સેન્ટ્રલ રેલની પ્રવાસીઓને ન્યુ યર ગિફ્ટ, માથેરાનની ટૉય ટ્રેન ફરી દોડશે

Published: 26th December, 2019 11:00 IST | Rajendra B aaklekar | Mumbai Desk

ચોમાસા બાદ અમન લૉજ–માથેરાન વચ્ચે પહેલી વખત ટ્રાયલ લેવામાં આવી જે સફળ રહી

સેન્ટ્રલ રેલવે (સીઆર)એ અમન લૉજ સુધીની ટૉય ટ્રેન-સર્વિસ ચાલુ થવાની રાહ જોઈ રહેલા માથેરાનના સ્થાનિકોને નવા વર્ષની ભેટ આપી છે. આ વર્ષે ચોમાસા દરમ્યાન વ્યાપકપણે નુકસાન પહોંચ્યા બાદ ટૉય ટ્રેન-સર્વિસ બંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ બુધવારે પ્રથમ વખત ત્રણ કિલોમીટર લાંબા પટ્ટા પર સેન્ટ્રલ રેલવેએ ટ્રાયલ હાથ ધરી હતી.

સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે ટ્રેન-સર્વિસ ૨૦૨૦ના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે. સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાના જણાવ્યા મુજબ ‘ગઈ કાલે (બુધવારે) સવારે ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી અને જો બધું સમુંસૂતરુ પાર પડ્યું તો અમે ટૂંક સમયમાં જ સર્વિસ શરૂ કરીશું. અત્યારે અમે ટ્રાયલનાં પરિણામોની રાહ જોઈ રહ્યાં છીએ.’
ટ્રેન-સર્વિસ શરૂ થવાની માગણી કરી રહેલા સ્થાનિકો માટે અમન લૉજ-માથેરાન લાઇન દસ્તુરી પૉઇન્ટથી આગળ કોઈ પણ પ્રકારના પરિવહનની ગેરહાજરીમાં ચાલીને જવા સિવાયનો વિકલ્પ પૂરો પાડે છે. દસ્તુરી પૉઇન્ટ અમન લૉજ સ્ટેશનથી ૫૦૦ મીટર દૂર છે.
આ ઉપરાંત પ્રવાસીઓ પણ ટૉય ટ્રેનમાં સવારી કરતી વખતે ફરીથી પર્વતીય વિસ્તારનાં મનોરમ્ય દૃશ્યો નિહાળી શકશે.
આ દરમ્યાન, નેરલ-માથેરાનના સમગ્ર પટ્ટા પરનું કાર્ય પણ સાથે જ શરૂ કરી દેવાયું છે અને એ આવતા ચોમાસા પહેલાં સંપન્ન થવાની અપેક્ષા હોવાનું સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ૧૯૦૭માં પીરભોઇઝના પારિવારિક સાહસ સ્વરૂપે માથેરાન હિલ રેલવેનું બાંધકામ થયું હતું અને હવે એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના ટેન્ટેટિવ લિસ્ટમાં સ્થાન ધરાવે છે. ૨૦૧૯ના પ્રારંભિક ગાળામાં આ લાઇનનું સમારકામ કરવામાં આવ્યું, એના ગણ્યાગાંઠ્યા મહિનાઓમાં જ ચોમાસા દરમ્યાન એને ભારે નુકસાન પહોંચ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK