કૌન કહતા હૈ કી સિર્ફ નફરત મેં હી દર્દ હોતા હૈ, કભી હદ સે ઝ્‍યાદા મોહબ્બત ભી તકલીફ દેતી હૈ!

Published: Sep 07, 2020, 15:33 IST | Pravin Solanki | Mumbai

કોઈ પણ જાતનો રોષ કે પ્રકોપ દાખવ્યા વગર મારા હસબન્ડે ચૂપચાપ મારી વાત સાંભળીને કહ્યું કે ‘તું ચિંતા ન કર, તારી ખુશીની આડે હું નહીં આવું.

અક્ષય કુમારે રૂસ્તમ નાણાવટીનું પાત્ર ભજવ્યું હતું
અક્ષય કુમારે રૂસ્તમ નાણાવટીનું પાત્ર ભજવ્યું હતું

જ્યુરી છેલ્લી વાર સિલ્વિયાનું બયાન સાંભળવા માગતી હતી. એના બયાન પર ચુકાદાનો મહત્ત્વનો આધાર હતો. સિલ્વિયાએ અદાલતમાં કહ્યું, ‘‘મારા પ્રેમસંબંધનો એકરાર મેં જાતે જ મારા હસબન્ડ સામે કર્યો હતો. મેં તેમને સ્પષ્ટપણે કહ્યું હતું કે હું પ્રેમ આહુજાને ચાહું છું, ડિવૉર્સ લઈને તેમની સાથે મૅરેજ કરવા માગું છું, પણ પ્રેમ કોઈ ચોક્કસ જવાબ નથી આપતો. હું ખૂબ મૂંઝાઈ ગઈ છું, ક્યાંક પ્રેમ મારી સાથે રમત તો
નથી રમતોને?
કોઈ પણ જાતનો રોષ કે પ્રકોપ દાખવ્યા વગર મારા હસબન્ડે ચૂપચાપ મારી વાત સાંભળીને કહ્યું કે ‘તું ચિંતા ન કર, તારી ખુશીની આડે હું નહીં આવું. પ્રેમ મારો મિત્ર છે. તેના મનમાં મારો જો કોઈ ભય હોય તો હું દૂર કરીશ. આજે જ હું તેને મળીને સમજાવીશ, તું નચિંત રહેજે.’ હું એકદમ ગભરાઈ ગઈ. મેં તેમને કહ્યું, ‘મહેરબાની કરીને તમે તેને ન મળતા. તમારા પર તેને ખૂબ રોષ છે. તે તમને મારી નાખશે.’ તો મને કહે કે ‘સો વૉટ? આમ પણ તારા-તમારા માર્ગમાંથી ખસી જવા માટે મેં ખુદકુશી કરવાનું જ નક્કી કર્યું છે.’
તેમની વાત સાંભળીને મારા હોશ ઊડી ગયા. મારા મોઢામાંથી અનાયાસ નીકળી ગયું કે ‘તમારે શું કામ મરવું જોઈએ? ન કરવાનું કામ તો મેં કર્યું છે. આપઘાત તો મારે કરવો જોઈએ.’ મારા ઉશ્કેરાટને તેમણે શાંત પાડ્યો અને ઘરની બહાર નીકળી ગયા.’’ સિલ્વિયાએ ચતુરાઈપૂર્વક નાણાવટી નિર્દોષ ઠરે એવું બયાન
આપ્યું હતું.
સિલ્વિયાની જુબાની બાદ ૯ સભ્યોની જ્યુરીએ સમગ્ર ખટલાનો અભ્યાસ, ચિંતન, મનન કરી ચુકાદો આપ્યો કે નાણાવટી નિર્દોષ છે. અલબત્ત આ ચુકાદો ન્યાયપૂર્વકનો નહીં, લાગણીપૂર્વકનો હતો. નાણાવટીની દેશભક્તિ, કુશળતા, સંજોગો, તેમની મન:સ્થિતિ અને લોકજુવાળની ચુકાદામાં અસર હતી. ૯ જ્યુરીમાંથી ૮ વ્યક્તિ નાણાવટીની તરફેણમાં હતી, એક વ્યક્તિ વિરુદ્ધમાં!
અદાલતમાં જ્યુરીનો ચુકાદો સાંભળીને તાળીઓના ગડગડાટ થયા. ગલી-ગલીમાં ફટાકડા ફૂટ્યા, મીઠાઈની વહેંચણી થઈ, પણ લોકોની આ ખુશી ક્ષણજીવી નીવડી હતી. જ્યુરીના ચુકાદાથી ન્યાયાધીશ સંતુષ્ટ નહોતા. તેમને ચુકાદો લાગણીયુક્ત, અનુગ્રહયુક્ત લાગ્યો એટલે તેમણે તરત જ જાહેર કર્યું કે ન્યાયતંત્રની ગરિમા જળવાઈ રહે એ માટે પ્રસ્તુત ખટલો હાઈ કોર્ટમાં મોકલવામાં આવે.
ખટલો હાઈ કોર્ટમાં ગાજ્યો. ન્યાયાધીશ પ્રત્યે લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો. નાનાં-નાનાં છમકલાં થયાં, પણ એની અસર હાઈ કોર્ટમાં ચાલતા ખટલા પર ન થઈ. નીચલી કોર્ટમાં નાણાવટીની તરફેણમાં જે બધું સમુંસૂતરું ચાલતું હતું એ બધું પલટાઈ ગયું. ખટલાની દિશા અને દશા બદલાઈ ગઈ. હાઈ કોર્ટને સ્પષ્ટપણે લાગ્યું કે આ કોઈ અકસ્માત છે જ નહીં. ઠંડે કલેજે, પૂર્વયોજિત હત્યા છે. જ્યુરીનો ચુકાદો ગેરવાજબી ઠર્યો. હાઈ કોર્ટે નાણાવટીને જન્મટીપની સજા ફરમાવી.
બસ, અહીંથી આ ખટલો નાટ્યાત્મક વળાંક લે છે. આહુજા ખૂનકેસ તો ૧૯૫૯નો છે, સુશાંતનો તો ૨૦૨૦નો. ૬૧ વર્ષ પછી પણ રાજરમત એની એ જ રહી છે, ‘વહી રફ્તાર બેઢંગી, જો આગે સે ચલી આયી હૈ.’ કશું જ બદલાયું નથી. ખુરસી મેળવવી અને ખુરસી ટકાવી રાખવી એ દરેક રાજકીય પક્ષનું ધ્યેય હોય છે. ન્યાય, નીતિ, મૂલ્યો, સિદ્ધાંત જાય ભાડમાં.
એ સમયે મુંબઈનાં ગવર્નર હતાં શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત. વડા પ્રધાન જવાહરલાલ નેહરુનાં બહેન. ગવર્નર પાસે સત્તા હોય છે એ સત્તાનો ઉપયોગ કરીને હાઈ કોર્ટના ચુકાદા બાદ માત્ર ચાર જ કલાકમાં ગવર્નરે ફરમાન કાઢ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી નાણાવટીને કસ્ટડીમાં રાખવાને બદલે એક સ્પેશ્યલ ખાસ ગેસ્ટહાઉસમાં રાખવામાં આવે. અફવા તો એવી પણ ઊડી કે જમાઈબાબુ એટલે કે ઇન્દિરા ગાંધીના હસબન્ડ ફિરોઝ ગાંધી પારસી હોવાને કારણે આ તરફેણ થઈ રહી છે.
લો. હવે ખટલો સુપ્રીમ કોર્ટમાં ગયો. ફરી પછી સાપસીડીની રમત શરૂ થઈ, પણ સુપ્રીમ કોર્ટમાં નાણાવટીના વકીલો ફાવ્યા નહીં. સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટે આપેલો ચુકાદો માન્ય રાખ્યો. ભારપૂર્વક કહ્યું કે આ એક પૂર્વયોજિત જ હત્યા છે, કોઈ અકસ્માત નથી. સુપ્રીમ કોર્ટે સજામાં પણ કોઈ ઘટાડો ન કર્યો અને આજીવન કેદની સજા કાયમ રાખી.
લોકોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ. સમગ્ર ખટલા દરમ્યાન દરરોજ છાપામાં આવતા નાણાવટીના ફોટો, તેમની દેશદાઝ, કુશળતાના અહેવાલો, તેમના આકર્ષક વ્યક્તિત્વને કારણે તેઓ હીરો બની ગયા હતા. વળી પત્નીના સુખ ખાતર તેમણે વચ્ચેથી હટી જવાનો નિર્ણય લીધો હતો એનાથી લોકો ખૂબ પ્રભાવિત થઈ ગયા હતા. વળી આહુજાએ જે જવાબ આપ્યો હતો કે ‘હું જે-જે છોકરી સાથે સૂતો હોઉં એ બધી સાથે લગ્ન કેમ કરી શકું?’ આ જવાબે આહુજા પ્રત્યે લોકોમાં અત્યંત નફરત ફેલાવી હતી. તેને ઠાર મારીને નાણાવટીએ રાવણનો વધ કર્યો છે, કશું અનુચિત કર્યું નથી એવી લાગણી સર્વત્ર વ્યાપી હતી. નાણાવટીની સજા હાઈ કોર્ટે માન્ય રાખવાથી આગમાં ઘી હોમાયું. લોકોનો રોષ આસમાને પહોંચ્યો.
લોકોનું કહેવું એ હતું કે ગવર્નરે પોતાની સત્તા વાપરીને કમાન્ડરને ગેસ્ટહાઉસમાં રાખ્યા, તો ગવર્નરને અપરાધીને માફ કરવાની પણ સત્તા છે. વિજયાલક્ષ્મી પંડિતે એ સત્તાનો ઉપયોગ કરીને તેમને માફ કરવાની માગણી ઊઠી.
વિજયાલક્ષ્મી પંડિત સામે ધર્મસંકટ ઊભું થયું. તેમણે વડા પ્રધાન નેહરુની સલાહ માગી. કમાન્ડર નાણાવટી લશ્કર સાથે જોડાયા હતા. એ વખતે રક્ષાપ્રધાન વી. કે. કૃષ્ણમેનન હતા. નહેરુએ તેમનો મત લીધો. નાણાવટીની અત્યાર સુધીની ઊજળી કારકિર્દીને કારણે મેનનને પણ નાણાવટી માટે સૉફ્ટ કૉર્નર હતો. તેમણે નેહરુને કહ્યું કે નાણાવટીએ ગુનો કર્યો છે એ કબૂલ, પરંતુ જે સંજોગોમાં તેમણે ગુનો કર્યો છે એને જોતાં આ સજા વધારે
પડતી છે.
આમ મામલો મહારાષ્ટ્ર સ્ટેટ, સરકાર, ડિફેન્સ મિનિસ્ટરી વચ્ચે વધારે ગૂંચવાયો. ગવર્નર જો માફી આપે તો સમગ્ર સિંધી કોમ નારાજ થાય એમ હતી અને ન કરે તો પારસી કોમ સહિત લોકલાગણી સરકાર વિરુદ્ધ જાય.
જેમ અત્યારે સુશાંતના કેસમાં અદાલતની બહાર અવનવા વળાંકો આવે છે એમ આહુજાના કેસમાં અદાલતી કાર્યવાહી દરમ્યાન કલ્પના બહારના વળાંકો આવ્યા હતા. એ રીતે અદાલતના ઇતિહાસમાં એ એક અભૂતપૂર્વ કિસ્સો બની ગયો.
નાણાવટીના સદ્નસીબે એક બીજો અણધાર્યો ફણગો ફૂટ્યો. સિંધી સમાજના એક નેતા, ભાઈ પ્રતાપ, જેઓ સ્વાતંત્રતાસેનાની હતા. સિંધી સમાજમાં બહુ લોકપ્રિય હતા. બિઝનેસમૅન હતા. બનાવટી લાઇસન્સના મામલામાં તેઓ સપડાયા હતા અને ગુનેગાર પુરવાર થયા હતા. તેમને સજા થઈ ત્યારે કોમમાં ભારે નારાજગી વ્યાપી. કોમે ગવર્નરને વિનંતી કરી કે સ્વાતંત્ર્યસેનાનીને અજાણતાં થયેલા ગુના બાબત માફ કરે!
વિજયાલક્ષ્મી માટે બગાસું ખાતાં પતાસું મોઢામાં આવી ગયું, પણ કાયદાકીય ગૂંચ ઘણી બધી હતી. જોકે કમાન્ડર નાણાવટીનું નસીબ પહેલેથી જ સાથ આપતું હતું. બીજી એક અચંબો પમાડે એવી ઘટના બની, કઈ?
અગાઉ આપણે જોયું એમ, નાણાવટી આહુજાને મળવા ઘરે આવ્યા ત્યારે તેમની બહેન ઘરમાં જ હતી. આહુજાનું ડેડ બૉડી સૌથી પહેલાં ઘરની નોકરાણી અને બહેને જ જોયું હતું. બહેનનું નામ હતું નેની! નેની ભાઈનાં કરતૂતોથી તંગ હશે કે કમાન્ડર પ્રત્યે દયા આવી હશે એટલે તેણે ગવર્નરને એક પત્ર લખ્યો, ‘મારા ભાઈના ખૂનીને માફ કરી દેશો તો મને કોઈ આપત્તિ નથી. હું કોઈ વિરોધ નહીં કરું.’ અને છેલ્લે...
એક વધુ વળાંક... રામ જેઠમલાની. નામ તો બધાએ સાંભળ્યું જ હશે, પણ ત્યારે કાયદાની દુનિયામાં તેઓ નવાસવા હતા. નેનીનો પત્ર ગવર્નરને મળ્યો ત્યારે કમાન્ડરનો કેસ તેમણે હાથમાં લીધો. તેઓ સિંધી હતા. એનો ફાયદો એ થયો કે ભાઈ પ્રતાપને માફી અપાવીને નાણાવટીને છોડી દેવા સિંધી સમાજને સમજાવવામાં તેઓ સફળ થયા. જેઠમલાણીએ બન્ને પક્ષે મધ્યસ્થી કરાવીને બન્નેને માફી અપાવીને પોતાનું નામ ઊજળું કર્યું અને આમ તેમણે એક કાંકરે ત્રણ પક્ષી તાર્યાં!
સુપ્રીમ કોર્ટના ચુકાદા અને આ બધી ઘટનાઓ બનતાં ત્રણ વર્ષ વીતી ગયાં હતાં. ત્રણ વર્ષ નણાવટીએ કારાવાસ ભોગવ્યો અને ૧૯૬૪ની ૧૭ માર્ચે તેમને માફી મળી ગઈ.
છુટકારા બાદ થોડા જ દિવસમાં નાણાવટી સિલ્વિયા અને બાળકો સાથે કૅનેડા સ્થાયી થવા રવાના થઈ ગયા. સૌથી અગત્યની વાત એ હતી કે પતિ-પત્ની બન્ને મનમાં કોઈ કડવાશ કે ડંખ રાખ્યા વગર ફરીથી ‘એક દૂજે કે હો ગએ.’
આ કેસનું બીજું એક મહત્ત્વનું પરિણામ એ આવ્યું કે ત્યારે જ્યુરીની પ્રથા બંધ થઈ ગઈ હતી.
આ પછી બન્નેનું શું થયું એની કોઈને ખબર ન પડી, સિવાય ૨૦૦૩માં કૅનેડામાં નાણાવટીનું મૃત્યુ થયું એ સમાચાર મળ્યા.

સમાપન
આંખ બંધ કરને સે
મુસીબત નહીં ટલતી
ઔર મુસીબત આયે બીના
આંખ નહીં ખૂલતી.
માણસ પડે તો એકલાને ઉઝરડા થાય છે, પણ જો માણસાઈ પડે તો આખા સમાજને ઉઝરડા થાય છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK