ભૂલા પડવાનું સૌના ભાગ્યમાં ક્યાં હોય છે?

Published: 15th December, 2012 10:21 IST

સૂરજના વિરહમાં ફૂલોની કળીઓ આખી રાત પ્રતીક્ષામય આંખોમાંથી આંસુ સારે છે. એ આંસુને સૌ ઝાકળ કહે છે.(નો પ્રૉબ્લેમ - રોહિત શાહ)વહેલી સવારે સૂરજ આવીને પોતાનાં કિરણોરૂપી હાથ વડે પુષ્પોની પાંપણેથી ઝાકળરૂપી આંસુ લૂછે છે ત્યારે પુષ્પ ખિલખિલાટ પ્રસન્નતા સાથે સૂરજને થૅન્ક યુ કહે છે. એ થૅન્ક યુને સૌ સુગંધ કહે છે.

દૂર-દૂરથી દોડી આવેલી સરિતાએ માર્ગમાં કોને-કોને જલદાન કર્યું અને કેટલી જમીનને હરિયાળી દીક્ષા આપી એનો હિસાબ સાગર પૂછે છે. સરિતા પોતાનો કલ-કલ નિનાદ કરીને જવાબ આપે છે અને સાગર ઘેરા ઘુઘવાટ સાથે ઊછળતાં મોજાં વડે એનું અભિવાદન કરે છે. એ કલ-કલ નિનાદ અને ઘુઘવાટને સૌ સત્સંગ કહે છે.

પવનની પાલખીમાં બેસીને પ્રવાસ કરી રહેલા વાદળને કોઈક વખત પોતાના અસ્તિત્વનોય ભાર લાગે છે. એ ભારને હળવો કરવા માટે વાદળ વરસી પડે છે. એ વરસી પડવાની ઘટનાને સૌ ભક્તિ કહે છે.

નર્મિળ જીવન જીવવાની લહાયમાં આપણે નૉર્મલ જીવન જીવવાનું ભૂલી ગયા છીએ. માણસનું ચાલે તો ફૂલોમાંથી અત્તર બનાવીને વેચે છે એમ એ ઝાકળને બૉટલમાં ભરીને એનોય વેપાર કરતો હોત. ઝાકળ અને શરાબ વચ્ચેનો સૂક્ષ્મ ભેદ જગતના કોઈ શાસ્ત્રમાં કહેવાયો નથી. આજે હું તમને ફસ્ર્ટ ટાઇમ ઝાકળ અને શરાબ વચ્ચેના સૂક્ષ્મ તફાવતની વાત કરી રહ્યો છું. એ બન્ને ચીજો નશો ચઢાવે છે. ઝાકળને જોવા માત્રથી નશો ચડે છે, જ્યારે શરાબને પીવાથી નશો ચડે છે. ઝાકળનો નશો પ્રકૃતિની સમીપ લઈ જઈને સત્સંગ કરાવે છે. શરાબનો નશો પ્રકૃતિથી દૂર લઈ જઈને પતન કરાવે છે. ઝાકળનો નશો માણવો હોય તો જગત સૂતું હોય એવા મળસકાના સમયે જાગવું પડે. મોડા ઊઠનારને ઝાકળનો વૈભવ જોવા નથી મળતો. શરાબનો નશો કરવો હોય તો મોડી રાત સુધી ઉજાગરા કરવા પડે અને શરાબની દુકાન (મયખાના) સુધી જવું પડે. ઝાકળનો નશો મફતમાં મળે છે, શરાબના નશાની કિંમત ચૂકવવી પડે છે. મફતમાં મળતી વસ્તુ આપણને હંમેશાં મૂલ્યહીન લાગે છે. આપણી બીમારીમાં પત્ની ગમેએટલી સેવા કરે તોય નર્સની સેવા આગળ તેની સેવા ભૂલો-ઊણપોવાળી લાગે છે. પત્નીની સેવામાં પ્રોફેશનલિઝમ નથી હોતુંને! એ તદ્દન મફત હોય છે!

હા, ક્યારેક નર્સની સેવાઓ ખરીદવાની ઓકાત ન બચી હોય ત્યારે પછી પત્નીની સેવાની વાહ-વાહ કરવી પડે છે. એમાં કદર નથી, માત્ર કઠોરતા છે. મેઘધનુષને જોવા માટે કુદરતે કોઈ ટિકિટ નથી રાખી. તડકો ભલે તીખો હોય, છતાં જો એની કિંમત ચૂકવવી પડતી હોત તો આપણને એ

હૂંફાળો-મધુરો લાગતો હોત. અમુક ખાસ સીઝનમાં લોકો ચોક્કસ જગ્યાએ જઈને મોંઘી ટિકિટો ખરીદીને તડકો જોતા હોત. છાપરે-છાપરે મફત મળતા તડકા પ્રત્યે આપણને શાનું આકર્ષણ થાય? બગીચાની તાજગીભરી હવા કરતાં આપણને હૉસ્પિટલમાં ઑક્સિજનના બાટલાની મહત્તા વધુ લાગતી હોય એ ઘોર ટ્રૅજડી નથી તો બીજું શું છે?

આડંબર આપણો આધ્યાત્મિક રોગ છે. આ રોગ બડો ચેપી રોગ છે. એનાં જીવાણુઓ તરત પ્રસરી જાય છે. એક જણનો આડંબર જોઈને તરત બીજો જણ એના કરતાં સવાયો આડંબર કરવા ઉત્સુક થઈ ઊઠે છે. જેને આડંબરનો વ્યાધિ વળગ્યો હોય એને ઝાકળ, સુગંધ, સત્સંગ કે ભક્તિ જેવા શબ્દોના અર્થ શાના સમજાય! આંખ કરતાં ચશ્માંનું મહત્વ વધારે છે એવું સાબિત કરવા ઉધામા કરતા ધર્મગુરુઓની જમાત બહુ મોટી છે. સાવધાન.

ટ્રેનનો ડ્રાઇવર કદી કોઈને રસ્તો પૂછવા ઊભો રહે છે ખરો? પ્લેનનો પાઇલોટ ભૂલો પડ્યો હોય તો આકાશમાં કોને રસ્તો પૂછે? મોટી સ્ટીમરનો કપ્તાન મધદરિયે કોઈને રસ્તો પૂછવાનો વિચાર પણ કરી શકે ખરો? ભૂલા તો એવા લોકો પડે છે, જે પોતાના આગવા રસ્તે ચાલે છે અથવા તો જેમની સામે અનેક માર્ગોના વિકલ્પો હોય છે. ફિક્સ રૂટ પર ચાલનારાને કદી ભૂલા પડવાનો ભય નથી હોતો. અલબત્ત, એ કદી પોતાની મરજીથી પોતાનો ફિક્સ રૂટ છોડીને જરાક ઊફરા ચાલવાની સ્વતંત્રતા પણ નથી પામી શકતો. જેણે ભૂલા પડવાના ભયથી મુક્ત થવું હોય તેણે બીજાની દોરવણી પ્રમાણે જ ચાલવાની નિષ્ઠા કેળવવી પડે છે.

ભૂલા પડવાનું સૌના નસીબમાં ક્યાં હોય છે? જે લોકો એક વખત ભૂલા પડીને પોતાનો રસ્તો પોતે બનાવે છે તેમને

સંસાર મહાત્મા કહે છે, ઈશ્વર કહે છે. ભૂલો પડે એ જ

માણસ બીજાનો ભોમિયો બની શકે - આ રહસ્ય સમજાય તો નો પ્રૉબ્લેમ!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK