Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વો સૂફી કા કૌલ હો યા પંડિત કા જ્ઞાન જિતની બીતે આપ પર ઉતના હી સચ માન!

વો સૂફી કા કૌલ હો યા પંડિત કા જ્ઞાન જિતની બીતે આપ પર ઉતના હી સચ માન!

11 January, 2021 02:46 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

વો સૂફી કા કૌલ હો યા પંડિત કા જ્ઞાન જિતની બીતે આપ પર ઉતના હી સચ માન!

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


‘ચેત મછિન્દર, ગોરખ આયા’ પંક્તિ સાંભળીને મછિન્દરનાથનાં ગાત્રો ગળી ગયાં. પળભરમાં  પામી ગયા કે આ બીજું કોઈ નહીં, ગોરખનાથ જ છે. અલખ નિરંજનનો અલૌકિક નાદ ગોરખ સિવાય બીજું કોણ કરી શકે? મૃદુંગની થાપીમાંથી ઓમકારનો સ્વર કોણ કાઢી શકે? અહીં શું કામ આવ્યો હશે? અહીં સુધી પહોંચ્યો કઈ રીતે? પ્રશ્નો પર પ્રશ્નો મનમાં ઘૂમી રહ્યા.

‘અલખ નિરંજન’નો નાદ ફરીથી સંભળાયો. બન્નેની આંખો ફરીથી મળી, પરંતુ આ વખતની  તારકમૈત્રી કંઈક જુદી હતી. બન્નેએ આંખના ઇશારાથી એકબીજાને ઓળખી લીધાનો સ્વીકાર  કર્યો!



એક દિવસ તક સાધીને બન્ને એકાંતમાં મળે છે. ઘડીભરના મૌન પછી ગોરખનાથ મોઢું ખોલતાં  કહે છે, ‘ગુરુવર્ય, આપનાં દર્શન પામી ધન્ય થયો છું. મારી વિહ્‍વળતાને વિશ્રામ મળ્યો છે, મારા અજંપાને જંપ વળ્યો છે. હવે મારી એક જ ઇચ્છા છે કે મારી શંકાનું સમાધાન થાય. આપને માઠું ન લાગે તો એક વાત પૂછવી છે, પૂછું?’ ગુરુએ કહ્યું, ‘ગોરખ, ‘માઠું ન લાગે તો...’થી શરૂ થતી વાત માઠું લગાવવા માટે જ હોય છે. શંકા એ વિશ્વાસની કાતર છે. તને મારામાં વિશ્વાસ નથી?’


ગુરુના જવાબથી ગોરખનાં ગાત્રો ગળી ગયાં અને શરમિંદા બનીને કહ્યું, ‘શંકા શબ્દ અયોગ્ય રીતે વાપર્યો એ બદલ ક્ષમા ચાહું છું. હકીકતમાં મને જિજ્ઞાસા છે કે તમે આવું પગલું શું કામ ભર્યું? વર્ષોની સાધના ધૂળભેગી થાય એવું કૃત્ય આપ કારણ વગર તો ન જ કરો? આજે જ્યારે  જગતને આપના આશીર્વાદની, આપના માર્ગદર્શનની, આપના ઉપદેશની તાતી જરૂર છે એવા સમયે જ આપ જગતથી વિમુખ કેમ થઈ ગયા? મને સવિસ્તર કહો ગુરુવર્ય.’

‘મારી આજ્ઞાથી તું ૧૨ વર્ષ હિમાલય તપ કરવા ગયો હતો એ શું કામ?’


‘કારણ કે આપને મારી સાધના અધૂરી લાગી હતી.’

 ‘હું પણ મારી અધૂરી સાધના પૂરી કરી રહ્યો છું.’

‘એટલે?’ 

‘એક વાર હું રામેશ્વર ગયો હતો. ત્યાં રામકથા ચાલતી હતી. ત્યાં મને હનુમાનજતીનો સત્સંગ  સાંપડ્યો. તેમને દંડવત્ પ્રણામ કરી મારાથી સહજ પુછાઈ ગયું કે મહાજતી, મારો યોગ પાકો થયો છે કે નહીં?’

હનુમાનજતીએ કહ્યું, ‘તારો યોગ અધૂરો છે. હજી તારે ૧૨ વર્ષ તપ કરવાનું છે. કામયોગને જાણવાનો છે, જ્યાં સુધી કામયોગ જાણ્યો નથી ત્યાં સુધી યોગ અખંડિત બનતો નથી.’

ગોરખનાથ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. ગુરુની વાતનો મર્મ પામવા પૂછ્યું, ‘ગુરુજી, પછી  આપે હનુમાનજતીની આજ્ઞા પાળી?’

‘એ જ પાળી રહ્યો છું. તેમની આજ્ઞાથી જ હું કામરુ દેશમાં આવ્યો છું. તેમણે મને વચન  આપેલું કે જ્યાં સુધી તું કામરુ દેશમાં હોઈશ ત્યાં સુધી હું કામરુ દેશનું રક્ષણ કરીશ. અન્ય  કોઈને ત્યાં પ્રવેશવા નહીં દઉં. ૧૨ વર્ષ મારે અહીં રહેવાનું હતું, હજી ૬ મહિના બાકી છે.’

‘હજી ૬ મહિના?’

‘નિયતિ છે, ગોરખ. બાકી તું માને છે કે અયોનિજનું કોઈ સ્ખલન કરી શકે?’

‘પણ, આપને નથી લાગતું કે આપે કામયોગ સાધી લીધો છે?’

‘સાધ્યો છે, પણ કેટલીક અડચણો છે. મેં મૈનાકિનીને વચન આપ્યું છે કે તેની રજા સિવાય હું  કામરુ દેશ નહીં છોડું.’

‘એ રજા નહીં આપે તો?’

‘તો કોઈ યોજના ઘડવી પડશે.’

‘યોજના?’ ગોરખનાથ મૂંઝાયા. ત્યાં અચાનક ગુરુનો પ્રશ્ન સામે આવ્યો, ‘ગોરખ, હનુમાનની  ચોકી તોડીને તું અહીં સુધી કેમ પહોંચી શક્યો?’

ગોરખનાથ મંદ સ્મિત કરતાં બોલ્યા,

‘પ્રભુ, મને પણ હનુમાનજીએ સરહદ પર રોક્યો હતો.’

‘હનુમાનજતીએ તને પ્રવેશવા દીધો?’

‘આપ જતી, હનુમાન પણ જતી અને હું પણ જતી. જતી જતીને કઈ રીતે અટકાવે? મેં મારા શુદ્ધ આશયની વાત કરી એટલે તેમણે કૃપા કરી.’

મનોમન મછિન્દરનાથ ગોરખનાથ પર વારી ગયા. તેમણે એક યોજના મનમાં ઘડી નાખી. યોજના સાંભળીને ગોરખનાથના શ્વાસ ક્ષણભર થંભી ગયા. તેમને ગુરુ પર સંપૂર્ણ ભરોસો હતો. યોજના પ્રમાણે ગોરખનાથ મૈનાકિની સામે પ્રગટ થયા. બધી વાત કરી. મૈનાકિનીએ કહ્યું કે ૧૨ વર્ષ પૂરાં થવાને હજી ૬ મહિના બાકી છે. ૬ મહિના તમે અહીં જ રહી જાઓ. અમારું  આતિથ્ય સ્વીકારો, ૬ મહિના પછી હું મછિન્દરનાથને મુક્ત કરીશ. ગોરખનાથે એ વિનંતી સ્વીકારી લીધી.

૬ મહિના વીતી ગયા. મૈનાકિની મછિન્દરનાથને મુક્ત કરવાની કે રજા આપવાની વાત જ નથી કરતી. મછિન્દરનાથ ધારત તો કામરુ દેશ છોડતાં તેમને કોઈ અટકાવી શકે એમ નહોતું, પરંતુ તેમને તેમનું વચન વહાલું હતું.

એક દિવસ તેમણે ગોરખનાથને બોલાવીને કહ્યું, ‘ગોરખ, મારા પુત્ર મીનનાથને તું નદીએ  નાહવા લઈ જા. તેને બરાબર તારા હાથે નવડાવ, બધો મેલ સાફ કરી દે. જોજે કોઈ ડાઘ ન રહી જાય.’

ગોરખનાથ મીનનાથને લઈને ગયા નદીના ઘાટ પર. નાનકડા મીનનાથના પગ પકડીને, ઊંધો  કરીને ઘાટ પર ધોબી કપડાં ધુએ એ રીતે મીનનાથને ઝીંકી-ઝીંકીને ધોયો. જોતજોતામાં મીનનાથના પ્રાણ નીકળી ગયા!! સફેદ લૂગડામાં ધોબી જેમ ધોયેલાં કપડાંનું પોટલું બાંધીને ઘરે લઈ આવે એમ ગોરખનાથ મીનનાથનું પોટલું બાંધીને રાજભવન લઈ આવ્યા. રાજભવનની  બહાર એક મજબૂત તાર પર કપડાની જેમ તેને સૂકવવા મૂક્યો.

ગોરખનાથ મછિન્દરનાથ પાસે આવ્યા. ગુરુએ પૂછ્યું, ‘વત્સ, કામ પતી ગયું? બરાબર ધોઈ  નાખ્યો? મેલ નીકળી ગયો?’ ગોરખનાથે કહ્યું, ‘ગુરુજી, બધો મેલ કાઢી નાખ્યો, એક નાનકડો ડાઘ સુધ્ધાં રહેવા નથી દીધો.’ ‘ધોઈ’, ‘મેલ’, ‘ડાઘ’ આ બધાનો શબ્દાર્થ નહીં ગૂઢાર્થ છે એ લખવાની જરૂર છે? છતાંય લખ્યું છે એનું કારણ સુજ્ઞ વાચકો જાણી જ ગયા હશે.

રાજભવનમાં દોડધામ, હો-હા મચી ગઈ. મૈનાકિની મીનનાથનો દેહ આ રીતે લટકતો જોઈ  મૂર્છિત થઈ ગઈ. સ્વસ્થ થયા પછી તેને બધી લીલા સમજાઈ ગઈ. બે હાથ જોડીને તેણે ગોરખનાથને વિનંતી કરી કે ‘હું મછિન્દરનાથને મુક્ત કરીશ, પણ મારા પુત્રને જીવંત કરો. આપ તો સિદ્ધપુરુષ છો. આપને માટે આ અશક્ય નથી, હું મારી ભૂલ માટે ક્ષમા માગું છું.’ ગોરખનાથે કહ્યું, ‘ભલે હું મીનનાથને જીવંત કરીશ, પરંતુ એક નહીં, ૧૦૮ મીનનાથ જીવંત થશે, તમારે એમાંથી સાચા મીનનાથને ઓળખી કાઢવો પડશે.’

સિદ્ધપુરુષ ગોરખનાથે ૧૦૮ મીનનાથને જીવંત કરીને સન્મુખ આણ્યા. ૧૦૮ જ શું કામ? કેમ કે માળાના મણકા ૧૦૮ હોય છે, એમાં એકાદ જ મણકામાં તત્ત્વ છુપાયેલું હોય છે. એ મણકો  હાથ આવી જાય તો બેડો પાર થઈ જાય. મૈનાકિની સાચા મીનનાથને ઓળખી કાઢીને ધન્ય ધન્ય થઈ ગઈ, એટલું જ નહીં, ગુરુ શિષ્યને અર્પણ કરી દીધો. ગુરુ-શિષ્યએ મીનનાથને દીક્ષિત કર્યો અને બન્નેએ કામરુ દેશથી વિદાય લીધી. 

આજ દિવસ સુધી ગુરુ આગળ ચાલતા હતા અને શિષ્ય પાછળ પાછળ જતો હતો, પરંતુ આજે  શિષ્ય આગળ ચાલતો હતો અને ગુરુ નતમસ્તક પાછળ ચાલતા હતા.

છેલ્લે : જેમ ગોરખનાથે સમાજના ઉદ્ધાર માટે ગુરુ મછિન્દરનાથને જગાડવા સ્ત્રીવેશ ધારણ કર્યો એ જ રીતે સમાજમાં સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા શાસ્ત્રાર્થ કરતાં-કરતાં એક વાર શંકરાચાર્યએ પરકાયાપ્રવેશ કરવો પડ્યો, એ વાત પણ રસપ્રદ છે.

વાત છે મંડન મિશ્ર અને જગદગુરુ શંકરાચાર્યના શાસ્ત્રાર્થની, વાત છે મંડન મિશ્રનાં ધર્મપત્ની અને શંકરાચાર્યની, વાત છે શંકરાચાર્ય અને એક રાજાના શરીરમાં પરકાયાપ્રવેશની.

મંડન મિશ્ર અને તેમનાં પત્ની ઉદયભારતીની વિદ્વત્તાની ખ્યાતિ ચારે દિશામાં ફેલાયેલી હતી. બન્નેની વિદ્વત્તાની એટલી અસર હતી કે ઘરમાં સાથે રહેતો પોપટ પણ સંસ્કૃતના શ્લોકો બોલતો થઈ ગયો હતો.

શંકરાચાર્ય મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. નિર્ણાયક તરીકે મંડન મિશ્રની પત્ની ઉદયભારતી નક્કી થયાં. શંકરાચાર્યે કહ્યું કે હું હારીશ તો સંન્યાસ છોડી દઈશ. મંડન મિશ્રએ  કહ્યું કે હું હારીશ તો સંસારનો ત્યાગ કરીને સંન્યાસ લઈ લઈશ. જોકે ઉદયભારતીને આ પસંદ પડ્યું નહોતું.

શાસ્ત્રાર્થનો વિષય હતો ‘જીવ અને બ્રહ્મ.’ જોકે આપણે એ વિષયમાં ઊંડા ઊતરવાનો અવકાશ નથી. મૂળ વાત એ છે કે બહુ લાંબા વિવાદ પછી મંડન મિશ્રએ હાર સ્વીકારી લીધી, પરંતુ ઉદયભારતીએ કહ્યું કે મને આ મંજૂર નથી. શાસ્ત્રમાં પત્ની પતિની અર્ધાંગના ગણવામાં આવી છે એટલે મારા પતિ હાર્યા ન કહેવાય. તમારે મને પણ હરાવવી પડશે. આ એક ચાલાકી હતી, છલના હતી છતાં શંકરાચાર્યએ એ સ્વીકારી લીધી.

શાસ્ત્રાર્થ શરૂ થયો. લાંબો સમય ચાલ્યા બાદ ઉદયભારતીને લાગ્યું કે શંકરાચાર્ય સામે જીતી શકાય એમ નથી ત્યારે મરણિયો પ્રયાસ કરતાં એક વેધક પ્રશ્ન કર્યો કે કામશાસ્ત્ર શું છે? કામકળાના કેટલા પ્રકાર છે? પુરુષને આકર્ષવા સ્ત્રીઓ કઈ કળા અપનાવે છે વગેરે વગેરે.  શંકરાચાર્યે મૂંઝાતાં કહ્યું, ‘દેવી, એક સંન્યાસીને આવો પ્રશ્ન શું કામ?’ તરત જ ઉદયભારતીએ  વ્યંગ કરતાં કહ્યું, ‘આપ તો સર્વજ્ઞ છો. વળી કામશાસ્ત્ર એ શાસ્ત્ર નથી એવું સાબિત કરો. એ ન કરી શકો તો હાર કબૂલ કરો.’

શંકરાચાર્યએ આ પ્રશ્નના ઉત્તર માટે થોડો સમય માગ્યો. બીજા દિવસે જ્યારે જંગલમાં વિહરતા હતા ત્યાં શિકારે આવેલા અમરુ નામના રાજાનું શબ તેમને જોવા મળ્યું. શંકરાચાર્યે તપસિદ્ધિ દ્વારા પોતાનું ખોળિયું છોડીને રાજાના શરીરમાં પ્રવેશ કર્યો. એક મહિના સુધી રાણી સાથે  ગૃહસ્થાશ્રમનો અનુભવ લીધો અને ત્યાર બાદ ઉદયભારતી પાસે આવ્યા અને તેમને પરાજિત કર્યાં.

એક રીતે વિચારીએ તો બન્ને પ્રસંગમાં ખરો વિજય ‘કામ’નો નથી લાગતો?

સમાપન

‘પરાજય ભી અચ્છા હૈ,

જબ જંગ અપને સે હો’

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

11 January, 2021 02:46 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK