પોલીસના જણાવ્યા અનુસાર ગયા રવિવારે એક ફ્લૅટને ધારી-ધારીને જોનારા રશીદ કુપેનો એક નવ વર્ષના બાળકે ફોટો પાડી લીધો હતો. મુલુંડ (વેસ્ટ)માં હીરા મોંગી નવનીત હૉસ્પિટલ નજીક આવેલા સુકેશ અપાર્ટમેન્ટના પોતાના ઘરમાંથી ૫ લાખ ૬૦ હજાર રૂપિયાની કિંમતની રોકડ તથા ઘરેણાં ગુમ થયાની ફરિયાદ સોમદેવ લોડાયાએ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.
મુલુંડ ડિવિઝનના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર મહાદેવ ગુંડેવાડીના જણાવ્યા મુજબ આ વિશે તપાસ કરતાં એક નવ વર્ષના બાળકે એક વ્યક્તિ ધારી-ધારીને ફ્લૅટ તરફ જોતો હોવાની માહિતી આપી હતી. જોકે આ વ્યક્તિને ત્યાંથી જવા દેવા પહેલાં તેનો મોબાઇલથી ફોટો પાડી લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ સુકેશ અપાર્ટમેન્ટ પાસે આવેલા ધોબી મહેશ કનોજિયા સાથે રશીદ કુપેની બોલાચાલી દરમ્યાન આ બાળકે આ ફોટો પાડી લીધો હતો. પોલીસે આ ફોટોનાં ઘણાં પ્રિન્ટ-આઉટ કાઢી તપાસ કરતાં આરોપી રશીદ કુપે હોવાની ખાતરી થઈ હતી, જે પાંચ વર્ષ પહેલાં મુલુંડમાં રહેતો હતો તેમ જ તાજેતરમાં જ મુંબ્રા રહેવા ગયો હતો. પોલીસે રશીદ કુપેની ધરપકડ કરી ૧૦ લાખ રૂપિયાની કિંમતના પાંચ જેટલા ઘરફોડ ચોરીના કેસ ઉકેલ્યા હતા. આરોપી રશીદ કુપેએ પોતે અહીં નજીકના ઝાડ પરથી કેરી તોડવા આવ્યો હોવાની વાત મહેશ કનોજિયાને કરી હતી. જોકે આ કેરીની સીઝન નથી એવી વાત ૯ વર્ષના બાળકે કરી અને ત્યાર બાદ તેનો ફોટો પણ પાડી લીધો હતો.