ઘાણીનો બળદ કદી ભૂલો નથી પડતો

Published: 5th November, 2011 23:53 IST

ઘાણીના બળદને એક બાબતે નિરાંત હોય છે કે એ કદી ભૂલો પડતો નથી. આખો દિવસ ચાલી-ચાલીને થાકી ગયો હોય છતાં એ પોતાના મુકામ પર સ્થિર રહે છે. એ રખડી-રઝળી પડતો નથી.(નો પ્રૉબ્લેમ - રોહિત શાહ)


ઘાણીના બળદ થવામાં સલામતી છે, પણ એમાં સફળતા નથી. ચોવીસે કલાક ચાલ્યા પછીયે એ ક્યાંય પહોંચતો નથી. ઘણા લોકો સ્વેચ્છાએ ઘાણીના બળદ જેવી જિંદગી પસંદ કરતા હોય છે, કારણ કે એમાં ટેન્શન નથી હોતું, જવાબદારી નથી હોતી, સાહસની જરૂર નથી પડતી. એક ઢાંચા પ્રમાણે જીવ્યે રાખવાનું. એક બીબા મુજબ જીવ્યે જવાનું. એક સંપ્રદાય કે એક ગુરુના નામનો ખીંટો પકડીને બેસી જવાનું. સંપ્રદાયના નિયમોને વળગી રહેવાનું અને ગુરુની આજ્ઞાઓ પાળતાં રહેવાનું. સ્વતંત્ર વિચાર કરવાનો નહીં કે પોતાનો વિકાસ કરવાનો નહીં. ગુરુ નામનો ઘાંચી સંપ્રદાય નામની ઘાણીએ બાંધીને આપણને ગોળ-ગોળ ચક્કર મરાવ્યા કરે. આખો અવતાર ડાહ્યાડમરા અને કહ્યાગરા ગુરુભક્ત થઈને આપણે ગોળ-ગોળ ફરતા રહીએ. છેલ્લે મનમાં એમ હોય કે હવે તો હું મોક્ષ-વૈકુંઠમાં પહોંચી જ ગયો હોઈશ! પણ આંખ ખોલીએ (ચેતનાતંત્ર જાગે) ત્યારે ભાન પડે કે આપણે ઠેરના ઠેર જ છીએ. જિંદગીઆખી ઘાણીના બળદ બનીને ફોગટનાં ચક્કર માર્યા કર્યા!


કેટલાક લોકોનું લક્ષ્ય માત્ર પેટપોષણ જ હોય છે. જીવનની પ્રાથમિક આવશ્યકતાઓ સહેલાઈથી ઉપલબ્ધ થઈ જાય તો પછી બીજું કશુંય અચીવ કરવાની તેમને ઇચ્છા કે ઝંખના હોતી જ નથી. એવા લોકો સ્વેચ્છાએ પાંજરામાં પુરાયેલા પોપટ બની જાય છે. તેમને સમયસર ભોજન-પાણી મળતાં રહે છે. પેટપોષણની તેમને કશી જ ચિંતા હોતી નથી. બસ, બહુ થઈ ગયું! થોડાક રાગડા તાણ્યા ને થોડાં લટૂડાંપટુડાં કર્યા. સાંભળનારા-જોનારા ટોળાએ તાળીઓ પાડી, જયજયકાર કર્યા. બીજું શું જોઈએ?


આ બીબાયુક્ત જીવન છે. એમાં બંધન છે. એમાં સીમાઓ છે અને એમાં આવશ્યકતા છે. એમાં આપણી મરજીથી કશું જ કરવાનું નથી હોતું. એમાં પરંપરાની પરાધીનતા હોય છે. ભગવાં કપડાં પહેરો, ગળામાં માળા નાખો, ઉઘાડા પગે વિહાર કરો, આટલા નિયમો પાળો અને આટલાં વિધિવિધાન કરો. એ બીબાની બહાર નજર પણ ન કરી શકાય. જો એ બીબા વગરનું જીવન જીવવાની કોશિશ પણ કરો તો આબરૂના રેવડીદાણા થઈ જાય. ઇજ્જતના વાવટા લહેરાવા માંડે.


બીબાયુક્ત જીવન બંધિયાર બની જાય છે. યુગ બદલાય તો પણ આપણે બીબામાં જ પુરાઈ રહેવું પડે છે. નવી તાજગી અને નવી શૈલી અને નવા વિચારોથી આપણે આભડછેટ પાળવી પડે છે. શ્વાસ રૂંધાઈ જાય અને જીવતર ગંધાઈ ઊઠે તોય આપણે ઘરેડમાંથી બહાર નથી નીકળી શકતા. કૂંડાળામાં આજીવન કારાવાસ વેઠવાનો રહે છે.


જે માણસ બીબાયુક્ત જીવનશૈલી ત્યાગી શકે છે તે જ વ્યક્તિ નવી સિદ્ધિઓ પામી શકે છે. એક વખત સ્વતંત્ર થયા પછી થોડીક જવાબદારીઓ નિભાવવી પડશે, થોડાં સાહસ કરવાં પડશે, પૂર્ણરૂપે સ્વાવલંબી બનવું પડશે, પણ એના બદલામાં જે તાજગીનો અહેસાસ થશે એ દુર્લભ હશે. શક્ય છે કે એમ કરવાથી બત્રીસ પકવાન નહીં મળે અને ચરણચંપી કરનારાં ટોળાં નહીં મળે, પણ સત્ય જરૂર મળશે. મડદાને સત્ય ન જડે. મડદાને તાજગી ન મળે. બીબાયુક્ત જીવન એ મડદા જેવું છે.


જીવન આપણું હોય તો જીવનશૈલી પણ આપણી મૌલિક હોય. આપણે કેવી રીતે જીવવું, કેવી રીતે બોલવું, ક્યાં જવું-ક્યાં ન જવું એવું બીજા લોકો શાના નક્કી કરે? કોઈને નડતરરૂપ ન થાય એ રીતે સ્વતંત્ર જીવન જીવવામાં વળી માપ શાનું? ઉછીના અનુભવો અને ઉધારના વિચારો મુજબ જીવવા માટે જ આપણે આ પૃથ્વી પર નથી આવ્યા. આપણે સડેલું બંધિયાર જીવન નથી જીવવું, પણ સ્વતંત્રતાથી છલોછલ સાત્વિક જીવન જીવવું છે. એ માટે જે જોખમોનો સામનો કરવો પડે એ કરીશું અને જે અવરોધો આવે એનો સામનો કરીશું. એમ કરવાથી જ આપણું સામથ્ર્ય વધશે. સામથ્ર્ય હોય ત્યાં ઓશિયાળાપણું ન હોય - લાચારી ન હોય.


જેણે પરંપરામાં પરિવર્તન આણીને સમાજને નવો રાહ બતાવ્યો તેને જ ઇતિહાસ યાદ કરે છે. ઘરેડમાં ચાલનારા લોકો સમયની ધૂળમાં દટાઈ જાય છે. ચોકઠામુક્ત થવાનું સામથ્ર્ય હોય એના માટે લાઇફમાં હંમેશાં હશે - નો પ્રૉબ્લેમ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK