જોઈએ છે : સલાહ સાંભળે એવા શ્રોતા

Published: 27th October, 2012 06:55 IST

કેટલાક લોકોને વણમાગી સલાહ આપવાનો રોગ થયેલો હોય છે. કોઈ શ્રોતા મળી જાય એટલે તેમને બોધ, ઉપદેશ, સલાહ, માર્ગદર્શન અને પ્રેરણા આપવાનું જંતર વગાડવા મંડી પડે છે. સ્થળ-કાળનો વિવેક ચૂકી જવાનું તો ઠીક, ક્યારેક તો શ્રોતાની લાયકાત કે તેનાં રસ-રુચિનો પણ આવા સલાહશૂરાઓ વિચાર કરતા નથી.(નો પ્રૉબ્લેમ - રોહિત શાહ)

ગરબડિયા ગામનો બાવો એક વખત એક અજાણ્યા ગામમાં પહોંચી ગયો. ભોળા-ભાવુક લોકોએ તેને મિષ્ટાન્ન જમાડ્યું અને રૂડી રીતે સેવા કરી. ગરબડિયા ગામના બાવાને લાગ્યું કે આ લોકોને મારે કંઈક માર્ગદર્શન આપવું જોઈએ. રાત્રે ગામના સો-સવાસો માણસોનું ટોળું જમા થયું એટલે બાવાએ સૌને એક સવાલ કર્યો :

‘તમારા ગામમાં કોઈ સાધુ-મહાત્માની સમાધિ નથી?’

‘બાપજી, સમાધિ એટલે શું એની જ અમને તો ખબર નથી... વળી એવી સમાધિનો ઉપયોગ શો હોય એ પણ અમે જાણતા નથી.’

‘બહુ ભોળા છો તમે. સમાધિ તો ગામની પવિત્ર જગ્યા કહેવાય. કોઈ સાધુ-મહાત્મા મૃત્યુ પામે, તેમની ડેડ બૉડીના જ્યાં અગ્નિસંસ્કાર કર્યા હોય એ ભૂમિ પર નાનકડી દેરી કે મંદિર જેવું બનાવીએ એને સમાધિ કહેવાય. એ સમાધિના સ્થળે જઈને ભાવિક ભક્તો ગુરુનું સ્મરણ કરે...’

ગામલોકોને થયું, આપણા ગામમાં આવી સમાધિ તો વહેલામાં વહેલી તકે તૈયાર કરવી જોઈએ. એ ટોળાએ ગરબડિયા ગામના બાવા પર અટૅક કર્યો અને તેને મારી નાખ્યો. બીજા દિવસે કડિયા-મજૂર બોલાવીને ત્યાં સમાધિનું ચણતરકામ શરૂ કરાવ્યું.

પ્રેરણા આપવાનું ક્યારેક વસમું થઈ પડે છે. સલાહ કે માર્ગદર્શન એ કંઈ ફાલતુ ચીજ નથી કે ગમે ત્યાં એની લહાણી કરતાં રહેવાનું હોય. ક્યારેક સામેથી કોઈ વ્યક્તિ સાચી નિષ્ઠા અને જિજ્ઞાસાથી કંઈક પ્રશ્ન પૂછે ત્યારે વિવેકપૂર્વક, તટસ્થ માર્ગદર્શન આપીને અટકી જવું જોઈએ.

સલાહ ગમે તેટલી સારી-સાચી હોય, છતાં એ ઝીલનાર પાત્ર પાત્રતા વગરનું હોય તો પરિણામ ઊલટું આવે છે.

એક ગામમાં ઘણા લોકોને દારૂ પીવાની આદત હતી. એક નેતા ત્યાં આવી ચઢ્યા. તેમણે નક્કી કર્યું કે પોતે આ ગામલોકોને એવી સચોટ સલાહ આપશે કે એ લોકો સામે ચાલીને દારૂ પીવાનું ત્યાગી દેશે. તેમણે રાત્રે ગ્રામસભા યોજી. જે લોકો દારૂના બંધાણીઓ (વ્યસનીઓ) હતા તેમને ગ્રામસભામાં ખાસ આમંત્રણ આપીને આગળ બેસાડ્યા. પછી નેતાએ માઇક પાસે જઈને કહ્યું, ‘આજે મારે તમને એક અદ્ભુત પ્રયોગ બતાવવો છે. તમારે એ પ્રયોગ જોઈને એમાંથી યોગ્ય પ્રેરણા લેવાની છે.’

પછી નેતાએ બે ગ્લાસ મગાવ્યા. એક ગ્લાસમાં પાણી ભર્યું અને બીજામાં દારૂ ભર્યો. એક ડબ્બીમાંથી બે કૉક્રૉચ (વાંદા) કાઢ્યા. એક કૉક્રૉચ પાણીના ગ્લાસમાં નાખ્યો, બીજો કૉક્રૉચ દારૂ ભરેલા ગ્લાસમાં નાખ્યો. અડધી મિનિટ પછી બન્ને વાંદા બહાર કાઢ્યા. પાણીના ગ્લાસમાંથી નીકળેલો વાંદો થોડી વાર પાંખો ફફડાવતો રહ્યો પછી ઊડીને જતો રહ્યો. દારૂના ગ્લાસમાંથી નીકળેલો વાંદો મૃત્યુ પામ્યો હતો એટલે કંઈ કરી ન શક્યો.

પ્રયોગ પૂરો થયા પછી નેતાએ ઉત્સાહથી ગામલોકોને પૂછ્યું, ‘બોલો, તમે આ પ્રયોગ દ્વારા શું બોધ પામ્યા?’

નેતાના ઉત્સાહ કરતાં બમણા ઉત્સાહથી ગામલોકો બોલ્યા, ‘આ પ્રયોગ પરથી અમને બહુ સારો અને સાચો ઉપદેશ મળ્યો કે પેટમાં રહેલા રોગના જંતુઓનો નાશ કરવો હોય તો દરરોજ દારૂ પીવો જોઈએ!’ નેતા ઉચાળા ભરીને રવાના થઈ ગયા.

કેટલાક વડીલોની તકલીફ એ હોય છે કે તેમના ઘરમાં તેમની સલાહ કોઈ સાંભળતું નથી એટલે જે હાથમાં આવી ચઢે તેના પર વરસી પડે છે. તમારે રોજ સવારે મૉર્નિંગ-વૉક કરવા જવું જોઈએ, તમારે તીખું-તળેલું ન ખાવું જોઈએ, તમારે ફળો અને સૅલડ વધારે ખાવાં જોઈએ, તમારે કેવાં કપડાં પહેરવાં જોઈએ કે કેવાં ન પહેરવાં જોઈએ, તમારે ટીવી જોવા પાછળ રાત્રે ખોટા ઉજાગરા ન કરવા જોઈએ, તમારે દરેક કામ સમયસર કરવું જોઈએ, તમારે મોબાઇલ ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ (બાય ધ વે, મને કેટલાક લોકો મોબાઇલ ફોન રાખવો જોઈએ એવી સલાહ આપે છે), તમારે વાંચનનો શોખ કેળવવો જોઈએ, તમારે આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ... બોધનો ધોધ વહાવી દે! તેમની વાત સાચી હોવા છતાં એનો ઓવરડોઝ થાય એ કોઈને ન ગમે. લોઢું ગરમ હોય ત્યારે જ એને ઘાટ આપી શકાય, આ વાત આપણા મફતિયા ઉપદેશકો અને સલાહકારો સમજે તો નો-પ્રૉબ્લેમ!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK