નવી જનરેશનને કૌમાર્યભંગમાં કશું પાપ કે ખોટું જણાતું નથી

Published: 2nd December, 2011 07:38 IST

સાધુઓનાં સેક્સકૌભાંડોની જેમ સ્કૂલ-કૉલેજનાં છોકરા-છોકરીઓની સેક્સલીલાઓ પણ વધી રહી છે. એ માટે તેમને ભરપૂર અનુકૂળતાઓ પણ આસાનીથી મળી જાય છે પછી એન્જૉય કરવામાં શા માટે કશી કસર બાકી રાખે?(ફ્રાઇડે-ફલક - રોહિત શાહ)

એક વર્ષ પહેલાં કોઈ અંગ્રેજી મૅગેઝિનમાં વાંચેલું યાદ આવે છે. એમાં લખ્યું હતું કે ‘એક અંદાજ પ્રમાણે દુનિયામાં મૅરેજ પહેલાં ૨૮ ટકા પુરુષોએ અને વીસ ટકા મહિલાઓએ સેક્સ એન્જૉય કરી લીધું હોય છે.’ આ પર્સન્ટેજ પાંચ વર્ષ પહેલાંના છે. આનો અર્થ એ થયો કે છ વર્ષ પહેલાંના આ આંકડા છે. આજે એમાં ખાસ્સી તરક્કી થઈ હોવી જોઈએ. એ અભ્યાસમાં જુદા-જુદા દેશના આંકડા આપવામાં આવ્યા હતા. આપણી સંસ્કૃતિમાં કૌમાર્યભંગની ઘટનાને કમનસીબે પાપ સમજવામાં આવે છે. એને વિશ્વના દેશો સહજ સમજે છે.

આપણે ‘કૌમાર્યભંગ’ વિશે બે મોઢાંની વાતો કરી-કરીને જાણે કે આપણી સંસ્કૃતિની હાંસી ઉડાવી રહ્યા છીએ. કુંતીએ લગ્નપૂર્વે કર્ણને જન્મ આપ્યો હોય કે અંજનીએ હનુમાનને જન્મ આપ્યો હોય એવી સેંકડો કથાઓ આપણી જ સંસ્કૃતિમાં છેને. અભિશાપને કારણે કે પછી આર્શીવાદને કારણે છોકરાં પેદાં કરી નાખે એવી સંસ્કૃતિને વિકૃતિ જ કહેવાયને. જો કોઈ સામાન્ય પુરુષ કોઈ યુવતીની સાથે નાજાયઝ નાતો કરે તો તેને વ્યભિચારી કહેવાય, પણ જો કોઈ સંત કે બાવો એવું કરે તો એ તેની માયા કહેવાય. કોઈ સામાન્ય ઘરની છોકરી કુંવારી માતા બને તો તે કલંકિની કહેવાય, પણ જો કોઈ રાજકન્યા કે મોટા ખોરડાની કન્યા એવું ખાનગી પાપ કરી આવી હોય તોય તે સતી જ ગણાય. પછી એ સેક્સકૌભાંડને ઢાંકવા માટે અભિશાપની તથા આર્શીવાદની ઘટનાઓ ઘડી કાઢવાની. અડધી રાતે વેરાન રસ્તે પસાર થતી સ્ત્રીના રક્ષણની ચિંતા તો આપણે કરીએ છીએ, પરંતુ આશ્રમો અને મઠોમાં અને અન્ય કહેવાતાં ધાર્મિક સ્થળોમાં જતી સ્ત્રીઓ સૌથી વધુ અસલામત હોય છે એની તો આપણને ખબર જ નથી.

સ્ત્રીને હંમેશાં એવો પુરુષ ફસાવી શકે છે જે તેને ભરપૂર લવ કરતો હોય અથવા લવ કરતો હોવાનો ડ્રામા કરતો હોય. આમ કરવા માટે સંસારી પુરુષો પાસે ફુરસદ જ ક્યાં છે? બાવાઓને કંઈ નોકરી-ધંધા હોતા નથી, કશી જવાબદારીઓ હોતી નથી. તે લોકો ખૂબ નવરા હોય છે. વ્યાખ્યાનમાં ગળચટ્ટી વાતો કરી-કરીને પોતાનો પ્રભાવ પાડવાનો અને એ પ્રભાવમાં ગાંડી થયેલી મહિલાઓ હોંશે-હોંશે એકાંતમાં મળવા આવે એનો લાભ લેવાનો. આવી ભોળી મહિલાઓને પાછી કેટલીક ખાનગી (આમ તો જગજાહેર) સમસ્યાઓ હોય છે, જેમ કે તેનો પતિ તેને એકલીને જ ચાહવાને બદલે અન્ય યુવતીને ચાહતો હોય એવો તેને વહેમ હોય છે, તેને કાં તો સંતાન થતું જ નથી હોતું અને થયું હોય છે તો તે સતત બીમાર રહે છે, તેની ફૅમિલીમાં સૌ કોઈ તેને પજવે છે. આવી ફિક્સ સમસ્યાઓ લઈને ભોળી અને રૂપાળી યુવતીઓ જ્યારે એકાંતમાં સાધુ-મહાત્મા પાસે સૉલ્યુશન મેળવવા માટે જાય ત્યારે તેને ‘આર્શીવાદ’ મળ્યા વગર રહે ખરા. કસાઇવાડે તો મૂગા ઢોરને બાંધી રાખવું પડે છે, જ્યારે ધાર્મિક ગણાતાં સ્થળોએ તો ભોળી અને મુગ્ધ મહિલાઓ સામે ચાલીને હલાલ થવા જતી હોય છે. એમાં કેટલીક સ્ત્રીઓને થોડા વખતમાં જ પોતે છેતરાઈ હોવાનો ખ્યાલ આવી જાય છે, પરંતુ પોતાની આબરૂ ઢાંકી રાખવા માટે અથવા તો ક્યારેક અભિશાપના ભયથી તે ખામોશ રહે છે.

સાધુઓનાં સેક્સકૌભાંડોની જેમ જ નાબાલિક વયે સેક્સ તરફ વળી ગયેલાં છોકરા-છોકરીઓની સંખ્યા પણ સતત વધતી જાય છે. એક અભ્યાસ મુજબ ચૌદથી સોળ વર્ષની છોકરીઓ અને સત્તરથી એકવીસ વર્ષના યુવકો વચ્ચે મૅરેજ પહેલાંના શારીરિક સંબંધોનું પ્રમાણ ખૂબ વધારે છે. ઘણા પેરન્ટ્સને પોતાનાં સંતાનો વિશે ખબર હોય છે, પણ તેમને રોકવા પોતે અસમર્થ હોય છે. બહુ ઓછા કિસ્સામાં છતાં એવું પણ બને છે કે પેરન્ટ્સને તેની સામે કશો જ વાંધો નથી હોતો. સ્કૂલી બાળકોના મોબાઇલમાંથી તમને એવું-એવું જોવા-સાંભળવાનું મળશે કે તમને ખુદને જ ગલગલિયાં થવા માંડે. ઇન્ટરનેટ, ફેસબુક વગેરેની ફૅસેલિટીઝને કારણે બીભત્સતાઓ જોઈએ એટલા પ્રમાણમાં આસાનીથી ઉપલબ્ધ થઈ જાય છે. એ બધું જોઈને ગુમરાહ થયેલાં છોકરા-છોકરીઓ કાચી ઉંમરે જ પાકાં થઈ ગયાં હોય છે. જૂની પેઢીને મૅરેજ પહેલાં કોઈ વિજાતીય પાત્ર સાથે વાત કરતાં પરસેવો છૂટી જતો હતો. આજની યંગ જનરેશન ફટાફટ સેક્સ એન્જૉય કરવા સુધી પહોંચી જાય છે. સ્કૂલનાં બાળકો જો આટલાં આગળ વધેલાં હોય તો કૉલેજિયન છોકરા-છોકરીઓને તો બધું જ માફ કરવું પડેને.

આજની જનરેશનને સેક્સ માટે છૂટો દોર બે કારણે મળી રહ્યો છે. એક તો ઇન્ટરનેટ અને ફેસબુક જેવાં માધ્યમો અને બીજું પ્રેગ્નન્સીથી બચવા માટેની દવાઓની રોજેરોજ અખબારોમાં પ્રગટ થતી જાહેરાતો. આજકાલની છોકરીઓને હવે પ્રેગ્નન્સીનું જોખમ નથી. એનાથી બચવા કઈ ટૅબ્લેટ ક્યારે લેવાની અને એ ક્યાંથી મળશે એની બધી જ ખબર તેને હોય છે. છોકરાઓને પણ કૉન્ડોમ મેળવતાં અને એનો ઉપયોગ કરતાં આવડી ગયું છે. આટલી સલામતી હોય પછી અબૉર્શન કરાવવા જવું પડે એવી કટોકટી તો આવે જ કઈ રીતે? બિન્દાસ બની એન્જૉય કરો. ઇસ મેં કોઈ ખતરા અબ નહીં રહા.

અતિનિયંત્રણનું પરિણામ?

મૅરેજ પહેલાં સેક્સ એન્જૉય કરવું એમાં ભલે કશું પાપ ન હોય અને એ કારણે આવતા ભવમાં આપણને કશી પનિશમેન્ટ ન મળવાની હોય, છતાં મુગ્ધ વયે વ્યક્તિ ગુમરાહ બને તો તે દિશાહીન બની જાય અને પોતાનાં લક્ષ્યો સુધી ન પહોંચી શકે. એટલે સમજણપૂર્વકનો સંયમ જળવાય એ જરૂરી છે, પણ એ સમજણ આપવાની ફુરસદ જ કોને છે? વિકૃતિઓના પ્રચાર-પ્રસાર માટે જેટલી સગવડો છે એટલી સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે નથી. અત્યાર સુધી આપણે ત્યાં કૌમાર્ય, બ્રહ્મચર્ય અને સંયમનાં ભૂત સતત ધૂણતાં રહ્યાં હતાં. એનાથી કંટાળીને મુક્ત થયેલી નવી જનરેશન એન્જૉય, એન્જૉય અને એન્જૉયમાં જ ડૂબી જવા ઝંખે છે. અતિનિયંત્રણ વ્યક્તિને બેકાબૂ કરી મૂકે છે.

જીવ બાળવાનું બંધ કરીએ

મૅરેજ પછી પણ વ્યક્તિ લગ્નેતર સંબંધો દ્વારા ખાનગીમાં ઘણુંબધું એન્જૉય કરે છે. એને પણ ભલે આપણે પાપ ન ગણીએ, તો પણ એને કારણે વ્યક્તિની લાઇફ ડામાડોળ બની શકે છે. સંબંધો તનાવભર્યા બની શકે છે. એનાં માઠાં ફળ સમગ્ર સમાજે ભોગવવાં પડતાં હોય છે, પરંતુ એની પરવા તો છે જ કોને? જૂની પેઢીના બુઢ્ઢાઓ ગમે એટલો બળાપો કાઢે, નવી પેઢી એને ગાંઠવાની નથી જ. જાત પર જુલમ કરવો, અનિવાર્ય ન હોય એવાં કષ્ટો ભોગવવાં અને જૂઠાણાંને વળગી રહીને સંસ્કૃતિની ડંફાસો મારવી - આ બધું નવી જનરેશનને પસંદ નથી. સંબંધોને પણ હવે તો એ ‘યુઝ ઍન્ડ થ્રો’ જેવા બનાવી બેઠી છે. આભ ફાટ્યું છે ત્યાં થીંગડું દઈ શકાય એમ નથી. માટે જીવ બાળવાનું બંધ કરીએ એટલું જ ઇનફ છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK