Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લૉકડાઉનના ભારમાંથી આપણે લૉગઆઉટ થતાં પણ શીખવું જોઈશે

લૉકડાઉનના ભારમાંથી આપણે લૉગઆઉટ થતાં પણ શીખવું જોઈશે

20 April, 2020 08:41 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

લૉકડાઉનના ભારમાંથી આપણે લૉગઆઉટ થતાં પણ શીખવું જોઈશે

લૉકડાઉનનો ભાર મગજ પર રાખવાથી ઉપાય નહીં થાય.

લૉકડાઉનનો ભાર મગજ પર રાખવાથી ઉપાય નહીં થાય.


મોટા ભાગે કોઈ પણ ઘટના, મામલો કે ચર્ચામાં આપણને લૉગઇન થતાં આવડી જતું હોય છે, પણ એટલું પર્યાપ્ત નથી. ખરું મહત્ત્વ લૉગઆઉટ થતાં આવડવાનું છે. આપણે કેટલાંય વૈચારિક-કાલ્પનિક દુઃખના બોજને મગજ પર લાદી દઈ ભારેખમ થઈ જઈએ છીએ, આપણામાં સ્ટ્રેસ-તનાવ પણ આ જ કારણસર વધ્યા કરે છે. એટલે જ એ માનસિક સ્થિતિમાંથી લૉગઆઉટ (બહાર નીકળતાં) થવાની કળા પણ શીખવી જોઈએ. હાલ આપણા મન પર લૉકડાઉનનો ભાર છે, એમાંથી લૉગઆઉટ થવાનું પણ શીખીએ.

કમ્પ્યુટર, લૅપટૉપ, ઇન્ટરનેટ કે પછી કોઈ ઍપ વાપરતા લોકો માટે હવે લૉગઇન અને લૉગઆઉટ શબ્દ કૉમન થઈ ગયા છે. મોટા ભાગના લોકો હવે લૅપટૉપ કે કમ્પ્યુટર વાપરતા હોય છે, જેમાં વિવિધ સાઇટ પર જોડાઈ નવી–નવી ઍપ ડાઉનલોડ કરી એના સભ્ય બનવાનું હોય છે. હવે તો આ કામ મોબાઇલ ફોન મારફત પણ થાય છે. ઑનલાઇન પેમેન્ટ કરવા, ફેસબુક પર જવું કે આપણા પોતાના પર્સનલ ઈ-મેઇલ અકાઉન્ટને ખોલી સતત એના પર કામ કરવું વગેરે જેવી બાબતો આપણા માટે રોજિંદી બની છે. આમ કરતી વખતે આપણે એમાં પ્રવેશવા-ખોલવા માટે લૉગઇન થવાનું હોય છે. આ લૉગઇન થવા માટે આપણે યુઝર આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરીએ છીએ. એના વિના એ ખૂલે નહીં. ત્યાર બાદ છેવટે જ્યારે આપણે એ બંધ કરીએ ત્યારે લૉગઆઉટ થવું જરૂરી હોય છે. જો લૉગઆઉટ ન થઈએ તો આપણું એ મેઇલ કે ઍપ ખુલ્લા રહી જાય છે અને બીજી કોઈ વ્યક્તિ આ વાતથી જાણકાર હોય તો એનો દુરુપયોગ કરી શકે છે. ખેર, આપણે અહીં કમ્પ્યુટર-લૅપટૉપ કે મોબાઇલ ઍપનું શાસ્ત્ર સમજવા બેઠા નથી, પરંતુ આ શબ્દોના જે અર્થ છે અને જે કીમતી સંદેશ એ આપે છે એને સમજવા જરૂરી છે. ખરી વાત માંડતાં પહેલાં લોગ આઉટનું મહત્વ સમજવું જરૂરી હતું, તેથી આ શરૂઆત કરી. હવે વિચારીએ કે શું આપણને જીવનની જુદી-જુદી ઘટનાઓમાંથી, સ્થળોમાંથી, વિચારોમાંથી, ચર્ચાઓમાંથી, વ્યક્તિઓમાંથી લૉગઆઉટ થતાં આવડે છે?
આપણા જીવનમાં ઘણી નાની-નાની બાબતો કે ઘટનાઓ આપણને ડિસ્ટર્બ કર્યા કરતી હોય છે. કોઈએ આપણા વિશે કંઈ નેગેટિવ કહી દીધું કે આપણે ડિસ્ટર્બ થઈ ગયા. ક્યાંક કોઈ સફળતા ન મળી અથવા ધાર્યું ન થયું કે આપણે ડિસ્ટર્બ થઈ ગયા. સુખ ઓછું થયું અને દુઃખ વધી ગયું કે આપણે ડિસ્ટર્બ થઈ ગયા. જ્યાં માનની અપેક્ષા હતી ત્યાં ઉપેક્ષા થઈ કે આપણે ડિસ્ટર્બ થઈ ગયા. ઘર-પરિવાર, સંતાનો, તેમનું શિક્ષણ, મહેમાનો, સગાંસંબંધીઓ, મિત્રો, ઑફિસના સ્ટાફ મેમ્બર્સ સાથે કંઈ અણધાર્યું બન્યું કે આશાથી વિપરીત કંઈ થયું કે આપણે ડિસ્ટર્બ થઈ ગયા, કારણ કે આપણા ડિસ્ટર્બન્સના સર્જનમાં હોય છે આપણો સૌથી વહાલો ઈગો અને જો કયાંક ઈગો ન પણ હોય તો લૉગઆઉટ થતા નહીં આવડવાની આપણી નબળાઈ કે અસમર્થતા. એક યા બીજા કારણસર સતત ડિસ્ટર્બ થયા કરતા આપણા મન કે હૃદયને ભાર લાગવાનો જ છે, જવાબદાર કોણ? મોટે ભાગે આપણે જ.
હવાફેર માટે આપણે બહારગામ જઈએ છીએ. રોજબરોજની રૂટીન લાઇફમાંથી હળવા થવા, આરામ કરવા, શાંતિ મેળવવા. પરંતુ જ્યાં જઈએ છીએ ત્યાં લૉગઆઉટ થઈને જતા નથી. આપણા કામના બોજને, આપણા અશાંતિના વિચારોને લઈને જઈએ છીએ. આપણી સાથે કોઈ ને કોઈ કારણસર સંકળાયેલા લોકોના વિચારોને સાથે લઈ જઈએ છીએ. જાતજાતની ચિંતા અને ટેન્શન સાથે રાખી ફરીએ છીએ. આમ કરવાથી કંઈ જ ઉપાય થવાનો નથી તેમ છતાં. આખરે જે શાંતિ કે ચેન્જ માટે ગયા હતા એ ચેન્જ કે શાંતિ ભાગ્યે જ મળે છે, કારણ કે આપણે લૉગઆઉટ થઈને ગયા હોતા નથી. આપણા ઑફિસ અને ઘર સતત આપણી સાથે લઈને જઈએ તો થાય પણ શું?
હકીકતમાં આપણને બધે લૉગઇન થતા આવડી જાય છે. પ્રસંગોપાત્ત વ્યવહારોમાં કે નોકરી કે ધંધામાં આપણે લૉગઇન થઈ જઈએ છીએ પણ એ પછી આપણને એમાંથી લૉગઆઉટ થતા આવડતું નથી. કોઈની પણ સાથે વાત કે વિવાદમાં વળગ્યા પછી તેમાંથી ક્યારે એ બંધ કરી નીકળી જવું એ આવડવું પણ એટલું જ જરૂરી હોય છે. ખરેખર તો આપણને માત્ર લૉગઆઉટ જ નહીં, એ બાબતને ડિલીટ કરતાં પણ આવડવું જોઈએ, પરંતુ એ બાબતમાં તો આપણે બધા લગભગ શૂન્ય જ છીએ, જેને કારણે પણ આપણા જીવનમાં વિચારોનો, વ્યક્તિઓનો બોજ સતત ભરાયેલો રહે છે. ક્યારેક આપણે ડેસ્કટૉપ પર એકસાથે એટલી બધી ફાઇલો ખોલી નાખીએ છીએ કે આખરે કમ્પ્યુટર હૅન્ગ થઈ જાય છે એવી જ રીતે કેટલીક વાર આપણે મગજમાં એટલા બધા વિચારો અને તનાવોને એકઠા કરી દઈએ છીએ કે આખરે મગજ થાકીને પીડા આપવા માંડે છે.
અહીં એક પ્રસંગ યાદ આવે છે. એક માણસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. પરંતુ પોતાનો સામાન બેઠકની નીચે કે ઉપર મૂકી દેવાને સ્થાને તેણે માથા પર ઊંચકી રાખ્યો હતો. બીજા મુસાફરે તેને કહ્યું ટ્રેન ચાલી રહી છે, તું વારંવાર સમતુલા ગુમાવે છે; એ કરતાં આ તારો સામાન માથા પરથી ઉતારીને પાટિયા ઉપર મૂકી દેને. શા માટે નાહકનો ભાર ઉપાડે છે? પેલા મુસાફરની વાત માની એ માણસે સામાન મૂકી દીધો અને હળવો થઈ ગયો. આપણે પણ જાણતાં-અજાણતાં આવો કોઈને કોઈ વિચારોનો ભાર આપણા માથે લઈને ફરતા હોઈએ છીએ અને સમતુલા ગુમાવતા રહીએ છીએ.
અહીં એક બીજી સૂફી વાર્તા પણ યાદ આવે છે. એક યુવાન એક સૂફી સંત પાસે જ્ઞાન લેવા આવે છે. સંત તેને કહે છે, ‘તારી સાથે જે કંઈ લાવ્યો છે એ બહાર મૂકીને આવ.’ યુવાન કહે છે, ‘હું ખાલી હાથે આવ્યો છું, મારી પાસે કંઈ જ નથી.’ સંત કહે છે, ‘તારી આંખો બંધ કરીને જો અને કહે.’ યુવાને આંખ બંધ કરી કે તેને કેટલાં બધાં દૃશ્યો એકસાથે દેખાવા લાગ્યા. પરિવાર, મિત્રો, પાડોશીઓ, દુશ્મનો, સગાં-સંબંધીઓ, પોતાનાં પડતાં મૂકેલાં કામો, પોતાની મનગમતી વસ્તુઓ વગેરે. આમ ભલે તેના હાથમાં કે ખિસ્સામાં કંઈ નહોતું, પરંતુ મનમાં તો ઢગલો પડ્યો હતો. થોડી વાર પછી યુવાને આંખ ખોલી એટલે સંતે પૂછ્યું, ‘જોયું? હવે એક કામ કર, એ બધું પણ બહાર મૂકીને આવ.’ ઇન શૉર્ટ, આપણે આપણા માથા પર કે મનમાં સતત કંઈકને કંઈક બોજ લઈને ફરતા હોઈએ છીએ, પરંતુ વખત આવ્યે એ બધાને મનમાંથી ડિલીટ કરતાં પણ આપણને આવડવું જોઈએ.
થોડો વખત પહેલાં પાણીના ગ્લાસનો એક રસપ્રદ કિસ્સો વાંચ્યો હતો. એક શિક્ષક પાણીનો ગ્લાસ ભરીને ઊંચકે છે અને તેના વિદ્યાર્થીઓને પૂછે છે કે ‘આ ગ્લાસ હું પાંચ મિનિટ, પંદર મિનિટ, પચાસ મિનિટ કે દોઢસો મિનિટ એમ જ પકડી રાખું તો શું થાય? મને ક્યારે અને કેવો ભાર લાગે? એને સતત ઊંચકી રાખવાથી હાથ થાકી જશે, જૅમ થઈ જઈ શકે. એ જ રીતે જીવનમાં કોઈ ચિંતા કે મુસીબત આવે ત્યારે એને પકડી કે જકડી રાખવાથી એટલે કે માથે ટિંગાડી રાખવાથી કે એના સતત વિચાર કર્યા કરવાથી શું થશે? એ મુસીબત ઉકેલાઈ જશે? નહીંને? એને બદલે એ સમસ્યાના ઉપાય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી એમાંથી મુકિત મળી શકે એ સમજણ અને વિવેક કેળવવા જોઈએ. આને લૉગઆઉટ થવાની પ્રક્રિયા પણ કહી શકાય. તમે થોડો વખત એમાંથી લૉગઆઉટ થઈ જાઓ અને એમાંથી બહાર નીકળી ઉપાય શોધો એ બહેતર છે. બહાર નીકળવાથી જ કંઈક સૂઝશે, નવા વિચાર આવશે, જે નવા ઉપાય તરફ લઈ જઈ શકે. હાલમાં આપણે બધા ઘણા દિવસોથી લૉકડાઉનમાં હોવાથી અકળાઈએ છીએ. આ સ્થિતિ હવે ભારે લાગે છે, સહન કરવી કઠિન બની રહી છે. તેમ છતાં જીવનની રક્ષા માટે આ જરૂરી છે. લૉકડાઉનનો ભાર મગજ પર રાખવાથી ઉપાય નહીં થાય. આ ભારના વિચારોમાંથી પણ લૉગઆઉટ થવાનું શીખવું પડશે તો જ આ સમય પણ નિરાંતે નીકળી જશે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2020 08:41 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK