મુંબઈમાં મકાનો સસ્તાં થવાના ચાન્સિસ નથી

Published: 24th October, 2011 16:02 IST

મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે હાલમાં ઉપનગરોમાં એફએસઆઇ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) વધારી આપવાને લગતી એક દરખાસ્તને મંજૂરી આપીને બિલ્ડરોને પોતાના મકાનની ઊંચાઈ ૩૩ ટકા વધારવાની છૂટ આપી. આ પહેલાં બિલ્ડરોએ મકાનની ઊંચાઈ વધારવા માટે ટીડીઆર (ટ્રાન્સફર ઑફ ડેવલપમેન્ટ રાઇટ્સ) ખરીદવા પડતા હતા.

 

વરુણ સિંહ


મુંબઈ, તા. ૨૪


મુખ્ય પ્રધાને આપેલો આ લાભ જો બિલ્ડરોએ ઘર ખરીદનાર લોકોને ઑફર કર્યો હોત તો ઘરના ભાવ નીચે આવી ગયા હોત, પરંતુ એવું કશું બન્યું નથી અને બિલ્ડરો આ છૂટછાટને દિવાળીની ગિફ્ટ સમજીને પોતે જ માણી રહ્યા છે.


એમસીએચઆઇ (મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રીઝ) સાથે સંકળાયેલા બિલ્ડર મનોહર શ્રોફે કહ્યું હતું કે ‘પૉઇન્ટ ૩૩ની આ એફએસઆઇ બિલ્ડરોને પ્રીમિયમ ભાવે વેચવામાં આવશે. આ ઉપરાંત બિલ્ડરોએ એફએસઆઇ પર સુધરાઈને પણ ૧૦૦ ટકા પ્રીમિયમ ચૂકવવું પડશે. (સુધરાઈના કમિશનરે ડેવલપમેન્ટ કન્ટ્રોલ રૂલ્સ (ડીસીઆર)માં આ પ્રકારના ફેરફાર સૂચવ્યા છે.) આ બન્ને ભેગા કરો તો બિલ્ડરે પોતાના ખિસ્સામાંથી ઘણા પૈસા ખર્ચવા પડશે. આમાં ભાવો ઘટાડવાની વાત જ ક્યાં આવે છે?’


થોડા સમય પહેલાં સુધરાઈના કમિશનરે એવું સૂચન કર્યું હતું કે બાલ્કની તથા જે અન્ય જગ્યાની ફ્રી એફએસઆઇ માટે ૨૫ ટકા પ્રીમિયમ હતું એ હવે ૧૦૦ ટકા કરવામાં આવશે. એ સમયે બિલ્ડરોએ એવી ચેતવણી આપી હતી કે હવે અમારે ભાવો વધારવા પડશે.


એક હાઉસિંગ ઍક્ટિવિસ્ટે કહ્યું હતું કે ‘બિલ્ડરો ક્યારેય સરકાર તરફથી મળતા લાભો ઘર ખરીદનાર લોકોને નથી આપતા. તેઓ કદી પોતાનો નફો ઓછો કરવા નથી માગતા.’


ઉપનગરમાં એક પ્રોજેક્ટ ધરાવતા તળમુંબઈના એક બિલ્ડરે કહ્યું હતું કે ‘જો સરકારે ૨૦૦૮માં આવો કાયદો પસાર કર્યો હોત તો સારું પડ્યું હોત અને એનાથી સરકારને પૈસા મળ્યા હોત. હવે બહુ જ ઓછી બિલ્ડિંગ પ્રોપઝલો મંજૂર થઈ રહી છે અને વધારાની એફએસઆઇ ખરીદવા માટે બિલ્ડરો પૈસા નહીં ખર્ચે.’


આનો અર્થ એ થયો કે આનાથી સરકારને પણ કોઈ કમાણી નહીં થાય. જોકે આનાથી કેટલાક ટોચના બિલ્ડરોની મૉનોપોલી તૂટશે, કારણ કે તેમની પાસે મોટા ભાગના ટીડીઆર પડ્યા છે અને એને લીધે જ તેઓ ઊંચાં બિલ્ડિંગ બાંધી શકે છે. એક બિલ્ડરે કહ્યું હતું કે ‘આ એફએસઆઇને કારણે ટીડીઆરના ભાવ ઘટશે. અત્યાર સુધી એ પ્રતિ સ્ક્વેરફૂટ ૩૦૦૦થી ૪૦૦૦ રૂપિયે વેચાતા હતા, પરંતુ હવે એનો ભાવ ઘટીને ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયા થઈ જશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK