Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ક્ષમા અને મૈત્રી : આખિર યે ચીઝ ક્યા હૈ?

ક્ષમા અને મૈત્રી : આખિર યે ચીઝ ક્યા હૈ?

15 September, 2012 10:42 AM IST |

ક્ષમા અને મૈત્રી : આખિર યે ચીઝ ક્યા હૈ?

ક્ષમા અને મૈત્રી : આખિર યે ચીઝ ક્યા હૈ?




(નો પ્રૉબ્લેમ - રોહિત શાહ)







પયુર્ષણ દરમ્યાન બીજું કંઈ કરવાની ગતાગમ ન પડે તોય ઍટલીસ્ટ ક્ષમા અને મૈત્રીના તાલે થોડું નાચી લઈ શકાય. જૈનો જ્યારે પોપટરટની જેમ ‘મિત્તિ મે સવ્વ ભૂએસુ, વૈરં મજઝં ન કેણઈ’ બોલે છે ત્યારે એમાં શ્રદ્ધા હોય છે કે ભાવવિભોરતા હોય છે એ ઝટ સમજાતું નથી. કાં તો એ બન્ને પણ હોય કાં તો એ બન્ન્ો ન હોય. ફક્ત ફૉર્માલિટી જ હોય એવી અનેક સંભાવનાઓ છે.


‘મિત્તિ મે સવ્વ ભૂએસુ’નો અર્થ એવો થાય છે આ ભૂલોક પર જેટલા જીવો છે એ તમામ જીવો સાથે મારે મૈત્રી છે.

‘વૈર મજઝં ન કેણઈ’નો અર્થ એવો થાય છે કે મારે કોઈની સાથે કશી શત્રુતા - વેરવૃત્તિ નથી.

બોલવા-સાંભળવામાં ગળચટ્ટાં લાગે એવાં આ સૂત્રો વ્યવહારજગતમાં ભાગ્યે જ જોવા મળે છે. જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ દાખવવાનો ઉપદેશ નો-ડાઉટ ઉત્તમ છે, પણ એનો અમલ કરવાનું મને હંમેશાં ઇમ્પોસિબલ લાગ્યું છે. આપણે મિત્રની વ્યાખ્યા કેવી કરીશું? મિત્ર એને કહેવાય જેનાથી આપણે કશું ખાનગી રાખવાનું ન હોય અને સુખમાં ભલે સાથે રહી શકાય કે ન રહી શકાય, પણ આપત્તિમાં તો મિત્રની પડખે જ રહેવું પડે. જો હવે હું આખા જગતમાં તમામ જીવો સાથે મૈત્રીભાવ હોવાનું પ્રૉમિસ કરું તો મારી કેવી દશા થાય? જે જીવોને હું ઓળખતો નથી, ક્યારેય મળ્યો નથી અને કદી મળવાનોય નથી એવા અગણિત જીવોને હું મારી ખાનગી વાતો ક્યાં કહેવા બેસું? એટલા બધા જીવોને કઈ-કઈ તકલીફો અને કેવાં-કેવાં સંકટો છે એ હું શી રીતે જાણી શકું? અને જો હું એમની પરિસ્થિતિ જાણી ન શકું તો એમને હેલ્પ કરવા કઈ રીતે જાઉં? એટલું જ નહીં, મોટા ભાગના જીવો મારી ભાષા નહીં સમજે અને હું એમની ભાષા નહીં સમજી શકું. અમારી વચ્ચે કમ્યુનિકેશન ક્યાંથી થશે? જેને હું એક વખત મિત્ર તરીકે સ્થાપું કે સ્વીકારું તેની સાથે અંચાઈ કરું તો હું લુચ્ચો અને ગદ્દાર ન ગણાઉં? તમે જ કહો, આ અગણિત જીવો સાથે મારે માત્ર કહેવા ખાતર - બકવાસ કરવા ખાતર જ મૈત્રીભાવ રાખવાનો? કદીયે મિત્રધર્મ નિભાવવાનો જ નહીં? વાયુકાય (વાયુ-પવનમાં જીવતા જીવો), પાણીકાય (જળના જીવો), અગ્નિકાય (અગ્નિમાં વસતા જીવો) વગેરે સાથે મૈત્રીભાવ રાખવાનું બોલવું જેટલું ઇઝી છે એટલું નિભાવવું ઇમ્પોસિબલ છે.

સાચી વાત તો એ પણ છે કે આપણે જેને ઓળખીએ છીએ - ચાહીએ છીએ અને જે લોકો આપણને ઓળખે છે - ચાહે છે એ સૌ સ્વજનો સાથેય ક્યાં સાચો મૈત્રીભાવ નિભાવવાની ફુરસદ મળે છે? બે-ચાર જણને જ પ્રેમ કરવામાં પહોંચી વળવાની ત્રેવડ નથી ત્યાં જગતના સર્વ જીવો સાથે મૈત્રીની વાત થઈ જ કઈ રીતે શકે? ઠીક છે, મનને મનાવવા-ફોસલાવવા પૂરતું સારું લાગે.

સૂત્રનો ઉત્તરાર્ધ પણ થોડો જોખમી છે. ‘વૈર મજઝં ન કેણઈ’ - મારે કોઈની સાથે શત્રુતા નથી એવું આપણે ક્યારે કહી શકીએ? કોઈ આપણું અપમાન કરે, કોઈ આપણને ખોટી રીતે બદનામ કરે, કોઈ આપણા ઉપકારનો બદલો આપણો વિનાશ કરીને આપે, કોઈ આપણી સાથે વિશ્વાસઘાત કરે, કોઈ આપણને છેતરી જાય, કોઈ આપણને કશાય કારણ વગર ગોદા માર્યા કરે, કોઈ પોતાની મોટાઈ બતાવવા આપણું વારંવાર ઇન્સલ્ટ કરે તોય એના પ્રત્યે જરાય કટુતા કે દ્વેષભાવ ન થાય એ કેટલી હદે પોસિબલ છે? આપણે સાવ સંવેદનશૂન્ય અને જડભરત હોઈએ તો જ કદાચ ઉપરની બાબતોનો આપણા પર કશો પ્રભાવ ન પડે. કાં તો આપણે મીંઢા, કાયર કે કપટી હોઈએ તો આપણે એવી ક્ષણોમાંય સ્થિર અને સ્વસ્થ્ય રહી શકીએ. આપણે માણસ છીએ. માનવસહજ મર્યાદાઓ આપણને ચોંટેલી જ હોયને. આપણે કોઈની સાથે વૈરભાવ રાખવા ન ઇચ્છીએ તોય વૈરભાવ થઈ જાય એવા પ્રસંગો તો બને જ છે. કોઈ દુષ્ટ વ્યક્તિને વારંવાર ક્ષમા આપીને તેને વધુ દુષ્ટતા આચરવા માટેનો માર્ગ મોકળો કરી આપવાનું કઈ રીતે વાજબી ગણાય? પ્રૉમિસ આપવાની વાત હોય ત્યારે સમજી-વિચારીને આપવું પડે. નહીંતર ધર્મના નામે જૂઠાણું ફેલાવ્યું કહેવાય. બોલવા ખાતર બોલવાથી -કહેવા ખાતર કહેવાથી કશો લાભ થાય ખરો?

કયારેક ધર્મ અને અધ્યાત્મના નામે આપણે માનવસહજ મર્યાદાઓને ભૂલી જઈએ છીએ. ઊંચા આદર્શો લલકારતી વખતે વાસ્તવિકતાની ઉપેક્ષા કરી બેસીએ છીએ. હું સહજ અને નૉર્મલ જીવનનો આશિક થવાનું પસંદ કરું છું. જે સૂર ગાવાનું ન ફાવે એને આલાપવાનો આગ્રહ ન રાખવો જોઈએ. પ્રભુભક્તિની સ્તુતિઓ ગાનારાં ટોળાંને જોજો. સમય પૂરો થાય, ઘેર જવાની વેળા આવે ત્યારે ગાય - ‘પ્રભુજી! તમારા ગુણ ગાતાં અમે સમયનું ભાન ભૂલ્યા...’ અલ્યા, સમયનું ભાન ક્યાં ભૂલ્યા છો? બધું સમયસર તો સમેટવા માંડ્યા છો! જૂઠાણાંથી બચી શકાય તો નો-પ્રૉબ્લેમ.
Whatsapp-channel Whatsapp-channel

15 September, 2012 10:42 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK