સૅટ-ટૉપ બૉક્સની સમસ્યાએ લીધા મુંબઈગરાઓને બાનમાં

Published: 1st November, 2012 03:35 IST

હજારો લોકોના ટીવીમાં બ્લૅકઆઉટ : સેટ-ટૉપ બૉક્સ બેસાડવાની મુદતમાં વધારો કરવાનો કોર્ટનો ઇનકાર : કેબલ ઑપરેટરોનો સરકારના નિર્ણય સામે રસ્તા પર ઊતરવાનો નિર્ણય : આજે મીટિંગમુંબઈમાં ટીવી માટે સેટ-ટૉપ બૉક્સ બેસાડવા માટેની ૩૧ ઑક્ટોબરની અંતિમ મુદતમાં વધારો કરવાનો બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે ઇનકાર કરી દીધો છે ત્યારે સેટ-ટૉપ બૉક્સ ફરજિયાત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં મુંબઈના તમામ કેબલ ઑપરેટરોએ રસ્તા પર ઊતરવાનો નિર્ણય લીધો છે.

સરકારના નિર્ણય સામે રસ્તા પર

બૉમ્બે હાઈ કોર્ટના સેટ-ટૉપ બૉક્સ બેસાડવા માટે મુદત આપવાના ઇનકાર પછી જે લોકોના ઘરમાં હજી સુધી સેટ-ટૉપ બૉક્સ લાગ્યાં નથી એવા હજારો મુંબઈગરાના ટીવીમાં ગઈ કાલ રાતથી જ બ્લૅકઆઉટ થઈ ગયો છે. કેબલ ઑપરેટર્સ ઍન્ડ ડિસ્ટ્રિબ્યુટર અસોસિએશનના પ્રેસિડન્ટ અનિલ પરબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ ખાતાએ ૩૧ ઑક્ટોબર સુધીમાં તમામ ઘરોમાં રહેલા ટીવીમાં સેટ-ટૉપ બૉક્સ નહીં બેસાડાય તો ટીવી બંધ થઈ જશે એવું જટિલ વલણ અપનાવી તમામ મુંબઈગરાને બાનમાં લીધા છે. એટલે જ કેન્દ્ર સરકારના આ જક્કી નિર્ણયના વિરોધમાં મુંબઈના તમામ કેબલ ઑપરેટોએ રસ્તા પર ઊતરવાનો નિર્ણય લીધો છે. આજે સાંજે ચાર વાગ્યે અમે રંગશારદા સભાગૃહમાં તમામ કેબલ ઑપરેટરોની એક મીટિંગ રાખી છે, જેમાં અમારા આંદોલનની દિશા અમે નક્કી કરીશું. આજની મીટિંગમાં લગભગ ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા મુંબઈના કેબલ ઑપરેટર હાજર રહેશે એવી અમારી અપેક્ષા છે. અમારા નિર્ણયને શિવસેનાએ પણ સર્મથન આપ્યું છે.’

કેબલ બંધ થવા પાછળ સરકાર

લોકોનાં ટીવી બંધ થવા પાછળ સરકાર જવાબદાર છે એવું બોલતાં અનિલ પરબે કહ્યું હતું કે ‘અમારી અપેક્ષા મુજબ જ કોર્ટે સેટ-ટૉપ બૉક્સ બેસાડવાની મુદતમાં વધારો કરવાનો ઇનકાર કરી દેતાં લોકોનાં ટીવી બંધ પડે એ સ્વાભાવિક હતું. પૂરતાં સેટ-ટૉપ બૉક્સ ન હોવાની સાથે જ ડિજિટલાઇઝેશન માટે આખું માળખું ઊભું કરવું બહુ મોટી વાત છે. અમે અનેક વાર કેન્દ્ર સરકાર સમક્ષ મુદત માગી હતી, પણ અમારી વાત કાને ધરવામાં આવી નહીં. હવે જ્યારે કોર્ટે ચુકાદો આપી દીધો છે અને સેટ-ટૉપ બૉક્સ જેમના ઘરમાં નથી લાગ્યાં તેમનાં ટીવી બંધ થઈ ગયાં છે તો એના માટે અમે જવાબદાર નથી. જોકે કોર્ટના ચુકાદાનો આપણાથી તિરસ્કાર થઈ શકે એમ નથી. ચુકાદાને માથે ચડાવી આગળ હવે શું કરવું એ હવે મહત્વનું છે.’

ઑલ ઇન્ડિયા કેબલ ઑપરેટર અસોસિએશનના પ્રેસિડન્ટ અશોક ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડિજિટલાઇઝેશન અનિવાર્ય છે, પણ એ માટે યોગ્ય સમય આપવો જોઈતો હતો. સરકારે પોતાનો નિર્ણય મક્કમ રાખ્યો અને હાઈ કોર્ટે‍ પણ પોતાનો નિર્ણય જાહેર કરી દીધો; પરંતુ આ બધામાં ગ્રાહકોના રોષનો ભોગ હવે કેબલ ઑપરેટરોને બનવું પડશે, કારણ કે બરાબર દિવાળીના સમયે સેટ-ટૉપ બૉક્સ નહીં બેસાડનારા લોકોનાં ટીવી બંધ થઈ જવાનાં છે. આ ઇન્ડ્રસ્ટ્રીનો ગ્રોથ કેબલ ઑપરેટરોએ કર્યો, પણ સરકાર મોટી કંપનીઓના હિતને ધ્યાનમાં રાખીને ડિજિટલાઇઝેશનમાં ઉતાવળ કરી રહી છે. મોટા કેબલ ઑપરેટરો તો આમાં ટકી જશે, પણ નાના કેબલ ઑપરેટરોનું અસ્તિત્વ જ મટી જશે.’

ગયા વર્ષે બિલ પાસ થયું


ડિસેમ્બર ૨૦૧૧માં પાર્લમેન્ટે કેબલ ટેલિવિઝન માટે ડિજિટલાઇઝેશન ફરજિયાત કરવા એક બિલ પાસ કર્યું હતું જેની શરૂઆત મેટ્રોસિટીથી કરી હતી. પહેલા તબક્કામાં અગાઉ સરકારે મુંબઈ સહિત દિલ્હી, કલકત્તા, ચેન્નઈ માટે ૨૦૧૨ની ૧ જુલાઈની મુદત આપી હતી, જેમાં ૧ નવેમ્બર સુધીનો વધારો કરી દેવામાં આવ્યો હતો. પહેલા તબક્કામાં મુંબઈ, દિલ્હી, કલકત્તા અને ચેન્નઈમાં પહેલી નવેમ્બરથી ઍનલૉગ સિગ્નલ બંધ થઈ જશે. ત્યાર પછી ધીમે-ધીમે દેશનાં અન્ય શહેરોમાં ડિજિટલાઇઝેશન અમલમાં આવશે. એક અંદાજ મુજબ ૨૦૧૫ની ૧ જાન્યુઆરી સુધીમાં આખા દેશમાં ડિજિટલાઇઝેશન થઈ જશે.   

મુંબઈમાં ૧૦૦ ટકા ડિજિટલાઇઝેશનનો સરકારનો દાવો

ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ ખાતાએ ગઈ કાલે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં થયેલા કેબલના ડિજિટલાઇઝેશનના આંકડા બહાર પાડ્યા હતા. એના ડેટા મુજબ ચારે મેટ્રોસિટીમાં કુલ ૬૫.૫૦ લાખ જેટલા કેબલ ટીવી-સબસ્ક્રાઇબર છે. એમાંથી ૬૨.૩૪ લાખ લોકોએ સેટ-ટૉપ બૉક્સ બેસાડી દીધાં છે, જયારે બાકીના લોકોએ હજી સુધી બેસાડ્યાં નથી. ચારેય મેટ્રોસિટીમાં ૩૦ ઑક્ટોબરે ૧,૦૫,૧૮૦ જેટલાં બૉક્સ ઇન્સ્ટૉલ થયાં હતાં, જેમાંથી દિલ્હીમાં જ ૬૫ હજાર બૉક્સ ઇસ્ટૉલ થયાં હતાં. દિલ્હીમાં ૯૭ ટકા, મુંબઈમાં ૧૦૦ ટકા અને કલકત્તામાં ૮૩ ટકા ડિજિટલાઇઝેશન થયું હોવાનો દાવો પણ ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ ખાતાએ કર્યો હતો.

કોર્ટમાં શું ચુકાદો આવ્યો?

૩૧ ઑક્ટોબર સુધીમાં સેટ-ટૉપ બૉક્સ લગાડવાની કેન્દ્ર સરકારે આપેલી મુદતની વિરુદ્ધ ઘાટકોપરના ભવાની રાજેશ કેબલ નેટવર્કે બૉમ્બે હાઈ કોર્ટમાં મુદત વધારવા અરજી કરી હતી. અરજીમાં કહેવા મુજબ સેટ-ટૉપ બૉક્સ બેસાડવાના સરકારના નિર્ણયથી મોટી કંપનીઓને જ ફાયદો થવાનો છે અને નાના કેબલ ઑપરેટરોનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે; એટલું જ નહીં, સેટ-ટૉપ બૉક્સ બેસાડવા માટે ગ્રાહકો સાથે કરાર કરવો પડે છે એ માટે અમુક સમય લાગે છે એટલે મુદત વધારી આપવી જોઈએ. આ અરજી પર ગઈ કાલે જસ્ટિસ ડૉ. ધનંજય ચંદ્રચૂડ અને જસ્ટિસ રાજેશ કેતકરની સંયુક્ત ખંડપીઠ સમક્ષ સુનાવણી થઈ હતી, જેમાં સેટ-ટૉપ બૉક્સ બેસાડવા માટે કેબલ ઑપરેટરો તેમ જ મલ્ટિ-સિસ્ટમ ઑપરેટરોને આજ સુધી ખાસ્સો સમય આપવામાં આવ્યો હતો છતાં તેમણે મુદત પાળી નથી એવું કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું જેને ખંડપીઠે માન્ય રાખી હતી. સરકારે આટલી બધી મુદત આપી તો આજ સુધી તમે શું કરી રહ્યા હતા એવો સવાલ પણ હાઈ કોર્ટે કર્યો હતો. ગ્રાહકોને સારી સર્વિસ આપવા માટે જ જેનું સેટ-ટૉપ બૉક્સ નહીં હોય તેનું કેબલ નેટવર્ક બંધ કરી દેવાનો સરકારનો નિર્ણય યોગ્ય છે એવું કહેતાં હાઈ કોર્ટે સેટ-ટૉપ બૉક્સ બેસાડવાની મુદત વધારી આપવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે જસ્ટિસ ચંદ્રચૂડે સરકારને લોકોને દિવાળી સુધી રાહત આપી શકાય કે નહીં એવો સવાલ પણ કર્યો હતો. લોકોની દિવાળી બગડે એવું અમે નથી ઇચ્છતા, કારણ કે મધ્યમ વર્ગના લોકોના મનોરંજન માટે ટેલિવિઝન જ અત્યંત સસ્તું માધ્યમ છે એવી ટિપ્પણી પણ તેમણે કરી હતી.

ચેન્નઈમાં પાંચ દિવસનો વધારો

સેટ-ટૉપ બૉક્સ બેસાડવા ૩૧ ઑક્ટોબર સુધી આપેલી મુદતને વધારવા સામે ચેન્નઈ મેટ્રો કેબલ ટીવી ઑપરેટર્સ અસોસિએશન મદ્રાસ હાઈ કોર્ટમાં ગયું હતું, જ્યાં તેમને જસ્ટિસ એન. પૉલ વસંથકુમારે ગઈ કાલે વચગાળાની રાહત આપતાં ટેલિવિઝન સિગ્નલનું ડિજિટલાઇઝેશન કરવા માટે પાંચ દિવસની મુદત વધારી આપી હતી. એટલે ચેન્નઈમાં પાંચ નવેમ્બર સુધી સેટ-ટૉપ બૉક્સ ન લાગે ત્યાં સુધી લોકો ટીવી જોઈ શકશે.

ડિજિટલાઇઝેશનથી શું ફાયદો?

કેબલ ઑપરેટરો હાલ ઍનલોગ સિગ્નલ મોડથી ટીવી-ચૅનલોનું પ્રસારણ કરે છે, જેમાં પિક્ચર ધૂંધળું હોવાની સતત ફરિયાદ થતી હોય છે; પણ ડિજિટલ્સ સિગ્નલથી ચૅનલ એકદમ ક્લિયર દેખાય છે અને પિક્ચરની ક્વૉલિટી જળવાઈ રહે છે. સેટ-ટૉપ બૉક્સ બેસાડવાથી ડિજિટલાઇઝેશનને પગલે ટીવીની ક્લિયરિટી હજી વધી જશે. અગાઉ ચૅનલ બરોબર દેખાતી નથી, વચ્ચે-વચ્ચે ચૅનલોનું પ્રસારણ અટકી જાય છે એવી થતી ફરિયાદો પણ બંધ થઈ જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK