હવે કોરોના-ટેસ્ટ માટે કોઈ મંજૂરીની જરૂર નહીં : સરકાર

Published: Jun 03, 2020, 09:44 IST | Agencies | Gandhinagar

ગુજરાત હાઈ કોર્ટની ફટકાર બાદ સરકારે પરિપત્ર જાહેર કર્યો: કોરોના સંક્રમિત થવાની શક્યતાના આધારે દર્દીને ટેસ્ટ કરવાની જરૂર જણાય ત્યારે દર્દીને દાખલ કરવાનો રહેશે

ગુજરાત હાઈ કોર્ટ
ગુજરાત હાઈ કોર્ટ

ગુજરાતમાં કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ગુજરાત હાઈ કોર્ટમાં ખાનગી લૅબોરેટરીઓમાં કોરોના વાયરસના ટેસ્ટને લઈને થયેલી અરજીમાં કોર્ટે સરકારને આદેશ આપ્યા બાદ આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારે જણાવ્યું છે કે કોવિડ-૧૯ ટેસ્ટ માટે કોઈ પણ પ્રકારની મંજૂરીની જરૂર નથી. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે કોઈ પણ પ્રાઇવેટ લૅબમાં કોરોનાની ટેસ્ટ થઈ શકશે.

આજે કોવિડ-૧૯ની ટેસ્ટ કરવા સંદર્ભે રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્રમાં નોંધવામાં આવ્યું છે કે કોઈ પણ દર્દીનો રિપોર્ટ કર્યા પછી જો પૉઝિટિવ આવે તો જે-તે તબીબ અને લૅબોરેટરીએ આરોગ્યના અધિકારીને જાણ કરવાની રહેશે. સરકારમાન્ય ઍપ્લિકેશન પર વિગત અપલોડ કરવી પડશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સરકારી કે ખાનગી લૅબોરેટરીમાં કોરોના-ટેસ્ટ કરાવવા સંદર્ભને લઈને આજે રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં ખાનગી તબીબના પ્રિસ્ક્રિપ્શનના આધારે ખાનગી કે સરકારી લૅબોરેટરીમાં કોરોનાની ટેસ્ટ હવેથી થઈ શકશે. આ માટે કોઈ પણ પ્રકારની પૂર્વમંજૂરી લેવાની રહેશે નહીં. ખાનગી તબીબ અને લૅબોરેટરીઓએ જિલ્લા કૉર્પોરેશનના આરોગ્ય અધિકારીઓને માત્ર ઈ-મેઇલ દ્વારા જાણ કરવાની રહેશે અથવા તો સરકારમાન્ય મોબાઇલ ઍપ્લિકેશન પર દર્દીની વિગત અપલોડ કરવાની રહેશે.

પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે કોરોના સંક્રમિત થવાની શક્યતાના આધારે દર્દીને ટેસ્ટ કરવાની જરૂર જણાય ત્યારે દર્દીને દાખલ કરવાનો રહેશે અને રિપોર્ટ નેગેટિવ આવે તો જ દર્દીને રજા આપવી. આઇસીએમઆરની ગાઇડલાઇન સિવાયના કિસ્સામાં જો કોરોના ટેસ્ટ કરવાની થાય તો જે-તે હૉસ્પિટલ તબીબે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સોલા સિવિલ, જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકાની મંજૂરી લેવી પડશે. મંજૂરી આપનાર અધિકારીએ મંજૂરી માટેની અરજી મળ્યાના ૨૪ કલાકમાં જ યોગ્ય જણાય તો મંજૂરી આપવાની રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK