વાચકોએ ન્યુઝપેપરમાં શું વાંચવાનું?

Published: 8th December, 2012 06:55 IST

કોઈ પણ રાઇટર માટે અખબારી લેખન કરવું એ કાચા સૂતરના તાંતણા જોડીને બનાવેલી સીડી ઉપર ચઢીને આકાશ-આરોહણ કરવા જેટલું અઘરું કામ છે.(નો પ્રૉબ્લેમ - રોહિત શાહ)

દરરોજ લેખન માટે એક નવો ટૉપિક ખોળી કાઢવો અને પછી એ ટૉપિક વિશે નિર્ભિકપણે પોતાના વિચારો ઘૂંટવા એ કંઈ જેવુંતેવું તપ નથી. વાચકો જે ન્યુઝસ્ટોરી ચા પીતાં-પીતાં મોજથી વાંચે છે, એ ન્યુઝ વાચક સુધી પહોંચાડવામાં પત્રકારે કેટકેટલાં કષ્ટ વેઠ્યાં હોય એની ભાગ્યે જ તેને ખબર પડે છે. કૉલમ-રાઇટર અને પત્રકાર એવા રસોઈયા છે, જે નિતનવી વાનગીઓ રાંધે છે. નવાઈની વાત એ છે કે તેમની પાસે કોઈ રેડીમેડ રેસિપી નથી હોતી. જે કંઈ રો-મટીરિયલ મળી જાય એમાંથી સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગી બનાવવી એ પત્રકાર અને કૉલમ રાઇટરની માત્ર જવાબદારી જ નથી, કલા પણ છે.

હજારો-લાખો વાચકોના ટેસ્ટ જુદા હોય, મૂડ જુદા હોય અને તેમની અપેક્ષાઓય અલગ હોય. તે સૌને સંતુષ્ટ કરવાનું દરેક વખતે પૉસિબલ નથી રહેતું. ક્યારેક વાચકો વ્ાહાલ વરસાવે તો ક્યારેક આક્રોશ ઠાલવે. કૉલમ-રાઇટરની સતત કસોટી થતી રહે છે. વાચકને એક ફાયદો છે કે કોઈ કૉલમ ન ગમે એ બે-પાંચ લીટી વાંચીને છોડી દઈ શકે, પણ લેખક એવું ન કરી શકે. તેણે તો થાળી ભરીને વાનગીઓ પીરસવી જ પડે.

ક્યારેક જાનની બાજી લગાવીને તો ક્યારેક જાત પર જુલમ કરીને પત્રકાર માહિતી મેળવે છે. ભૂખ-તરસ, ટાઢ, તાપ, વરસાદ, સમયની તીવ્ર કટોકટી, કૉમ્પિટિશન, ફૅમિલી લાઇફ સામે ખતરો, કેટકેટલું વેઠીને અને કેટકેટલું જતું કરીને પત્રકારો અખબારની થાળીમાં વિવિધ વાનગીઓ ભરે છે, તેની ખબર વાચકોને કદીય નથી પડતી.

પત્રકારત્વને દુનિયા કઈ રીતે જુએ છે એના કરતાં દુનિયાને પત્રકારત્વ કઈ રીતે જુએ છે એ વધારે ઇમ્ર્પોટન્ટ છે. પત્રકારત્વને ચોથી જાગીર કાંઈ સાવ મફતમાં નથી કહી. સમર્થ પત્રકાર પોતાની સ્વતંત્ર સરકાર ચલાવી શકે છે. સત્તાધારી નેતાઓ અને ભ્રષ્ટાચારીઓના તખ્ાતા ઉખાડી નાખવાનું કૌવત પણ પત્રકારની કૉલમમાં-કલમમાં હોય છે. જીવતા માણસનું બેસણું કરી નાખવાની અને મરી ગયેલા આદમીનેય હીરો બનાવી દેવાની તાકાત પત્રકાર પાસે છે. ન્યુઝ આપવા તે પત્રકારની જવાબદારી છે અને ન્યુસન્સ અટકાવવા એ તેનો ધર્મ છે. ન્યુટ્રલ રહી શકવાની ત્રેવડ ન હોય તેવી વ્યક્તિએ પત્રકારત્વના ક્ષેત્રમાં પગ પણ ન મૂકવો જોઈએ. ખોટી, અધૂરી અને પક્ષપાતી વિગતો આપવી એ પત્રકારનું ઘોર પાપ છે. એ દ્વારા તેની ગેરલાયકી પુરવાર થાય છે.

પત્રકાર કે કૉલમ-રાઇટર હોવું એ મોટા સદ્ભાગ્યની વાત છે. વાચકો ઊંઘતા હોય ત્યારે વહેલી સવારે તેમના ઘરમાં ઘૂસવાનો અધિકાર પત્રકારને મળેલો છે. પોતે એકસાથે હજારો-લાખો ઘરોમાં, ઑફિસોમાં અને પુસ્તકાલયોમાં પહોંચી શકે છે. આ તક અને અધિકાર ત્યાં સુધી જ સેફ છે જ્યાં સુધી તે પત્રકાર ન્યુટ્રલ રહે છે. જે પત્રકાર કે કૉલમ-રાઇટર પોતાની આ તક તેમ જ પોતાના અધિકારને સોદાબાજી કરીને અભડાવે છે, તે મહાપાપી છે. હા, એક વાત છે કે પત્રકાર તે કાંઈ પરમાત્મા નથી. અનેક મર્યાદાઓ ધરાવતો અને અનેક મજબૂરીઓનો સામનો કરતો એક આમ આદમી જ હોય છે. તેણે પણ ઘર ચલાવવાનું હોય છે અને તેણે પણ ફૅમિલીને ખુશ રાખવાની હોય છે, પરંતુ એ માટે સિદ્ધાંતો, મૂલ્યો અને આદર્શો ઉપર બળાત્કાર ન કરાય.

જોકે મને લાગે છે કે પત્રકાર અને કૉલમતરાઇટર કરતાંય મોટું તપ તો વાચકો કરે છે. જેને રાષ્ટ્રગીત ગાતાંય નથી આવડતું (છતાં કૉન્ગ્રેસનાં અધ્યક્ષ બની બેઠેલાં) એવાં સોનિયા ગાંધીનો હેરડ્રેસર કોણ છે અને મુલાયમ સિંહ યાદવ કોના માટે શું બોલ્યા એવા ન્યુઝ વાંચ્યા વગર વાચકનું શું ખાટુંમોળું થઈ જવાનું? તોય તે વાંચે છે. તેણે શું વાંચવું એ જાણે તેના હાથની વાત જ નથી. સેન્સેક્સ સાથે માટે કશોય સંબંધ ન હોય તોય એ વિશે વાંચવાનું? ઐશ્વર્યા રાય-બચ્ચન તેની દીકરીને નવડાવે છે કે નહીં એ મારે શા માટે વાંચવાનું? સચિન તેન્ડુલકર કોનો ભક્ત છે એ જાણીને મારે શું કામ? પરેશ રાવલે કઈ જગ્યાએ નવો બંગલો લીધો કે અનિલ અંબાણીને અથાણું ભાવે છે કે નહીં એ જાણીને આપણે શું કામ છે? તોય પત્રકારો એવી વાનગીઓ પીરસતા રહે છે અને વાચકોય વાંચતા રહે છે. સંસારના દરેક જીવને અખબાર અને ન્યુઝ ચૅનલ વગર ચાલે છે, એકમાત્ર માણસને જ કેમ નથી ચાલતું? જ્યાં સુધી એ ન સમજાય ત્યાં સુધી આ કૉલમ અને આ ન્યુઝપેપર વાંચતા રહો. નો પ્રૉબ્લેમ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK