ન્યુઝ-ચૅનલ: ધી ફૅબ્રિકેશન ફૅક્ટરી

Published: 18th September, 2020 15:47 IST | J D Majethia | Mumbai

જે ડી કૉલિંગઃ સાવધાન. આપણા બધાની જિંદગી બદલાઈ રહી છે. તમને મનમાં થશે કે એમાં નવું શું કહો છો જેડીભાઈ, બધાને ખબર જ છે, પણ હું જે કહેવા જઈ રહ્યો છું એ બધાને ખબર હોવા છતાં સાવધાન કરવા, ચેતવવા માગું છું.

ન્યુઝ-ચૅનલ્સ પર જે વૉર ચાલી રહી છે એના શિકાર જેમનાં નામ ઊછળે છે તેઓ તો બને જ છે,
ન્યુઝ-ચૅનલ્સ પર જે વૉર ચાલી રહી છે એના શિકાર જેમનાં નામ ઊછળે છે તેઓ તો બને જ છે,

ન્યુઝ-ચૅનલ્સ પર જે વૉર ચાલી રહી છે એના શિકાર જેમનાં નામ ઊછળે છે તેઓ તો બને જ છે, એ બધાની સાથે એ વૉરના શિકાર બને છે મારા-તમારા જેવા દર્શકો...

સાવધાન. આપણા બધાની જિંદગી બદલાઈ રહી છે. તમને મનમાં થશે કે એમાં નવું શું કહો છો જેડીભાઈ, બધાને ખબર જ છે, પણ હું જે કહેવા જઈ રહ્યો છું એ બધાને ખબર હોવા છતાં સાવધાન કરવા, ચેતવવા માગું છું. મને હમણાં-હમણાં એક વ્યસન વળગ્યું છે. હા, વ્યસન, જે ડ્રગ્સથી પણ ખતરનાક છે; જે મારા વિચારોને, મારા અભિપ્રાયોને વંટોળે છે. તમે એમ નહીં વિચારવા માંડતા કે આ હમણાં બૉલીવુડના બીજા બધા સ્ટાર્સના ડ્રગ્સની વાતો આવે છે, ન્યુઝ-ચૅનલ પર પણ તો જેડીભાઈનું પણ નામ નીકળી આવશે. ના, ના, ના, પણ જો તમને આની આસપાસનો પણ વિચાર આવ્યો હોય તો સાવધાન થઈ જવાની જરૂર છે. તમને પણ કદાચ આ વ્યસન વળગી ચૂક્યું છે અને મારી વાત સાથે તમને પણ સીધું કનેક્શન છે. હું જે વ્યસનની વાત કરું છું એ છે આજકાલ જે રીતે ન્યુઝ-ચૅનલ પરથી આપણને ખબરો પહોંચાડવામાં આવે છે એની અને આપણને એમનામાં વિશ્વાસ ન હોવા છતાં જોયા જ કરવાની, ક્યાંક આનંદ લેવાની અને ક્યાંક ન માનવા છતાં માનવા માંડવાથી લઈને અભિપ્રાયો બદલાઈ જાય એ સ્તરે એ ન્યુઝ-ચૅનલમાં ખૂંપી જવું.
મેં છેલ્લાં એકાદ-બે વર્ષથી ઘણાં બધાં કારણને લીધે મોટા ભાગની ટીવી-ચૅનલો પરના સમાચાર જોવાનું બંધ કરી દીધું હતું. આ ઘણાં બધાં કારણોમાંથી મુખ્ય કારણની વાત કરીએ. એક નાનકડી વાતને ખેંચી-ખેંચીને વધારે પડતા નાટ્યાત્મક રૂપે રજૂ કરવાથી માંડીને રાજકીય ઢોળાવથી અને ખાસ પ્રકારની માનસિકતા સાથે થતી વાતો રજૂ કરવાની રીત. મારી જાણ બહાર કે પછી મને ખબર ન રહે એ રીતે મને વારંવાર, જોરજોરથી એકની એક વાત કહી-કહીને, સાચી કે ખોટી રીતે રજૂ કરી-કરીને, મારા વિચારોને બદલી નાખવાના અને મારા અભિપ્રાયોને સીધી જોઈતી અસર પહોંચાડવાના થતા પ્રયાસો મને દેખાયા અને મને લાગ્યું કે આ સમાચાર તો છે જ નહીં. આ જ કારણે મેં એ જોવાનું બંધ કરી દીધું
હતું. તમે માનશો નહીં, લૉકડાઉનમાં પણ એટલે ૨૨ માર્ચથી લઈને એ પિરિયડ દરમ્યાન પણ અમારા ઘરે ટીવી કે સમાચાર બહુ જોવાતા નહીં, પણ પછી ધીમે-ધીમે બધું બદલાયું.
આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોટી જાહેરાતો કે ઇરફાન ખાન અને રિશી કપૂરનાં નિધન કે ઇકૉનૉમિક રિફૉર્મ્સ માટેની રિઝર્વ બૅન્કના ગર્વનરની સ્પીચ કે વર્લ્ડ ન્યુઝ, ઇન્ડિયા-ચાઇના બૉર્ડર ટેન્શન કે વર્લ્ડ-ઓવર કોરોનાના ન્યુઝ માટે થઈને ધીમે-ધીમે ફરી પાછો ન્યુઝ-ચૅનલ સાથે મારો સંબંધ રિવાઇવ થતો ગયો. સુશાંતસિંહ રાજપપૂતના સુસાઇડના ન્યુઝથી એ સંબંધોમાં જબરો મોટો વળાંક આવી ગયો. જેમ કોઈ વ્યસન તમને તમારો પરિવાર પણ ભુલાવી દે એવી પરિસ્થિતિ પણ નિર્માણ થવા લાગી. પરિવાર સાથે ભોજન કરવા બેસતા થઈ ગયા હતા આ લૉકડાઉનમાં, એમાંથી ન્યુઝ જોતાં-જોતાં જમવા પર આવી ગયા છીએ. સાડાનવ વાગ્યે ‘ભાખરવડી’ આવતું એ પણ હું પહેલા એપિસોડ જોઈ ચૂક્યો હોઉં એટલે ન્યુઝ જ જોવાનું કન્ટિન્યુ રાખતો. સમાચાર જોવા એ એક સારી આદત છે, પણ હમણાં જે રીતે રજૂ થઈ રહ્યા છે એ આપણને માનસિક અસર કરી રહી છે. આખી દુનિયા અને આપણા દેશમાં કેટલી બધી બીજી મહત્ત્વની ઘટનાઓ ઘટી, પણ આપણામાંથી કેટલા ઓછા લોકોને એ વાતમાં રસ પડ્યો કે એની આસપાસ બહુ બધી વાતો થઈ. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી જેવા રાજનેતાના નિધન પર લાંબી ચર્ચાઓ થઈ હોય કે વિદ્યાર્થીઓના ઇશ્યુ કે કંઈકેટલાય મહત્ત્વના મુદ્દાઓ વિશે આપણને ઓછો રસ પડે છે. સુશાંતસિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી, કંગના અને મહારાષ્ટ્ર સરકારના વાક્‍યુદ્ધ અને હવે તો તોડફોડ પણ. અહીં ઘણું બધું લખી શકાય છે, પણ એમ કરવા જતાં મારામાં અને જેમના વિશે કહેવા માગું છું તેમનામાં ફરક નહીં રહે. માટે મારી વાતમાં ચાસણી કે મસાલા ભેળવ્યા વિના સીધી રીતે કહું છું.
સમાચાર એટલે શું?
દુનિયામાં ચારેય દિશામાં થતી ખબરો લોકો સુધી પહોંચાડવી. એક જમાનામાં દૂરદર્શન પર આવતા સમાચાર કે પછી આખી દુનિયામાં આવતા સમાચાર, જેને અંગ્રેજીમાં ન્યુઝ નામ આપવામાં આવ્યું. ન્યુઝ એટલે શું અને એ શબ્દ ક્યાંથી આવ્યો? તમને ભલે અંગ્રેજી ન આવડતું હોય, પણ ચાર દિશાનાં નામ તો અંગ્રેજીમાં ખબર હશેને? North, East, West અને South. આ ચાર દિશા છે. Northનો N, Eastનો E, Westનો W અને Southનો S. એ ભેગા કરીને NEWS શબ્દ બનાવવામાં આવ્યો એટલે કે ચારે દિશામાંથી ભેગી કરેલી ખબર લોકો સુધી પહોંચાડવી એને ન્યુઝ કહેવાય. ખબરો સામાન્ય રીતે અને સરળ રીતે પહોંચાડવાની હોય છે. એને નાટ્યાત્મક ન બનાવવાની હોય.
જો દરેક સમાચારને આટલા નાટ્યાત્મક રીતે રજૂ કરવાથી જ એ સાચી રીતે લોકો સુધી પહોંચતા હોય કે પછી એની અસર થતી હોય એવું આ લોકો માને છે તો પછી તેમને બધાને એક પ્રશ્ન પૂછો. કોઈ પણ દુખદ કે કરુણ ઘટના થાય છે જ્યાં પાંચ-પચ્ચીસ, પાંચસો-હજાર મૃત્યુ પામે છે, ધરતીકંપ થાય છે, પૂર આવે છે, વિમાન-દુર્ઘટના થાય છે. કરુણ ઘટના થાય છે. કોઈ શાળામાં ફૂડ પૉઇઝનિંગ થયું અને બાળકો ગુજરી ગયાં. એક બહુ જ કરુણ ઍક્સિડન્ટ કે બૉમ્બ બ્લાસ્ટ, નિર્દોષ લોકોના જીવ લેવાયા ત્યારે આમાંથી કોઈ રડી કેમ નથી પડતું? કે દુખ એટલું બધું વધી ગયું હોય છે કે ઊભા થઈને ન્યુઝ વાંચતાં-વાંચતાં બહાર કેમ દોડી જતા નથી છોડીને? અને અહીં જ નહીં, આખી દુનિયામાં ક્યાંય નહીં જોયું હોય તમે આવું બધું. પહેલાં તો કોઈ દુનિયામાં આજ સુધી આ રીતે આપણે ત્યાં ન્યુઝ વંચાય છે, આપણને રજૂ કરે છે, પીરસાય છે એ રીતે મેં ક્યાંય નથી જોયા. આશા રાખું છું કે મારી આ વાતમાંથી કોઈને કોઈ આઇડિયા ન મળે અને આજકાલ કોઈનો કોઈ ભરોસો ન કરી શકાય. ન્યુઝ-ચૅનલ્સ પર એક વૉર ચાલી રહી છે અને એના શિકાર કોણ બની રહ્યું છે એની તમને ખબર છે?
જેમનાં નામ ઊછળે છે તેઓ તો ખરા જ (સાચું-ખોટું ભગવાન જાણે), પણ વધારે મોટા શિકાર એ લોકો બની રહ્યા છે જેઓ આ બધી વાતોને સાચી માની લે છે. મારા-તમારા જેવા દર્શકો. હું દંગ રહી ગયો જ્યારે મેં બહુ આગળ પડતી ન્યુઝ-ચૅનલ પર ત્રણ સ્પૉન્સર્સ જોયા ત્યારે. ઍડ્વર્ટાઇઝિંગ બ્રેક્સ તો પડવા માંડ્યા હતા ઘણા વખતથી, ચાલો એક્સપેક્ટ્સ કરી લીધું હતું, પણ ડિબેટના ત્રણ-ત્રણ મુખ્ય સ્પૉન્સર્સ! અને આ વધતા જ રહે, જાહેરખબરના ભાવ વધતા જ રહે એના પ્રયાસ આખો દિવસ ચાલે છે. સવારના એક નાનકડો મુદ્દો ઉપાડવામાં આવે અને પછી બે-ત્રણ કલાક સુધી એ મુદ્દાની આસપાસ, નાનામાં નાની વાતોને મોટી રીતે બનાવીને આપણને ત્રણચાર કલાકનો એક એપિસોડ આપી દે એટલે સવારે જે લોકો ઊઠ્યા હોય તેમણે જોયું. બપોરે ૧૨ વાગ્યે એક નાનકડો બીજો મુદ્દો, એ બે-ત્રણ-ચાર કલાક ચાલે. ત્રણ-ચાર વાગ્યે હજી એક નવો મુદ્દો કાઢે. સાંજે વળી પાછો એક નવો મુદ્દો કાઢે અને આ બધા મુદ્દા વખતે વાતમાં કોઈ મુદ્દો હોય કે ન હોય, પણ મુદ્દો બનાવી-બનાવીને આપણને જકડી રાખવાના પ્રયત્ન કરે અને કીધે રાખે કે રાતે ખૂબ મોટા ધડાકાવાળી ખબર છે. ખૂબ મોટાં નામ રજૂ થવાનાં છે. બિન્દાસ ખોટું લખે. પચીસ નામ આવશે. મોટા-મોટા નેતાઓ અને મોટી-મોટી પર્સનાલિટીઓ સંકળાયેલી છે, એનાં નામ જાહેર થશે અને આપણે બધા સંવેદશનશીલ લોકો તેમના શિકાર થયે રાખીએ છીએ.
(ન્યુઝ-ચૅનલ્સની આ વૉર અટકવાની નથી, એ તો હજી ચાલુ જ રહેવાની છે એટલે ન્યુઝ-ચૅનલના આ જ વિષયને આપણે આગળ વધારીશું આવતા શુક્રવારે. સ્ટે ટ્યુન.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK