Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સફળ થવા નહીં, સફળતાને ટકાવી રાખવા આકરી મહેનત કરવાની હોય

સફળ થવા નહીં, સફળતાને ટકાવી રાખવા આકરી મહેનત કરવાની હોય

31 October, 2020 06:32 PM IST | Mumbai
Sanjay Raval

સફળ થવા નહીં, સફળતાને ટકાવી રાખવા આકરી મહેનત કરવાની હોય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એવરેસ્ટ પર જવા માગતા ક્લાઇમ્બર એટલે કે પર્વતારોહક આખું વર્ષ તૈયારી કરે. વર્ષ દરમ્યાન સતત બૉડી ફિટ રાખે, બીમારી પાસે ન આવવા દે અને પોતાના શરીરને એવરેસ્ટને લાયક તૈયાર કરે. શરીરને તૈયાર કરવાની સાથોસાથ તે માનસિક તૈયારીઓ કરે અને માનસિક તૈયારીઓની સાથોસાથ પર્વતારોહક જરૂરી અન્ય તૈયારીઓમાં પણ લાગી જાય. એવરેસ્ટના રૂટનો આખો મૅપ તૈયાર કરવામાં આવે. એ મૅપની સાથોસાથ વાતાવરણ પર પણ નજર રાખે અને વાતાવરણના વરતારા મુજબ ક્યારે ચડાઈ કરવી એના વિશે પણ સજાગતા કેળવે તો સાથોસાથ રૂટ, રૂટમાં આબોહવાની અસર કેવી રહેશે એની પણ જાણકારી મેળવે અને એક્સપર્ટ્સને પણ મળીને તેની પાસેથી પણ વિગતો જાણી રૂટમાં ક્યાં કેટલો હોલ્ટ કરવો પડશેથી માંડીને ક્યાંથી ક્યાં પહોંચવામાં કેટલો સમય લાગશે, શું સાથે રાખવું, કેટલું અનિવાર્ય ગણાશે જેવી તમામ વિગતો પણ મેળવે અને એને પણ પોતાના રિસર્ચમાં ઉમેરે. તમને ખબર જ હશે કે જેમ-જેમ ઊંચાઈ પર જઈએ એમ-એમ ઑક્સિજન-લેવલ ઘટતું જાય એટલે એવરેસ્ટ પર જનારાએ ઑક્સિજન સિલિન્ડર્સ રાખવાં પડે. તમને એમ થાય કે આ વાત તો સામાન્ય છે, પણ ના, એવું નથી. ઑક્સિજન સાથે રાખ્યા પછી પણ એનો હિસાબ કરવાનો હોય. કયા લેવલ પર પહોંચ્યા પછી કેટલા ટાઇમમાં કેટલો ઑક્સિજન ખર્ચાશે અને જો એટલો ખર્ચાતો હોય તો કેટલો ઑક્સિજન સાથે રાખવાનો એનો પણ હિસાબ માંડવાનો હોય. આ ગણતરીમાં ક્યાંય પણ ખોટા પડ્યા અને ઑક્સિજન ઓછો થવા માંડ્યો તો આગળ વધવાનું તો છોડો, જીવવું પણ મુશ્કેલ થઈ જાય અને ત્યાં જ તમારું રામનામ સત્ય થઈ જાય. એવું ન થાય એટલે એવરેસ્ટ પર ગયા પછી ત્યાં ટકી રહેવા માટે વધારે મહેનત કરવી પડે અને ત્યાં ટકેલા રહેવા માટે તમારે સહજપણે તૈયારીઓ પણ પૂરતી કરવી પડે.

સફળતાનું પણ આવું જ છે.



હા, સફળતા એવરેસ્ટ સમાન છે અને એ મેળવવી અઘરી નથી, પણ ત્યાં ટકી રહેવું અઘરું છે અને ત્યાં ટકી રહેવા માટે જ સાચી અને સખત મહેનત કરવાની છે. માણસ જેમ-જેમ ઉપર ચડતો જાય એમ હવા પાતળી થતી જાય છે. જેમ-જેમ સફળતા પ્રાપ્ત થતી જાય એમ ઑક્સિજન મગજને મળવામાં તકલીફ પડવા માંડે અને એટલે જ વડીલો કહે કે તેને સફળતાની રાઈ ચડી છે. સફળતા દરેકને ગમતી હોય છે, દરેકને વહાલી હોય છે. બધા સફળ થવા માટે જ મહેનત કરે છે અને દોડે પણ સફળતા માટે છે, પણ જૂજ લોકો એ વાત સમજે છે કે સફળતા કરતાં પણ વધારે મહેનતની જો જરૂર હોય તો એ છે સફળતાને ટકાવી રાખવાની કે પછી સફળતાને અકબંધ રાખવાની. બધાને ખબર છે, અનુભવે છે, પણ કોઈ સમજતું નથી કે સફળતા પોતે તો ભારે છે જ, પણ સફળતા સાથે બીજો ભાર પણ આવતો હોય છે.


એવરેસ્ટ પાર કરવા, ઉપર જવા આગળ વધતા હોઈએ છીએ ત્યારે માણસ વિચારે છે, રિસર્ચ કરે છે, મહેનત કરે છે અને એને માટે તૈયારીઓ પણ કરે છે. નાનામાં નાની વાતનો અભ્યાસ પણ તે કરે અને ત્યાં ઠંડી કેવી લાગશે એ વિશે પણ જાણકારી મેળવીને રાખે, પણ સફળતા માટે આ બધું કરવું જરૂરી છે અને ૧૦૦માંથી ૯૯ લોકો આ કામ કરતા નથી, પરિણામ એ આવે છે કે મળેલી સફળતા તેને પછડાટ આપે છે. સફળતા માટે મારા એક શિક્ષક ગાંડા હાથીનું ઉદાહરણ પણ આપતા. હાથી પર સવારી કરવી સારી, પણ ગાંડા હાથી પર સવારી કરો તો એ તમને ઉપર બેસવા ન દે. જ્યાં સુધી તમે ઊતરો નહીં ત્યાં સુધી એ તમને પછડાટ આપવાનો પ્રયાસ કર્યા કરે. હાથી સફળતા છે અને ગાંડો હાથી સફળતા પર ટકી રહેવાની મથામણ છે. સફળતા એવરેસ્ટ છે અને સફળતા પર ટકી રહેવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એવરેસ્ટની ટોચ છે. યાદ રાખજો કે ટોચ ઉપર એક જ વ્યક્તિને ઊભા રહેવાની જગ્યા મળે છે. ત્યાં બીજા માટે જગ્યા છે જ નહીં, પણ એ એક જગ્યા પર ઊભા રહેવા માટે એકધારી અને સતત ધક્કામુક્કી ચાલ્યા કરે છે. એ ધક્કામુક્કી ઉપર ઊભેલા માણસે સહન કરવાની છે અને પોતે પડી ન જાય એનું ધ્યાન પણ તેણે સતત રાખવાનું છે. ધ્યાન પણ રાખવાનું છે અને એ પછી પણ તેણે સતત પેલી ધક્કામુક્કીથી અંતર પણ રાખવાનું છે. આ બધું કરવા માટે પેલો જ ટોચ પર પહોંચવાનો રસ્તો હતો અને એ રસ્તા પરની જે સ્ટ્રગલ હતી એનાથી પણ વધારે સ્ટ્રગલ તેણે કરવાની છે. આ સ્ટ્રગલ કરવાનું જો તમે છોડી દેશો તો તમને કોઈ પણ આવીને ઊથલાવી દેશે, તમને કોઈ પણ પછડાટ આપી દેશે અને સાહેબ, પછડાટ બહુ ખરાબ હોય છે. પછડાટનો માર અતિ ખરાબ હોય છે. બહેતર છે કે એ માર ખાવો ન પડે એ માટે ટૉપ પર પહોંચ્યા પછી પણ સંઘર્ષ ચાલુ રાખો અને સફળતાને લાયક વ્યક્તિત્વ કેળવો.

આજે અનેક ઉદ્યોગપતિ એ સ્તરે છે કે એને પછડાટ આપવાનું કોઈ વિચારી પણ નથી શકતું. અનેક કલાકારો પણ એ સ્થાન પર પહોંચી ગયા છે જેમને ત્યાંથી પાછા લાવવાનું કામ પણ કોઈ વિચારી નથી શકતું. અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણી બન્ને આ જ બાબતનાં બેસ્ટ ઉદાહરણ છે. તેમણે ટોચ પર પહોંચીને પણ સંઘર્ષ એકધારો ચાલુ રાખ્યો. મહેનત અકબંધ રાખી અને સમયાંતરે એમાં ઉમેરો પણ કર્યો. ટોચ પરથી પાછા આવવાની જે પ્રક્રિયા હોય છે એ દુખદાયી હોય છે, પણ એ દુખદાયી પ્રક્રિયામાંથી જો તમારે પસાર ન થવું હોય તો જેટલી મહેનત ઉપર જવામાં કરી છે એટલી જ મહેનત ત્યાં ટકી રહેવા માટે કરવાની છે.


સફળતા મેળવવાનો રસ્તો પણ છે તો આકરો જ. જરા વિચાર કરો કે એવરેસ્ટ પર પહોંચવા માટે કેટલી ટ્રેઇનિંગની જરૂર પડતી હોય છે. કેટલી અને કેવી આકરી ટ્રેઇનિંગની આવશ્યકતા હોય છે. એ જર્નીમાં ડગલે ને પગલે  પગ લપસે એવી પરિસ્થિતિ હોય છે. જો એક વાર પગ લપસી ગયો તો ફરી પાછું ઉપર આવવું બહુ કઠિન હોય છે. ઉપર આવવું જ નહીં, જીવ બચાવવો પણ કઠિન છે. સફળતાનો રસ્તો પણ એવો જ છે. સફળ થવા માટે તમે ભલે દિવસ-રાત મહેનત કરો, સફળ થવા માટે ભોગ આપો, તૈયારી કરો, પ્લાનિંગ કરો અને ટાઇમ-ટેબલ બનાવો, પણ એનો ખ્યાલ નથી રહેતો કે રસ્તામાં ક્યાં-ક્યાં પરિબળો એવાં આવશે જે તમને લપસાવી શકે છે અને તમને એ રસ્તેથી નીચેની તરફ ધકેલી દઈ શકે છે. ધારો કે પગ નથી લપસતો અને તમે ઉપર પહોંચી ગયા તો પણ યાદ રાખવાનું છે કે ઉપર હવા પાતળી છે. માણસ ઉપર ચડતો જાય એમ હવા પાતળી થતી જાય છે. પછી એ એવરેસ્ટ હોય કે સફળતા. આ પાતળી હવાની એક ખરાબ વાત છે. એ હવામાં એવા વિષાણુ છે જે માણસને અહમના રસ્તે વાળી દે. અને તેને નીચેના લોકો વામણા લાગવા માંડે, પણ તે ભૂલી જાય છે કે જો તેણે ટોચથી નીચે આવવાનું બનશે તો આ જ લોકો તેને સામે મળવાના છે, આ જ લોકો તેના પર હસવાના છે. આવું ન બને એને માટે પણ સફળતાના રસ્તે મહેનત કરવાની છે અને સફળતા પામી લીધા પછી એકધારી મહેનત કરતા રહેવાનું છે. નવું શીખતા રહેવાનું છે અને પારંગત લોકોને સાથે લઈને સફળતાને અકબંધ રાખવાની છે. સફળતાના શિખર પર જો સૌથી વધારે ઘાતક કંઈ હોય તો બે વાત; એક, અહમ્ અને બીજી, અણઆવડત. અણઆવડત વચ્ચે શિખર પર પહોંચી ગયા પછી પણ શિખર અકબંધ રાખી શકાય, પણ એને માટે આવડત ધરાવતા લોકોની મદદ લેવાનું કામ થઈ જવું જોઈએ અને એ પણ સમયસર થવું જોઈએ. વિનમ્રતા સાથે કહી શકાય કે ધીરુભાઈ અંબાણીને ક્રૂડમાંથી પેટ્રોલ કાઢવાની પ્રોસેસ પોતાને તો નહીં જ આવડતી હોય, પણ તેમણે એ કામ માટે જે બેસ્ટ હતા એ સૌકોઈને સાથે રાખ્યા અને સફળતાને પોતાની સાથે અકબંધ રાખી. અમિતાભ બચ્ચનને આજે ફિલ્મ ડિરેક્ટ કરતાં આવડી જ ગઈ હોય પણ એમ છતાં તેણે બેસ્ટ ડિરેક્ટરના ઇશારે કામ કરવાનું પસંદ કર્યું અને પોતાની સફળતાને અકબંધ રાખી. યાદ રાખજો એક વાત કે સફળ થવું મહત્ત્વનું છે, પણ સફળતાને અકબંધ રાખવી અત્યંત મહત્ત્વનું છે. સફળતા અકબંધ ત્યારે જ રહે જ્યારે એ જગ્યાએ ટકી રહેવા માટે તમે ઊંઘ ઉડાડીને સપનાં જોવાની અને એ સપનાં પૂરાં કરવાની મહેનત કરો.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

31 October, 2020 06:32 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK