ન્યુ યરને હૅપી બનાવવું છેને?

Published: 28th December, 2011 06:53 IST

તો તમારે થોડું સતર્ક બનવું પડશે. જોકે એના માટે કોઈ સંકલ્પો લેવાની જરૂર નથી. બસ, માઇન્ડસેટમાં થોડા ફેરફાર લાવો અને જુઓ પરિણામ(સમાજ-દર્પણ-બુધવારની બલિહારી-કિરણ કાણકિયા)

સમયને કોણ રોકી શક્યું છે? વધુ એક વર્ષ કાળની ગર્તામાં વિલીન થઈ જશે અને ૨૦૧૨નું નવું વર્ષ નવી આશા, અરમાન, ઉમંગ અને ઉત્સાહ સાથે આવી પહોંચશે. આપણે ગયા વર્ષના જીવનની ગતિવિધિનું સરવૈયું નથી માંડવું; પરંતુ આપણા જીવનને પૉઝિટિવ વિચારોમાં ઢાળી આપણી ટેવો, આદતો, વિચારો, વર્તન અને દૃષ્ટિકોણમાં બદલાવ લાવી થોડીક નવીનતા લાવીશું તો નવું વર્ષ સાચા અર્થમાં નૂતન બની રહેશે.

આ માટે આપણે કોઈ નવા નિર્ણયો, નિર્ણયો, નિર્ધારો કે સંકલ્પો નથી કરવા. ક્યાંક નવો સંક્લ્પ કરીએ અને અધવચ્ચે તૂટી જાય તો? જેમ કે વહેલા ઊઠીને મૉર્નિંગ વૉક પર જઈશ, નિયમિત યોગ કરીશ, ધ્યાનમાં બેસીશ કે કોઈ નવો ર્કોસ કરીશ. આવુંબધું મનમાં વિચારતા હો તો સંકલ્પ લીધા વિના આખું વર્ષ કરી બતાવો. મનમાં કોઈ અવઢવ તો નહીં રહે; પરંતુ પોતાના શરીર ખાતર, પોતાની જાત માટે, જ્ઞાતિ-સમાજ કે દેશ માટે કંઈક સારું કરવું છે એવો સુવિચાર મનમાં લાવશો તો જરૂર કંઈક અંશે સફળ થશો જ.

રોજિંદી તકલીફોને બહુ મહત્વ ન આપો સવારે ઊઠતાંવેંત જ હજી દૂધ નથી આવ્યું, પેપર-છાપું નથી આવ્યું એટલે આજે બધું મોડું જ થવાનું એવો કકળાટ ન માંડો. મારે બહાર જવું છે અને હજી કામવાળી નથી આવી, ક્યારે બધું કામ ને સાફસફાઈ થશે એવા ઉચાટમાં મગજ પરનો કાબૂ ન ગુમાવો. શાંતિથી પરિસ્થિતિને સહન કરો, કેમ કે તમારા ગુસ્સાથી એ બદલાવાની નથી.

પૌષ્ટિક ખોરાક

શિયાળો ચાલી રહ્યો છે. સરસ મજાનાં તાજાં શાકભાજી, સૅલડ અને ફ્રૂટ્સ ખાઈને શરીરને તાજુંમાજું રાખો. ઠંડીમાં પાક, વસાણાં અને આમળાં ખાઈને નરવા રહો. સાથે પૌષ્ટિક ખોરાક ખાઓ, કેમ કે ફિટનેસ ફન્ડા જાળવવા માટે આ બધું જરૂરી છે. બને ત્યાં સુધી તાજું ખાવાનો આગ્રહ રાખો. ફ્રિજમાં રાખેલો વાસી ખોરાક ખાવાનું ટાળો અને વધેલાં શાકભાજી કે અન્ય પદાર્થો ફ્રિજમાં રાખવાની ટેવ હોય તો નવા વર્ષથી આ ટેવમાં સુધારો કરો અને હા, બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડથી દૂર રહો. બાળકોને પણ એની ટેવ ન પાડો. ક્યારેક બહાર ગયા હો અને ખાઓ તો જુદી વાત છે; પરંતુ જીભના રસાસ્વાદને પ્રદીપ્ત બનાવવા માટે ફાસ્ટ ફૂડ વારંવાર ન ખાઓ, નહીં તો શરીરનું પાચનતંત્ર જોખમાશે. આ ઉપરાંત સાકર, મીઠું, મેંદો વગેરેનો ઉપયોગ ઓછો કરો.

શરીરને રાખો સ્વસ્થ

શરીરને સ્વસ્થ રાખવા યોગાસન, પ્રાણાયામ, વ્યાયામ કરવાની ટેવ પાડો. ધીમા અને ઊંડા શ્વાસ લો અને છોડો. આવું ૧૫થી ૨૦ મિનિટ કરો. વૉકિંગ, જૉગિંગ, રનિંગ કરવાની આદત કેળવો; કેમ કે પહેલું સુખ તે જાતે નર્યા એ મુજબ શરીર સારું અને સ્વસ્થ રહે તો જીવન જીવવાની મજા આવે. જે કરો એ પ્રેમથી અને નિયમિત કરો. એનાથી લોહીનું પરિભ્રમણ સુધરશે. અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો. ખાલી પેટે, ફળાહાર વગર. એને કારણે શરીર અંદરથી સ્વચ્છ બને છે. શરીરની તાજગી ટકાવવા માટે આ જરૂરી છે.

પોલ્યુશનથી બચો

અત્યારે જેટ ગતિએ પોલ્યુશન વધી રહ્યું છે એટલે બહાર જતી વખતે માસ્ક, રૂમાલ કે દુપટ્ટાથી મોંને કવર કરો. વાહનોનો ધુમાડો, ચારે તરફ શોરબકોર અને હૉર્નની ચિચિયારીઓને કારણે આંખ, કાન, નાક અને મોઢું ગૂંગળામણથી ભરાઈ જાય છે. મોબાઇલનો રિંગ-ટોન સૌમ્ય રાખો. બહાર પાઉચ અને બૉટલના પ્રદૂષિત પાણીને બદલે ઘરનું શુદ્ધ-સ્વચ્છ પાણી પીવાનો આગ્રહ રાખો. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો. એને બદલે કાપડની થેલી વાપરો. પોલ્યુશન ઓછું કરો એવા બૂમબરાડા પાડવાને બદલે પોતાનાથી શરૂઆત કરો. નવા વર્ષ નિમિત્તે આવો નિયમ મનમાં કેળવીને એને સાકાર બનાવો.

ટેન્શનને કરો બાય-બાય

આજના જેટ યુગમાં જેટલાં સાધનો વધ્યાં એટલી ઉપાધિ વધી. મિક્સર બગડી ગયું, ફ્રિજ ઠંડું થતું નથી, વૉશિંગ-મશીન ચાલતું નથી, કાર બગડી ગઈ છે, એસી ચાલતું નથી. રોજબરોજના જીવનમાં સવાર પડે તો નવી ઉપાધિ આવી જ સમજો. યાંત્રિક સાધનોનો માણસ ગુલામ બની ગયો. શરીર માંદું પડ્યું, સંબંધમાં તનાવ આવ્યો કે સ્વજનને હૉસ્પિટલાઇઝ કરવા પડ્યા; બસ, દોડાદોડી, ભાગમભાગ ને ટેન્શન જ ટેન્શન. આ સૌનો સામાન્ય અનુભવ છે. મોડા ઊઠ્યા, ટ્રેન-બસ લેટ થઈ ગઈ, ઑફિસમાં મોડા પડ્યા. આવી ગયું ટેન્શન... મગજ પર તાણ, તાણ ને તાણ. તમે કહો છો કે મગજને શાંત રાખો, પરિસ્થિતિને સ્વીકારો; ટેન્શનથી મોકળા રહેવાશે. આ બધો ઉપદેશ સારો લાગે. આમાં ક્યાંથી ટેન્શન દૂર થાય? ચિંતા ચિતા સમાન છે, ટેન્શનથી બ્લડપ્રેશર વધે છે એ બધું જાણીએ છીએ. છતાં થોડીક કાળજી રાખીએ, મનને શાંત ને સ્વસ્થ બનાવતાં શીખીએ. રેગ્યુલર એક્સાઇઝ, ડીપ બ્રીધિંગ, યોગ, ધ્યાન વગેરે ટેન્શન દૂર કરવાના ઉપાય છે.

મનને આનંદમાં રાખો

મનને ગમતું કરીએ તો મન આનંદમાં રહે. તદ્દન ખરી વાત છે. મનના ગમાને તમારા રસ, રુચિ, શોખ સાથે સીધો સંબંધ છે. વાંચન, લેખન, મનન, મ્યુઝિક, સ્વિમિંગ, ગાર્ડનિંગ, ટીવી, કમ્પ્યુટર કે પછી ફોનમાં લાંબી-લાંબી વાતો કરવી અથવા પાડોશમાં પારકી પંચાત કરી આનંદમાં રહેવું એ બધી પોતપોતાના શોખની વાત છે. બહાર રખડવું કે લૉન્ગ ડ્રાઇવ કરી ફરવા જવું, હૉસ્પિટલમાં અજાણ્યાના ખબરઅંતર પૂછી ફ્રૂટ્સ કે બિસ્કિટ્સ આપવાં કે પછી ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવવાં વગેરે મનગમતાં કાર્યોથી મનને જરૂર આનંદમાં રાખી શકાય. પછી જોજો કે મન ખોટા વિચારો અને વિષયોમાં ભટકતું બંધ થઈ જશે. ઉપાય અજમાવવા જેવો છે.

સ્વકેન્દ્રી ન બનો

જે લોકો માત્ર પોતાનો જ વિચાર કરે છે કે પોતાનું જ સુખ ગોતે છે એવા માણસો આપખુદશાહીમાં રાચે છે. આવી વ્યક્તિની દૃષ્ટિ બીજા પ્રત્યે સંકુચિત હોય છે. એને બદલે તમારી આસપાસના, ઘરના કે બહારના લોકોમાં થોડી ખુશી, આનંદ, ઉલ્લાસ ભરી શકશો તો તમારો અંતરાત્મા પ્રસન્ન થઈ જશે. પ્રયત્ન કરી જોજો.

પૉઝિટિવ થિન્કિંગ

જ્યારે પણ, જે પણ વિચારો એ શાંતિથી વિચારો. પૉઝિટિવ વિચારો. હજી પરિસ્થિતિ સામે આવી નથી ત્યાં જ એના વિશે બધું ઊલટું વિચારશો તો પરિણામ પણ ઊલટું જ આવશે, પરંતુ પરિણામ સારું આવશે જ. પ્રયત્નો કર્યા છે તો એળે નહીં જાય. મારાથી થશે જ એવો મનમાં આત્મવિશ્વાસ રાખી સકારાત્મક દૃષ્ટિ રાખશો તો તમારું ગમતું જ પરિણામ આવશે.

આટલું નક્કી કરો

આ નવા વર્ષથી નક્કી કરો કે મનમાં કટુભાવ જેવા કે ક્રોધ, ઈર્ષા, વેરઝેર, મોહ, મદ વગેરેને બને એટલા પ્રવેશવા ન દેવા. એને બદલે પ્રેમ, સ્નેહ, ઉષ્મા, લાગણીથી બધાને જીતી લેજો. આમ કરવાથી નવા વર્ષે સુખ-સમૃદ્ધિ, નિરામય આરોગ્ય અને પ્રસન્નતાનું વરદાન પામશો
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK