21st January, 2021 11:51 IST | Mumbai Correspondent | Ahmedabad

૧૦૦ કરોડના ખર્ચે દ્વારકા નજીક આવેલ શિવરાજપુર બિચને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બનાવાશે : વિજય રૂપાણી

શિવરાજપુર બિચ પર ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી.
શિવરાજપુર બિચ પર ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી.

યાત્રાધામ દ્રારકા અને ઓખા વચ્ચે આવેલા અને અદભુત સૌંદર્ય ધરાવતા શિવરાજપુરના દરીયાકાંઠાનો વિકાસ કરવા ગુજરાત સરકારે કમરકસી છે અને તેના ભાગરૂપે ગઇકાલે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શિવરાજપુરના બ્લુ ફ્લેગ બિચ ખાતે રૂપિયા ૨૦ કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં નિર્માણ થનાર પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત તથા તખ્તીનું અનાવરણ કર્યું હતું. વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘દ્વારકા એક પવિત્ર યાત્રાધામ છે.અનેક લોકો અહીં આવે જ છે પણ આ બીચના કારણે પણ ખૂબ લોકો આવશે અને ગુજરાત હવે એક બીચની સમુદ્ધી ધરાવશે. ગુજરાતના લોકોને પણ હવે ગોવા જવુ નહી પડે અને શિવરાજપુર બીચ આવનારા દિવસોમાં એ પ્રકારનું સુંદર બીચ બની જશે. ફેઝ – ૨માં શિવરાજપુર બિચને રૂપિયા ૮૦ કરોડના ખર્ચે વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે.આમ રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે શિવરાજપુર બિચને આંતરરાષ્ટ્રીય સ્તરનો બિચ બનાવવામાં આવશે.ગુજરાતમાં ટુરીઝમ દ્વારા સર્વિસ સેકટરનું મહત્વ વધ્યું છે ત્યારે શિવરાજપુર બિચ દ્વારા રોજગારીની નવિન તકો ઉભી થશે.’
શિવરાજપુર બિચના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાતના પ્રવાસન અને મત્સયોદ્યોગ પ્રધાન જવાહર ચાવડાએ કહ્યું હતું કે ‘શિવરાજપુર બિચ ખાતે ફેઝ – ૧ અંતર્ગત સાયકલ ટ્રેક, પાથ-વે, પાર્કિંગ, પિવાના પાણીની સુવિધા, અરાયવલ પ્લાઝા, ટુરીસ્ટ ફેસિલીટી સેન્ટર સહીતની સુવિધાઓનું રૂપિયા ૨૦ કરોડના ખર્ચે નિર્માણ કરાશે.’ આ પ્રસંગે ગુજરાતના પ્રધાન મંડળના રાજ્ય પ્રધાન વાસણ આહિર, સાંસદ સભ્ય પુનમ માડમ સહીતના આગેવાનો તેમજ ટુરીઝમ વિભાગના અધિકારીઓ અને નાગરીકો ઉપસ્થિત રહ્યાં હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK