Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ભગવદ્ગીતામાં પ્રતિબંધ મૂકવા જેવું કંઈ નથી. રશિયાની સરકાર હુકમ પાછો ખેંચી લેશે. પણ...

ભગવદ્ગીતામાં પ્રતિબંધ મૂકવા જેવું કંઈ નથી. રશિયાની સરકાર હુકમ પાછો ખેંચી લેશે. પણ...

25 December, 2011 09:42 AM IST |

ભગવદ્ગીતામાં પ્રતિબંધ મૂકવા જેવું કંઈ નથી. રશિયાની સરકાર હુકમ પાછો ખેંચી લેશે. પણ...

ભગવદ્ગીતામાં પ્રતિબંધ મૂકવા જેવું કંઈ નથી. રશિયાની સરકાર હુકમ પાછો ખેંચી લેશે. પણ...


 

 



સ્વામી ભક્તિવેદાંત ચૈતન્ય મહાપ્રભુના ગૌડિયે વૈષ્ણવ સંપ્રદાયના સાધુ હતા. સનાતન પરંપરામાં ભક્તિ અને વેદાંત પરસ્પરવિરોધી માનવામાં આવે છે, પરંતુ સ્વામીજીએ ભક્તિ અને વેદાંતનો સમન્વય કરવા સહેતુક પોતાનું નામ ભક્તિવેદાંત રાખ્યું હતું અને તેમનાં પ્રવચનો અને પુસ્તકોનો પ્રધાન સૂર પણ ભક્તિ અને વેદાંતનો સમન્વય છે. દરેક સંપ્રદાયમાં બને છે એમ તેમના સંપ્રદાયના અનુયાયીઓએ પણ ચીલો ચાતર્યો છે. ઇસ્કોનમાં આજે વેદાંત કરતાં ભક્તિની બોલબાલા છે. ભક્તિ નજરે ચડે છે, ક્યારેક બોલકી બની જાય છે અને સંપ્રદાયની બહારની વ્યક્તિના મનમાં ચીડ પેદા કરે છે. સાઇબેરિયામાં કંઈક આવું જ થયું એમ લાગે છે. અત્યારે તો ત્યાંની અદાલતે પ્રતિબંધ સામે મનાઈહુકમ લાગુ કર્યો છે અને એમ લાગે છે કે અદાલત અથવા તો રશિયાની સરકાર પ્રતિબંધનો હુકમ પાછો ખેંચી લેશે. ભગવદ્ગીતામાં પ્રતિબંધ મૂકવા જેવું કંઈ જ નથી એ સમજવા માટે ગીતાનું એક વાંચન પર્યાપ્ત છે.

આપણે આપણા ધર્મગ્રંથો વિશે આળા હોઈએ એ સમજી શકાય છે, ક્યારેક આક્રમક થઈ જઈએ એ પણ સમજાય છે; પરંતુ આપણે આપણા પ્રાચીન વારસા વિશે, સંસ્કૃત-પ્રાકૃત અને પાલિ ભાષા વિશે, એમાં લખાયેલા સાહિત્ય વિશે ઇતિહાસ અને સ્થાપત્યો વિશે, લાખોની સંખ્યામાં હજી પણ અપ્રકાશિત હસ્તપ્રતોની જાળવણી વિશે કેટલા સજાગ છીએ એ બાબતે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આપણો રેકૉર્ડ શરમજનક છે. સમજણ અને નિસ્બત વિનાના અભિમાનને મિથ્યાભિમાન કહેવામાં આવે છે. માન્યામાં ન આવતું હોય તો ડૉ. અશોક અકલુજકરને પૂછી જુઓ, તેઓ દર્પણ બતાવી આપશે.

કૅનેડાની બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીમાં એશિયન સ્ટડીઝના પ્રાધ્યાપક ડૉ. અશોક અકલુજકર સંસ્કૃતના પંડિત છે. તેમણે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી મેળવી હતી. સંસ્કૃત ભાષાશાસ્ત્રી, કાવ્યશાસ્ત્રી અને દર્શનશાસ્ત્રી તેમના અભ્યાસના વિષય છે. અત્યારે તેઓ ભતૃર્હરિ પર કામ કરી રહ્યા છે અને ૧૧ ખંડમાં ટીકા સાથે ભતૃર્હરિના ગ્રંથો પ્રકાશિત કરવાની તેમની યોજના છે. ડૉ. અકલુજકર ૪૦ વર્ષથી અમેરિકા અને કૅનેડામાં રહીને ભારતીય વિદ્યા ભણે છે અને ભણાવે છે. ડૉ. અશોક અકલુજકરે સોમવારે ભારતીય વિદ્યાભવનમાં ‘હાઉ ધ વેસ્ટ સ્ટડીઝ સંસ્કૃત’ એ વિષય પર બોધપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જે કેટલીક વાત કહી હતી એ કાને ધરવા જેવી છે.

ડૉ. અકલુજકર કહે છે કે ભારતીય વિદ્યાઓના અધ્યયનની બાબતે અને ખાસ કરીને સંસ્કૃત, પ્રાકૃત અને પાલિ જેવી પ્રાચીન ભારતીય ભાષાઓના અધ્યયનની બાબતે પશ્ચિમના વિદ્વાનો જેટલી ગંભીરતા ધરાવે છે એટલી ગંભીરતા ભારતીય વિદ્વાનોમાં જોવા મળતી નથી. પશ્ચિમના વિદ્વાનો પરાઈ સંસ્કૃતિને (ભારતીય વિદ્યાને) સમજવા માગે છે, જ્યારે ભારતીય વિદ્વાનો પોતીકી સંસ્કૃતિની શ્રેષ્ઠતા સાબિત કરવામાં અને પોતાના પાંડિત્ય-પ્રદર્શનમાં રચ્યાપચ્યા રહે છે.

ડૉ. અકલુજકર બીજી વાત કહે છે કે પશ્ચિમની યુનિવર્સિટીઓમાં પ્રાચીન ભારતીય ભાષાઓ અને ભારતીય વિદ્યાઓ ભણતા આવતા વિદ્યાર્થીઓ તીવ્ર જિજ્ઞાસાથી પ્રેરાઈને આવે છે, નહીં કે મજબૂરીથી. ભારતમાં તેજસ્વી વિદ્યાર્થીની પહેલી પસંદગી એન્જિનિયરિંગ અને ડૉક્ટરી હોય છે. નબળા વિદ્યાર્થીઓ આટ્ર્સમાં આવે છે અને સૌથી નબળા વિદ્યાર્થીઓ ભાષા અને સાહિત્ય પસંદ કરે છે. ભારતીય શિક્ષણ નોકરી અને વ્યવસાયલક્ષી છે, જ્યારે પાશ્ચાત્ય શિક્ષણના પાયમાં રુચિ અને જિજ્ઞાસા છે. મજબૂરીથી ભણતા વિદ્યાર્થીના દેખાવમાં અને જિજ્ઞાસાથી ભણતા વિદ્યાર્થીના દેખાવમાં જમીન-આસમાનનો ફરક હોય એ સ્વાભાવિક છે. બીજું, પશ્ચિમના વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણવા માટે ભારતીય વિદ્યાર્થી કરતાં અનેકગણી મહેનત કરવી પડે છે. તેના માટે ઉચ્ચાર અને વ્યાકરણ બન્ને પરાયાં હોય છે. સંસ્કૃત ભાષાપ્રવેશ જેવું ભગીરથ કામ કરી શકનાર વિદ્યાર્થી આપણા વિદ્યાર્થીને ઝાંખો પાડે એ સ્વાભાવિક છે.

પૌર્વાત્ય વિદ્યાઓમાં રસ લેનારા પાશ્ચાત્ય વિદ્વાનોએ એમાં કરેલા કામ કરતાં એ કામ કરવા પાછળના તેમના ઇરાદાઓ શોધવામાં આપણે વધુ રસ લઈએ છીએ. પશ્ચિમે આપણી વિદ્યાઓની ચોરી કરીને પ્રગતિ કરી છે એવું કહેનારા ઘેલાઓની દેશમાં ખોટ નથી. ડૉ. અકલુજકર કહે છે કે ઓરિયેન્ટલ સ્ટડીઝમાં આજકાલ જેટલું અને જેવું કામ પશ્ચિમની યુનિવર્સિટીઓમાં થઈ રહ્યું છે એટલું અને એવું કામ ભારતની યુનિવર્સિટીમાં નથી થઈ રહ્યું.
જ્યાં જિજ્ઞાસા પ્રબળ હોય ત્યાં પરિણામ અવશ્ય અલગ હોવાનું. આપણા શ્રેષ્ઠત્વના મિથ્યાભિમાનમાં રાચવાનો કોઈ અર્થ નથી.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2011 09:42 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK