Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગોવર્ધનરામ ત્રિપાઠી: નડિયાદમાં જન્મ્યા, પણ વિકસ્યા મુંબઈમાં

ગોવર્ધનરામ ત્રિપાઠી: નડિયાદમાં જન્મ્યા, પણ વિકસ્યા મુંબઈમાં

17 October, 2020 08:36 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

ગોવર્ધનરામ ત્રિપાઠી: નડિયાદમાં જન્મ્યા, પણ વિકસ્યા મુંબઈમાં

ગોવર્ધનરામ ત્રિપાઠી – યુવાન વયે

ગોવર્ધનરામ ત્રિપાઠી – યુવાન વયે


મા સુંદરગિરિથી ઊતર્યાં, બીરદાળી મા!

મા નૌતમ બાળે વેશ, ઝાંઝર વાગે મા!



આ પ્રાતઃકાળે આભલાં, બીરદાળી મા!


તુજ ઘાટડીએ વીંટાય, ઝાંઝર વાગે મા!

આ સૂરજ સન્મુખ લટકાતો, બીરદાળી મા!


મા સામી આરસી સ્હાય, ઝાંઝર વાગેમા!

આ ચકલાં ચકલી હંસલા, બીરદાળી મા!

તુજ પગલે ભમતાં ગાય, ઝાંઝર વાગે મા!

આ સાયર પાસે નાચતી, બીરદાળી મા!

મા નદીમાં આવી ન્હાય, ઝાંઝર વાગે મા!

અમ સમી સઉ નાની બાળકી, બીરદાળી મા!

એને હૈયે વસતીમાત, ઝાંઝર વાગે મા!

આ અખિલ વિશ્વમાં વ્યાપતી, બીરદાળી મા!

મુજ કાળજડામાં માય, ઝાંઝર વાગે મા!

આજે પહેલે નોરતે એક સવાલ: આ ગરબાના રચયિતા કોણ છે? જવાબ આજે છૂટા પડીએ ત્યારે.

સરસ્વતીચંદ્ર નવલકથા અને મુંબઈ વચ્ચેના સંબંધ કરતાંય વધુ નિકટનો સંબંધ ગોવર્ધનરામ અને મુંબઈ વચ્ચે છે. આપણા સાહિત્યમાં જેને ‘પંડિત યુગ’ તરીકે ઓળખાવવામાં આવે છે એ યુગમાં નડિયાદી નાગરોની બોલબાલા હતી. અને તેમનામાં સૌથી પહેલું નામ ગોવર્ધનરામનું લેવાય. પણ જરા હિસાબ માંડીએ.

ગોવર્ધનરામનો જન્મ ૧૮૫૫ના ઑક્ટોબરની ૨૦મી તારીખે, મોસાળના ગામ નડિયાદમાં. એ વખતે પિતા માધવરામ ત્રિપાઠી મુંબઈમાં રહેતા. માધવરામ વેપારી હતા અને વાલકેશ્વરમાં રહેતા હતા. તેમની પેઢી ધીરધારનો તથા દલાલીનો ધંધો કરતી. કમાણી સારી હતી. અમેરિકન સિવિલ વૉર દરમ્યાન શૅરબજાર કૂદકે ને ભૂસકે ઉપર ગયું ત્યારે ગોવર્ધનરામના કહેવા પ્રમાણે લાખ-બે લાખ કમાયા, પણ પછી શૅરબજાર પડ્યું ત્યારે ‘ખોટ જબરી ખાધી, પણ સાખ રહી.’ જ્યારે કમાણી સારી હતી ત્યારે ભોઈવાડામાં આવેલું બે માળનું મકાન તોડીને પાંચ માળનું નવું બાંધ્યું. ગ્રાન્ટ રોડ પાસે ૩૮ હજાર રૂપિયામાં વાડી લીધી. ખાંડ બજારમાં એક ભાગીદાર સાથે વખાર રાખી અને એક બીજું નાનું ઘર ભાડાની આવક થાય એ હેતુથી ખરીદ્યું.

કોણ જાણે કેમ, પણ જિંદગીનાં પહેલાં ચાર વરસ ગોવર્ધનરામ માતાની સાથે નડિયાદ રહ્યા. ચોક્કસ તારીખ તો મળતી નથી, પણ ૧૮૫૯માં ગોવર્ધનરામ મુંબઈ આવી પિતા સાથે રહેવા લાગ્યા અને સ્કૂલનો અભ્યાસ શરૂ કર્યો. એ વખતે નિશાળોમાં નવું શૈક્ષણિક વરસ ઑક્ટોબરમાં શરૂ થતું એટલે ગોવર્ધનરામ સપ્ટેમ્બરમાં કે ઑક્ટોબરની શરૂઆતમાં નડિયાદથી મુંબઈ આવ્યા હોય. તેઓ બુદ્ધિવર્ધક સભાની નિશાળમાં દાખલ થયા. ૧૮૪૯ના ઑક્ટોબરની ૨૩મી તારીખથી જ્ઞાનપ્રસારક મંડળીએ ચાર ગુજરાતી અને બે મરાઠી નિશાળ મુંબઈમાં શરૂ કરી હતી. આ નિશાળો કોટ, બહારકોટ, ધોબી તળાવ અને માઝગાંવ ખાતે શરૂ થઈ હતી. પછીથી ૧૮૫૧ના એપ્રિલ મહિનામાં આ મંડળીની એક શાખા તરીકે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના થતાં મંડળીએ આ બધી સ્કૂલો એ સભાને સોંપી દીધી. આ બધી નિશાળો ચલાવવામાં ખોટ જતી હતી અને સભાની પોતાની આર્થિક સ્થિતિ પણ નબળી હતી એટલે ૧૮૬૦માં આ નિશાળો પોતાને હસ્તક લઈ લેવાની સભાએ મુંબઈ સરકારને વિનંતી કરી અને ૧૮૬૧ના એપ્રિલની ૧૬મીથી સરકારે સભાની બધી નિશાળો પોતાને હસ્તક લઈ લીધી. છતાં લોકો ઘણાં વર્ષો સુધી એને બુદ્ધિવર્ધક સભાની નિશાળો તરીકે ઓળખતા. આમ ગોવર્ધનરામના શિક્ષણની શરૂઆત મુંબઈમાં થઈ. મુંબઈવાસનો આ પહેલો ગાળો સાત વરસનો.

પણ પછી કોઈક કારણસર ૧૮૬૫માં ગોવર્ધનરામ નડિયાદ ગયા અને ગુજરાતી નિશાળનો બાકીનો અભ્યાસ ત્યાંની સરકારી સ્કૂલમાં પૂરો કર્યો. પણ અંગ્રેજી નિશાળના અભ્યાસ માટે ૧૮૬૮માં પાછા મુંબઈ આવી ધોબી તળાવ પરની એલ્ફિન્સ્ટન સ્કૂલમાં જોડાયા. એ જ વરસે તેમનાં પહેલાં લગ્ન હરિલક્ષ્મી સાથે થયાં. ૧૮૭૧માં તેઓ મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા. આ પરીક્ષા વખતનો એક કિસ્સો એ વખતની શિક્ષણ પ્રણાલી, વિદ્યાર્થી-શિક્ષકના સંબંધો વગેરે પર સારો એવો પ્રકાશ પાડે છે. શરૂઆતથી ઘણાં વર્ષો સુધી મેટ્રિકમાં લેખિત ઉપરાંત મૌખિક પરીક્ષા પણ લેવાતી. આ પરીક્ષા ટાઉનહૉલમાં લેવાતી. એ માટે અટકના આલ્ફાબેટિકલ ઑર્ડર પ્રમાણે રોજ થોડા-થોડા વિદ્યાર્થીઓને બોલાવતા અને વારાફરતી એક-એક વિદ્યાર્થીની મૌખિક પરીક્ષા લેતા. સંસ્કૃતની મૌખિક પરીક્ષા માટે ગોવર્ધનરામ ગયા. અટક પ્રમાણે તેમનો વારો છેક છેલ્લે આવ્યો. આગલે દિવસે મોડી રાત સુધી પરીક્ષાની તૈયારી કરવા જાગેલા એટલે બાંકડા પર જ બેઠા-બેઠા સૂઈ ગયા. સંસ્કૃતના પરીક્ષકે પોતાના ઓરડામાંથી ત્રિપાઠીના નામની બે વાર બૂમ પાડી પણ કોઈ આવ્યું નહીં એટલે જાતે ઊઠીને બહાર જોવા ગયા. બાંકડા પર એક વિદ્યાર્થીને સૂતેલો જોયો એટલે તેને ઢંઢોળીને પૂછ્યું: તમે જ મિસ્ટર ત્રિપાઠી? ચોંકીને જાગેલા ગોવર્ધનરામે હા પાડી અને સૂઈ જવા બદલ માફી માગી. પરીક્ષક તેમને પોતાના ઓરડામાં લઈ ગયા, પરીક્ષા લીધી અને ગોવર્ધનરામના જવાબોથી ખુશ થયા. વખત જતાં આ શિક્ષક અને ગોવર્ધનરામ વચ્ચે અંગત અને નિકટનો સંબંધ બંધાયો. એ શિક્ષક તે સંસ્કૃતના ખ્યાતનામ વિદ્વાન સર રામકૃષ્ણ ભાંડારકર. 

૧૮૭૪માં ઘરના કંકાસથી ત્રાસીને ઘરેથી ભાગીને ગોવર્ધનરામ ભાયખલા સ્ટેશન સુધી ગયા, પણ પછી ઘરે પાછા ફર્યા. એ જ વરસે પત્ની હરિલક્ષ્મીનું અવસાન થયું. ૧૮૭૫માં બીએ થયા અને ૧૮૭૬માં લલિતાગૌરી સાથે બીજું લગ્ન કર્યું. સરસ્વતીચંદ્ર નવલકથામાંનું ગુણસુંદરીનું પાત્ર પોતાનાં પત્ની અને માતાનાં ગુણ-લક્ષણો ભેગાં કરી, એમાં બીજાં કેટલાંક કલ્પનાથી ઉમેરી પોતે ઘડ્યું છે એમ ગોવર્ધનરામે તેમની ‘સ્ક્રૅપબુક’માં નોંધ્યું છે. પોતે નોકરી ન કરવી એમ નક્કી કર્યું હતું, પણ કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે ભાવનગરના દીવાન સર શામળદાસ મહેતાના પર્સનલ સેક્રેટરીની નોકરી કરવા ૧૮૭૯માં ભાવનગર ગયા. આમ બીજા ગાળામાં તેઓ અગિયાર વરસ મુંબઈમાં રહ્યા.

ત્રણ વખત નાપાસ થયા પછી ૧૮૮૩માં ગોવર્ધનરામ એલએલબી થયા. ભાવનગરની નોકરી છોડી ખિસ્સામાં પચાસ રૂપિયા લઈને ૧૮૮૪માં મુંબઈ પાછા આવ્યા અને એ જ વરસના જૂનની ૨૧મી તારીખથી બૉમ્બે હાઈ કોર્ટમાં વકીલાત શરૂ કરી. અગાઉથી નક્કી કર્યા પ્રમાણે ૧૮૯૮માં વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈને ઑક્ટોબરની ૧૯મી તારીખે નડિયાદ રહેવા ગયા. આમ કારકિર્દી માટે તેઓ ૧૪ વરસ મુંબઈ રહ્યા. સરસ્વતીચંદ્ર નવલકથાનો અંત વાલકેશ્વરના બંગલામાં આવે છે તો ગોવર્ધનરામના જીવનનો અંત પણ વાલકેશ્વર નજીકના ડૉ. ત્રિભુવનદાસ ગજજરના બંગલામાં આવ્યો. તેમની છેલ્લી માંદગી વખતે નિકટના મિત્ર ડૉ. ગજ્જર સારવાર માટે ૧૯૦૬ના ડિસેમ્બરની ૨૫મી તારીખે તેમને મુંબઈ લઈ આવ્યા હતા અને પોતાના બંગલામાં રાખ્યા હતા. ૧૯૦૭ના જાન્યુઆરીની ચોથી તારીખે બપોરે દોઢ વાગ્યે ગોવર્ધનરામનું અવસાન થયું. નજીકના બાણગંગાના સ્મશાનમાં સાંજે તેમના અંતિમ સંસ્કાર થયા.

ગોવર્ધનરામ જેના પહેલવહેલા પ્રમુખ હતા એ ૧૯૦૫માં શરૂ થયેલી ગુજરાતી સાહિત્ય પરિષદે ત્રણ દળદાર પુસ્તકોમાં ‘ગુજરાતી સાહિત્ય કોશ’ પ્રગટ કર્યો છે એના બીજા ભાગમાં ગોવર્ધનરામનું અવસાન નડિયાદમાં થયેલું એમ જણાવ્યું છે એ સદંતર ખોટું છે. જ્યારે આ જ સંસ્થાએ પ્રગટ કરેલા ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના ત્રીજા ભાગમાં ગોવર્ધનરામ વિશે ૬૦ પાનાંનું પ્રકરણ છે એમાં તેમનો જન્મ ક્યાં થયો એ જણાવ્યું છે, પણ અવસાન ક્યાં થયું એ જણાવ્યું જ નથી! આમ ગોવર્ધનરામનો જન્મ નડિયાદમાં અને નિવૃત્તિનાં વર્ષો પણ નડિયાદમાં ગાળ્યાં. પણ તેમના અભ્યાસ અને વકીલ તરીકેની કારકિર્દીનાં ઘણાંખરાં વરસ મુંબઈમાં વીત્યાં. બાવન વરસના આયુષ્યનાં લગભગ ૩૨ વરસ તેમણે મુંબઈમાં ગાળ્યાં. પાંચ વરસ ભાવનગર રહ્યા. એટલે તેમનો નડિયાદવાસ પંદરેક વરસનો.

વ્યક્તિ ગોવર્ધનરામની જેમ લેખક ગોવર્ધનરામના જીવનમાં પણ મુંબઈએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ લખવાનું મુંબઈમાં શરૂ કર્યું ૧૮૮૫ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે અને ૧૮૮૭ના એપ્રિલ મહિનામાં એની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ. આ પહેલી આવૃત્તિની એક પણ નકલ ગુજરાત કે મુંબઈમાં ક્યાંય સચવાઈ નથી. એટલે એ દેખાવમાં કેવી હતી, કોણે પ્રગટ કરી હતી, એ કહેવું શક્ય નથી. પણ એક અવલોકનમાં એના સુંદર, આકર્ષક પૂંઠાનાં પણ વખાણ કર્યાં છે. વળી એમ પણ કહેવાય છે કે એના પર પ્રકાશક તરીકે ગોવર્ધનરામના ભાઈ નરહરિરામનું નામ છાપ્યું હતું. પછીથી ૧૮૮૯માં નરહરિરામ પાસે ગોવર્ધનરામે મુંબઈમાં ‘એન. એમ. કંપની’ શરૂ કરાવી જે વખત જતાં એન. એમ. ત્રિપાઠી પ્રાઇવેટ લિમિટેડ બની. એ પહેલાં ૧૮૮૮માં ગોવર્ધનરામે સરસ્વતીચંદ્રનો બીજો ભાગ લખવાનું શરૂ કરી દીધું હતું. ૧૮૯૧માં એનું લેખન પૂરું થયું અને ૧૮૯૨ના જૂનની નવમી તારીખે એ પ્રગટ થયો. ત્યારથી માંડીને ૧૯૬૮માં ગોવર્ધનરામનાં પુસ્તકોના કૉપીરાઇટ પૂરા થયા ત્યાં સુધી તેમનાં બધાં જ પુસ્તકો એન. એમ. ત્રિપાઠી પ્રાઇવેટ લિમિટેડે જ મુંબઈથી પ્રગટ કર્યાં.

સરસ્વતીચંદ્રનો ત્રીજો ભાગ લખવાની શરૂઆત ૧૮૯૩માં કરી અને એ પૂરો થયો ૧૮૯૬ના ઑક્ટોબરની ૧૭મી તારીખે. પણ પ્રગટ થયો છેક ૧૮૯૮માં. આમ કેમ? કારણ એ વખતે કોઈ પ્રેસ એ છાપવા માટે તૈયાર નહોતો! કારણ? એક તો, ૧૮૯૬માં મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો અને આજે કોરોનાને કારણે જેમ જીવન અસ્તવ્યસ્ત થયું છે તેમ જ એ વખતે પણ થયું હતું. વળી પ્લેગને કારણે કુટુંબ સહિત ગોવર્ધનરામ વસઈ રહેવા ગયા હતા. એ જ વખતે મુંબઈ ઇલાકાનું રાજકીય વાતાવરણ ડહોળાયેલું હતું. પુણેના કલેક્ટર રેન્ડ અને લેફ્ટનન્ટ આયરેસ્ટનું ચાફેકર બંધુઓએ ખૂન કર્યું. ૧૮૯૭માં લોકમાન્ય ટિળક ઉપર બ્રિટિશ સરકારે રાજદ્રોહનો આરોપ મૂકી કેસ ચલાવ્યો જેમાં તેમને ૧૮ મહિનાની કેદની સજા થઈ. આ બધાને કારણે બ્રિટિશ સરકાર છાપખાનાં, છાપાં, પુસ્તકો વગેરે તરફ કડક વલણ ધરાવતી થઈ હતી. અધૂરામાં પૂરું, એ વખતે એવી અફવા ફેલાઈ કે ત્રીજા ભાગમાં ગોવર્ધનરામે સરકારની આકરી ટીકા કરી છે. એટલે કોઈ પ્રેસ એ છાપવા તૈયાર નહોતો. છેવટે એક પ્રેસમાં કામ શરૂ થયું. પણ પછી પ્રેસે કહ્યું કે લખાણમાંથી આ એક વાક્ય કાઢી નાખો તો જ આગળ છાપીએ, નહીંતર નહીં. ગોવર્ધનરામ એમ કરવા તૈયાર નહોતા એટલે એ પ્રેસે છાપકામ અટકાવ્યું. છેવટે બાકીનો ભાગ બીજા પ્રેસમાં છપાવીને ત્રીજો ભાગ ૧૮૯૮માં પ્રગટ થયો. એ પ્રગટ થયા પછી નડિયાદમાં એવી અફવા ફેલાઈ કે લોકમાન્યની જેમ ગોવર્ધનરામની પણ રાજદ્રોહના આરોપસર ધરપકડ કરી છે! તેથી માતા શિવકાશીને પુષ્કળ ચિંતા થતાં મુંબઈ તાર કરી ખબર પૂછાવ્યા. આવું કશું જ બન્યું નથી એવો જવાબ મુંબઈથી આવતાં નડિયાદમાં સૌના જીવ હેઠા બેઠા.

આમ સરસ્વતીચંદ્રના પહેલા ત્રણ ભાગ મુંબઈમાં જ લખાયા, છપાયા અને પ્રગટ થયા. છેલ્લો અને ચોથો ભાગ લખવાની શરૂઆત ૧૮૯૬ના ડિસેમ્બરની ૨૦મી તારીખે કરી એ પણ મુંબઈમાં જ. નડિયાદ ગયા પછી ઈ. સ. ૧૯૦૦ના ડિસેમ્બરની ૨૩મી તારીખની મધરાતે એ લખાઈ રહ્યો, પણ એ છપાયો અને પ્રગટ થયો તો મુંબઈમાં જ. મુંબઈમાં રહ્યા એ દરમ્યાન વકીલાતના વ્યવસાયની સાથોસાથ ગોવર્ધનરામે બીજાં પુસ્તકો ઉપરાંત સરસ્વતીચંદ્રનાં છાપેલાં ૧૮૦૦ પાનાં જેટલું લેખન કર્યું. પણ નડિયાદના નિવૃત્તિ-નિવાસ દરમ્યાન દીકરી લીલાવતીના જીવનચરિત્ર સિવાય બીજું કશું મહત્ત્વનું લેખન થઈ શક્યું નહીં.

સરસ્વતીચંદ્ર અને નરસિંહરાવ દિવેટિયાનો પહેલો કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા’ એક જ વરસે પ્રગટ થયાં એટલું જ નહીં, એ બે પુસ્તકો વચ્ચે, એના લેખકો વચ્ચે અને મુંબઈ વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે. પણ એની વાત હવે પછી. અને હા. શરૂઆતમાં જે ગરબો મૂક્યો છે એના રચયિતા છે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી!

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2020 08:36 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK