Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > LBT અને ઑક્ટ્રોયની વિદાય નક્કી

LBT અને ઑક્ટ્રોયની વિદાય નક્કી

04 November, 2014 03:20 AM IST |

LBT અને ઑક્ટ્રોયની વિદાય નક્કી

LBT અને ઑક્ટ્રોયની વિદાય નક્કી



fadnavis



દેવેન્દ્રને વધાવવા નાગપુર ઘેલું થયું - મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજ્યાભિષેક પછી આખું નાગપુર વિદર્ભના આ નેતાને આવા જોશ-જલ્લોષથી આવકારવા ઊમટ્યું હોય એવું દૃશ્ય તેમના ટેકેદારોએ કરેલા સ્વાગત વેળાના માનવમહેરામણથી સર્જાયું હતું.

લક્ષ્મણ સિંહ

રાજ્યમાં BJPની સરકાર આવશે તો ઑક્ટ્રૉય અને લોકલ બૉડી ટૅક્સ (LBT)ને હટાવી દેવામાં આવશે એવી જાહેરાત BJPના નેતાઓએ કરી હતી અને હવે એ દિશામાં પગલાં ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. જોકે સરકાર આ બે ટૅક્સના સ્થાને નવી ટૅક્સ-પ્રણાલી લાવવા માગે છે. આ પ્રણાલી શું હશે એની માહિતી નથી, પણ તેઓ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) લાવવા માગે છે. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં GSTનો અમલ કરવા માટે રાજ્યોને જણાવ્યું હતું. GST એ કૉમ્પ્રિહેન્સિવ ટૅક્સ છે જે નૅશનલ લેવલે માલના વેચાણ, ઉત્પાદન અને સર્વિસિસ પર લેવામાં આવે છે.

મુંબઈ સુધરાઈને ઑક્ટ્રૉય દ્વારા દર વર્ષે ૭૫૦૦ કરોડ રૂપિયાની આવક થાય છે અને એ રકમ વડે સુધરાઈનાં વિકાસકાર્યો માટે મુખ્ય ફન્ડ મળે છે, પરંતુ ઑક્ટ્રૉય જેટલી જ આવક નવા વિકલ્પમાંથી મળે એવો સુધરાઈનો અભિગમ છે. ઑક્ટ્રૉયની આવક સીધી સુધરાઈની તિજોરીમાં જમા થાય છે, પરંતુ નવી ટૅક્સ-સિસ્ટમ અમલી બને તો એમાં એટલી આવક થશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. રાજ્ય સરકારે અગાઉ કહ્યું હતું એટલે સુધરાઈએ GST પર વધારાના સરચાર્જ વિશે સ્ટડી કરવા કહ્યું હતું, પણ અધિકારીઓને લાગે છે કે એમાં જોઈતાં પરિણામ નહીં આવે.

ઑક્ટ્રૉય ખાતાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘નવી સરકાર GSTનો અમલ કરશે, પણ એ ઑક્ટ્રૉય જેટલી રકમ જમા નહીં કરી શકે. જોકે નવી સરકાર હવે ઑક્ટ્રૉય હટાવવા માગે છે.’

બીજા એક અધિકારીએ કહ્યું હતું કે આ બાબતે કોઈ સત્તાવાર માહિતી નથી મળી.

ઑક્ટ્રૉય-ડિપાર્ટમેન્ટ જેના હાથ નીચે આવે છે એવી સુધરાઈની લૉ કમિટીના ચૅરમૅન જ્ઞાનમૂર્તિ શર્માએ કહ્યું હતું કે ઑક્ટ્રૉય હટાવવા માટે કોઈ સત્તાવાર માહિતી નથી મળી.

ઑક્ટ્રૉય બાબતે જકાતનાકા પર વધતા ભ્રષ્ટાચારને ધ્યાનમાં લઈને અગાઉની સરકારે વિકલ્પરૂપે LBT નામની નવી કરપ્રણાલી અમલમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યની બીજી તમામ સુધરાઈમાં આ કરપ્રણાલી અમલમાં છે, પરંતુ મુંબઈમાં સુધરાઈના અને વેપારીઓના વિરોધને કારણે ન્ગ્વ્નો અમલ નહોતો થયો.

વેપારીઓ આનંદમાં

મુંબઈમાંથી ઑક્ટ્રૉય અને રાજ્યમાંથી LBT હટાવી દેવામાં આવે તો વેપારીઓને રાહત થશે એ વિશે બોલતાં ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે કહ્યું હતું કે ‘આ ટૅક્સ જવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે અને વેપારીઓને થતી પરેશાની દૂર થશે. જો GSTનો અમલ થશે તો એ પેપરલેસ સિસ્ટમ છે અને એ વેપારીઓને ઉપયોગી નીવડશે. જો સરકાર ઑક્ટ્રૉય હટાવશે તો અમે એને ટેકો આપીશું.’

બીજા પણ વિકલ્પ

મુંબઈમાં LBTના વિકલ્પ પર કાતર મુકાયા પછી ઑક્ટ્રૉય જેટલી જ આવક મેળવવા માટે વૅટ તેમ જ રહેઠાણોના રજિસ્ટ્રેશન પર એક ટકો સરચાર્જ નાખવાનો વિકલ્પ મુંબઈના BJPના નેતાઓએ સૂચવ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ વિકલ્પ વિશે પૉઝિટિવ વિચારણા કરતા હોવાનું BJPનાં સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાતમાં સફળ પ્રયોગ

ગુજરાતમાં ઑક્ટ્રૉયના વિકલ્પરૂપે વૅટ પર સરચાર્જની પદ્ધતિ ૨૦૦૯માં અમલમાં લાવવામાં આવ્યા પછી એ પદ્ધતિ ત્યાં સફળ નીવડી હતી. જોકે આ વૅટ અથવા રજિસ્ટ્રેશન પર એક ટકો સરચાર્જ નાખતાં એ રકમ સીધી સામાન્ય નાગરિકના ખિસ્સામાંથી જાય એમ હોવાથી એનો ફટકો સામાન્ય નાગરિકોને પડે એવી શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2014 03:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK