નવું વર્ષ નવો દૃષ્ટિકોણ

Published: 1st January, 2021 15:11 IST | Bhakti D Desai | Mumbai

તમારી ઉંમર પ્રમાણે તમે જેટલાં વર્ષો જોયાં હોય એ તમામમાં ૨૦૨૦નું વર્ષ એકદમ અલગ રહ્યું. દરેક નવા પ્રારંભ દરમ્યાન જૂની ઘટનાઓ, અનુભવો, યાદોમાંથી કંઈક સારું એવું આપણી પાસે રાખી લેવા જેટલા લોભી તો સૌએ બનવું જ જોઈએ.

નવુ વર્ષ 2021
નવુ વર્ષ 2021

તમારી ઉંમર પ્રમાણે તમે જેટલાં વર્ષો જોયાં હોય એ તમામમાં ૨૦૨૦નું વર્ષ એકદમ અલગ રહ્યું. દરેક નવા પ્રારંભ દરમ્યાન જૂની ઘટનાઓ, અનુભવો, યાદોમાંથી કંઈક સારું એવું આપણી પાસે રાખી લેવા જેટલા લોભી તો સૌએ બનવું જ જોઈએ. વીતી ગયેલું વર્ષ એટલા કડવા-ખાટા-તીખા અનુભવો કરાવતું ગયું છે જેણે આપણા જીવન જીવવાના અભિગમમાં ધરમૂળથી બદલાવ લાવવા માટે આપણી આંખ ઉઘાડી નાખી છે. આવો જાણીએ ગયા વર્ષના અનુભવો પાસેથી શીખ લેનારાઓની જીવન તરફ જોવાની દૃષ્ટિ જ કેવી બદલાઈ ગઈ છે એ...

અનુભવ અને સમય એ બે શિક્ષકો જે રીતે એક વ્યક્તિનું ઘડતર કરી શકે છે એવું તો કોઈ જ સ્કૂલ- કૉલજનું શિક્ષણ પણ કરવા સક્ષમ નથી હોતા. ૨૦૨૧નો શુભારંભ થઈ ચૂક્યો છે અને એ પણ ૨૦૨૦ના વર્ષે આપેલા એક નવા વૈશ્વિક અનુભવ સાથે. આ અનુભવમાંથી શીખીને આપણે આપણા જીવનની દિશા અને દશા બન્ને બદલી શકીએ એમ છીએ અને એ શીખને જીવનમાં ઉતારીને જ શક્ય બનશે. જૂનાં વર્ષો જાય છે અને નવાં વર્ષો આવે છે, પણ કોઈ એક વર્ષ જો આપણામાં એક પણ સકારાત્મક બદલાવ કરી આપે તો આખું જીવન જ નવું થઈ જાય. ૨૦૨૧ ઘણા લોકોને આવી નવીનતા અર્પનાર વર્ષ છે. અમે કેટલાક લોકો સાથે વાત કરી જેમણે ગયા વર્ષના અનુભવોને આત્મસાત્ કરીને પોતાના દૈનિક જીવનમાં બદલાવ લાવવાનો દૃઢનિશ્ચય કર્યો છે.

વધુમાં વધુ બચત અને નવી કુશળતા હસ્તગત કરીને આત્મનિર્ભરતા મેળવવી છે ઃ વર્ષા શાહ
કાંદિવલી રહેતાં ગૃહિણી વર્ષા શાહ જીવનમાં પોતાના છેલ્લા અનુભવો પરથી મહત્ત્વની એક વાત શીખ્યાં છે અને તેઓ આ વર્ષે વધુ નવી સ્કિલ્સ શીખવા તરફ વધુ ધ્યાન આપવા માગે છે. વર્ષાબહેન કહે છે, ‘અમારો પરિવાર એક સુખી અને સાધનસંપન્ન પરિવાર રહ્યો છે. હું મારા ઘરને સંભાળવાનું કામ કરું છું અને બહાર સામાજિક કામ કરતી આવી છું, પણ આ વર્ષથી એવું લાગે છે કે મારે આનાથી વધીને એવું કામ કરવું જોઈએ જેનાથી મને થોડી આવક મળી રહે, જેની હું બચત કરું. ઘરની ગૃહિણીને આમ પણ બચત કરવાની આદત હોય જ છે, જે મેં પણ કાયમ કરી છે. આ બચતે લૉકડાઉનના ૬ મહિના અમને બચાવ્યા. આ આખા અનુભવે મને વિચારતી કરી દીધી કે સાચે જ જો સમયનો સદુપયોગ કરીને હું કંઈ નવું શીખું અને એમાંથી જો આવક ઊભી થાય તો જીવનની કોઈ પણ આર્થિક કટોકટીની સ્થિતિમાં હું મારા પરિવારને મદદરૂપ થઈ શકું. વધુમાં વધુ બચત અને નવી કુશળતા હસ્તગત કરીને આર્થિક રીતે આત્મનિર્ભરતા મેળવવી એ બે ગુણોનો સમાવેશ હું આ વર્ષે કરીશ.’

મિત્રોના ઇન્ફ્લુઅન્સથી બહાર આવતાં મારે શું કરવું છે એની સ્પષ્ટતા આવી, હવે એ અચીવ કરવા પૂરી મહેનત કરીશ ઃ જહાન્વી નિર્મલ


ગોરેગામમાં રહેતી જહાન્વી નિર્મલ બારમામાં ભણે છે. તે પહેલી વાર કોઈ એવા બદલાવ લાવવા જઈ રહી છે જે આજ સુધી કરી શકી નહોતી. જહાન્વી વધુ ઊંડાણમાં કહે છે, ‘આજ સુધી કેટલાંય વર્ષોમાં મેં કોઈ ને કોઈ નિયમ લીધા હશે, પણ મારા મનની મક્કમતામાં કમી હતી એથી એ પૂરા ન થઈ શક્યા. છેલ્લા ૬ મહિનામાં મને મારી પોતાની શક્તિને પારખવાનો સમય મળ્યો એથી મને જાણ થઈ કે મારે જીવનમાં શું કરવું જોઈએ અને મારી પ્રગતિ માટે શું જરૂરી છે. હું જ્યારે મિત્રોની સાથે વધારે રહેતી ત્યારે મારા નિર્ણયો પર ક્યાંક તેમનો પણ પ્રભાવ રહેતો, પણ ૨૦૨૧માં મારે માટે શું સારું છે અને મને શું જોઈએ છે એ બાબતે હું સ્પષ્ટ થઈ છું એટલે એ તરફ મેં આગળ વધવાનો નિર્ણય લીધો છે. આને પૂર્ણ કરવા પૂરી મહેનત કરવા મેં મારી જાતને માનસિક રીતે તૈયાર કરી દીધી છે. હું ખૂબ ખુશ છું કે આ એક સકારાત્મક બદલાવ છે, જે જીવનમાં પહેલી વાર મારામાં મને દેખાયો છે.’

બચત કરી નવી ટેક્નૉલૉજી સાથે કદમથી કદમ મિલાવવા છેઃ પરાગ પંચમિયા
મલાડ રહેતા વેપારી પરાગ પંચમિયાએ તો મોટાં પરિવર્તનોને ૨૦૨૧થી જીવનમાં સ્થાન આપી દીધું છે. તેઓ આને વિશે વાત કરતાં કહે છે, ‘હું એવું માનું છું કે બચત અને કરકસર જીવનની અનેક સમસ્યાઓ સામે લડવા માટેની ગુરુચાવી છે. મેં હમણાંથી જ બચત કરવાનું શરૂ કરી દીધું છે. આ વર્ષે મારી આવકમાંથી બચતનું પ્રમાણ વધારી દીધું છે. ઑફિસના કામકાજ માટે પણ મને એક સમજ આવી ગઈ છે કે ઓછા ખર્ચમાં પણ હું ઑફિસ સારી રીતે ચલાવી શકું છું એથી ત્યાં પણ મેં કરકસરનો નિયમ અપનાવ્યો છે. મને એક ખુશી છે કે હવે મને મારા વેપારમાં ટેક્નૉલૉજીનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરતાં આવડી ગયો છે એથી ઘણાં કામ સહેલાઈથી થઈ શકે છે. પહેલાં એવું હતું કે પોતાની હાજરી વગર ઑફિસનાં કામ અટકી જાય, પણ હવે એવું નથી. હવે હું જ એટલો સતર્ક રહું છું કે નવી ટેક્નૉલૉજીને મારા દીકરાની મદદથી શીખી વેપારમાં એનો અમલ કરી એને સફળ બનાવું છું. મારો વાંચન, માનવતા, ધર્મ આ બધાં પર વિશ્વાસ વધુ દૃઢ થયો છે અને આ બધાને જીવનમાં સ્થાન હોવું જ જોઈએ એ પણ મને બેશક સમજાયું છે. ૨૦૨૧ના વર્ષની શરૂઆત અનેક નવા અનુભવો સાથે થઈ છે. જીવન બદલાયું છે અને આમાં ક્યાંક જૂના વીસરાયેાં મૂલ્યો ફરી જીવંત થયાં છે.’

જીવનની અસલી મજા ફૅમિલી સાથે છે : આશુતોષ જૂઠાણી
ગોવંડીમાં રહેતા વેપારી આશુતોષ જૂઠાણી એક નહીં, અનેક પરિવર્તન લાવવાની ઇચ્છા ધરાવે છે. તેઓ કહે છે, ‘જીવનમાં અમુક નિયમો કે આદતો મને ગૌણ લાગતાં હતાં અને ‘મારી પાસે સમય જ નથી’ એવી દલીલ સાથે હું આમાંથી છૂટી જતો હતો. આનું અસલી મહત્ત્વ જ મને હવે સમજાયું અને વાસ્તવિકતા એ છે કે જીવન તરફ જોવાની મારી રીત બદલાઈ ગઈ. ૨૦૨૧ માટે મને એક સકારાત્મક દૃષ્ટિકોણ મળ્યો છે. હું કસરત કરવા પ્રત્યે હવે જાગ્રત થઈ ગયો છું. બીજી વાત એ છે કે હું પરિવાર માટે સમય પણ ફાળવું છું. મારા વડીલ પિતા, પત્ની અને બાળકો એ સૌની સાથે સમય વિતાવવાનો અદ્ભુત આનંદ જ મને હવે સમજાયો છે. ઘરમાં મારી પત્ની સાથે મળીને ઘરનું કામ કરવાનો પણ મેં નિયમ લીધો છે. ક્યાંક આ વર્ષે એમ થાય છે કે આટલાં વર્ષોથી આપણે શું કર્યું? ફોન, ટીવી, લૅપટૉપ એ બધામાં આનંદ શોધવાનો પ્રયત્ન કર્યો, જે બધું મિથ્યા છે. નવા વર્ષની શરૂઆત પોતાની અને પરિવારની ભીતર જઈને અસલી આનંદ મેળવીને કરવી છે. હવે મેં ખર્ચા ઓછા કરીને બચતની આદત પણ કેળવી લીધી છે. અન્ય એક મુદ્દો એ છે કે પૈસા પોતાના માટે વાપરવા કરતાં લોકોને મદદ કરવા માટે વપરાય તો એની મજા જ અલગ છે, જે મને ગયા વર્ષના અનુભવોએ શીખવ્યું છે. લેવા કરતાં આપવામાં જ સુખ છે એથી યથાશક્તિ લોકોને મદદ કરવાનો નિયમ પણ મેં અપનાવ્યો છે. આમ જોઈએ તો આ બધામાં ફક્ત આપણી માનસિકતા જ બદલવાની હોય છે, બાકી જીવન તો સુંદર જ છે, જરૂર છે તો એને માણતાં શીખવાની.’

હવે જીવનમાં સંબંધોની કમાણી ભેગી કરવી છે ઃ હિરેન મહેતાલિયા
મલાડમાં રહેતા હિરેન મહેતાલિયા કહે છે, ‘પહેલાં લોકો એવું માનતા કે સંબંધોમાં જ સાચું સુખ છે, પણ મારી પેઢી એને માનવા તૈયાર નહોતી. આજ સુધીનું જીવન ભાગદોડમાં વિતાવ્યું. આપણે ફક્ત એમ માનીએ છીએ કે હું આ બધું પરિવાર માટે તો કરું છું, પણ પરિવારને આપણી સાથે સમય વિતાવવામાં રસ હોય છે, જે આપણે ભૂલી જઈએ છીએ. મને પણ એમ થતું કે ગાડી, બંગલા, ફાર્મહાઉસ એ બધી સંપત્તિ છે. ૨૦૨૧ની શરૂઆત થતાં પહેલાં જ એક વાત સમજાઈ ગઈ કે વડીલોની વાત સાચી છે અને અમારી પેઢીની ધારણા મિથ્યા છે. સાચી સંપત્તિ આપણી સાથે ઊભેલા આપણા લોકો જ છે. આ વર્ષે મેં નક્કી કર્યું છે કે જીવનમાં સંબંધોની કમાણી ભેગી કરવી છે. ૨૦૨૦ સુધી મેં મારા વડીલોને, પરિવારને વધારે સમય નહોતો આપ્યો, પણ ૨૦૨૧માં કામ હોય તો પણ ઘરમાં સમય વિતાવવાનો નિર્ધાર કર્યો છે. આની મજા જ અલગ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK