Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વર્તમાનથી મોટું કોઈ સત્ય નહીં

વર્તમાનથી મોટું કોઈ સત્ય નહીં

18 July, 2020 09:06 PM IST | Mumbai
Sanjay Raval

વર્તમાનથી મોટું કોઈ સત્ય નહીં

વર્તમાનથી મોટું કોઈ સત્ય નહીં


કેટલા જન્મો પછી મનુષ્યજન્મ મળે છે એની ખબર છે?

શાસ્ત્રોના કહેવા મુજબ, ૩૩,૦૦૦ કરોડ દેવતાઓએ નક્કી કર્યા મુજબ ૮૪ જન્મ પછી આપણને મનુષ્યદેહ મળે છે. આ આંકડામાં કોઈ ફરક હોય તો એમાં મારો વાંક નથી. મેં તો પંડિતો પાસેથી આ આંકડો સાંભળ્યો છે એટલે અત્યારે આ આંકડાને હું અહીં ટાંકુ છું. હવે આપણી મૂળ વાત ફરી શરૂ કરી દઈએ.



૮૪ જન્મ પછી આપણને મનુષ્યદેહ મળ્યો છે. આ મનુષ્યદેહ સાથે જોડાયેલી બીજી પણ એક વાત કહું. ભગવાને આપણને માણસ બનાવ્યા એ તો ઠીક, પણ આપણા ઈશ્વરે પણ ચમત્કાર કરવા અને આપણને ચમત્કાર દેખાડવા મનુષ્યદેહ લીધો. ખરેખર મોટી વાત કહેવાયને આ. આ જ દેખાડે છે કે મનુષ્યઅવતાર જેવો બીજો કોઈ અવતાર નથી અને એટલે તો બધા ભગવાનોએ પણ પોતાની જાતને સ્થાપિત કરવા, પોતાની જાતને પ્રસ્થાપિત કરવા માટે માણસ બનીને અવતરવું પડ્યું અને એ રીતે તેણે પોતાની જાતને આપણી સમક્ષ વિરાટ સ્વરૂપમાં મૂકી. હવે હું કહીશ કે જો ભગવાને પણ માણસ બનીને વિરાટ સ્વરૂપ ધારણ કરવું પડે તો એનો અર્થ તો એ જ થયો કે આપણે તો જન્મથી સદ્ભાગી છીએ કે આપણને માણસ તરીકે જ જન્મ મળ્યો.


તમે જરા જુઓ તો ખરા કે દરેક ભગવાને ભગવાન બનતાં પહેલાં મનુષ્ય બન્યા અને ખૂબબધાં સદ્કર્મો કર્યાં, ચમત્કારો કર્યા અને એ પછી આપણે તેમને ભગવાન તરીકે પ્રસ્થાપિત કર્યા. કહેવાનો ભાવાર્થ એ જ કે મનુષ્યજન્મ સર્વોત્તમ છે અને આપણે એની કદર કરવી જોઈએ. આપણે ભગવાન ન બનીએ તો કંઈ નહીં, પણ પૂરેપૂરા માણસ બની જઈએ એટલું તો કરીએ.

ભગવાને આપણને કેટલીબધી અદ્ભુત ભેટ સાથે મોકલ્યા છે. હલનચલન કરવા માટે હાથપગ આપ્યા. આટલું સુંદર શરીર આપ્યું અને મારા મત પ્રમાણે જો કોઈ અમૂલ્યમાં અમૂલ્ય ભેટ આપી હોય તો એ આ ત્રણ ભેટ છે.


દૃષ્ટિ, વાચા અને શ્રવણશક્તિ.

તમે જુઓ, આ સૃષ્ટિ પર માત્ર મનુષ્ય એક એવો છે જેને ભગવાને વાચા આપી છે. બાકી કોઈને એક પણ શબ્દ બોલવાની પરમિશન નથી અને એ પરમિશન નથી એટલે કોઈની પાસે વાચા નથી. માત્ર આપણે એક જ બોલી શકીએ છીએ, પણ એમ છતાં આપણે આ વાચાનો ઉપયોગ કરવાને બદલે કામ તો આપણે ભસવાનું કરીએ છીએ. ઉત્તમ શબ્દો બોલી શકતા હોવા છતાં આપણે એકબીજાને ગાળો આપવાનું, ભાંડવાનું, કોસવાનું, દુઃખ પહોંચે એવી વાત કરવાનું અને એકબીજાનું ખરાબ બોલવાનું કામ જ કરીએ છીએ. મિત્રો, યાદ રાખજો ઈશ્વર માત્ર નામનો ઈશ્વર નથી, તેણે આ સંસારમાં મનુષ્યો બનાવ્યા ત્યાર પછી કર્મનો સિદ્ધાંત પણ બનાવ્યો છે. તમે જે મેળવો છો, જે મેળવવાના છો અને જે મેળવી રહ્યા છો એ તમારા કર્મનું જ ફળ છે. તમે લાખ વખત યાચના કરો, ભીખ માગો કે પછી તમે ભગવાન પાસે જીદ કરીને માનતા માનો, પણ અંતે તો તમને તમારાં કર્મ પ્રમાણે અને સાચા સમયે યથાર્થ હશે એ જ મળશે. ન ઓછું કે ન વધારે.

ઈશ્વર ન્યાય કરવા જ બેઠો છે. તે ક્યારેય વધારે કે ઓછું કોઈને આપતો નથી અને આપવાનો પણ નથી. શ્રીફળ વધેરે તેને મર્સિડીઝ આપે અને ખાલી ચરણસ્પર્શ કરે તેને સાઇકલ આપે એવો કોઈ નિયમ આ દરબારમાં નથી. એવા નિયમો ઑફિસમાં હોય અને એટલે જ સાહેબો ક્યારેય ભગવાનના સ્થાને નથી પહોંચતા. ભગવાન તો તમારા કામને જુએ છે, તમારા કર્મને જુએ છે અને એ જ પ્રમાણે તમને મળતાં સુખ-દુઃખનું આયોજન કરે છે. તમે કર્મ કરો ઊંધાં અને ખોટાં અને પછી અપેક્ષા રાખો કે તમને સવલતની સાથે ભગવાન ધનદોલત બધું આપે તો એ શક્ય નથી. તમે કરેલાં કર્મ પ્રમાણે તમારા ખાતામાં પણ સુખ અને દુઃખ સમયસર જમા થાય છે અને એવું જ છે તો પછી ફરિયાદ શાની કરવાની?

તમે જે કર્યું એ તમે ભોગવ્યું તો પછી ભેંકડો શાનો તાણવાનો? આરામથી જીવો અને કોઈ પણ જાતની ફરિયાદ વગર જીવો. ઈશ્વરે વાચા તમને એકને જ આપી છે તો એનો સદુપયોગ કરો, સારું બોલો અને વિચારવા માટે ભગવાને આપેલા મગજમાં વધારે કચરો ન ભરો. તમે ધારો એ કરી શકો એમ છો અને ધારો એ મેળવી શકો એમ છો. ફરક માત્ર એટલો છે કે પૉઝિટિવ ધારવાને બદલે તમે માત્ર નેગેટિવ જ ધારો છો. તમે જેવું વિચારો એવી ઊર્જા‍ તમારા તરફ આકર્ષિત થવાની છે. બધું તમારા જ હાથમાં છે. તમે પટાવાળા હો કે ૧૦૦ પટાવાળાના સાહેબ. કર્મનો સિદ્ધાંત તો બધા માટે સરખો છે અને એટલે જ સારું કામ કરવાની વૃત્તિ રાખો અને એ જ વૃત્તિને આગળ વધારો. નહીં તો એવું બનશે કે સારાં કર્મો કરવામાં કદાચ તમારો પટાવાળો તમારી આગળ નીકળી જાય, પણ એવું બને ત્યારે અફસોસ કરવાને બદલે સરસમજાની નવી શરૂઆત કરો અને એ જાગૃતિ રાખવાની કોશિશ કરો કે કોઈનું ખરાબ તમારાથી ન થઈ જાય. જૂનાં કર્મોનો હિસાબ તમારે જ ચૂકતે કરવાનો છે, જે સારાં કર્મો સાથે બાદબાકી થઈ જશે પણ તમે માત્ર એટલો જ વિશ્વાસ રાખો કે ઈશ્વર પાસે કોઈના બાપુજીની લાગવગ ચાલતી નથી અને ચાલવાની પણ નથી.

સારાં કર્મો માટે જો આવશ્યક કંઈ હોય તો એ છે વર્તમાન. વર્તમાન માત્ર એવો સમય છે જ્યાં તમે બધું તમારા મન પ્રમાણે કરી શકો છો, તમારી ઇચ્છા મુજબ કરી શકો છો. ભૂતકાળનો ગમે એટલો વસવસો તમે કરો તો પણ તમે એમાં કંઈ કરી શકવાના નથી અને ભવિષ્યનું ગમે એટલું પ્લાનિંગ કરો, ખાલી એક ધબકારો ચૂકી જશો એટલે તમારાં બધાં પ્લાનિંગ ધરમૂળથી બદલાઈ જવાનાં. પ્લાનિંગ નથી કરવાનું એવું બિલકુલ નથી, પણ વર્તમાનમાં તમને, આ મિનિટે અને આ સેકન્ડે બેસ્ટ કરવાનો મોકો મળતો હોય તો એ શા માટે ન કરવું?

ઘણા લોકો એવા છે જેઓ ભૂતકાળને રડ્યા કરે અથવા તો ભવિષ્યની ચિંતા કર્યા કરે. અરે ભાઈ, અત્યારે ઊભો થા અને કામે લાગ. મનમાં બનાવેલો મહેલ પામવા માટે કામે લાગવું પડે. વર્તમાનમાં જીવો અને વર્તમાનમાં કામ કરો. બધું પામવા માટે બધું કરવું પણ પડે. સતત પ્રયત્નો કરવા પડે અને મળેલી નિષ્ફળતાને સીડીનાં પગથિયાં બનાવીને ચડતા રહેવું પડે. મિત્રો યાદ રાખજો કે માણસ માત્ર ફિનિક્સ છે.

શૂન્યમાંથી સર્જન કરવાની ક્ષમતા આપણા સૌમાં છે અને આપણે બધા એ કામ કરી શકીએ છીએ. ફરક માત્ર એટલો છે કે આપણે નાસીપાસ જલદીથી થઈ જઈએ છીએ. પૉઝિટિવ વિચારો, વર્તમાનમાં કામ કરો અને જાતને અન્ડર-એસ્ટિમેટ કરવાનું બંધ કરો. વર્તમાન તમારું અંતિમ સત્ય છે. આ એવો સમય છે જે આજે વાવેલું તમને ઉગાડી દેખાડશે. રાહ જોયા વગર બસ મચી પડો.

અનેક લોકોને મેં જોયા છે કે મસમોટાં પ્લાનિંગ કરે. દસ વર્ષ પછીનું પ્લાનિંગ તેમની પાસે અત્યારથી તૈયાર પડ્યું હોય. અત્યારનું તેને પૂછવાનું, તો જવાબ મળે કે બસ, ભવિષ્યનું પ્લાનિંગ કરું છું. અરે મારા વહાલા, અત્યારે કામ કર. અત્યારે કામ કરીશ તો ભવિષ્યનાં પ્લાનિંગ સાચાં પડશે. અત્યારે કર્મ નહીં કર તો ભવિષ્ય પણ તારું ધૂંધળું થઈ જવાનું. ધૂળમાં લીટા કરવાની આદત કાઢી નાખો, નક્કર કરો. લીટો કરવો જ હોય તો લોખંડમાં કરો. કોઈ ધારે તો પણ કાઢી ન શકે. દરેક પળને માણો. આજમાં જીવો અને આજનો દિવસ જીવનનો છેલ્લો દિવસ છે એમ ધારીને માત્ર સારાં કર્મ કરો અને સારી રીતે જીવો. કર્મ એવો પડછાયો છે જે તમે ધારો તો પણ તમારો પીછો નહીં છોડે. ઊંઘમાં આપેલી ગાળનો બદલો પણ આ જ જન્મમાં મેળવવાનો છે તો પછી સારાં કર્મો કરોને. તમે જે દુનિયાને આપો છો દુનિયા એ જ બધું તમને પાછું આપવાની છે. આ હકીકત છે. બધી દીવાલો તોડીને આગળ વધો. નાતજાત, ધર્મ, જ્ઞાતિ, સમાજ, અમીર-ગરીબ, છોકરો-છોકરી કોઈને ગણકારતાં નહીં. બસ, કર્મ કરો અને વર્તમાનમાં જીવો. આપોઆપ સારાં કર્મનો બદલો મળવાનો શરૂ થઈ જશે અને જેમાંઈ વિચાર્યું છે એ આપવા જ ઈશ્વર બેઠો છે. બસ, ઈશ્વરના મોઢેથી ‘તથાસ્તુ’ બોલાવવાનું કામ તમારું છે.

Whatsapp-channel Whatsapp-channel

18 July, 2020 09:06 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK