રૉકસ્ટાર બૈજુ બાવરા

Published: Sep 12, 2020, 17:59 IST | Raj Goswami | Mumbai

૧૨ મે, ૧૯૦૭ના ગુજરાતના પાલિતાણામાં રેલવે ગાર્ડ જનેશ્વર ભટ્ટ અને બેનકુંવર ભટ્ટના પરિવારમાં જન્મેલા વ્રજલાલ ભટ્ટ વિશે કોઈએ ત્યારે વિચાર્યું નહીં હોય કે આ છોકરો મોટો થઈને વિજય ભટ્ટના નામે ભારતીય સિનેમાની ચાર યાદગાર ફિલ્મો આપશે

રૉકસ્ટાર બૈજુ બાવરા
રૉકસ્ટાર બૈજુ બાવરા

સમાચાર છે કે મોટા અને ઐતિહાસિક કૅન્વસની ફિલ્મો બનાવવા માટે જાણીતા સંજય લીલા ભણસાલી, ૧૯૫૨ની મ્યુઝિકલ બ્લૉકબસ્ટર ફિલ્મ ‘બૈજુ બાવરા’ની રીમેક બનાવી રહ્યા છે. ભણસાલી સાથે ત્રણ સફળ ફિલ્મો આપનાર રણવીર સિંહ આ ફિલ્મ કરવાનો હતો, પણ હવે સમાચાર એવા પણ છે કે રણબીર કપૂર મુગલ બાદશાહ અકબરના દરબારના નવ પૈકીના એક રત્ન સંગીત સમ્રાટ તાનસેનને હરાવવા નીકળેલા બૈજુની ભૂમિકા કરશે. ૨૦૧૨માં મ્યુઝિકલ હિટ રોમૅન્ટિક ડ્રામા ‘રૉકસ્ટાર’ પછી રણબીર બીજી વાર સંગીતકારની ભૂમિકામાં હશે.

 ‘બૈજુ બાવરા’માં બાર જેટલાં ગીતો હશે અને મ્યુઝિક કમ્પોઝર તરીકે પણ ભણસાલીની કસોટી થશે. જૂની ‘બૈજુ બાવરા’માં નૌશાદ અલી, લતા મંગેશકર, મોહમ્મદ રફી, ઉસ્તાદ અમીર ખાન, ડી. વી. પલુસ્કર અને ગીતકાર શકીલ બદાયૂંની જેવા તોતિંગ કલાકારોએ ભારતીય સિનેમાનું યાદગાર ગીત-સંગીત આપ્યું હતું. લતા સાથેના એક ગીતમાં શમશાદ બેગમ હતાં.

એમાં તેર ગીતો હતાં, બધાં જ શાનદાર અને બધાં જ શાસ્ત્રીય રાગો આધારિત; તૂ ગંગા કી મૌજ મૈં જમુના કી ધારા (રાગ ભૈરવી), આજ ગાવત મન મેરો ઝૂમ કે (રાગ દેશી), ઓ દુનિયા કે રખવાલે સુન દર્દભરે મેરે નાલે (રાગ દરબારી), દૂર કોઈ ગાયે, ધૂન યે સુનાયે (રાગ દેશ), મોહે ભૂલ ગએ સાંવરિયા (રાગ પીલુ), ઝૂલે મેં પવન કી આયી બહાર (રાગ પીલુ), મન તડપત હરિ દર્શન કો આજ (રાગ માલકૌંસ), બચપન કી મોહબ્બત કો દિલ સે જુદા ના કરના (રાગ માંડી), ઇન્સાન બનો, કર લો ભલાઈ કા કામ (રાગ તોડી), તોરી જય જય કરતાર, મોરી ભર દે આજ ઝોલિયાં

(રાગ પુરિયા ધનશ્રી), લંગર કાંકરિયા જી ના મારો, મોર અંગવા લાગી જાય (રાગ તોડી), ઘનન ઘનન ઘન ગરજો રે (રાગ મેઘ) અને રાગ દરબારીમાં સરગમ.

ફિલ્મના નિર્દેશક વિજય ભટ્ટના ભાઈ અને ફિલ્મના નિર્માતા શંકર ભટ્ટને ગભરામણ હતી કે શાસ્ત્રીય રાગ આધારિત ગીતો નહીં ચાલે તો? વિજય ભટ્ટ અને  સંગીતકાર નૌશાદ અલી જીદ પર અડેલા રહ્યા કે ગીતો તો શાસ્ત્રીય જ હશે. એ જીદ સફળ નીવડી.  ‘બૈજુ બાવરા’ એના અદ્વિતીય ગીત-સંગીતના કારણે જ ૫૦ના દાયકાની ટૉપ-ટેન ફિલ્મોમાં સામેલ થઈ ગઈ. હિન્દી સિનેમાના ટોચના ગાયક કલાકાર તરીકે મોહમ્મદ રફીનો સિક્કો આ ગીતોથી એવો બેસી ગયો કે ૧૯૮૦માં તેમનું અવસાન થયું ત્યાં સુધી એ ચાલતો રહ્યો.

કોઈકે નૌશાદને એક વાર પૂછ્યું હતું કે તમારે જો તમારા જીવનનું સૌથી મહાન ગીત બનાવવું હોય તો કયા રાગનો ઉપયોગ કરો? નૌશાદે જવાબમાં કહ્યું હતું કે હું ઈશ્વરની પ્રાર્થનામાં સંગીત વગાડું કે રફી મિયાંને એક કલાક માટે જમીન પર મોકલી આપ!

ફિલ્મ ૧૦૦ સપ્તાહ ચાલી અને નૌશાદને પહેલો અને છેલ્લો ફિલ્મફેર અવૉર્ડ આપી ગઈ. બેસ્ટ ઍક્ટ્રેસનો ફિલ્મફેર અવૉર્ડ પણ એ જ વર્ષે શરૂ થયેલો અને એ મીનાકુમારીને મળ્યો હતો. ૧૯૩૯માં વિજય ભટ્ટની જ ‘લેધર ફેસ’ (એ વખતે હિન્દી ફિલ્મોનાં નામ અંગ્રેજીમાં રાખવાનું ચલણ હતું) ફિલ્મમાં છ વર્ષની મીનાકુમારીએ તેના અસલી નામ મહેજબીન નાઝ સાથે પદાર્પણ કર્યું હતું. વિજય ભટ્ટે જ તેને બેબી મીના નામ આપ્યું હતું. ભારત ભૂષણ ભલે તેના બરફ જેવા રોતલ અભિનય માટે ‘બદનામ’ હોય, ‘બૈજુ બાવરા’થી તે ઍક્ટિંગની વૈતરણી તરી ગયો. એમાં મુશ્કેલી એ થઈ કે ભારત ભૂષણ ક્યારેય બૈજુની ઇમેજમાંથી બહાર આવી ન શક્યો.

૧૨ મે, ૧૯૦૭ના ગુજરાતના પાલિતાણામાં રેલવે ગાર્ડ જનેશ્વર ભટ્ટ અને બેનકુંવર ભટ્ટના પરિવારમાં જન્મેલા વ્રજલાલ ભટ્ટ વિશે કોઈએ ત્યારે વિચાર્યું નહીં હોય કે આ છોકરો મોટો થઈને વિજય ભટ્ટના નામે ભારતીય સિનેમાની ચાર યાદગાર ફિલ્મો આપશે; રામરાજ્ય (૧૯૪૩), બૈજુ બાવરા (૧૯૫૨), ગુંજ ઉઠી શહેનાઈ (૧૯૫૯) અને હિમાલય કી ગોદ મેં (૧૯૬૫). મહાત્મા ગાંધીએ તેમના જીવન દરમિયાન જે એકમાત્ર ફિલ્મ જોઈ હતી, એ વિજય ભટ્ટની ‘રામરાજ્ય’. મુંબઈના જુહુમાં ગાંધીજી માટે ‘રામરાજ્ય’નો ખાસ શો યોજવામાં આવ્યો હતો.

વિજય ભટ્ટે એ જમાનામાં ‘બૈજુ બાવરા’ની કિંવદંતી પર શાસ્ત્રીય સંગીત આધારિત તોતિંગ ફિલ્મ બનાવવાનું સાહસ કર્યું એ જ મોટી વાત કહેવાય. તેમને સાહિત્ય અને સંગીતમાં ઊંડો રસ હતો એટલું જ આવડત કહેવાય, બાકી આવી ‘બોરિંગ’ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ચાલે એમાં તેમના સિવાય બીજા બધાને શંકા હતી. વિજય ભટ્ટના દોસ્તો મજાકમાં તેમને ‘વીજુ બાવરા’ (વીજુ ગાંડો) કહેતા.

વિજય ભટ્ટના પુત્ર અને સિનેમૅટોગ્રાફર પ્રવીણ ભટ્ટ એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘હું તો બહુ નાનો હતો ત્યારે ‘બૈજુ બાવરા’ બનાવવામાં આવી હતી. મારા પિતાનું શાસ્ત્રીય સંગીતમાં ઊંડું સંશોધન, દુર્લભ પુસ્તકો અને હસ્તપ્રતોનો તેમનો સંગ્રહ અને નિષ્ણાતો સાથેની તેમની બેઠકો મને યાદ છે. નૌશાદ સા’બની કાર અમારા ઘર બહાર પાર્ક થયેલી જોઈને ખૂબ આનંદ આવતો.’

એવું કહેવાય છે જે વિજય ભટ્ટ ‘બૈજુ બાવરા’માં દિલીપકુમાર અને નર્ગિસને લેવા માગતા હતા. નર્ગિસને તેમણે ૫૦ હજાર રૂપિયામાં સાઇન પણ કરી હતી, પણ તે બીમાર પડી ગઈ એટલે મીનાકુમારીની એન્ટ્રી થઈ. બીજી તરફ દિલીપકુમારે મહેનતાણા તરીકે દોઢ લાખ રૂપિયા માગ્યા એટલે વિજય ભટ્ટનું મોં વિલાઈ ગયું અને થોડા રોષ સાથે તેમણે દિલીપકુમાર જેવા જ દેખાતા ભારત ભૂષણને ફિલ્મમાં લઈ લીધો. દિલીપકુમારને આ ફિલ્મ નહીં કર્યાનો અફસોસ કાયમ રહી ગયો.

મેહબૂબ ખાનની ‘આન’ (દિલીપકુમાર, નિમ્મી) એ વર્ષની ‘શોલે’ જેવી તોતિંગ ફિલ્મ હતી. અંધેરીમાં પ્રકાશ પિક્ચર્સના સેટ પર પ્રમાણમાં બે નવોદિતો ભારત ભૂષણ અને મીનાકુમારી સાથે બની રહેલી ‘બૈજુ બાવરા’ બૉક્સ-ઑફિસ પર અન્ડરડૉગ સાબિત થશે એવી કોઈએ કલ્પના પણ કરી નહોતી. એની વાર્તાય કંઈ ‘મહાન’ નહોતી, એનો હીરો રસ્તા પર ગાયનો ગાય છે (એટલે એને પાગલ-બાવરો કહેવાય છે), હિરોઇન શરમાળ છે, હીરોને રાજાના દરબારમાં સંગીત સમ્રાટને હરાવવાનો પડકાર મળે છે અને ક્લાઇમૅક્સમાં હીરો-હિરોઇન નદીના પૂરમાં તણાઈ જાય છે; પણ તમે જો આ બ્લૅક ઍન્ડ વાઇટ ફિલ્મને આજે ધ્યાનથી જુઓ તો ખબર પડે કે એ એના સમયની ‘રૉકસ્ટાર’ હતી.

જેમ ઇમ્તિયાઝ અલીની ‘રૉકસ્ટાર’ (૨૦૧૧માં જનાર્દન ‘જૉર્ડન’ ઠાકુર તેનામાં સંગીતનું સર્જન કરવા માટે થઈને પ્રેમમાં નાસીપાસ થવાનું સાહસ કરે છે એમ ‘બૈજુ બાવરા’માં બૈજુ પિતાના મોતનો બદલો લેવા સંગીતની શોધમાં નીકળી પડે છે (અકબરના રાજમાં એવો રિવાજ હતો કે જે સંગીત સમ્રાટ તાનસેનને સંગીત-જુગલબંધીમાં હરાવી શકે તેને જ શહેરમાં ગાવાની છૂટ હતી. એ કારણથી જ બૈજુ નાનો હતો ત્યારે તેના ગાયક પિતાનું તાનસેનના સંત્રીઓના હાથે મોત થયું હતું. મરતો પિતા બૈજુ પાસેથી વચન લે છે કે તે મોટો થઈને તાનસેનને હરાવશે).

નિર્દેશક વિજય ભટ્ટનો ફિલ્મસર્જક પુત્ર વિક્રમ ભટ્ટ એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મને યાદ છે, જ્યારે હું નાનો હતો ત્યારે મારા દાદા મને ‘બૈજુ બાવરા’ જોવા લઈ ગયા હતા. કાલબાદેવી પાસેનું એ થિયેટર હતું. અંદરની યાદ બહુ ધૂંધળી છે, પણ એટલું પાકું યાદ છે કે દાદાને એ ફિલ્મનું અને અમને બતાવવાનું બહુ ગૌરવ હતું. હું મોટો થયો ત્યારે મને ફિલ્મી દુનિયાના લોકોના મોંઢેથી એ સમજવા મળ્યું કે મારા દાદા કેટલા મોટા ફિલ્મસર્જક હતા અને ‘બૈજુ બાવરા’ કેટલી મહાન ફિલ્મ હતી. મેં એ ફરીથી જોઈ પછી મને એનો જાદુ સમજમાં આવ્યો કે દરેક મહાન કળા અંદરની ગહેરાઈમાંથી આવે છે, જેને આપણે પ્રેમ કહીએ છીએ. નસીબદાર ફિલ્મસર્જકો જ એ ગહેરાઈને પામી શકે છે. મારા દાદાને એ ખબર હતી.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK