Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી વિદ્યાર્થીની કથિત આત્મહત્યા માટે મહિલા ટીચરનો ત્રાસ જવાબદાર?

ગુજરાતી વિદ્યાર્થીની કથિત આત્મહત્યા માટે મહિલા ટીચરનો ત્રાસ જવાબદાર?

04 September, 2012 05:09 AM IST |

ગુજરાતી વિદ્યાર્થીની કથિત આત્મહત્યા માટે મહિલા ટીચરનો ત્રાસ જવાબદાર?

ગુજરાતી વિદ્યાર્થીની કથિત આત્મહત્યા માટે મહિલા ટીચરનો ત્રાસ જવાબદાર?


prasad1જેવીપીડી સ્કીમમાં આવેલી એન. એમ. કૉલેજમાં ૨૮ ઑગસ્ટે ૧૬ વર્ષના પ્રસાદ બગરિયા નામના ગુજરાતી વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. હવે ટીનેજરના પરિવારે ટીચરના ત્રાસને કારણે પ્રસાદે કથિત આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારે આપેલી માહિતી પ્રમાણે આત્મહત્યાના બે દિવસ પહેલાં જ પ્રસાદે તેમને તેના ક્લાસના વિદ્યાર્થીઓની સામે ટીચર દ્વારા કરવામાં આવતા અપમાન વિશે જણાવ્યું હતું. પોલીસે આપેલી માહિતી પ્રમાણે તેણે ૨૮ ઑગસ્ટે કૉલેજના ત્રીજા માળથી મોતની છલાંગ લગાવી હતી અને એ જ દિવસે નાણાવટી હૉસ્પિટલમાં ઑપરેશન ટેબલ પર તેનું અવસાન થયું હતું.

પ્રસાદના પરિવારની દલીલ છે કે પ્રસાદ આત્મહત્યા કરે એવો છોકરો નહોતો. તેણે એસએસસીની પરીક્ષામાં ૯૨ ટકા માર્ક મેળવ્યા હતા. તે અભ્યાસમાં સારો હતો અને કોઈ સાથે દલીલ કે વાદવિવાદ નહોતો કરતો. પ્રસાદના પિતા રજનીકાંત બગેરિયાએ કહ્યું હતું કે ‘મેં જુહુ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અરુણ ભગતને એફઆઇઆર નોંધવાનું કહ્યું ત્યારે તેમણે મને ટાળતાં કહ્યું હતું કે આ મામલો એટલો ગંભીર નથી. હું પછી તેના ક્લાસના અત્યારના અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મળ્યો તો તેમણે પણ સ્વીકાર્યું તે મહિલા ટીચર બધાને હેરાન કરે છે. મારો દીકરો સરળ હતો અને કોઈ સાથે ઝઘડતો નહોતો. તે ક્યારેય નાની વાતમાં આત્મહત્યા કરવા જેવું પગલું ન ભરે. પોલીસે તપાસ કરવી જોઈએ કે ટીચરનો ત્રાસ એટલો બધો તો નહોતો વધી ગયો જેને કારણે તેણે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરી લીધું. આ ટીચરે તેને પહેલી વાર ૨૧ ઑગસ્ટે અસાઇનમેન્ટના મુદ્દે ધમકાવ્યો હતો અને પછી ૨૩, ૨૪, ૨૫, ૨૭ અને ૨૮ ઑગસ્ટે સતત ટોણા માર્યા હતા.’



આ આરોપ વિશે એન. એમ. કૉલેજના પ્રિન્સિપાલ સુનીલ મંત્રીએ કહ્યું હતું કે ‘હું બહારગામ હતો અને આજે જ શહેરમાં આવ્યો છું. હું મંગળવારે કૉલેજમાં જઈને આ મામલાની તપાસ કરીશ અને જો મહિલા પ્રોફેસર આમાં સંડોવાયેલી હશે તો તેનું નામ તમને કહીશ.’


જુહુ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અરુણ ભગતે કહ્યું હતું કે  કે ‘મને ખબર પડી છે કે બગરિયા પરિવારે આ ઘટના માટે પ્રોફેસરને જવાબદાર ગણાવતું નિવેદન માધ્યમોને આપ્યું છે, પણ મેં હજી એને વાંચ્યું નથી. હજી આ કેસમાં પ્રાથમિક તબક્કાની તપાસ થઈ રહી છે અને અમે કોઈ પુરાવા વગર કોઈ પર આરોપ ન મૂકી શકીએ. તપાસ ચાલી રહી છે અને અમે સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરી રહ્યા છીએ. જ્યાં સુધી પ્રોફેસર પ્રસાદને હેરાન કરી રહ્યાં હતાં એ વાતને કોઈ વિદ્યાર્થી કે પછી કૉલેજનો કર્મચારી આગળ આવીને ટેકો ન આપે ત્યાં સુધી એને માની શકાય નહીં. અમે આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ.’

ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ (વેસ્ટ) વિશ્વાસ નાંગ્રે-પાટીલે કહ્યું છે ‘મને બગરિયા પરિવારનું કોઈ નિવેદન મળ્યું નથી. મને ફોનથી ઍડ્વોકેટે આની માહિતી આપી છે. અમે આ કેસમાં તપાસ કરી રહ્યા છીએ અને જરૂરી પગલાં લેવામાં આવશે.’  


પિતા દ્વારા ઉઠાવાયેલા સવાલો

પ્રસાદે આત્મહત્યા કરી ત્યારથી પ્રોફેસર કેમ ગેરહાજર છે?

કૉલેજે પરિસરનાં સીસીટીવી ફુટેજ કેમ પોલીસને નથી આપ્યાં?

કેમ કૉલેજના કર્મચારીઓએ પ્રસાદના પરિવારથી દૂર રહેવાનું અને તેની અંતિમયાત્રામાં હાજરી ન આપવાનું વલણ અપનાવ્યું છે?

પોલીસે બીજા પ્રોફેસરોનાં સ્ટેટમેન્ટ કેમ રેકૉર્ડ નથી કર્યાં?

જેવીપીડી સ્કીમ = જુહુ વિલે પાર્લે ડેવલપમેન્ટ સ્કીમ, એન. એમ. = નરસી મોનજી, એસએસસી = સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ, એફઆઇઆર = ફસ્ર્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ, સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2012 05:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK