મીટ-લૉબી સામે હવે અહિંસા-લૉબી

Published: 10th December, 2012 05:17 IST

માંસની નિકાસ માટે પશુઓની કરવામાં આવતી કતલને રોકવા દાદરમાં રવિવારે જૈનોનું મહાઅધિવેશન : જૈન યુવાનો અને મહિલાઓનાં ૫૦૦ મંડળોના પ્રતિનિધિઓ ભાગ લેશે : રાષ્ટ્ર અને ધર્મનું રક્ષણ કરવા જરૂર પડી તો મેન, માઇન્ડ, મની અને મસલ-પાવર પણ તૈયાર કરવામાં આવશે
(બકુલેશ ત્રિવેદી)

મુંબઈ, તા. ૧૦

એક હાકલ કરતાં લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરી આવે એવું મજબૂત નેટવર્ક બનાવવા અને દેશના પશુધનની કતલ કરીને માંસની નિકાસ કરતી મીટ-લૉબીને લડત આપવા અહિંસા-લૉબી ઊભી કરવાના વિચાર સાથે અહિંસા સંઘના નેજા હેઠળ રવિવારે દાદરમાં જૈનોનું એક મહાઅધિવેશન યોજાઈ રહ્યું છે. એમાં વાલકેશ્વરથી વિરાર અને કોલાબાથી ડોમ્બિવલી તથા નવી મુંબઈના જૈન યુવાનો અને મહિલાઓનાં ૫૦૦ મંડળોના પ્રતિનિધિઓ હાજર રહેશે.

મુનિરાજ વિરાગસાગરજી મહારાજસાહેબ અને વિનમ્રસાગરજી મહારાજસાહેબ અહિંસાના આ અભિયાનની છેલ્લાં ત્રણ વર્ષથી લડત ચલાવી રહ્યા છે. વિરાગસાગરજી મ.સા.એ આ વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિદેશીઓના જીભના ચટાકા માટે દેશના અમૂલ્ય પશુધનની કતલ કરીને એક્સર્પોટ કરવાનું ક્યાં સુધી યોગ્ય છે? અમે જૈનો અહિંસામાં માનનારા છીએ. જીવમાત્રને એની રીતે જીવવાનો હક છે એટલે પશુઓની કત્લેઆમ થાય એ ખોટું છે અને એમાં પણ ગૌવંશની હત્યા તો સમૂળગી ન જ થવી જોઈએ. જો બળદ અને વાછરડાં કપાતાં રહેશે તો આગળ જતાં આપણને ગૌમાતાનું સાત્વિક દૂધ અને એમાંથી બનતી પેદાશો કઈ રીતે મળશે? એનો વંશ સુકાતો જશે તો વખત જતાં એ પવિત્ર અને પૌષ્ટિક ચીજો મળતી બંધ થઈ જશે. આપણી હવે પછીની પેઢીનો વિચાર કોણ કરશે? એ માટે આપણે એની સામે ઍક્શન લેવી પડશે. આ બાબતે હવે ધીમે-ધીમે જૈનોમાં જાગૃતિ આવી રહી છે અને અનેક જગ્યાએ અનેક સંઘો એ માટે કાર્ય કરી રહ્યા છે. જોકે તેઓ એમની મર્યાદામાં રહીને એ માટેનું કાર્ય કરી રહ્યા છે. જો એના માટે યોગ્ય રીતે લડવું હોય તો આપણે સંગઠનશક્તિ બતાવવી પડશે, એક અવાજ કરતાં લાખો લોકો રસ્તા પર ઊતરી આવે એવું નેટવર્ક બનાવવું પડશે. ક્રાન્તિ હંમેશાં યુવાનો જ લાવે છે. આ કાર્યમાં વધુ ને વધુ યુવકો જોડાય એ માટે અમે આ મહાઅધિવેશનનું આયોજન કર્યું છે. પહેલાં સ્થાનિક સ્તરે અને ત્યાર બાદ સમગ્ર જૈન સહિત હિન્દુ સમાજ જે અહિંસાના મુદ્દે અમને સર્પોટ કરે છે એ બધાને સાથે લઈને અમે મીટ-લૉબી સામે એક સશક્ત અહિંસા-લૉબી બનાવવા માગીએ છીએ.’

અહિંસાના પાયા પર જૈન ધર્મની રચના થઈ છે ત્યારે સૌપ્રથમ એના વિવિધ ફિરકાઓ વચ્ચે સમન્વય સાધીને એમને એક કરવાનો પ્રયાસ રહેશે એમ જણાવતાં પૂજ્ય મુનિરાજ વિરાગસાગરજી મ.સા.એ કહ્યું હતું કે ‘અમે સૌપ્રથમ જૈન ધર્મ પાળતા ગુજરાતીઓ, રાજસ્થાનીઓ અને કચ્છીઓને સાથે લાવીશું અને ત્યાર બાદ જૈનોના ચારેચાર ફિરકા તપાગચ્છ, અચલગચ્છ, ખરતરગચ્છ અને પાશ્વર્ચંદ્રગચ્છને એકત્રિત કરવામાં આવશે. એ પછી શ્વેતામ્બર, દિગમ્બર, સ્થાનકવાસી અને તેરાપંથીઓને જોડવામાં આવશે. એવું નથી કે આ લોકો અત્યારે સાથ નથી આપી રહ્યા. આમ તો બધા જ જૈનો અહિંસા માટે લડી રહ્યા છે. તેઓ પશુધન બચાવવા માટે લડે છે, પણ જો સંયુક્ત રીતે કોઈ પગલાં લેવામાં આવે તો એનું રિઝલ્ટ પૉઝિટિવલી મળી શકે. એ માટે આ નેટવર્ક ઊભું કરવું જરૂરી છે. અમે મોબાઇલ, SMS અને ઈ-મેઇલ તથા સોશ્યલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ આ માટે કરીશું. ટૂંક સમયમાં વધુ લોકો સુધી પહોંચવાનું નેટવર્ક રચાય તો એનું પરિણામ બહુ જલદી અને સારું આવે છે અને એટલા માટે જ અમે આ મહાઅધિવેશનમાં યુવકોને આમંત્રિત કર્યા છે. આ નેટવર્ક દ્વારા અમે રાજ્યમાં ગૌવંશ-હત્યા સામે જે બિલ પાસ થયું છે પરંતુ કાયદો બની શક્યો નથી એ માટે પણ લડત ચલાવીશું અને જૈન વોટ-બૅન્કની સ્થાપના કરીશું. આમ મેન-પાવર, માઇન્ડ-પાવર, મની-પાવર સહિત જરૂર પડ્યે રાષ્ટ્ર અને ધર્મનું રક્ષણ કરવા મસલ-પાવર પણ તૈયાર કરવાની અમારી નેમ છે.’

એસએમએસ - SMS = શૉર્ટ મેસેજિંગ સર્વિસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK