વિરામ અને વિકારઃ માત્ર દીકરીઓનાં માબાપોએ જ નહીં, દીકરાઓનાં માબાપે પણ સમજવું પડશે કે...

Updated: Dec 04, 2019, 11:57 IST | Manoj Joshi | Mumbai

મેરે દિલ મે આજ ક્યા હૈઃ દેશને સક્ષમ બનાવવા માટે પણ તમારે તમારા દીકરા પર નજર રાખવાની જરૂર છે. સમાજને સુયોજિત દિશામાં લઈ જવા માટે પણ આ કાર્ય જરૂરી છે અને પરિવારની ઇજ્જત-આબરૂ અને શાખને પણ બનાવી રાખવા માટે આ કામ અનિવાર્ય છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

આપણે ત્યાં બની રહેલી હૈદરાબાદ જેવી કે પછી એવી ઘટનાઓ યાદ કરાવી જાય એવી ઘટનાઓ દરેક વખતે એક વાત સૂચવે છે કે હવે માત્ર દીકરીઓનાં માબાપે જ નહીં, દીકરાઓના પેરન્ટ્સે પણ સમજવું પડશે અને ચેતી જવું પડશે. દીકરીનું ધ્યાન રાખવાની જવાબદારી માબાપ સુપેરે નિભાવે છે, પણ એની સાથોસાથ તમારો નબીરો ક્યાં ફરે છે, શું કરે છે અને તેની સોબત કેવી છે એ જોતાં રહેવાની જવાબદારી દીકરાઓનાં માબાપની છે, છે અને છે જ. આજે એવી અવસ્થા આવી ગઈ છે કે દીકરા વિશે માબાપને ભાગ્યે જ ખબર હોય છે. તે શું કરે છે, કોની સાથે રહે છે, ક્યાં બેઠો હોય છે, જ્યાં બેઠો હોય છે એ જગ્યા કેવી છે, જેની સાથે રહે છે એ લોકો કેવા છે એ વિશે તેમને કશી ખબર નથી હોતી. ઘણા પેરન્ટ્સ એવા છે જે પાડોશીનાં બાળકો સાથે ફરતા દીકરાની સોબત સારી છે એવું ધારી લે છે, પણ એ તમારી ભલમનસાઈ છે. બની શકે કે તમારા એ પાડોશીના દીકરાની સોબત સારી ન હોય અને તમારો દીકરો એ ત્રાહિત સોબતની હડફેટમાં ચડી જાય અને એ તમારું, તમારા ખાનદાનુનું નાક બોળે.
નહીં કરો આવી મૂર્ખામી. જેટલી જાણકારી દીકરીની હોવી જોઈએ એનાથી પણ વધારે જાણકારી તમને તમારા દીકરાની હોવી જોઈએ, કારણ કે જગતમાં નાક કપાવવાનું કામ આ દીકરો જ કરવાનો છે અને એવું બને જ છે. દિલ્હીના જાગૃતિ રેપકેસમાં પણ આપણે એ જ જોયું છે અને હૈદરાબાદના વેટ‌રિનરી ડૉક્ટરના કેસમાં પણ આપણે એ જ જોયું છે. તમારાં સંતાન એવાં નથી જેવાં તમે તેને જોઈ રહ્યા છો. તમારાં સંતાનો એ છે જે તમારી ગેરહાજરીમાં દેખાઈ રહ્યાં છે. મોટા ભાગનાં સંતાનો તેના પેરન્ટ્સની હાજરીમાં સાવ જુદાં હોય છે, પણ તેમની ગેરહાજરીમાં તેમનો સાચો રંગ બહાર આવે છે. પેરન્ટ્સને ક્યારેય ખબર નથી હોતી કે તેનો દીકરો સિગારેટ પીએ છે. આજે ૧૦માંથી ૯ બાળકો એવી રીતે સિગારેટ પીએ છે કે ક્યારેય તેના પેરન્ટ્સને ખબર પણ ન પડે. સિગારેટને ઉદાહરણ તરીકે જોવાનું છે. કહેવાનો ભાવાર્થ અહીં અલગ છે.
તમારા સંતાનની સોબત કેવી છે, તે કોની સાથે રહે છે અને કેવા લોકો સાથે ફરતો રહે છે એ જોવું જોઈએ અને આ બહુ મહત્ત્વની ફરજ છે. જો તમે એમ માનતા હો કે તમારા દીકરાની ખોટી સોબત ન હોય તો તમારે શિયાળાના દિવસોમાં સવારે પાંચ વાગ્યે જાગીને તમારી આ માનસિકતા માટે ઠંડા પાણીએ નાહી લેવું જોઈએ. સંતાન એ નથી જેને તમે જોઈ રહ્યા છો.
જાણકારી રાખો એ બધી જે જરૂરી છે. બને કે એ જાણકારી તમને હેબતાવી દે, પણ એ સારું છે. અત્યારે તમને ખબર પડી જશે તો તમે લાભમાં રહેશો અને જો તમને એવું લાગશે કે તમારે તમારા દીકરા પર કામ કરવાની આવશ્યકતા છે તો તમે એ કરી શકશો. ઘણાં ઘરોમાં હું જોઉં છું કે દીકરા વિશે તેના બાપુજીને જ ખબર નથી હોતી, જેને પાછું બાપુજી બહુ ગર્વની વાત ગણે. એવું બિલકુલ નથી. આ બધું પહેલાં થતું, ૪૦-૫૦ વર્ષ પહેલાં એ રીત હતી કે બાપાને કંઈ ખબર ન હોય તો ચાલે, પણ એ સમય અને આજનો સમય જુદો છે. દેશને સક્ષમ બનાવવા માટે પણ તમારે તમારા દીકરા પર નજર રાખવાની જરૂર છે. સમાજને સુયોજિત દિશામાં લઈ જવા માટે પણ આ કાર્ય જરૂરી છે અને પરિવારની ઇજ્જત-આબરૂ અને શાખને પણ બનાવી રાખવા માટે આ કામ અનિવાર્ય છે. ‘વિરામ અને વિકાર’ સિરીઝમાં આવતી કાલે વાત કરીશું, હવે બળાત્કારીઓ સાથે કેવા બનવાની જરૂર છે?

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK