Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મન નોટિફિકેશન મોકલાવી શકે?

મન નોટિફિકેશન મોકલાવી શકે?

23 December, 2020 03:18 PM IST | Mumbai
Sejal Ponda

મન નોટિફિકેશન મોકલાવી શકે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કમ્પ્યુટર અને લૅપટૉપમાં ઇન્ટરનેટ સિક્યૉરિટી લાઇસન્સ મોટા ભાગે બધાએ જ નખાવેલું હોય છે. આ સિક્યૉરિટી લાઇસન્સ આખી સિસ્ટમને સલામત રાખે છે અને જો અજાણ્યા સોર્સ દ્વારા કોઈ વાઇરસ આવી ગયો હોય તો એને ખતમ કરી નાખે છે. આ સિક્યૉરિટી લાઇસન્સ અપડેટ થતું રહે છે અને પૂરું થવાનું હોય ત્યારે એક મહિના પહેલાંથી નોટિફિકેશન આવતાં રહે છે કે તમારું સિક્યૉરિટી લાઇસન્સ હવે પૂરું થવાનું છે. એને જલદી જ રિન્યુ કરાવી લો. જો હમણાં રિન્યુ કરાવી લેશો તો 50 પર્સન્ટ એક્સ્ટ્રા. નોટિફિકેશન રોજ આવતાં રહે છે. જાણે કાઉન્ટડાઉન ચાલતું હોય એમ સતત તાકીદ કરાતી હોય છે, સૂચનાઓ અપાતી હોય છે.

આ નોટિફિકેશન એટલે કે સૂચનાઓ આપણને યાદ અપાવતી રહે છે કે આપણે શું કરવાનું છે. સોશ્યલ મીડિયાનાં નોટિફિકેશન આપણને કઈ વ્યક્તિએ આપણી કઈ પોસ્ટ જોઈ, લાઇક કરી, કમેન્ટ કરી, કોણે શું અપડેટ મૂક્યું એ દર્શાવતાં હોય છે. ટૂંકમાં સોશ્યલ મીડિયાનાં નોટિફિકેશન આપણી અને બીજાની જિંદગીમાં શું ચાલે છે એ બતાવતાં રહે છે અને સિક્યૉરિટી નોટિફિકેશન આપણી સલામતી માટે આપણને સતત સૂચનાઓ આપતાં રહે છે.



આપણને આવાં નોટિફિકેશન મળતાં હોત તો? જો મનને નોટિફિકેશન મળતાં હોત તો એ કેવાં હોત? જેવો મનને ગુસ્સો આવે કે તરત નોટિફિકેશન આવત કે તમારે ગુસ્સો કરવાનો નથી. જો આપણે દિવસ દરમિયાન વીલું મોઢું લઈ ફરતા હોઈએ તો તરત નોટિફિકેશન આવત કે હવે  હસવાનો સમય થઈ ગયો છે, તમારે જોર-જોરથી હસવાનું છે. જો આપણાથી કોઈની ઈર્ષા થઈ ગઈ હોય તો તરત નોટિફિકેશન આવત કે બીજાની ઈર્ષા ન કરો. પોતાની જાતમાં મસ્ત રહો. જો આપણે કોઈના માટે નફરત લઈને બેઠા હોઈએ તો નોટિફિકેશન આવત કે માફ કરવું એટલે આપણા મનની શાંતિ પાછી મેળવવી. માફ કરો, શાંત રહો. જો આપણે નકારાત્મક વિચારતા હોય અને નોટિફિકેશન આવત કે નકારાત્મકતા માણસનું પતન કરવાની તાકાત ધરાવે છે માટે સકારાત્મક વિચારો. જો આપણે ચિંતા કરતા હોઈએ અને થોડી વારમાં નોટિફિકેશન આવત કે ચિંતા એટલે ચિતા. ચિંતા કરો એના કરતાં ઉપાય શોધો. જો આપણે દુઃખને પંપાળતા હોઈએ તો નોટિફિકેશન આવત કે દુઃખ જીવનનો એક ભાગ છે. આ સમય પણ વીતી જશે. જો આપણે બીજાના સુખની કામના કરતા હોઈએ અને નોટિફિકેશન આવત કે લગે રહો, ઈશ્વર બધું જ જોઈ રહ્યો છે. જો આપણે ખોટો રસ્તો અપનાવ્યો હોય અને નોટિફિકેશન આવત કે આ રસ્તે જોખમ છે. ખોટો રસ્તો દેખાવમાં સરળ લાગે છે, પણ એનો અંત ભયાનક હોય છે. આવાં અનેક નોટિફિકેશન આવ્યા કરત. આપણને તરત જ સમજાઈ જાત કે આપણે શું કરવાનું છે અને શું નથી કરવાનું. અને આપણે નોટિફિકેશન પ્રમાણે આપણા નિર્ણયો, આપણું વર્તન બદલવા માંડત. નોટિફિકેશનને કારણે આ પ્રોસેસ ઝડપી બની ગઈ હોત. અમુક નિર્ણયો તરત લેવાઈ ગયા હોત. અમુક ચિંતા વિશે આપણે સજાગ થઈ ગયા હોત. આવેલો ક્રોધ તરત કાબૂમાં કરી લીધો હોત. નકારાત્મક વિચારોને ફગાવી દીધા હોત. પણ આ માત્ર ખ્યાલ છે. આપણા શરીરમાં એવી કોઈ ઍપ નથી કે એ આપણને આવા સમયે નોટિફિકેશન આપી શકે. એકમાત્ર મન આપણને આ બધા માટે સજાગ કરી શકે છે.


તમે જોયું હશે કે ક્રોધ કરી લીધા પછી ઘણી વાર આપણને અફસોસ થાય છે. ચિંતા કરી લીધા પછી એ ખોટી હોવાનો અહેસાસ થાય છે. આ અહેસાસ કોણ કરાવે છે? અફકોર્સ મન. મન આપણને ખોટા રસ્તે જતાં રોકે છે. આપણને એક વાર સાવચેત કરે છે. મનમાંથી ઉદ્ભવતી જુદી-જુદી ભાવનાઓ માટે મન જ આપણને તાકીદ કરે છે. એટલે મન આપણને બેસ્ટ નોટિફિકેશન સર્વિસ પૂરી પાડે છે. પણ આપણે મનનાં એ નોટિફિકેશન તરફ ધ્યાન આપતા નથી. નોટિફિકેશન પછી જો સજાગ થઈ જઈએ તો વગર કારણે ઊભી થયેલી ઘણીબધી ઝંઝટોમાંથી દૂર રહી શકીએ છીએ.

આપણું મન વણજોઈતા મુદ્દાઓ પકડી એનો મોટો ઇશ્યુ બનાવે છે અને એ જ ઇશ્યુને સૉલ્વ પણ કરી શકે છે. મન પાસે પ્રપંચનું નોટિફિકેશન પણ છે અને સમાધાનનું નોટિફિકેશન પણ છે. નફરત પણ છે અને માફી પણ છે. પણ આપણે જો કોઈને નફરત કરીએ તો એને જિંદગીભર નફરત કરતા રહીએ છીએ. ગુસ્સો કરીએ અને પછી એ જ ગુસ્સાને આપણી આદત બનાવી નાખીએ છીએ.


નોટિફિકેશન એક અલર્ટ અલાર્મ છે જે આપણી જિંદગીમાં અને આપણી સાથે જીવતી વ્યક્તિઓની જિંદગીમાં શું ચાલે છે એ બતાવે છે. આપણે દુનિયાની સામે સારા ફોટો, વિડિયોઝ, સ્ટેટસ અપલોડ કરીએ છીએ અને પછી એની પર લાઇક-કમેન્ટ્સ આવે છે અને આપણને નોટિફિકેશન મળે છે. આપણે આપણા સ્વભાવની કઈ બાજુ દુનિયા સામે અપલોડ કરવી છે એ વિચારવું રહ્યું. જીવવા માટે સજાગતા ખૂબ જરૂરી છે. શું કરવું અને શું ન કરવું એનું ભાન જરૂરી છે.

ઘણી વાર મિત્રો અને પરિવાર નોટિફિકેશનની ગરજ પૂરી પાડે છે. આપણા બદલાયેલા વર્તન માટે આપણને ટોકે છે. એ એક પ્રકારનું નોટિફિકેશન જ છે. અલર્ટ અલાર્મ જ છે. સંજોગો પ્રમાણે આપણા વર્તનમાં આવેલા બદલાવ માટે મિત્ર આપણને વાકેફ કરે છે. આપણા પર આવી પડેલી મુશ્કેલી કે આપણે ખુદ ઊભી કરેલી મુશ્કેલી માટે આપણે શું કરવું-ન કરવું એનાં સૂચનો આપે છે.

મન પોતે જ આપણું સિક્યૉરિટી લાઇસન્સ છે. આપણી અંદરથી જ ઉદ્ભવતાં ક્રોધ, સ્વાર્થ, ઈર્ષા, નકારાત્મક વિચારોનું નોટિફિકેશન આપણને આપી શકે છે; પણ એ માટે સજાગતા જરૂરી છે. મનને પણ રિન્યુઅલની જરૂર પડે છે. મનમાં વણજોઈતા વિચારોના વાઇરસ ન ઘૂસે એ માટે મન સાથે સંવાદ સાધવો પડે છે. અને જો એ નકામા વિચારોના વાઇરસ ઘૂસી ગયા હોય તો એને તરત દૂર કરવા પડે છે.

સૌથી પહેલાં જો કોઈ આપણને અલર્ટ કરે છે તો એ છે આપણું મન. એ નોટિફિકેશનને નજરઅંદાજ ન કરો. જાણતાં-અજાણતાં સોર્સ દ્વારા ખરાબ વિચારોનો વાઇરસ આવી ગયો હોય તો અલર્ટ થઈ જાઓ. મન દ્વારા મળતી તાકીદ અને સૂચનાઓને ફૉલો કરો. એક વાક્યમાં કહું તો મન કી બાત સુનો.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

23 December, 2020 03:18 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK